Get The App

કાશ્મીરનું 'પેમ્પોર' : કેસરની ખેતીનું પિયર

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
કાશ્મીરનું 'પેમ્પોર' : કેસરની ખેતીનું પિયર 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

કા શ્મીરમાં પેમ્પોરમાં કેસરનાં ખેતરો છે. શ્રીમંત લોકો તેમનાં કેસરનાં ખેતરોમાં કામ કરતા મજૂરોને વળતરમાં કેસર હાથમાં આપે છે. એ લોકો બજારમાં મીઠાઇ ખરીદવા જાય ત્યારે પૈસાને બદલે કેસરમાં કિંમત ચૂકવે છે. નાનકડું શહેર પેમ્પોર, કેસરનાં ફૂલો જ ચલણી નાણાં તરીકે વાપરે છે. બને કે ઓક્ટોબર અંતથી નવેમ્બર મધ્ય સુધીમાં ચાલતી વાવણીની ઋતુની ઉજવણી માટે એવું હોય, તેમ છતાં પેમ્પોરના જીવનમાં કેસરનું મહત્ત્વ સોના કરતાંયે વધારે છે. વેજિટેબલ ગોલ્ડ ગણાતા કેસર દ્વારા તેમને સ્થાનિક બજારમાં કિલોદીઠ ૨૪ હજારથી ૨૮ હજાર રૂપિયા મળી રહે છે. નવમી સદીની શરૂઆતમાં શોધાયેલું પેમ્પોર એ વખતે પદમપુરા તરીકે ઓળખાતું. કાશ્મીરની ખીણમાં શ્રીનગરથી ૧૩ કિલોમીટર દૂર જેલમના કિનારે આ નાનકડું શહેર આવેલું છે. સમુદ્રની સપાટીથી ૧૬૦૦ મીટર ઊંચાઇએ આવેલા પેમ્પોરમાં માંડ ૨૦,૦૦૦ લોકોની વસતિ છે. પેમ્પોરના એક પ્રખ્યાત વૈદ્ય વાઘભટ્ટે કેસરનો સૌથી પહેલો છોડ વાવ્યો હતો. વાઘભટ્ટને એ છોડ જળદેવતા, તક્ષક નાગ પાસેથી ભેટમાં મળ્યો હતો. કહેવાય છે કે વાઘભટ્ટે, તક્ષક નાગની આંખની તકલીફનો ઇલાજ કર્યો હતો તેની બદલામાં કેસરની ભેટ મળી હતી. આ જૂની દંતકથામાં કાળક્રમે ઘણાં સ્થળો અને પાત્રોની ઉમેરણી થઈ છે, અને અત્યારે આ વાર્તા પહેલાં કરતાં પણ વધારે રસપ્રદ બની છે. ભારતીય સાહિત્યમાં કેસરનો સૌથી પ્રાચીન ઉલ્લેખ છઠ્ઠી સદીના આરંભમાં લખાયેલા કાલિદાસના રઘુવંશ અને ઋતુસંહારમાં જોવા મળે છે. સામાન્ય લોકો કેસરને નાનકડી બરણીમાં મુકાયેલા નાજુક તાંતણાઓ તરીકે જોવા ટેવાયેલા છે. કેસરને પાચન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમ જ વાજીકરણ માટે ઉપયોગમાં લેવાય છે. આ નાજુક તંતુ એ વાસ્તવમાં જાંબલી રંગનાં ફૂલોની વચ્ચેના ત્રણ રેસા છે, ૧૫૦૦થી ૨૪૦૦ મીટરની ઊંચાઇએ, નીચા તાપમાનમાં કેસર સારી રીતે ઊછરી શકે છે. સામાન્યપણે જે વસાહતોમાં ૩૦-૪૦ સેન્ટિમીટર જેટલો વરસાદ થતો હોય અને શિયાળામાં હિમ છવાયેલો રહેતો હોય તે જગ્યા કેસરના વ્યાવસાયિક ઉત્પાદન માટે યોગ્ય છે. પાણીનો વ્યવસ્થિત નિકાલ થતો હોય તેવી જમીન કેસરની ખેતી માટે યોગ્ય છે.

જાકાર્તાની અદ્ભૂત મસ્જિદ

વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે ઇન્ડોનેશિયા. અહીંની રાજધાની જાકાર્તામાં જબરદસ્ત મસ્જિદ બાંધવામાં આવી છે. મસ્જિદનું નામ છે ઇશ્તિકલલ મસ્જિદ. અગ્નિ એશિયાના દેશોની આ સૌથી મોટી મસ્જિદ છે. આમાં એકસાથે દસ હજાર માણસો બેસીને નમાજ પઢે તોય સહેજ પણ ગિરદી ન લાગે તેટલી મોકળાશ છે. નોંધવા જેવી વાત એ છે કે ઇશ્તિકલલ મસ્જિદ, ઉત્તર સુમાત્રાના એક ખ્રિસ્તી આર્કિટેક્ટે તૈયાર કરેલી ડિઝાઇનના આધારે બનાવાઈ છે. આ મસ્જિદ માટે મુસ્લિમોએ મન મોકળું રાખીને ખ્રિસ્તી ડિઝાઇનરની મદદ લીધી છે અને ખ્રિસ્તી ડિઝાઇનરે એકદમ દિલ દઇને આ મસ્જિદની ડિઝાઇન બનાવી છે.

