For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાત સાથે વાત કરવાના છ ઉપાયો કયા?

Updated: Apr 2nd, 2024

જાત સાથે વાત કરવાના છ ઉપાયો કયા?

- એક જ દે ચિનગારી-શશિન્

- ઈશ્વર પાસે કોઈ 'વચન' માગો નહીં પણ ઈશ્વરને 'વચન' આપો કે તારા પુત્ર તરીકે હુ આ જગતને એક સદ્ગુણી માણસની ભેટ આપીશ.

 ખેડૂત કદી વાવેલો દાણો નહીં ઉગે, એવો નકારાત્મક વિચાર કરે છે ખરો ?

 દુકાનદાર કદી એવી કલ્પના કરે છે કે આજે તેને કોઈ ગ્રાહક મળવાનું નથી ?

 વૈજ્ઞાનિક કદી એવો વિચાર કરે છે કે મારી શોધ નિષ્ફળ જવાની છે ?

 કોઈ પણ નેતા આગોતરી એવી કલ્પના કરે છે કે હું આ ચૂંટણીમાં હારવાનો છું ?

તમે એકલા 'મનુષ્ય પુત્ર' નથી 'દેવાંશી' પુત્ર છે ! તમને પ્રસન્નતા આપવા ઈશ્વર બંધાએલો છે. ઈશ્વર પાસે વચન માગો નહીં ઈશ્વરને વચન આપો કે હું તારો વિશ્વસનીય પુત્ર બનીશ. ઘટનાઓ મને તોડી શકવાની નથી જીવનમાં આવતી આંધી-તોફાનોથી હું પરાજિત થવાનો નથી. કારણ કે ઈશ્વર તેં મને માનસિક દ્રઢિકરણની શક્તિ આપી છે.

'મારે જે કરવું છે તે કરીશ જ, જે કરી શકુ તે મારે કરવું જ જોઈએ અને ઈશ્વર કૃપાથી હું કરીશ જ, એવું દ્રઢ મનોબળ ધરાવનાર વ્યક્તિને મળો. એની પ્રેરણાનો ધોધ સ્પર્શી જશે. મોદીજી કહે છે હું નકામી કે તુચ્છ વાતોને મહત્વ આપતો જ નથી. મારે જે કરવું હોય તે અવશ્ય કરીને જ ઝંપુ છું.'

'મેંં મારા ઈશ્વરને વચન આપ્યું છે કે હું ઈચ્છેલ કાર્ય કરી બતાવીશ' - અબ્રાહમ લિંકનનું મનોબળ. ૨૫ સપ્ટેમ્બર, ૧૮૬૨નો એ મહાન દિવસ જ્યારે લિંકને સ્વતંત્રતાનો ઢંઢેરો બહાર પાડવાનો નિશ્ચય કર્યો હતો. અને પોતાની ડાયરીમાં લખ્યું હતું. મેં મારા ઈશ્વરને વચન આપ્યું છે કે હું એ કાર્ય કરીશ. મનોમન લીધેલી એ પ્રતિજ્ઞાને લીધે સકારાત્મકતાથી લિંકનને કેટલું બધું આંતરિક બળ મળ્યું હશે તેનો અંદાજ કોણ કાઢી શકે ?

ઈશ્વર પરની શ્રધ્ધાની વાત બાજુ પર રાખીએ તો પણ માણસને પોતાની જાત પર કેટલી શ્રધ્ધા અને વિશ્વાસ છે જેનાથી એ શંકામુક્ત અને ચિંતારહિત બની શકે ? એવું વિચારી શકે છે ?

ઈશ્વરને ગમશે કે ઈશ્વરની ઈચ્છા હશે તો ફળ આપશે, એવો વિચાર કરી બેસી રહેનાર પરિશ્રમ-ઉપેક્ષકની મદદ કરવાનું તો ઈશ્વરને પણ પસંદ હોતું નથી. દેવસ્થાન એ માગણીધામ નથી, ઈશ્વરમાં અશેષ સમર્પણનું 'શ્રધ્ધાધામ' છે. મોટા ભાગના લોકો પોતાની માગણીઓના લિસ્ટ સાથે દેવસ્થાને જાય છે. બિચારો ભગવાને એકલો અને માગણીઓ કરનાર લાખ્ખો-કરોડો ઈશ્વર રાહ જોઈને બેઠો હોય છે કે માત્ર દર્શનાર્થી બનીને કોઈક આવે, અને કશું જ માગ્યા સિવાય દર્શનથી તૃપ્ત થઈ હરખાતે હૈયે પાછો ફરે.

