Get The App

પરાજયનો પૂલ સ્વહસ્તે નિર્મિત કરવાની પ્રવૃત્તિ .

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
પરાજયનો પૂલ સ્વહસ્તે નિર્મિત કરવાની પ્રવૃત્તિ                            . 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

- સમયોચિત મૌન અને સમર્પણના આઠ મહત્વના ફાયદા

લં  ડનની સડકો આક્રમક મૂડવાળા લોકોથી ઉભરાતી હતી. ફ્રાંસ પ્રત્યેની વિરોધી ભાવના પરાકાષ્ઠાએ પહોંચી હતી. ફ્રાંસ નિવાસી હાથમાં આવે તો તેને જીવતો ન જવા દેવો - એવો સંકલ્પ લંડનના નાગરિકો કરી ચૂક્યા હતા. એવા સંજોગોમાં ફ્રાંસ ચિંતક વોલ્તેયર લંડનમાં બહિષ્કૃત દિવસો ગુજારી રહ્યા હતા.

એક દિવસ તેઓ લંડનની સડક પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે લંડનના કેટલાક આક્રમણખોરો તેમને ઓળખી ગયા. તેમના સહિતનું મોટું ટોળું વોલ્તેયરને ઘેરી વળ્યું. ટોળાંના લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. 'વોલ્તેયર ફ્રાંસનો રહેવાસી છો. ફ્રાંસ આપણું દુશ્મન છે. વોલ્તેયરને ફાંસીએ ચઢાવી દો, તેને ખતમ કરી નાખો.'

આફતને સમયે સમર્પણની કાબેલિયતનો ઉપયોગ કેમ કરવો એની વોલ્તેયરમાં કોઠાસૂઝક હતી. સમયોચિત શરણાગતિ ક્યારેક સહાયક, ઉધ્ધારક અને તારણહારનું કામ કરતી હોય છે. મોકો મળે કોઇની છાતી પર ચઢી બેસવા માટે કામચલાઉ સમર્પણ, 'અણી ચૂક્યો સો વરસ જીવે'ની ઉક્તિ સાર્થક કરતું હોય છે. વોલ્તેયર ટોળાના મનોવિજ્ઞાાનથી વાકેફ હતા. એમણે એક નુસખો અજમાવ્યો. ટોળાને સંબોધીને કહ્યું : 'મારી વાત સાંભળ્યા બાદ તમને ઠીક લાગે તેમ મારી સાથે વર્તજો, થોડીક શાંતિ જાળવશો ?'

ટોળામાં એ વાતની ઉત્સુક્તા હતી કે વોલ્તેયર શું કહેશે ? ટોળું શાંત થઇ ગયું. અને વોલ્તેયરે ટોળાંને ઉદ્દેશીને કહ્યું : 'બંધુઓ, તમે મને એટલા માટે મારી નાખવા ઇચ્છો છો ને કે હું ફ્રાંસનો નિવાસી છું ? શું મારે માટે એટલી સજા પૂરતી નથી કે હું ઇંગ્લેન્ડમાં જન્મવાને બદલે ફ્રાંસમાં જન્મ્યો ? ઇંગ્લેન્ડમાં જન્મ્યો હોત તો તમે મને ફૂલે પૂજતા હોત, ખરું ને ?'

વોલ્તેયરના શબ્દો ભીડને સ્પર્શી ગયા. અને ઇંગ્લેન્ડ પ્રત્યેનો આદર જોઈ તાલીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા એટલું જ નહીં, ટોળું દંડવાનો વિચાર પડતો મૂકીને વોલ્તેયરને તેના ઘર સુધી સુરક્ષિત રીતે મૂકી આવ્યું.

માણસને ઉતાવળે હારતાં આવડે છે, પણ સ્વસ્થતા જાળવી જીતતાં નથી આવડતું. સમયોચિત સંયમ ન જાળવનાર આક્રમણ સામે આક્રમક બનીને શત્રુને પડકારે છે. પરિણામે બળતામાં ઘી હોમાય છે. તમારી આક્રમકતાનો સામનો કરવા માટે વિરોધી વધુ આક્રમક બની તમારા છક્કા છોડવી નાખવા કમર કસે છે.

તમે શાંતિ અને સંયમ જાળવો એટલે તમારા વિરોધીના ગુસ્સાનો પારો ચડવાને બદલે ઊતરવા માંડે છે. તમારી સમર્પણની ભાવના રંગ લાવે છે અને વિરોધી ઠંડો પડે એ દરમિયાન તમને આત્મરક્ષાની યોજના બનાવવાનો સમય મળી જાય છે.

એમ લાગે કે વિરોધી આગળ આપણો પરાજય નક્કી છે ત્યારે થોડીક સુલેહવૃત્તિ અપનાવી બચવાનો મોકો શોધી લેવામાં શાણપણ છે. તમે કાયર બની ભાગશો તો વહેલા મોડા ફરી શત્રુને હાથ ઝડપાઈ જશો. થોડીક સુલેહવૃત્તિ અજમાવી તમને દુશ્મનની સાથે અને દુશ્મનની વચ્ચે રહેવાની તક મળશે. તમે કામચલાઉ ધોરણે નબળા પડી ગયા હશો તો તમને સમર્પણનો માર્ગ અપનાવવાને કારણે પુન: શક્તિવાળી બનવાની તક મળી જશે.

