- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
તિ બેટના યાત્રાળુ કૈલાસ માનસરોવરની યાત્રા સાક્ષાત્ દંડવત્ કરતા કરતા અને પેટે ચાલતા કરે છે. પણ યુરોપમાંય આવી યાત્રાઓ થાય છે. સ્પેનમાં લેડી ફાતિમાની યાત્રા કરવા યુરોપિયનો ઘૂંટણે ચાલીને જાય છે. ગ્રીસમાં લોકો વર્જિન મેરીનાં દર્શન પાણી પીધા વગર ઘૂંટણે ચાલીને યાત્રા કરવા જાય છે અને દક્ષિણ ફ્રાંસના લોરડસ ગામે બીમાર લોકોને સ્ટ્રેચરમાં લઈ જઈને યાત્રા કરાવાય છે. એવી માન્યતા છે કે લોરડસની મેરીનાં દર્શન કરવાથી ગમે તે રોગ મટે છે. દરેક યાત્રાળુ માને છે કે ઘર છોડીને તે યાત્રાઅ જાય છે ત્યારે તે ઇશ્વરને મળવા જાય છે. ભારતના સુધરેલા લોકો યાત્રાને ભૂલી ગયા છે ત્યારે આધુનિક યુરોપિયનો ફરીથી યાત્રા કરવા માંડયા છે!
કૂતરાની મદદથી કેન્સરનું નિદાન?
પોલીસે કૂતરાઓ પાસે ચોરને પકડાવ્યા છે. નશીલા પદાર્થો અને ડ્રગ્સની પણ ભાળ મેળવી છે. શ્વાનની સેવાવૃત્તિમાં અક વધુ પ્રવૃત્તિ જાડાઈ છે. શ્વાન વધુ સારા ડાક્ટરની ગરજ સારશે. અત્યંત ખર્ચાળ ટેસ્ટ દ્વારા જે પરિણામ જાણી શકાય તે શ્વાન માત્ર દરદીને સૂંઘીને જણાવી શકશે. અમેરિકાના ફલોરિડા રાજ્યમાં જ્યોર્જ નામનો શ્વાન આ ભૂમિકા કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. ડૉ. અરમાન્ડ કોગ્દ્બનેટા અને ડોગ ટ્રેઇનર ડયુઆની પીકેલે શ્વાન જ્યોર્જને અવી તાલીમ આપી છે કે કોઈ પણ વ્યક્તિને ચામડીનું કન્સર છે કે નહીં તેનું જ્યોર્જ સો ટકા સાચું નિદાન કરી જાણે છે. ત્વચાના કેન્સરના જીવલેણ સ્વરૂપને અંગ્રેજીમાં મેલિગ્નન્ટ મેલાનોમાં કહે છે. જે રીતે વિસ્ફોટકો શોધી કાઢવાની જ્યોર્જને તાલીમ આપવામાં આવી હતી એ જ પદ્ધતિથી મેલિગ્નન્ટ મેલાનોમા પકડી પાડવાની તાલીમ અપાઈ છે. અક વખત ડૉ. કોગ્નેટાએ એક અહેવાલ વાંચ્યો. જેમાં પોલીસે તળાવમાં ફેંકાયેલી લાશ શોધી કાઢવા માટે તળાવ પર કૂતરા સાથેની હોડી ફેરવી હતી. એ કૂતરો હવા સૂંઘીને તળાવના તળિયે મૃતદેહ છે કે કેમ તે જાણી શકતો હતો. આ અહેવાલથી ડૉ. કૉન્ગેટાના મગજમાં ઘંટડી વાગવા માંડી. એમણે તબીબી સાહિત્યનો અભ્યાસ કરવા માંડયો લાન્સેટમાં છપાયેલાં એક આર્ટિકલ અમના હાથમાં આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ચુમાલીસ વરસની અક સ્ત્રીના શરીર પર ઘણી ગાંઠો હતી. પણ તેનો પાળેલો શ્વાન માત્ર કેન્સરવાળી ગાંઠ સૂંઘ્યા કરતો હતો. કૂતરો વારંવાર આમ કરતો હતો તેથી ચેતી જઇને એ સ્ત્રી નિદાન કરાવવા ગઇ તો ખરેખર પેલી ગાંઠ કેન્સરવાળી જણાઈ હતી. બીજી નિર્દોષ ગાંઠોને એ કૂતરો સૂંઘતો પણ ન હતો. લાન્સેટનો આ અહેવાલ વાચીને ડૉ. કોન્ગેટાઅ પોતાની રીતે તેમાં વધુ સંશોધનો કરવાનું નક્કી કર્યું અને ૫૩ વરસના ડોગ ટ્રેઇનર ડયુઆને પિકેલનો સંપર્ક કર્યો. મેલાનોમા કેન્સરનું ટિસ્યુ સેમ્પલ (નમૂના) મેળવીને તેની વાસ પકડી પાડવાની પિકેલે શ્વાનને તાલીમ આપી.
