28 વરસની પત્ની, પંચાવન વરસનો પતિ
- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'કમ ઓન કોમોલિકા, રંગભૂમિ તો મારી જિંદગી છે, મારો શ્વાસ છે, મારો પ્રાણ છે !'
'ક્યાં હતી તું ?' સવાલ સાંભળતાં જ કોમોલિકા તમતમી ઉઠી. 'શંકા...શંકા...શંકા ! શું તમને મારા ઉપર ક્યારેય વિશ્વાસ જ નહીં આવે ? શું એક ૨૮ વરસની યુવતી એક પંચાવન વરસના પતિને પ્રેમ કરી જ ના શકે ?'
કોમોલિકાની આંખમાં આંસુ ધસી આવ્યાં. 'તમે શા માટે સમજી શક્તા નથી કે હું તમારા વ્યક્તિત્વના પ્રેમમાં પડી હતી. રંગભૂમિના બેતાજ બાદશાહ આલોક ચક્રવર્તીના પ્રેમમાં હતી... અને હજીયે છું !'
આજે તો કોમોલિકાનો આક્રોશ છાતી ફાડીને બહાર આવી રહ્યો હતો. 'આલોક, તમે મને તમારા આ મહેલ જેવા બંગલામાં નજરકેદ કરીને રાખી છે, એ છતાં મને એ મંજુર છે.'
'હા, પણ આજે તો તું એકલી ગઇ હતી ને ?'
'કેમ કે આજે મંગળવાર છે. દર મંગળવારે અને શનિવારે તમારી જ મહેરબાનીથી મને એક્ટિંગના ક્લાસિસમાં ચાર કલાક માટે જવાની છૂટ હોય છે.'
આલોક ચક્રવર્તી કંઇ ન બોલ્યા. છાતી પર હાથ મુકીને બેસી રહ્યા, એ જોઇને કોમોલિકા બોલી 'હવે એમ ના કહેતા કે મને છાતીમાં દુ:ખાવો થાય છે.'
'થાય જ ને ?' આલોક છાતી પર હાથ મુકીને દર્દથી બોલી ઉઠયા 'શું હું તને પ્રેમ નથી કરતો ? અને શું મારો પ્રેમ માત્ર શારીરીક છે ?'
'તો પછી શા માટે મને આમ તમારી નજરકેદમાં પુરીને રાખો છો ?'
'એ પણ તને પ્રેમ કરવાની જ એક રીત છે, કોમોલકા !' આલોક ચક્રવર્તી ગળગળા થઇને રડી પડયા.
પંચાવન વરસના આવડા મોટા માણસને આમ રડતો જોઇને કોમોલિકાનો બધો ગુસ્સો ઓગળી ગયો. તેણે આલોકના મસ્તકને પોતાની છાતીસરસું ચાંપી દીધું.
થોડી ક્ષણો પછી આલોક બોલ્યા. 'ખબર છે, આજે ક્યાંથી ફોન હતો ? કોલકતા દૂરદર્શનમાંથી ! એ લોકો રંગભૂમિના ખ્યાતનામ કલાકારો ઉપર એક સિરીઝ બનાવી રહ્યા છે. એમાં પૂરા એક કલાકનો એપિસોડ મારા ઉપર હશે.'
'વાઉ ! 'કોમોલિકા ઉછળી પડી.' એ લોકો તમારો ઇન્ટરવ્યુ લેશે ? તમારાં નાટકોનાં દ્રશ્યો બતાડશે ? પણ શી રીતે ? તમારી તો કોઈ જુની વિડીયો કેસેટો પણ નથી.'
'ના !' આલોક ઉત્તેજીત હતા. 'એ લોકો કહે છે તમે સ્ટુડિયોમાં આવીને એ યાદગાર દ્રશ્યો ફરી ભજવો !'
'ના આલોક, તમને ઓલરેડી બબ્બે હાર્ટ એટક આવી ચૂક્યા છે. હવે આવું રિસ્ક ના લેવાય.'
'કમ ઓન કોમોલિકા, રંગભૂમિ તો મારી જિંદગી છે, મારો શ્વાસ છે, મારો પ્રાણ છે !' માત્ર આટલી વાત સાંભળીને જ જાણે મારી ઉંમર પાંચ વરસ ઓછી થઇ ગઇ છે.
'પણ પ્લીઝ, તમારી તબિયતને નુકસાન થાય એવું કંઇ જ ના કરતા, પ્રોમિસ આપો !'
'પ્રોમિસ ! બસ, મને એક સારો જુવાન એક્ટર શોધી આપ. મારે કાલથી જ રિહર્સલો શરૂ કરી દેવાં છે.'
'એકટર તો મળી જશે. હું મારા એક્ટિંગ ક્લાસના સરને પૂછી જોઇશ.'
***
સાતમા દિવસે કોમોલિકાએ પૂછ્યું 'કેવો છે પેલો છોકરો ? સર પૂછતા હતા.'
'ઓહ, હિ ઇઝ વન્ડરફૂલ ! એ વિવાનને તેં ક્યાંથી શોધી કાઢ્યો ? તારી સાથે ક્લાસીસમાં આવે છે ?'
