- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'તું શું સમજે છે, હું તને પ્રેમ કરું છું ? બકા, એવા ભ્રમમાં તો રહેતો જ નહીં!'
નિ હારને એમ હતું કે પહેલી વાર જે થયું તે ભૂલથી થઈ ગયું હશે.
બન્યું હતું એવું કે નિહારના ખાસ દોસ્ત મલ્હારની વાઈફ એના પિયરથી પાછી આવવાની હતી. તે સાંજે મલ્હાર પણ બહારગામ ગયો હતો. મલ્હારે નિહારને કહ્યું હતું:
'તું તારી ભાભીને રેલવે સ્ટેશને લેવા જજે. હું રાત્રે ઘરે પહોંચી ગયો હોઈશ. પછી તું અમારી જોડે જ જમીને તારે ઘરે જજે. સમજ્યો ?'
મલ્હાર અને નિહાર બાળપણના દોસ્ત હતા. જોકે નિહારને ભણવાનું ખાસ ગમતું નહીં એટલે બારમું ફેલ થયા પછી તેણે સ્કુલ છોડી દીધેલી. જ્યારે મલ્હાર એમબીએ થઈને મોટી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટીવ બની ગયો હતો. છતાં બન્નેની દોસ્તી હજી અકબંધ હતી એનું કારણ, મલ્હારની વાઈફ મોહિતા હતી.
એ સાંજે મોહિતાએ જ હસતાં હસતાં ફોન કરેલો: 'એ નિહારયા ! તારું ઠાઠીયું સ્કુટર લઈને જો મને સ્ટેશન પર લેવા નથી આવ્યો તો તારી ખેર નથી. વાંદરા !'
નિહાર ઘરેથી નીકળીને સ્ટેશને પહોંચ્યો. ત્યાં તો ગડગડાટી સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. નિહારે કહ્યું, 'ભાભી, તમે રીક્ષામાં જતા રહો, હું પાછળ પાછળ આવું છું.'
પણ મોહિતાએ ચોખ્ખી ના પાડી, 'બબૂચક ! રીક્ષા જ કરવાની હોત તો તને શું લેવા સ્ટેશને બોલાવ્યો ? ચલ, હવે મારી બેગ ઉઠાવ ! અને હા મારા કુલી બનવાના પૈસા નહીં મળે !'
આખા રસ્તે વરસી રહેલા વરસાદમાં બન્ને પુરેપુરાં પલળી ગયાં હતાં. ઉપરથી જે જોરદાર પવન વાતો હતો એની ઠંડકથી બચવા માટે મોહિતા વારંવાર નિહારની પીઠ-સરસી ચંપાઈ જતી હતી. મલ્હારના આલિશાન થ્રી બેડરૂમના એપાર્ટમેન્ટમાં પહોંચીને તરત જ મોહિતાએ નિહારને કહ્યું, 'ચલ, ફટાફટ બાથરૂમમાં જઈને ગરમ શાવરથી નાહી લે. પછી તને મલ્હારનાં કપડાં આપું છું. આજે તેં મારી સેવા કરી છે એના બદલામાં તને ગરમાગરમ ચા પીવડાવીશ !'
નિહાર ન્હાઈને કપડાં બદલીને બહાર આવ્યો ત્યાં સુધીમાં મોહિતા પણ ફ્રેશ વસ્ત્રોમાં તૈયાર હતી. નિહાર મસાલાવાળી ચ્હાની ચુસ્કી લઈ રહ્યો હતો ત્યાં મલ્હારનો ફોન આવ્યો:
'યાર, મારી કાર હાઈવે પર બગડી ગઈ છે ! હું નજીકની એક હોટલમાં રોકાઈ જાઉં છું. સવારે આવીશ. ઓકે ?'
આ તરફ વરસાદનું જોર ખુબ જ વધી ગયું હતું. ઉપરથી વીજળીના જે કડાકા થઈ રહ્યા હતા તેના લીધે એપાર્ટમેન્ટની બારીના મોટા મોટા કાચ પણ ધૂ્રજી રહ્યા હતા !
મોહિતાએ કહ્યું, 'નિહાર, મને બહુ ડર લાગે છે. તું અહીં જ રોકાઈ જા ને ?'
બસ, એ મેઘલી રાતે જ 'ભૂલ' થઈ ગઈ. નિહાર ગેસ્ટ રૂમમાં ઘસઘસાટ ઊંઘતો હતો. ઊંઘમાં જ એ જ્યારે પડખું ફર્યો ત્યારે તે ચોંકી ગયો !
મોહિતા કઈ ઘડીએ આવીને તેના બેડ ઉપર સૂઈ ગઈ હતી ? હતી એ કંઈ વિચારે તે પહેલાં મોહિતાએ તેને પોતાના બાહુપાશમાં જકડી લીધો હતો...
નિહાર તો વહેલી સવારે ઊઠીને પોતાના ઘરે જતો રહ્યો હતો પરંતુ તેને થતું હતું કે હવે મોહિની આગળ શું મોં બતાડીશ ?
