Get The App

હૃદય પરિવર્તન .

Updated: Nov 1st, 2022

GS TEAM


Google News
Google News
હૃદય પરિવર્તન                                             . 1 - image


અ ફઘાનિસ્તાનના ઈમાનદાર આદમી સુબુકુતગીનને એની જિંદગીમાં અનેક રંગો જોવા મળ્યા. અત્યંત ગરીબ મા-બાપને ત્યાં એનો જન્મ થયો. પિતા ગુલામ હોવાથી વારસામાં ગુલામીની કારમી યાતના મળી હતી. પણ ગુલામ સુબુકતગીન અપ્રતિમ પુરુષાર્થ કરીને લશ્કરનો સૈનિક બન્યો. સમય જતાં બાદશાહનો વફાદાર સેનાપતિ થયો અને એકવાર એ ખુદ બાદશાહ બન્યો.

ગુલામમાંથી શહેનશાહ બનેલા સુબુકુતગીનના સિપાહી જીવનમાં એક યાદગાર ઘટના બની. એ ઘોડા પર સવાર થઈને એક શહેરથી બીજા શહેર તરફ જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં એનો ઘોડો મૃત્યુ પામ્યો. આથી મુબુકુતગીને જરૂરી સામાન જાતે ઊંચકીને ચાલવા માંડયું.

રસ્તો નિર્જન હતો. ક્યાંય કોઈ મકાન કે ઝૂંપડી દેખાય નહીં. આથી ક્યાંકથી પણ કશુંય ભોજન મળે તેમ નહોતું. વળી ચાલી ચાલીને થાકેલો સુબુકુતગીન ખૂબ ભૂખ્યો થયો હતો. એવામાં એણે જોયું તો નજીકમાંથી હરણાંનું ટોળું પસાર થતું હતું. આ હરણાંઓ ઊંટે ઉછળતા અને ગેલ કરતા દોડી રહ્યા હતા. ભૂખ્યા સુબુકુતગીનથી રહેવાતું નહોતું. એણે એક હરણીનાં બચ્ચાંને પકડયું અને વિચાર્યું, કે એને મારીને મારા પેટની આગ બૂઝાવું. હરણાંઓ તો આ જોઈને જીવ મુઠ્ઠીમાં લઈને નાસવા માંડયા, પરંતુ એક હરણી ત્યાંને ત્યાં ઉભી રહી. એ ડરતી હતી, પણ દોડતી નહોતી. એ જ સુબુકુતગીને પકડેલાં બચ્ચાંની માતા હતી. એ પોતાના બચ્ચાંની હાલત જોઈને આંસુ સારવા લાગી.

સુબુકુતગીન એક ઝાડની નીચે બેઠો. પોતાના સામાનમાંથી એક મોટી છરી બહાર કાઢી અને એ પથ્થર પર છરી ઘસવા લાગ્યો.

હરણાંના બચ્ચાંની મા એની સામે ટગરમગર નજરે જોતી ઊભી હતી. થોડી હિંમત કરીને એ નજીક આવી. ધીરે રહીને મોતની સાવ નજીક ઊભેલા બચ્ચાંને જીભથી ચાટવા લાગી. એ હરણિની આંખમાં દયાની યાચના દેખાતી હતી. છરી ધારદાર કરતાં સુબુકુતગીને એ હરણિ સામે જોયું અને એની આંખોની યાચના જોઈને સુબુકુતગીનનું હૃદય દ્રવવા લાગ્યું. છરીને ધારદાર બનાવતા એના હાથ અટકી ગયા. ભૂખ તો ભારે લાગી હતી. છતાં એની માનવતા જાગી ગઈ. સુબુકુતગીને વિચાર્યું, ''આ હરણીની આંખમાં કેવો યાચનાનો ભાવ છે ! માતાનું કેવું અપાર વાસ્તલ્ય છે એની નજરમાં !''

સુબુકુતગીન એ હરણીની આંખને જોઈ રહ્યો. એને થયું,

''ઓહ ! આજ દિન સુધી તો હું આ પશુ-પંખીઓને મારા દાળ-રોટી માનતો હતો. ભોજનની બીજી વાનગીઓ જેવી સમજતો હતો. પણ આજે મેં જોયું કે એનામાં હૃદય છે અને તે પણ છલોછલ પ્રેમભર્યું હૃદય.''

બચ્ચાનાં શરીરને વહાલથી ચાટતી હરણીને જોતાં સુબુકુતગીનને લાગ્યું કે જેમ ઈન્સાનમાં માતાને પોતાના સંતાન માટે અપાર પ્રેમ હોય છે અને સંતાનને માટે પોતાની કુરબાની કરતાં સહેજે અચકાતી નથી, એવું જ આ પશુઓના જગતમાં પણ છે. જુઓને ! મોતનો ભય હોવા છતાં આ હરણી એના બચ્ચાંને કેટલું બધું વહાલ કરે છે !

હરણીની આંખોએ સુબુકુતગીનના હૃદયને પલટી નાખ્યું. એણે એ ક્ષણે પ્રતિજ્ઞાા કરી,

''આજથી હું મારી ભૂખ મિટાવવા માટે કોઈ પશુ-પંખીના પ્રાણ નહીં લઉં.''

સુબુકુતગીને હરણીનાં બચ્ચાંને મુક્ત કર્યું. એ બચ્ચું વહાલથી માને વીંટળાઈ વળ્યું અને બંને એકબીજાને વળગીને ગેલથી ચાલવા લાગ્યા.

સુબુકુતગીન આંખોથી હરણી અને એના બચ્ચાંના આનંદને, બસ પીતો જ રહ્યો.

Tags :