Get The App

રામરાજ્ય માટે જરૂરી આઠ બાબતો .

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
રામરાજ્ય માટે જરૂરી આઠ બાબતો                                 . 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- રામાયણ વાંચવાનો વિષય નથી, જીવનમાં ઉતારવાનો વિષય છે

પ્ર ત્યેક વર્ષે રામનવમી આવે છે, આપણે રામપ્રેમીઓ ધામધૂમથી ભગવાન શ્રીરામનો જન્મદિવસ ઉજવીએ છીએ, પણ આ તો કર્મકાંડ થયું. શું શ્રીરામજીનું જીવન માત્ર કથાનો વિષય બની ગયું છે ? રામરાજ્ય માત્ર કલ્પનાનો વિષય છે ? ના, હરગિઝ નહીં. રામાયણ માત્ર વાંચવાનો વિષય નથી, જીવનમાં ઉતરવાનો વિષય છે.

રાવણ શ્રીરામના હાથે મોક્ષ પામ્યો પણ આપણે દર વર્ષે રાવણના પૂતળાનું દહન કરી તેને જીવતો રાખ્યો છે. કારણ કે રાવણ વ્યક્તિવાદ, સત્તાપ્રિયતા, ભોગવાદ અને અહંકારનું પ્રતીક અને પરિણામ છે.

રામમંદિરો ધરતી પર બન્યાં પણ રાવણે પોતાનો પ્લોટ માણસના મનમાં રિઝર્વ કરાવી દીધો છે. કારણ કે લોકોને કષ્ટો વેઠવા ગમતાં નથી. સહેલાઇથી પ્રાપ્ત બાહ્ય સુખોની શીતળ છાયા ગમે છે.

ભગવાન રામ વિષ્ણુનો સાતમો અવતાર અને મર્યાદા પુરુષોત્તમ છે. આપણે તેમના જન્મ, આદર્શો, વનવાસ, રાવણવધ અને રામરાજ્ય વિષે જાણવું અત્યંત આવશ્યક છે. સત્ય, ધર્મ, ત્યાગ અને આદર્શ જીવનના પ્રતીક સમા શ્રીરામ ભગવાન શિવના ભક્ત હતા. ત્રેતાયુગમાં સૂર્યવંશી રાજા દશરથને રાણી કૌશલ્યાથી ચૈત્ર સુદ નોમને દિવસે અયોધ્યાનગરીમાં રામનો જન્મ થયો હતો અને તેથી આ દેશમાં તેમનો જન્મ રામનવમી તરીકે ઉજવાય છે. શ્રીરામ વિશ્વવિખ્યાત અવતારી પુરુષ હતા. બાળપણમાં જ યજ્ઞાના રક્ષણ માટે વિશ્વામિત્રની માગણીથી રામલક્ષ્મણે જઇ ઘણા રાક્ષસોનો નાશ કર્યો હતો. યજ્ઞા સમાપ્ત થઇ ગયા પછી વિશ્વામિત્રની સાથે રામ મિથિલા નગરીમાં જ્યાં સીતાનો સ્વયંવર હતો ત્યાં ગયા. રસ્તામાં પથ્થર રૂપેપડેલી અહલ્યાનો ઉધ્ધાર કર્યો. શિવે આપેલું પ્રચંડ ધનુષ્ય તોડી સીતા સાથે વિવાહ કર્યો હતો. વિવાહ કર્યા પછી શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે રાજા દશરથે તેમના રાજ્યાભિષેકની તૈયારી શરૂ કરી પણ રાણી કૈકેયીએ તેમાં વિઘ્ન નાખી રામને બદલે ભરતને ગાદી અને રામને ચૌદ વર્ષ વનવાસ એવાં વરદાન માગ્યા. અને રામ અયોધ્યા છોડી ચાલી નીકળ્યા. લક્ષ્મણ અને સીતા પણ તેમની સાથે વનમાં ગયાં. તેઓ ચિત્રકૂટ પર્વત આવી, પર્ણકુટિ બનાવી સુખેથી રહેવા લાગ્યાં. ત્યાં રામે ઘણાં રાક્ષસોનો નાશ કર્યો.

શ્રીરામે શૂપર્ણખાના કાન અને નાક કાપ્યાં, ખર નામનાં રાક્ષસને પણ સૈન્ય સહિત માર્યો. આથી રાવણે મારીચ પાસે મૃગ રૂપ ધારણ કરાવી, પોતે સંન્યાસીનો વેશ ધારણ કરી, રામ-લક્ષ્મણને મૃગની શોધમાં અરણ્યમાં મોકલી, તેમને સીતાનું હરણ કર્યું.