વિકસિત ન્યૂ યોર્ક પણ ઉંદરોથી ત્રસ્ત
ન્યૂ યોર્કે ઘણો વિકાસ સાધ્યો હોવા છતાં ઉંદરોના આતંકને નાથી શકાયો નથી. ઊલટાનો ઉંદરોના આંતકમાં ૪૦ ટકાની વૃદ્ધિ થઈ છે. અહેવાલ પ્રમાણે આ વર્ષ ન્યુ યોર્કમાં ૩૨૦૦૦ ફરિયાદો પેસ્ટ કન્ટ્રોલ સમક્ષ નોંધાવવામાં આવી છે. ઉંદરોના ત્રાસને લીધે શહેરનું કોલસેન્ટર ધમધમે છે. ઇન્કવાયરી માટેની હોટલાઇન પર પૂછપરછ કે ફરિયાદને લગતા રોજના ૬૦,૦૦૦ ફોન આવે છે. પ્રગતિ સાધ્યા છતાં શહેરમાં ઉંદરોનું કીડિયારું ઊભરાયું છે એવું કેમ બન્યું? તેના જવાબમાં ન્યૂ યોર્કના રેટ એક્સપર્ટ બ્રૂસ કોલિન કહે છે કે આ સમસ્યા માટે ઘરડું થતું જતું ઇન્ફાસ્ટ્રક્ચર અને વધતી જતી ગીચ માનવવસાહતો જવાબદાર છે, જેનું નિરાકરણ લાવવું ઘણું મુશ્કેલ છે. ઉંદરને લીધે પણ ફેલાતા એસટીડી રોગ સિફિલિસના કેસ ન્યુ યોર્કમાં નોંધાયા છે.
પ્રાણી પાળતા પહેલા એમનો પર્સનાલિટી ટેસ્ટ કરાવો!
કોરનેલ યુનિવર્સિટી - ન્યુયોર્કના પ્રો. જુરાબ ડિયાઝ પાળવાના પ્રાણીનો પર્સનાલિટી ટેસ્ટ કરે છે. તમને કઈ બિલાડી કે કૂતરો તમારી પર્સનાલિટી પ્રમાણે બંધ બેસશે તે તેઓ નાના પ્રાણીનું વ્યક્તિત્વ તપાસીને કહી આપે છે. કારણ કે અમેરિકામાં લોકો બિલાડી પાળીને પછી તેને સાનુકૂળ ન થતાં બિલાડીને રસ્તામાં છોડી મૂકે છે. આવી ૬૦ લાખ બિલાડીને આશરો આપવા સરકારે વ્યવસ્થા કરવી પડે છે.
ચોરી કર્યા પછી ચોરોની બુદ્ધિ બહેર મારી જાય છે?
કેટલાક ચોર લોકો ચોરી કરતી વખતે ખૂબ જ ચતુરાઈ દાખવે છે પણ ચોરી પત્યા પછી તેમની બુદ્ધિ બહેર મારી જાય છે. જ્યોર્જિયાના વિલા રીકા શહેરમાં એક ચોરટી છોકરી પોતાની મામૂલી ભૂલને કારણે પકડાઈ ગઈ હતી. મકાન માલિક એલન લીએ કેટલાક દિવસ બહાર ફરી આવ્યા પછી ઘરે આવીને જોયું તો કોઈ ઘરફોડુ ઘરમાંથી દાગીના, ચેકબુક, ક્રેડિટ કાર્ડ અને સેલફોન તથા એવું ઘણુંબધું ઉઠાવી ગયો હતો. પોલીસે ચોરનું પગેરું મેળવવા ઘણી મથામણ કરી, પરંતુ ચોરે ફિંગપ્રિન્ટ સહિત ચોરીનાં તમામ સબૂતો ભૂંસી નાખ્યા હતા. આખરે પોલીસે એલનના ફોનકોલ્સનું લિસ્ટ જોયું તો જણાયું કે છેલ્લો ડાયલ નંબર અજાણ્યો હતો અને તે ફોન ચોરે કર્યો હોઈ શકે અમ સમજીને પોલીસે એ અજાણ્યો નંબર રિડાયલ કર્યો. પોલીસની ધારણા સાચી ઠરી. સામેથી ફોન ચોરની માતાએ ઉઠાવ્યો. પોલીસે ચોરની માતાને ઝબ્બે કરતાં જ તેમણે કબૂલી લીધું કે હા, મારી દીકરીએ ચોરી કરી હતી. મતલબ કે ચોરી કરનાર કોઈ ગઠિયો નહીં, પણ ૧૮ વર્ષની છોકરી હતી. બ્રિટની લેને ચોરીનો વ્યવસાય અપનાવવાની પ્રેરણા તેની મમ્મી એની સ્મિથે જ આપી હતી. મમ્મીનો મૂળ વ્યવસાય પણ ચોરી-ઘરફોડીનો હતો. પોતાની ઉંમર થતાં સ્મિથ દીકરીને પણ આ વ્યવસાયમાં પલોટવા માગતી હતી. એટલે ઓછા જોખમવાળી આ ચોરીમાં દીકરીને કેટલીક ટિપ્સ આપીને એકલી જ ચોરીના કામાર્થે મોકલી હતી. મકાનમાલિક અઠવાડિયા સુધી ઘરે પાછો આવવાનો નથી. એટલી ખાતરી હોવાથી બ્રિટનીએ પહેલી જ ખેપમાં જોરદાર સફળતા હાંસલ કરવા ઘરના ખૂણે-ખૂણે ફરીવળીને માલ એકઠો કર્યો. અટલો મોટો દલ્લો એકલીથી ઉપાડી નહીં શકાય એમ જાણીને બ્રિટનીએ મદદ માટે મમ્મીને ફોન કર્યો હતો. પોલીસે બન્નેની ચોરીના મુદ્દામાલ સાથે પકડી હતી.


