Get The App

જીવનને ઉમદા બનાવનાર 11 પ્રેરણા દીપો કયા?

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
જીવનને ઉમદા બનાવનાર 11 પ્રેરણા દીપો કયા? 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- આપણે ઇશ્વરી કાનૂનનો અભ્યાસ કર્યા વિના જિંદગીના 'જજ' બનવાની ઉતાવળ કરીએ છીએ. પરિણામે જગતકાજી, જાતકાજી ન રહેતાં ઉપહાસપાત્ર બનીએ છીએ

પ્રા તઃકાળનો સમય છે. એક માણસ દર્પણ પાસે ઉભો છે. થાક અને ઉદ્વેગની એ ફરિયાદ કરતો રહે છે. અરીસામાં પોતાનું વિચિત્ર પ્રતિબિમ્બ જોઈને ખિજાઈ જાય છે અને પત્નીને બૂમ પાડીને બોલાવે છે: 'અરે ! જરા આ અરીસો સીધો કરને ! આમાં મારો ચહેરો કાંઈક જુદો જ દેખાય છે.'

પત્ની દોડી આવે છે. અહીં અરીસામાં નજર કરે છે. પોતાનું પ્રતિબિમ્બ નિહાળે છે. અરીસામાં કશી જ ખામી નહોતી. પતિના ચહેરા પરનો થાક અને કંટાળો જ પ્રતિબિમ્બિત થઈ રહ્યા છે એ વાત એણે પતિને સમજાવી.

ખરું પૂછો તો આ દુનિયા એક વિશાળ અરીસો છે. એ અરીસામાં જે રીતે નજર કરીશું, તેવા દેખાઈશું. માણસ વક્રદ્રષ્ટિ રાખી રૂપાળો કેવી રીતે દેખાઈ શકે ? આપણે દુનિયાથી અલગ નથી. દુનિયાથી પોતાની જાતને જુદો માનનાર દુનિયાના પ્રેમ અને લાગણીની અપેક્ષા કેવી રીતે રાખી શકે ? સરળતા એ સંતત્વ છે અને વક્રતા એ શેતાનિયત. માણસને આત્મદર્શનની આદત નથી એટલે અહંકારમાં પોતાની જાતને શ્રેષ્ઠ માની તેમાં કશો જ ફેરફાર કરવા તૈયાર થતો નથી. પોતાની જાતને સુધારવાની જવાબદારી ધર્મોપદેશકો અને સંતોને સોંપી આપણે નિશ્ચિંત બનવા માગીએ છીએ કે તેમની કથાવાચનનો પ્રભાવ આપણી પર પડશે.

આ જગત કેમ સુખી નથી ? કારણ કે તેમાં કહેવાતા ધર્માત્માઓ વધી રહ્યા છે અને સાચા કર્માત્માઓ ઘટી રહ્યા છે. ઉત્સવો, પર્વો, તહેવારો માણસમાં એક નવો માણસ જન્માવવા માટે હાજર થાય છે. પણ આપણે તેમને ખાલી હાથે પાછા જવા દઈએ છીએ.

આપણે સહુ આંતરિક વૈભવની વૃદ્ધિને બદલે બાહ્ય સ્મૃદ્ધિની લાલચમાં રાચીએ છીએ એટલે બહારથી અમીર અને અંદરથી રંક રહીએ છીએ. અહીં જીવનના પ્રેરક ચિંતન રત્નોમાં સંકલિત એક પ્રસંગ ધ્યાનમાં લેવા જેવો છે.

એક દિવસ એક ધનવાન પિતા પોતાના પુત્રને ગામડાના પ્રવાસે લઈ જાય છે. એમનો ઇરાદો પોતાના પુત્રને ગરીબી કોને કહેવાય તે દેખાડવાનો હતો.

ગામડામાં એક અત્યંત ગરીબ કુટુંબના સભ્યો સાથે એમણે એક દિવસ અને રાત ગાળ્યાં.

પ્રવાસેથી પાછા ફર્યા બાદ પિતાએ પુત્રને પૂછ્યું: 'દીકરા, પ્રવાસ કેવો રહ્યો ?'

'બહુ સરસ દીકરાએ જવાબ આપ્યો.'

'તેં જોયુંને કે લોકો કેટલાં ગરીબ છે અને આપણે કેટલા ધનવાન છીએ.' પિતાએ કહ્યું અને પછી ઉમેર્યું કે 'એ લોકોની ગરીબી જોઈ તું શું શીખ્યો ?'