રામ અને લક્ષ્મણ જ્યારે સીતાને શોધવા નીકળ્યા ત્યારે જટાયુએ તેમને ખબર આપ્યા. રામ-લક્ષ્મણ ચાલતાં ચાલતાં પંપા સરોવર થઇ ઋષ્યમૂક પર્વત સમીપ આવ્યા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી કરી. વાલીનો વધ કરી સુગ્રીવને ગાદીએ બેસાડયો. સુગ્રીવે સીતાની શોધ કરવા અંગદ, હનુમાન વગેરે વાનરોને શ્રીરામની સાથે મોકલ્યા.

હનુમાને લંકામાં સીતાની શોધ કરી. વાનરસેના સાથે રામચંદ્ર લંકા જવા નીકળ્યા. નીલ વાનર વિશ્વકર્માના અંશથી જન્મેલો હતો. તેની પાસે સમુદ્ર ઉપર સેતુ બંધાવી રામ લંકામાં ગયા. રામરાવણનું યુદ્ધ થયું. તેમાં ઇંદ્રજિત, કુંભકર્ણ અને બધા રાક્ષસોનો નાશ કર્યો. સીતા સુરક્ષિત મળી ગયા. પછી વિભીષણને લંકાની ગાદી આપી રામ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા ગયા. ભરતને અગાઉથી સમાચાર મોકલ્યા હતા તેથી તેમને અત્યંત હર્ષ થયો હતો અને નંદીગ્રામમાં તે રામને મળ્યા હતા. ત્યારપછી અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થયો અને રામે ભાઈ ભરતને યુવરાજ પદ પર સ્થાપ્યા હતા. રામે રાજ્ય કર્યું, તે ગાળામાં કોઇનું અકાળ મૃત્યુ સરખું પણ થયું નહોતું, કોઈ સ્ત્રીને વૈધવ્ય પણ આવ્યું નહોતું. સહુ સર્વ રીતે સુખી હતા, કોઈ કોઇનું શોષણ ના કરે, કોઇ કોઇની ઇર્ષ્યા ના કરે, કોઈ કોઇને અન્યાય ના કરે, સહુ પોતપોતાનો ધર્મ બજાવે, લાંબુ સ્વસ્થ આયુષ્ય ભોગવે આ બધાં રામરાજ્યના આદર્શો હતો.

સીતા રામથી સગર્ભા થયાં, તેમને વાલ્મિકિ ઋષિના આશ્રમમાં મોકલ્યાં, જેથી પ્રજાજનોના મનમાં રાજારામ પ્રત્યે અસંતોષ ના જન્મે. પછી રામે અશ્વમેઘ યજ્ઞા કર્યો, જેમાં અનેક ઋષિઓ આવ્યા હતા. તેમાં ઋષિ વાલ્મીકિ પણ હતા. તેમની સાથે સીતાના બે પુત્ર લવ-કુશ પણ આવ્યા હતા. શ્રીરામ સીતા સિવાય બીજી સ્ત્રીઓને માતા સમાન માનતા હતા. તેઓ વિષ્ણુના મર્યાદાવતાર તરીકે ગણાતા હતા. રામે ઘણા કાળ પર્યંત ન્યાયપૂર્વક રાજ્ય ચલાવ્યું અને તે સમય રામરાજ્યનો પર્યાય બની ગયો.

ઋષિ વાલ્મીકિએ રાજારામની જીવનકથા રામકથાની રચના કરી તેને રામાયણ કહેવાય છે. ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં તે લખાયું હોય એવી માન્યતા છે. પૂ. ગાંધીજીનો રામાયણ ઉપરનો અત્યંત પ્રેમ તેમના જીવનનો મહત્ત્વનો પાયો છે. પૂ. બાપુ તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણાતા હતા. મર્યાદા પુરુષોત્તમ રામ અવતારી પુરુષ હતા, તેમના વ્યક્તિત્વની અનેક વિશેષતાઓ છે. રામ એટલે રામ.