હાથકડીની વિચિત્ર કહાણી

અમેરિકાના ઍરિઝોન પ્રાન્તના શેન્ડલર નામના શહેરમાં સીન બેરી નામનો માણસ ચાવી વગરની હાથકડી સાથે રમી રહ્ના હતો ત્યારે એકાએક હાથકડી બંધ થઈ ગઈ અને તેના હાથ બંધાઈ ગયા. તેણે લુહારને બદલે પોલીસને ફોન લગાડયો. પોલીસ તરત તેની મદદે તો આવી, પરંતુ પોલીસ ઓફિસરોએ અમસ્તું જ કોમ્પ્યુટરમાં ગુનેગારોની યાદીમાં ક્યાંક સીન બેરીનું નામ તો નથી તે જોયું તો લાઇસન્સ રદ થયું હોવા છતાં કાર ચલાવવાનો ગુનો તેના નામે બોલતો હતો. પછી પોલીસે સીન બેરીની હાથકડી ખોલી તો આપી, પરંતુ આ કામ બેરીને કસ્ટડીમાં નાખ્યા બાદ કરવામાં આવ્યું. એ હાથકડી તેની પાસે આવી કઈ રીતે તે વિશે તરત કોઈ જાણકારી મળી શકી નહોતી.

મોતીના વિવિધ ઉપયોગ 

ઘણા લોકો શારીરિક, માનસિક તેમજ સામાજિક વ્યાધિને દૂર કરવા માટે જેમ-થેરપીનો આશરો લે છે. જોકે આ શાસ્ત્ર સદીઓ જૂનું છે. અમુક રંગનાં કે ગ્રહનાં નંગો પહેરવાથી અમુક-અમુક ફાયદો થાય એવું ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક માને છે. જેમ કે નારંગી રંગનાં નંગ પહેરવાથી લોહીનું પરિભ્રમણ અને પાચનશક્તિ સુધરે છે એવું જેમ-થેરપિસ્ટોનું માનવું છે. તેઓ કહે છે કે દુનિયામાં ચારસો પ્રકારનાં રત્નો અને નંગો અસ્તિત્વ ધરાવે છે અને તેની શરીર, મન અને સંસાર પર વિવિધ અસરો થાય છે. 

આ જેમ સ્ટોન્સમાંથી વાઇબ્રેશન અથવા સ્પંદનો નીકળે છે તેથી ઘણા લોકો તેને ધારણ કરે છે, ઘણા તેને નજીકમાં રાખે છે અને ઘણા તેને પ્રવાહીમાં બોળીને પીએ છે. આ ચારસો રત્નોમાં એક મોતી છે. મોતી મગજને અને ફેફસાંને રક્ષણ આપે છે અને બીજી વ્યાધિઓ પણ મટાડે છે. કોઈ નકારાત્મક સ્પંદનો શરીર તરફ આવતાં હોય તો તેનો નાશ થાય છે. ઘોર હતાશા અને આળસનો પણ મોતી વડે સામનો કરી શકાય છે, તેનાથી પોષણની ખામીઓ પણ દૂર થાય છે. તેનો ઉપયોગ વૈદકમાં દવારૂપે પણ થાય છે અને ખાસ કરીને વૈદ લોકો તેની ભસ્મ તૈયાર કરે છે. વૈદકમાં મોતીને શીતવીર્ય, વીર્યવર્ધક, આંખોને માટે હિતકારી અને શરીરને પુષ્ટ કરનાર મનાય છે. આપણે ત્યાં પ્રાચીન ગ્રંથોમાં એમ પણ કહેલું છે કે, છીપ અને શંખ વગેરે ઉપરાંત હાથી, સાપ, માછલી, દેડકું, સૂવર, વાંસ અને વાદળામાં પણ મોતી હોય છે અને તેને પ્રાપ્ત કરનાર બહુ જ ભાગ્યશાળી મનાય છે.

ભારતના નાનકડા ગામ મલાના વિશ્વભરમાં શા માટે જાણીતું ?

હિમાલયની ગોદમાં, હિમાચલ પ્રદેશમાં આવેલા એક ગામનું નામ છે મલાના, ભારતીયો માટે મલાના નામ ભલે જાણીતું નથી, પરંતુ ગ્રીસ, ઇટાલી, ઇઝરાયલ અને બ્રિટનમાં મલાના એક મોટું નામ છે. આ દેશોમાં 'મલાના ક્રીમ'ની બહુ મોટી માગ છે. મલાના ક્રીમ એટલે મલાના ગામની આસપાસ ઊગતા ગાંજાના છોડમાંથી મેળવવામાં આવતો એક કાળો, ચીકણો પદાર્થ. તેનો નશો બહુ જોરદાર હોય છે. અહીંના ગાંજાના છોડમાંથી બનતા સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા પદાર્થને મલાના ક્રીમ કહેવામાં આવે છે. તેનાથી ઊતરતી કક્ષાનો પદાર્થ ચરસરૂપે વેચવામાં આવે છે. ગાંજાથી તો આપણે બધા વાકેફ છીએ જ. બાવાઓની ચલમને કારણે બચ્ચેબચ્ચાને ખબર છે કે ગાંજા કઈ રીતે પીવામાં આવે છે, પણ પશ્ચિમમાં ગાંજાનું સેવન સહેજ અલગ રીતે થાય છે. ત્યાં ગાંજાના છોડનાં પાંદડાંમાંથી તૈયાર થતા મારિજુઆનાનું સેવન થાય છે. એમાં પણ મલાના ગામમાં ઊગતો ગાંજા સૌથી ઊંચી ગુણવત્તાવાળો ગણાય છે. એટલે પશ્ચિમના નશેબાજો મલાનાના મારિજુઆના માટે સૌથી ઊંચા દામ આપવા તૈયાર થઈ જાય છે. અને અ જ રીતે મલાના ક્રીમ પર પણ આ ગામનો ઇજારો હોવાથી એ પદાર્થ પણ સોના જેવો મોંઘેરો છે.