આ વાતના સમર્થનમાં યૂના રાજા ગૂજિયનની ચાલ સમજવા જેવી છે. ઇ.સ. પૂર્વે ૪૭૩ની આસપાસનો સમય પ્રાચીન ચીનમાં ફુજિયોના યુદ્ધમાં 'વૂ'ના રાજાએ 'યૂ'ના રાજાને જબરદસ્ત હાર આપી. પરાજિત રાજા ગૂજિયન ભાગી જવા ઇચ્છતો હતો, પણ તેના શાણા સલાહકારે તેને સલાહ આપી કે 'વૂ'ના રાજા સમક્ષ સમર્પણ કરી દે, જેથી ભવિષ્યમાં આયોજનપૂર્વક બદલો લેવાનું બળ અને અનુકૂળતા તે કેળવી શકે. ગૂજિયને પોતાના સેવાભાવથી 'વૂ'ના રાજાનો સેવક બની તેનો વિશ્વાસ અને સદ્ભાવ જીતી લેવો જોઇએ.

ગૂજિયનને આ સલાહ યોગ્ય લાગી અને તેણે પોતાની જાતનું સમર્પણ કરી પોતાની તમામ સંપત્તિ 'વૂ'ના રાજાને આપી દીધી. એટલું જ નહીં ગૂજિયને 'વૂ'ની ઘોડાલમાં ઘોડાના રખેવાળ તરીકેની કામગીરી સ્વીકારી લીધી. ત્રણ વર્ષ સુધી ગૂજિયન પોતાનુ રાજાપણું ભૂલી 'વૂ'ના રાજાને નમતો રહ્યો. પરિણામે 'વૂ'ના રાજાને તેની વફાદારી પ્રત્યે માન થયું, વિશ્વાસ બેઠો અને એ પરાજિત ગૂજિયન રાજાને તેના ઘેર પરત જવાની અનુમતિ આપી.

આ ગાળા દરમિયાન ગૂજિયેન 'વૂ'ના રાજ્ય વિશે ખાસ્સી માહિતી મેળવી લીધી અને બદલો લેવાનું માનસ કેળવી લીધું હતું. એવામાં ભયંકર દુષ્કાળ પડયો. 'વૂ'ના રાજ્યમાં ઉથલપાથલ મચી ગઈ. રાજ્યમાં અરાજકતા ફેલાવા લાગી. 'વૂ' રાજાને નબળો પડતો જોઈ ગૂજિયન સૈન્ય એકઠું કરી તેના પર 

ત્રાટક્યો અને 'વૂ'ના રાજાને સરળતાથી જમીનદોસ્ત કરી દીધો. જો ગૂજિયન સુલેહ કરી નમવાને બદલે ભાગી ગયો હોત તો ? 'વૂ'નો રાજા તેનો પીછો કરતો રહેત અને ગૂજિયનને તેનો સામનો કરવાની શક્તિ સંચિત કરવા માટે વખત જ ન મળત. 'શક્તિ કે ૪૮ નિયમ'માં રોબર્ટ ગ્રીને આ વાત સુપેરે સમજાવી છે. જિંદગી આખરે એક ખેલ છે. ક્યારે હલકું પત્તું ઊતરવું અને ક્યારે ભારે પત્તું ઊતરવું એની કોઠાસૂઝ હારજીતમાં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. હલકાં પત્તાંની બાજીનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરી બાજી જીતી દેખાડે તેનું નામ સાચો ખેલાડી. ભારે પત્તાની બાજી રમીને તો સહુ કોઈ જીતી શકે.

વ્યર્થ બકવાટ અને રઘવાટ એટલે પરાજયનો પૂલ સ્વહસ્તે નિર્મિત કરવાની પ્રવૃત્તિ તો સમયોચિત મૌન અને સમર્પણના ફાયદા ખરા ? અલબત્ત એના આઠ મહત્ત્વના ફાયદા :

૧. સમજણ અને સંયમપૂર્વકનું મૌન ધારણ કરીને તમે વિરોધીને નિરુત્તર બનાવવાની અને તમારી જાતને કમજોર બનતા અટકાવવાની તક ઝડપી શકો છો.

૨. એવા સમર્પણને કારણે વિરોધીને હંફાવવાનો અને પરોક્ષ રીતે પરેશાન કરવાનો મોકો મળી જાય છે.

૩. તમારી હારને જીતમાં પરિવર્તિત કરવા માટે આયોજન કરવાનો સમય મળી જાય છે.

૪. તમારા વિરોધીને ક્રોધ અને આક્રમક બનવાની તક ન સાંપડતા તે વધુ આક્રમક બનવાના નુસખા વિચારશે અને તમને બચાવ કરવા માટે વિચારવાનો સમય મળી જશે, કારણ કે તમે આક્ષેપો અને આક્રમણની ક્ષણે શાંત રહેશો એવી ધારણા વિરોધીએ રાખી જ ન હોય.

૫. જો તમને લાગે કે તમે અમુક પરિસ્થિતિમાં કમજોર છો, તો તમારા સ્વમાનને મુદ્દો બનાવી લડવા માટે કૂદી ન પડો. મોકાની રાહ જુઓ.

૬. વિરોધીને ઝેરથી મારવાને બદલે કુનેહપૂર્વક ગોળથી મારવાનું પણ શાણપણભર્યું સિધ્ધ થતું હોય છે.

૭. તમને એમ લાગે તે કેટલાંક કારણસર તમે કામચલાઉ ધોરણે નબળા પડયા છો તો ધૈર્યપૂર્વક સુલેહ દાખવી પુન:શક્તિ સંચિત કરી લો. ધીરજ અને આત્મનિયંત્રણ તમારી જીત માટે માર્ગ તૈયાર કરશે.

૮. વિરોધીને વિશ્વાસપાત્ર લાગે એવું કુનેહપૂર્વકનું વર્તન દાખવી બગડેલી બાજી સુધારી લેવાની તક ઝડપી લો.

Tags :