૧. એકવચની ૨. પ્રતિજ્ઞાબધ્ધતા ૩. મન-હૃદયની પવિત્રતા ૪. આદર્શ પુત્ર ૫. આદર્શ ભાઈ ૬. આદર્શ મિત્ર ૭. આદર્શ રાજા ૮. એક પત્નીવ્રતા ૯. નમ્ર, નિખાલસ, નિર્દંતી, ચારિત્ર્યવાન ૧૦. ભૌતિક સુખો પ્રત્યે અનાસક્તિ

૧૧. પરોપકાર, સ્વાર્થત્યાગ, પ્રજાકલ્યાણ અને મર્યાદાપાલન એજ સર્વસ્વ

૧૨. શ્રીરામના સવિશેષ પરિચય સાથે જેનું નામ અમર થઇ ગયું એવા રાવણની કથાથી પણ આપણે વાકેફ રહેવું જોઇએ. વિશ્વાઋષિ અને કૈકસીનો મોટો પુત્ર તે રાવણ. રાવણને કુંભકર્ણ અને વિભીષણ નામના બે ભાઈઓ અને શૂપર્ણખા નામની બહેન હતી. કહેવાય છે કે રાવણની ભુજાઓ કૈલાસપર્વત હેઠળ દબાઈ ગઈ ત્યારે તેણે 'રાડ' (રાવ) પાડી હતી એટલે એનું નામ 'રાવણ' પડયું. રાવણને દસ મસ્તક હોવાની વાત 'કલ્પનારમ્ય' લાગે છે. દસ ગ્રીવા (ડોક) દસ સાધારણ ડોક જેવી હોય તો, તે દસ ગણાં ઘમંડવાળો ગણવો. તે સમયે લંકા પર કુબેરનો અધિકાર હતો. રાવણને બળવાન જોઇને કુબેર લંકા છોડીને કૈલાસ ચાલ્યા ગયા. અને રાવણે લંકા પર અધિકાર પ્રાપ્ત કર્યો. રાવણ જ્ઞાની હતો અને તપસ્વી પણ હતો. ઘોર તપશ્ચર્યાથી એણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. બ્રહ્માજીના વરદાનથી ઇંદ્ર, કુબેર, યમ વગેરેને રાવણે હરાવ્યા. અને બધાને એ સતાવવા માંડયો હતો. સ્વભાવે ઘમંડી અને ઘણો ક્રૂર હતો. કન્યાઓ અને પત્નીઓનું અપહરણ કરવા લાગ્યો હતો.

રાવણે કપટથી સીતાજીનું અપહરણ કર્યું હતું. ત્યારે શ્રીરામે વાનરોના સૈન્ય સાથે લંકા પર ચઢાઈ કરી, અને યુદ્ધમાં રાવણ મરણ પામ્યો. ભગવાન શ્રી રામજીના જીવનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. પણ આપણી યુવા પેઢીના ઘડતરમાં આપણે કાચા પુરવાર થયા છીએ.

રામ બનવા ત્યાગનો માર્ગ અપનાવવો પડે અને રાવણ બનવા માત્ર ભોગનું શરણું શોધવું પડે. ત્યાગ કસોટી માગે છે. ચારિત્ર્યશીલ બનવા માટે અનેક કષ્ટો સહન સહેવાં પડે છે. એ ખતરો ઉઠાવવા તૈયાર ના હોય એવા લોકો બાહ્ય-સુખોની શીતળ છાયા માટે લલચાવા તત્પર બને છે.

અત્યારે રામરાજ્ય તો કલ્પનાનો વિષય બની ગયો છે, પણ દામરાજ્ય એ આજની વાસ્તવિક્તા છે. ઇશનું રાજ હવે 'દામનું રાજ્ય' બની ગયું છે.

જગત 'રામરાજ્ય' બને તે માટે જરૂરી આઠ બાબતોને કઇ છે ?

૧. માનવમૂલ્યોનું જતન અને તેમાં અખૂટ વિશ્વાસ.

૨. કર્તવ્યનિષ્ઠ પ્રજાજનો અને પ્રજાકલ્યાણને વરેલા શાસકો.

૩. સત્તાને નહીં પણ સેવાને તથા જનકલ્યાણને સર્વાધિક મહત્વ.

૪. ઇર્ષા, દ્વેષ, સત્તાતૃષ્ણા અને અહંકારનો ત્યાગ

૫. ધર્મ, નૈતિકતા, કર્તવ્યપરાયણતા અને શ્રેષ્ઠ નાગરિકત્વ વિકસાવવાની ભાવના.

૬. દંભ અને કૃત્રિમતાથી બચવું જોઇએ.

૭. વૈભવ અને સત્તાને નહીં માનવતાને મહત્વ આપવું પડે.

૮. ટૂંકમાં માણસે વૈષ્ણવજન બનવાનો પ્રયત્ન કરવો જોઇએ.