મનને નિશ્ચયપૂર્વક વિચારવાની તાલીમ આપવી જોઈએ. પ્રાતઃકાલે અને શયન કાળે એવું વિચારો કે હું આરોગ્ય સ્વરૂપ છું, હું ઉન્નતિ સ્વરૂપ છું, હું સુખરૂપ છું એવો વિચાર તમે જ કરતા હો તો તમારો ડગુ-મગુ આત્મવિશ્વાસ ફળવાનો નથી.

મોટેથી બોલતા શબ્દોમાં એક આગવી શક્તિ હોય છે. કોઈ એકાન્ત સ્થળેથી તમે મોટેથી બોલો તો એના પડઘા પડે છે. તમે બોલ્યા એ જ રીપીટ થાય છે. શબ્દો મનમાં બોલવાને બદલે કે છાપેલા શબ્દો વાંચવાને બદલે મોટેથી પ્રાર્થના કરો તો એની વિશેષ અસર થાય છે, પણ એવું મોટેથી બોલવાનું ઘોંઘાટ સહિ ન હોવું જોઈએ. આપણે જેમ ગુસ્સાપૂર્વક બોલીએ તેમ તેની અસર આપણા શત્રુ પર થતી હોય છે અને તે ઈંટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર થઈ જાય છે તેમ જુસ્સાપૂર્વક શ્રધ્ધા સહિત બોલેલા શબ્દો એક સકારાત્મક ભાવ પેદા કરે છે. તમને તમારા સત્કાર્યમાં  કે સંકલ્પમાં પૂર્ણ શ્રધ્ધા છે એવો ભાવ વ્યક્ત કરે છે. આત્મસૂચન કરો એટલે અવચેતન મન જે તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી કામ કરતું થઈ જશે.

એક માણસને પૂછવામાં આવ્યું કે તમે તમારા કાર્ય સ્થળે પહોંચવા માટે પાર્કનો લાંબો રસ્તો કેમ પસંદ કરો છો, ત્યારે તેણે કહ્યું કે પાર્કનો લાંબો રસ્તો મને જાત સાથે વાત કરવાનો મોકો આપે છે. હું મારી જાતને ખાત્રી આપું છું કે આજે અડગ રહીશ, કામમાં નિષ્ઠા દાખવીશ, હું સદ્ગૃહસ્થની જેમ વર્તીશ, હું ઈમાનદાર કર્મચારી તરીકેનું કર્તવ્ય નિભાવીશ. વ્યગ્ર કે દુઃખી રહી મારી શક્તિને વેડફીશ નહીં. જાત સાથે વાત કરવી તે કલ્પવૃક્ષ છે, કામધેનું છે. એટલે એના થકી તમારી આંતરિક શક્તિ મજબૂત બને છે. ઉપદેશકો કે કથાકારોને ઉપદેશ માટે ઉપયોગમાં લેવાતું આખું પુસ્તક કંઠસ્થ હોય છે પણ તેઓ મોટેથી બોલીને કથા કરે ત્યારે તેમને પોતાની જાત પર અને શ્રોતાઓ પર વિશેષ પ્રભાવ પડવાની અનુભૂતિ થાય છે.

જે માણસ પોતાની કામનાઓનો ગુલામ હોય છે તે ધાર્યું કામ પાર પાડવામાં નિષ્ફળ જાય છે એનામાં પ્રમાદ ઉત્પન્ન થાય છે તે બહાનાખોર બને છે. પ્રમાદી કે આળસુ રહેવાને કારણે જેમ અમુક વસ્તુઓને કાટ ચઢે છે તેમ માણસના મનને નિષ્ક્રિય રહેવાથી ચઢે છે. મનને માંજવું પડે છે. જાતને ઠપકો આપવો પડે છે. જો તમારામાં અમુક પ્રકારની મનોવૃત્તિ હોય તો તે આ પ્રમાણે કહેવાથી તમે જીતી શકશો. જેમ કે ''હું જાણું છું કે મારામાં બહાનાંખોરીની ટેવ છે, જે મારી શક્તિને નુકશાન પહોંચાડે છે. ઉન્નતિમાં આડખીલીરૂપ બને છે જેમ કે હું બળવાન નથી, હું મારામાં જોઈએ તેવી કાર્યશક્તિ ધરાવતો નથી હું સ્પષ્ટતાપૂર્વક વિચારી શકતો નથી આવી નિર્બળતાથી હું હાર્યો ન હોત ઉત્તમ લક્ષ્યાંકો સિધ્ધ કરી શક્યો હોત.''

