Get The App

1920માં ગાંધીજીના અહિંસક આંદોલનના રંગે રંગાયેલો

હસમુખ ગજજર

ઝારખંડનો તાના ભગત સમુદાય રોજ સવારે તિરંગાની પૂજા કરે છે

Updated: Aug 8th, 2018

GS TEAM

Google News
Google News

ખાદીનો સફેદ લેંઘો, ધોતી, ઝભ્ભો, ટોપી અને મહિલાઓ માટે સુતરાઉ સફેદ સાડી આઝાદીની ચળવળ દરમિયાન રાષ્ટ્રીય પોષાક બની ગયો હતો.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી પરંતુ ઝારખંડના તાના ભગત સમુદાયના લોકોએ આ પોષાક જાળવી રાખ્યો છે. જાણે કે આઝાદીની લડાઇ હજુ ચાલતી હોય તેવો અનુભવ થાય છે. તેમના માટે ગાંધીવાદી મૂલ્યોએ પુસ્તક નહી પરંતુ એક પરંપરા છે. તેઓ છેલ્લા ૯૦ વર્ષથી દરરોજ સવારે રેટિંયો દોરેલા તિરંગાની પૂજા કરે છે. કેટલાક પરીવારો તો તિંરગાની પૂજા ના કરે ત્યાં સુધી અન્નનો એક દાણો પણ લેતા નથી.

તિરંગાની સાથે તેઓ  તાના બાબા અને ગાંધીજીને પણ અચૂક યાદ કરે છે. તાના સમુદાયના લોકો દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરી ફરે છે. તેમનો દેશપ્રેપ્ર કોઇ રાષ્ટ્રીય પર્વ પૂરતો નહી બારેમાસ છલકતો રહે છે. દેશભકિતનું આવું ઉદાહરણ કયાંય જોવા મળતું નથી. આઝાદીના આંદોલન દરમિયાન રેડાયેલો આ સંસ્કાર પેઢી દર પેઢી હજુ પણ જળવાઇ રહયો છે.1920માં ગાંધીજીના અહિંસક આંદોલનના રંગે રંગાયેલો  1 - image

તાના ભગત સમુદાયનો સમગ્ર ઇતિહાસ આઝાદીના રંગ રંગાયેલો છે.

ઇસ ૧૯૧૪માં બિહાર  (હાલ ઝારખંડ)  રાજયમાં તાના ભગત નામનું આંદોલન શરુ થયું હતું.  આ અહિંસક આંદોલનના પ્રવર્તક જતરા ભગતનો હેતું આદિવાસીઓને સંગઠિત કરીને રાજકિય અને સામાજિક સુધારણા લાવવાનો હતો. જતરા ભગતનો જન્મ ઇસ ૧૮૮૮માં ગુમલા જિલ્લાના બિશનપુર તાલુકાના ચિંગારી નામના ગામમાં થયો હતો.

જતરા ભગતે લોકોને પશુબલી,માંસભક્ષણ અને શરાબ છોડીને સાત્વિક જીવન જીવવા પર ભાર  મુકયો હતો. ભૂતપ્રેત જેવી અંધશ્રધ્ધાઓ છોડીને શોષણ અને અન્યાય સામે લડવાની સમજ આપી હતી. એ સમયે બ્રિટીશ હકુમત અને તેમના  સામંતો અને શાહુકારો લોકોનું ખૂબ આર્થિક શોષણ કરતા હતા. જતરા ભગતે આદિવાસીઓમાં અન્યાય બોધની લાગણી જગાડતા ૨૬ હજારથી વધુ લોકો પ્રત્યક્ષ રીતે તેમના આંદોલન સાથે જોડયા હતા.

આ આંદોલને સામાજિક સુધારણા ઉપરાંત અંગ્રેજો સામે પણ મોરચો માંડયો હતો. જતરા ભગતે કોઇ પણ માલ કે વસ્તુ પર કોઇ પણ પ્રકારનો કર નહી ભરવાનું એલાન કર્યુ હતું. આથી જતરા ભગત અંગ્રેજોને આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા હતા. જતરાએ અંગ્રેજો સામે જે વિરોધ કર્યો તે તાના ભગતના આંદોલન તરીકે જાણીતો બન્યો. અંગ્રેજોને મોટા વિદ્વોહની ગંધ આવતા જતરા ભગતની ધરપકડ કરીને દોઢ વર્ષ જેલમાં રાખ્યા હતા. જેલમાંથી છુટયા બાદ જતરાનું અચાનક મુત્યુ થયું પરંતુ તેમના સમજદાર  માણસોએ આંદોલનની ચિનગારીને બુઝાવા દીધી ન હતી.