'ના, એણે તો એક્ટિંગનો કોર્સ પણ પુરો નથી કર્યો. સરે જ એને શોધીને મોકલ્યો છે. હું તો ઓળખતી પણ નથી.'
'અરે, શું ગજબનો એક્ટર છે ! પેલો 'મહાભિનિષ્ક્રમણ' નાટકનો સીન છે ને, જેમાં હું મારા વયોવૃદ્ધ ગુરુજી સાથે દલીલો કરું છું ? એ સીન તો મને પાત્રોની અદલા બદલી કરીને ટીવીમાં રજુ કરવાનું મન થાય છે !'
'વોટ નોન્સેન્સ !' કોમોલિકા છંછેડાઈ ગઈ! એ આજકાલનો છોકરો તમારો યાદગાર રોલ ભજવશે ? આ ટીવી શો કોનો છે ? તમારો કે એ નવો એક્ટર, શું નામ એનું...' 'પણ તું જરા સમજ.'
'નથિંગ ડુઇંગ ! એ મામૂલી એક્ટરને છૂટો કરો અને કોઈ નવો એક્ટર શોધો જે તમારી ઉપર હાવી ન થાય.'
એ જ વખતે વિવાન ઘરમાં દાખલ થયો. કોમોલિકા ઉભી થઇને તરત જતી રહી. તેણે વિવાને 'હલો' પણ ન કર્યું.
વિવાને કહ્યું 'મેડમ કંઇ ગુસ્સામાં હતાં ?'
'ના રે !' 'આલોક ચક્રવર્તીએ વાત વાળી લીધી.
'એને એક્ટિંગ ક્લાસીસમાં જવાનું મોડું થઇ ગયું ને, એટલે... આજે મંગળવાર ખરો ને ?''
'મંગળવાર ?' આલોક ચોંક્યો. 'સર એ ક્લાસિસ તો સોમવાર અને શુક્રવારે હોય છે ! મને એ દિવસો ફાવે એમ નહોતા એટલે તો મેં ક્લાસીસ છોડી દીધા હતા !'
આલોક ચક્રવર્તીનું દિમાગ ઘૂમી ગયું '...મતલબ કે કોમોલિકા મને આટલા વખતથી છેતરી રહી છે ?'
આલોકને તમ્મર આવી ગયાં. તે છાતી પર હાથ દબાવીને સોફામાં આડા પડી ગયા. વિવાને પૂછ્યું 'સર, આર યુ ઓકે ?'
'વિવાન, હું હાર્ટ પેશન્ટ છું.. જલ્દી મારા ખિસ્સામાંથી ગોળી કાઢીને મારા મોંમાં મુકી દે !'
થોડી મિનિટો પછી આલોકને સારું લાગી રહ્યું હતું. વિવાને તેમને કોફીનો કપ આપતાં ભેદી રીતે કહ્યું 'પીઠ પાછળ કંઇ થાય એ પહેલાં કાવતરાંને સામી છાતીએ ખતમ કરવું જોઇએ.'
'આ તો 'શહેનશાહ' નાટકનો સંવાદ છે.'
'હા સર ! જો કોમોલિકા કોઇના પ્રેમમાં છે એ વાત તો નક્કી જ છે. હવે એ બન્ને મળીને તમને મારી નાંખે એ પહેલાં -'
'એ પહેલાં શું ?'
'સર, યાદ છે 'શહેનશાહ'' નાટકનો એ સીન ? જેમાં તમે હાથમાં છરો લઇને આવો છો અને પલંગમાં સૂતેલી તમારી પત્નીને એક જ ઝાટકે-
'ના ના ! મારાથી નહીં બને !'
'કેમ નહીં ? હું તમારી સાથે હોઈશ ને ?'
***
એ રાત્રે... જ્યારે કોમોલિકા એના બેડમાં હતી ત્યારે આલોક ચક્રવર્તી હાથમાં મજબૂતીથી છરો પકડીને દાખલ થયા... નજીક જઇને એક ઝાટકા સાથે ચાદર હટાવીને જવા છરો મારવા જાય છે ત્યાં જ તે થીજી ગયા !
કોમોલિકા ત્યાં હતી જ નહીં !
બીજી જ ક્ષણે રૂમમાં લાઇટ થઈ. આલોકે ઘુમીને પાછળ જોયું તો કોમોલિકા હાથમાં મોટો છરો લઇને તેની તરફ ધસી રહી હતી !
આલોકની છાતીના ધબકારા વધી ગયા. તે ચીસ પાડીને ભાગવા ગયા પણ પલંગ ઉપર જ પછડાયા ! કોમોલિકા તેની છાતી પર ચડી બેઠી !
'રાક્ષસ !!' તેણે જોરથી ચીસ પાડીને આલોકની છાતીમાં છરો હૂલાવી દીધો !
થોડી ક્ષણો પછી કોમોલિકા છાતી પરથી ઊભી થઇ. વિવાને આવીને આલોકની છાતી તપાસી. ત્યાં લોહીનું એક ટીપું પણ નહોતું !
'જોયું ?' કોમોલિકાએ નાટકમાં વપરાતા સ્પ્રીંગવાળા છરાને અંદર બહાર કરતાં વિવાન સામે ભેદી સ્મિત કર્યું : 'આને કહેવાય... કુદરતી હાર્ટ-એટેક !!'