મને શિથિલ કરી નાખનારા આ પલાયનવાદને હું હાંકી કાઢવા ઈચ્છું છું : '' જ્યારે-જ્યારે તમે એકાંતમાં હો ત્યારે આત્મદર્શન કરી જાત સાથે વાત કરતા રહેશો તો એમ કરવાથી નિરાશાની પકડ ઢીલી થતી જશે. મનોબળ મજબૂત થશે અને પ્રમાદને દૂર કરવાનું તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.''

માણસને અપેક્ષિત ફળ ન મળે ત્યારે તે હતાશ થઈ દેવ કે દૈવને જવાબદાર ઠેરવવાની કોશિશ કરે છે. પણ નિયતિને ખબર છે કે તમને કયા સમયે શું આપવું જે તમારે માટે આશીર્વાદ સમાન બની શકે. એટલે ઈશ્વર, નિયતિ કે દૈવમાં શ્રધ્ધા કેળવવા માટે રાત્રે સૂતી વખતે આત્મશ્રધ્ધાપૂર્વક જાત સાથે વાત કરવાની આદત પાડો અને મનને આશ્વસ્ત કરતા રહો કે ગમે તેવી પ્રતિકૂળતાને સાનુકૂળતામાં પલટવા માટે તમે સક્ષમ છો. રાત્રિના અંધકારની ગોદમાં સોનેરી કિરણ તમારા માટે આનંદ દાયક સંદેશો લઈને આવવા તત્પર છે એવો દિવ્ય વિચાર તમારા મનોબળને મજબૂત કરે છે. ઘણા માણસો પોતાની જાત સાથે મિત્રની જેમ વર્તવાને બદલે શત્રુની જેમ વર્તે છે. વ્યર્થ ચિંતાગ્રસ્ત રહી પોતાના હાથે જ પોતાનો નિરાશાના સાગરમાં ગરકાવ કરી દે છે તમે જે ઈચ્છતા હો તેનું માનસિક દ્રષ્ટિકરણ કરો એટલે તેનો પ્રભાવ જીવનમાં વ્યક્ત થશે. સદ્ગુણોની લોન લઈ શકાતી નથી, કારણ કે તે તમારી અંદર જ પડેલા છે. સદ્ગુણોના યાચક બનીને નહીં પણ સ્વામી બનવાની પ્રતિજ્ઞા સહ સકારાત્મક ચિંતન કરતા રહી ખરાબ વસ્તુઓની ટીકા કરે નિંદા કરવામાં વ્યર્થ સમય ન બગાડો પણ સારી વસ્તુઓના સૌંદર્યની પ્રાર્થના કરો. તમે જે પામવા ઈચ્છો છો તે તાળાની ચાવીઓનો ઝુંડો તમારી પાસે જ છે. બસ, ખેતપૂર્વક એ ઝુંડામાંથી તાળુ ખોલનાર ચાવીને શોધી કાઢો. માણસ એ ચાવી પોતે ખોલવાને બદલે એની જવાબદારી ભગવાન પર નાખે છે. પછી તાળુ ક્યાંથી ખુલે ? જાત સાથે વાતો કરવાના છ ઉપાયો કયા ?

૧. બને તેટલા એકાંત રહી મનને મોકળું થવાની સગવડ આપો.

૨. કદી અપ્રસન્ન ન રહો. જે થઈ રહ્યું છે તે કોઈ વધુ સારાની શક્યતા માટે હશે જ એવી શ્રધ્ધા રાખો. મોટેથી બોલી પ્રાર્થના કરવાની આદત કેળવો.

૩. સદ્ગુણોના વિકાસ માટે આત્મસૂચન કરતા રહો.

૪. આળસ અને બહાનાખોરીના ગુલામ બનવાને બદલે દ્રઢમનોબળપૂર્વક એવી નબળાઈને નાબૂદ કરવાનો સંકલ્પ કરો.

૫. ઈશ્વર સદાય તમારી સાથે જ છે એવી શ્રધ્ધા કેળવો. નિર્મળ ચારિત્ર્ય અને સંતોષી જીવન જીવો.

૬. દેવાલયમાં માગણ બનીને નહીં પણ સમર્પણશીલ દર્શનાર્થી તરીકે જાઓ.

Gujarat