પણ બીજા દિવસે મોહિતા તો એવી રીતે વર્તી રહી હતી કે જાણે કંઈ થયું જ નથી ! ઉપરથી બનાવટી દમદાટી આપતાં કહેતી હતી: 'ઓ મોહિતકુમાર ! મારા હાથના બટાટા પૌંવા સહેજ પણ એંઠા રાખ્યા છે તો વેલણે વેલણે ધોઈ નાખીશ !'
મોહિતા રીતસર નિહાર ઉપર પ્રેમથી હુકમો જ ચલાવતી: 'આ ગેસનો બાટલો પતી ગયો છે તે કોણ લાવી આપશે ?' 'માળિયામાં સફાઈ કરી આપી એમાં કંઈ ધાડ નથી મારી હોં ! બદલામાં મારા હાથની ખીર જ મળશે...' વગેરે.
નિહાર પેલી 'ભૂલને' સાવ ભૂલી જ ગયો હતો પરંતુ એક દિવસ મોહિતાએ તેને રાત્રે દસેક વાગે ફોન કરીને 'અરજન્ટ'માં બોલાવ્યો. જેવો નિહાર ઘરમાં દાખલ થયો કે તરત જ મોહિતાએ ઘરની સ્ટોપર બંધ કરી દીધી !
'આ... આ શું છે ભાભી ?'
જવાબમાં મોહિતાએ તેના શર્ટને મુઠ્ઠીમાં પકડીને પોતાની નજીક ખેંચ્યો અને હોઠ પર તસતસતું ચુંબન ચોડી દીધું !
'ભાભી, આવું ?... આવું ના હોય...'
'કેમ ના હોય ? મારું મન થાય એટલે બધું હોય !'
નિહાર તે રાત્રે પણ મોહિતાને 'તાબે' થઈ ગયો. ત્યારબાદ અવારનવાર આવું બનતું રહ્યું. જ્યારે જ્યારે મલ્હારને બહારગામ જવાનું થાય ત્યારે મોહિતા નિહારને બોલાવી લેતી હતી.
એક રાત્રે નિહારનાં જુલ્ફામા આંગળીઓ ફેરવતાં મોહિતાએ કહ્યું, 'તને ખબર છે ? એક ગુડ ન્યુઝ છે. હું પ્રેગનન્ટ છું !'
નિહાર ચોંકી ગયો. 'તો હવે ?'
'હવે વળી શું ? કશું નહીં !'
'પણ મલ્હારને ખબર પડશે તો ?'
'કોણ કહેશે મલ્હારને, તું ?' મોહિતાએ કહ્યું. 'ડિયર નિહાર, તું બાપ બનવાનો છે ! એ પણ પરણ્યા વિના.'
નિહાર સિરિયસ થઈ ગયો. 'જો મોહિતા, હું તો ખરેખર તારા પ્રેમમાં પડી ચૂક્યો છું. હવે તું જો મને પ્રેમ કરતી હોય તો ચાલને, આપણે બન્ને ક્યાંક ભાગીને -'
'ઓ ઇડિયટ !' મોહિતાએ તરત જ નિહારને બોલતો અટકાવ્યો. 'તું શું સમજે છે, હું તને પ્રેમ કરું છું ? બકા, એવા ભ્રમમાં તો રહેતો જ નહીં ! અને તું મને ભગાડીને ક્યાં લઈ જઈશ ? તારી શી ઔકાત છે ? બારમું ફેલ છે તું ! તને પંદર હજાર રૂપૈડીની નોકરી પણ નહીં મળે.'
'તો પછી આ બધું -'
'જો, તું શરીરે હેલ્ધી છે. સ્વભાવે હસમુખો છે. દેખાવે પણ ગોરો અને રૂપાળો છે... બસ, મને તારા જેવું જ એક સુંદર બાળક જોઈતું હતું. એટલે... '
'બસ, એટલે જ ?' નિહારને હજી કંઈ સમજાતું નહોતું. એ બોલ્યો, 'તો પછી મલ્હારમાં કોઈ ખામી છે ?'
'કોઈ ખામી નથી બકા ! બસ, એ મારા જેવો ગોરો નથીને, એટલે ! સમજ્યો ?'
નિહારને હજી કશું સમજાતું નહોતું. બીજા દિવસે મલ્હાર આવ્યો ત્યારે મોહિતાએ જ વાત કાઢી 'આ તમારા ભાઈબંધને કોઈ નોકરી ધંધે લગાડોને ? તમારી કોલ્હાપુર બ્રાન્ચમાં એક પટાવાળાની નોકરી ખાલી જ છે ને ? ત્યાં નિહારને ગોઠવી દો ને ? આમેય, કંપની પચીસ હજારનો પગાર આપે છે, અને ઉપરથી રહેવાનું ક્વાર્ટર પણ મળશે. શું કહે છે નિહાર ?'
નિહાર શું બોલે ? એ સમજી ગયો કે મોહિતાએ ખૂબ જ સિફતથી, કોઈ સ્ત્રી ઘઉંમાંથી કાંકરો કાઢે એ રીતે તેનો કાંકરો કાઢી નાંખ્યો હતો...