એ સમયે ગાંધીજી દેશમાં ચાલતી આઝાદીની પ્રવૃતિ અને ચળવળના લિડર તરીકે ઉભરી રહયા હતા. જતરા એટલે કે તાના ભગત આંદોલનના અનુયાયીઓ ગાંધીજીના સ્વદેશી આંદોલનના પ્રચાર પ્રસારમાં જોડાઇ ગયા હતા.  ૨૦૨૦માં ગાંધીજીએ દેશમાં અસહકાર આંદોલન શરુ કર્યું તેમાં તાના ભગત આંદોલનકારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. 

ઇસ ૧૯૨૨માં ગયા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં મોટી સંખ્યામાં તાના ભગત આંદોલનકારીઓએ હાજરી આપી હતી. તાના ભગતના અનુયાયીઓએ અસહકાર આંદોલનમાં ભાગ લઇને અંગ્રેજોને હંફાવ્યા હતા. આથી અંગ્રેજોએ ૭૮૫ તાના પરીવારોની ૪૫૦૦ એકર જમીન ખાલસા કરીને મોટા જમીનદારોને ફાળવી હતી. એક સમયે પોતાની જમીનમાં ખેતી કરતા તાના ભગત ખેડૂતો મજૂરી કરવા મજબૂર બની ગયા હતા.

આથી તાના ભગત આંદોલન અંગ્રેજોનું ઘોર વિરોધી બની ગયું હતું. એવું કહેવાય છે કે તાના ભગત આંદોલનકારીઓને મહાત્મા ગાંધીએ દેશ આઝાદ થયા પછી જમીન પાછી અપાવવાનું વચન આપ્યું હતું. આઝાદી મળ્યા પછી  ઇસ ૧૯૪૮માં ભારત સરકારે તાના ભગત રૈયત એગ્રીકલ્ચરલ લેંડ રેસ્ટોરેશન એકટ પસાર કર્યો હતો. આ અધિનિયમમાં ઇસ ૧૯૧૩ થી ૧૯૪૨ સુધી અંગ્રેજ સરકારે તાના ભગતોની છીનવી લીધેલી જમીન પાછી આપવાની જોગવાઇ હતી.

 બિહારના તત્કાલિન મુખ્યમંત્રી કૃષ્ણાસિંહે ૧૨૫ પરીવારોને ૧૦૦૦ એકર જમીન પાછી આપી હતી. બાકી રહેલા તાના ભગત સમુદાયના લોકોએ ઝારખંડની અનેક સરકારોને અનેક વાર રજૂઆત કરી પરંતુ આ વાત સરકારના ગળે ઉતરતી નથી. સમય જતા રીતિ રિવાજો અને અન્ય ભિન્નતાના કારણે તાના ભગતની પણ શાખાઓ ઉભી થઇ હતી. તેની મુખ્ય શાખાને સાદા ભગત કહે છે.

આ ઉપરાંત વાંછીદાન ભગત, કરમા ભગત, લોદરી ભગત, નવા ભગત, ગૌરક્ષણી ભગત વગરેનો સમાવેશ થાય છે. આજે તાના ભગત પરીવારના લોકોની સંખ્યા ૫ હજાર કરતા વધારે છે. નવાઇની વાત તો એ છે કે દેશભકત લોકો જ સૌથી ગરીબ અને પછાત રહી ગયા છે. છેલ્લા ૭૨ વર્ષથી વહેંચાતા વિકાસના ફળ તેમના સુધી પહોંચ્યા નથી. આથી ઝારખંડના રાંચી, લોહરદગા, ગુમલા, શિમડેગા અને પલામુ જેવા ગામોમાં રહેતા તાના ભગત સમુદાયની સ્થિતિ બદલાઇ નથી.

તાના ભગત આંદોલને ગાંધીજીને રુપિયા ૪૦૦નું દાન આપ્યું હતું

ઝારખંડનું તાના ભગત આંદોલન ગાંધીજીના અહિંસક આંદોલનના રંગે રંગાયેલું હતું. ૧૯૨૩માં તાના આંદોલનકારીઓએ નાગપુર સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

૧૯૪૦માં રામગઢ અધિવેશનમાં તાના ભગતના માણસોએ ગાંધીજીને ૪૦૦ રુપિયા ભરેલી થેલી દાનમાં આપી હતી. જતરા ભગતના નેતૃત્વમાં આ આંદોલન સંગઠનના પંથ તરીકે વિકસિત થયું હતું. તેમના પછી બલરામ ભગત,ગુરુરક્ષિતણી ભગત વગરેએ પણ આંદોલન સંભાળ્યું હતું.

Tags :