દીકરાએ કહ્યું: 'પપ્પા, આપણે ઘેર એક કૂતરો છે અને પેલા ગરીબ માણસને ઘેર ચાર કૂતરા હતા. આપણો સ્વીમીંગ પૂલ તો સો મીટર લાંબો છે જ્યારે પેલાં ગરીબોનાં ઝરણાંનો તો કોઈ અંત જ નથી. આપણી અગાશી આંગણા સુધી પહોંચે છે જ્યારે એમની પાસે તો સમસ્ત ક્ષિતિજ છે.' પુત્રે પોતાની વાત પુરી કરી ત્યારે પિતા અવાક્ બની ગયા. પુત્રે ઉમેર્યું: 'પિતાજી, આપનો હાર્દિક આભાર, આપણે કેટલા ગરીબ છીએ તે દેખાડવા બદલ. આ દુનિયામાં એટલી બધી અદ્ભુત વસ્તુઓ પડેલી છે પણ આપણી ટૂંકી અને વામણી દ્રષ્ટિ તેને નિહાળવા માટેની ફૂરસદ કાઢી શકતી નથી.' જીવન એક પડકાર છે જેઓ પડકાર સામે મસ્તક નમાવી ઝુકી જાય છે એ જીવન દેવતાનાં આશીર્વાદ પામવામાં નિષ્ફળ જાય છે. આપણે ગરમ ખિસ્સાને અમીરી માની લીધી છે જ્યારે ખાલી અંતઃકરણને ખાલી જ રહેવા દીધું છે. આપણે દરરોજ એક જ ફરિયાદ કરીએ છીએ કે જીવન ચાર દિવસની ચાંદની છે. પણ દ્રઢ સંકલ્પવાળા વીર કહેશે,

'યહ માના કિ જિંદગી

ચાર દિન કી હૈ

લેકિન બહુત હોતે હૈં

યારો, ચાર દિન ભી.'

જે થવાનું છે તે થવાનું જ છે એની ચિંતા કરી નિરાશ થઈને દહાડા પસાર કરવા એ પૌરુષહીનતા છે. પરંતુ 'હું ચાહીશ તેવું જીવનને બનાવીશ' એ વીરતા છે. દરરોજ પ્રાતઃકાળે કહો કે હે પ્રભુ ! હું અમીર છું કારણ કે તેં મને આ રૂપાળી પૃથ્વી પર જીવવાનો મોકો આપ્યો છે. ગરીબ માણસ પણ સંતોષની મૂડી સાથે પ્રસન્નતાપૂર્વક જીવી શકે છે જ્યારે અમીર માણસ મારી પાસે શું શું નથી એનાં લેખાં-જોખાંમાં નિસાસા નાખે છે. એને બદલે ખુમારીપૂર્વક કહેવું જોઈએ કે હું ભાગ્યના હાથનું રમકડું નથી. આપણે ઇશ્વરી કાનૂનનો અભ્યાસ કર્યા સિવાય જિંદગીના 'જજ' બનવાની ઉતાવળ કરીએ છીએ. પરિણામે જગતકાજી, જાતકાજી ન બની જતાં ઉપહાસપાત્ર બનીએ છીએ. જીવનમાં ઉમદા બનવા માટેના ૧૧ પ્રેરણાદીપો કયા કયા ?

૧. તમારી દ્રષ્ટિને નિર્મળ બનાવો. માત્ર રંગીન નહીં પણ સંગીન બનાવો.

૨. જગતને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે પહેલાં તમારી જાતને સમજવાની કોશિશ કરો.

૩. જગત સાથે 'વસૂલકર્તા'નો નહીં પણ 'દાતા'નો સંબંધ રાખો.

૪. ધર્મનિષ્ઠાને કર્મ અને કર્તવ્યનિષ્ઠાથી અલગ ગણી ક્રિયાકાંડમાં અટવાવાનું ટાળો.

૫. જીવનની પ્રત્યેક ક્ષણને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરો. લોભ-લાલચ-સ્વાર્થને વશ થઈ હલકટતાપૂર્વક જીવવું એ 

સાત્વિકતાની ઘોર ખોદવા સમાન છે.

૬. સમસ્યાઓથી ગભરાશો નહીં.

૭. તમારા પારિવારિક જીવને નગણ્ય ન ગણો.

૮. દુનિયાને બદલવાના અભરખાથી મુક્ત રહો.

૯. કેવળ પદોન્નતિને લક્ષ્ય ન બનાવો પણ ચારિત્ર્યને ઉજ્જ્વળ રાખો.

૧૦. જીવનમાં ધનને નહીં પણ ઉદ્દાત્ત જીવનમૂલ્યોને જ સર્વસ્વ ગણો.

૧૧. રોદણાં રડવાને બદલે શ્રદ્ધાવાન બનો. સમસ્યાનો ઉકેલ અવશ્ય મળી રહેશે.