Get The App

રિધિમા પંડિત : હું માત્ર ટીવી એક્ટ્રેસ નથી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
રિધિમા પંડિત : હું માત્ર ટીવી એક્ટ્રેસ નથી 1 - image

- 'મારે હવે ગુજરાતી સિનેમામાં પણ કામ કરવું છે. અલબત્ત, મારા માટે ભાષા કોઈ  આડખિલી નથી. હું અલગ અલગ ભાષાની  ફિલ્મો કરવા ઈચ્છું છું. મારા મતે પ્રત્યેક  ફિલ્મ આપણને  કંઈક શીખવે છે.'  

ધારાવાહિકોની  દુનિયામાં  'બહુ  હમારી રજનીકાંત' દ્વારા બેહિસાબ પ્રશંસા પ્રાપ્ત કરનાર અભિનેત્રી  રિધિમા પંડિતે હવે  ૭૦ એમએમનો પડદો વ્હાલો  કર્યો છે.  અલબત્ત,  તેણે બોલીવૂડ ફિલ્મ નથી કરી.  પરંતુ આદિત્ય સરપોતદારના દિગ્દર્શનમાં બનેલી મરાઠી  ફિલ્મ 'મહેશચા બદલા'થી  મોટા પડદે ડેબ્યુ કર્યું છે.  

અદાકારા આ  ફિલ્મ કરીને બહુ ખુશ છે.  તે કહે છે કે મરાઠી  ફિલ્મમાં   કામ કરીને  મેંમ મારા દાદીને સૌથી વધુ રાજી  કર્યાં છે.  તેઓ એ વાતે ગૌરવ  અનુભવી રહ્યાં છે કે છેવટે  તેમની મરાઠી મુલગીએ  મરાઠી ભાષાની  ફિલ્મ કરી.  જો કે રિધિમાનું એમ કહેવું  પણ નથી ચૂકતી  કે તેની મમ્મી ગુજરાતી છે. તેથી તેને હવે  ગુજરાતી  સિનેમામાં  પણ કામ કરવું  છે.  અલબત્ત,  મારા માટે  ભાષા કોઈ  આડખિલી નથી. હું અલગ અલગ ભાષાની  ફિલ્મો કરવા ઈચ્છું છું.  મારા મતે પ્રત્યેક  ફિલ્મ આપણને  કંઈક શીખવે છે.  વળી પ્રાદેશિક   ભાષાની  પિલ્મો કરતી વખતે  તેની તૈયારી માટે વધુ સમય  આપવો પડે છે પરંતુ તમે  એક વખત  સેટ પર પહોંચો ત્યાર  પછી  તમારા ૧૨ કલાક પલક ઝપકતાં પસાર થઈ જાય.

રિધિમાએ  વર્ષ ૨૦૧૭ પછી ટીવી પર કામ નથી કર્યું.  આમ છતાં લોકો તેને પૂછતાં રહે છે કે 'બહુ હમારી રજનીકાંત' ના બીજા  ભાગમાં તે ક્યારે કામ કરશે. આવી  વાતો અદાકારાને ઉત્સાહિત  કરે છે. તે કહે છે કે હજી સુધી લોકો મને સંભારે છે.  તેનાથી રૂડું  શું? જો કે હું માત્ર સારા કામની રાહ જોવા સિવાય બીજું કંઈ કરી શકું તેમ નથી.

અભિનેત્રીએ  દિગ્દર્શિકા  મીરા નાયરના ઓટીટી પ્રોજેક્ટ  'સિકંદર' માં પણ કામ કર્યું  છે. તે કહે છે કે આ પ્રોજેક્ટમાં   મને ઝાઝું-ફૂટેજ નથી મળ્યું.  અને મને તેનો કોઈ રંજ પણ નથી. મારા માટે શક્તિશાળી  પાત્રો મહત્ત્વના છે. હા,  મને એ વાતનો વસવસો ચોક્કસ  છે કે હવે ટીવી પર કામ મેળવવા  સોશ્યલ મીડિયાના ફોલોઅર્સની સંખ્યા મબલખ હોય એ જરૂરી  બની  ગયું છે. પરંતુ હું માત્ર ટીવી  એક્ટ્રેસ નથી.  હું એક કલાકાર છું.  મને કોઈપણ  માધ્યમમાં  સારું કામ મળતું હોય તો હું તે  રાજીખુશીથી  કરવા તૈયાર છું.