Get The App

અનાવૃત - જય વસાવડા

કોકો- હચીકો : પ્રાણીઓની ઇન્સાનીયતની કહાણી !

Updated: Jun 27th, 2018

GS TEAM

Google News
Google News
અનાવૃત - જય વસાવડા 1 - image

આપણી આસપાસની માણસ સિવાયની સૃષ્ટિમાં ય લાગણી અને બુદ્ધિ છે. ભાષા નથી, પણ આપણા કરતાં વધુ પારદર્શકતા છે

અમેરિકાના આઝાદી દિન ૪ જુલાઈ, ૧૯૭૧ના રોજ સાનફ્રાન્સિસ્કો ઝૂમાં એક માદા ગારિલ્લા બચ્ચાનો જન્મ થયો. એ દિવસે આખા અમેરિકામાં દિવાળી જેવી આતશબાજી થાય. એટલે એ બચ્ચાનું નામ રાખ્યું 'હનાબી-કો' હનાબી એટલે જાપાનીઝમાં ફાયરવર્ક્સ, આતશબાજી પણ રહેતા રહેતા એ થઈ ગયું કોકો.

કોકો શરુઆતમાં નાના બાળકો માટેના વિભાગમાં હતી ને ગેલગમ્મત કરતી. એ એેક વરસની થઈ ત્યારે એક યુવતી ત્યાં આવી. એ પોતાના પીએચડી થિસિસ માટે રિસર્ચ કરતી હતી. નામ હતું ડો. ફ્રાન્સીન પીટરસન લાડમાં બધા એને 'પેની' કહેતા. કોકો સાથે એનું મન હળી ગયું ને એણે જોયું કે કોકો બીજા ગોરિલાઓથી અલગ છે એને 'વાતો' કરવી ગમે છે એ અવાજો કાઢે છે અને ઇશારા કરે છે.

મેડમ પીટરસને પ્રયોગો ખાતર એને ચિત્રો બતાવી 'સાઇન લેન્ગવેજ' શીખવાડવાનું શરુ કર્યું. કોકો હોંશિયાર સ્ટુડન્ટ નીકળી. ફટાફટ એ શીખતી ગઈ ઇશારો ઇશારો મેં બાતચીત ! બેઉની ગુરૃ-શિષ્યા કરતા મધર- ડોટર જેવી રીલેશનશીપ એવી જામી કે, ડો. પીટરસને એની જોડે રહેવા માટે સ્વતંત્ર ગોરિલા ફાઉન્ડેશન નામની સંસ્થા જ શરૃ કરી ! ઝૂવાળાઓએ કોકોનો લગાવ જોતા એને જ ઉછેરવા આપી દીધી.

પીટરસનને કઈ સંતાન નથી આજે એ મહિલા ૭૧ વર્ષની થઈ, અને કોકોનું તાજેતરમાં જ ૪૬ વર્ષની વયે ઊંઘમાં જ નિધન થયું. જેનો શોક વર્લ્ડ મીડિયાએ મનાવ્યો. આફ્ટરઓલ, ૧૯૭૧ અને ૧૯૮૫ એમ બબ્બે વખત 'નેશનલ જ્યોગ્રોફિક'માં કવરપેજ પર ચમકેલી એ સેલિબ્રિટી હતી !

સેલિબ્રિટીઝ પણ કોકોની ફેન હતી. આમ તો બધાએ ટારઝનની સ્ટોરી વાંચેલી જ છે. ગોરિલા માતાએ કેવી રીતે ગોરા ભૂલકાને લાડકોડથી ઉછેર્યો ! અને મા કાલાનું દૂધ પીને તગડો બનેલો ટારઝન 'વ્હાઇટ એપ' (ઘોળા બંદર) તરીકે ઓળખાઈને આફ્રિકામાં જીવસટોસટના સાહસિક પરાક્રમો કરતો થયો, અને એપ્સ યાને વાનરપ્રજાતિના ગોરિલાઓ એને સાથ આપતા.

કોકોમાં આ હ્યુમન એલિમેન્ટ જોવા મળ્યું. એ અરીસા સામે જોઈને તૈયાર થાય. સ્ટફડ ટોયઝ જેવા રમકડાથી રમે. મોટી થઈ તો વધુ વજનદાર (૧૬૦ કિલો) અને વધુ સમજદાર થઈ.

પાલક ગુરૃમાતા પીટરસને એને ૧૦૦૦ શબ્દો સાઇન લેંગ્વેજથી કોમ્યુનિકેટ કરતી કરી, અને ૨૦૦૦ શબ્દો સમજતી કરી ! મતલબ, કોકો પ્રાણી પ્રજાતિની એવી પ્રથમ પ્રતિનિધિ બની જે માણસો સાથે ડાયરેક્ટ ડાયલોગ કરી શકે ! પ્રાણીઓમાં ઝાઝી અક્કલ, સમજ કે લાગણી હોતી નથી એવું માનતા ઘણા પ્રાણી શાસ્ત્રીઓ માટે એ શંકાસ્પદ કોયડો જ રહી. અમુકે આક્ષેપો પણ કર્યા કે એના ઇશારાના મનફાવતા 'અનુવાદો' કરીને એને હોય તેથી વધુ ઇન્ટેલીજન્ટ પુરવાર કરવામાં આવે છે.

.પણ તટસ્થ ભાવે જે લોકો અને મશહૂર હસ્તીઓ એને મળવા ગયા એ બધાએ સરાજાહેર કહ્યું, અલગ અલગ તબક્કે કે કોકોના બધા ઇશારા સમજાતા નથી. કદાચ થોડું વાતમાં મોણ એના કેરગિવર્સ નાખતા હશે, પણ બેશક એની સામે તમે હો ત્યારે કોઈ જંગલી પશુને બદલે 'સમજણ- સંવેદના' ધરાવતા અસ્તિત્વ સાથે સંવાદ કરતા હો એવું જરૃર લાગે !

એમાં ઘણા એવા વિડિયોઝ ઉતર્યા. કોકોના જીન્સ ટ્રાન્સફર થાય અને એ માતા બને એના નેચરલી જગત આખાના સંશોધકોને રસ હોય. એવા પ્રયત્નો થયા ખાસ એક મુરતિયો શોધીને એની સાથે રાખવામાં આવ્યો 'માઇકલ'. પણ માઇકલના નસીબ પૃથ્વીના ૫૦% પ્રેમીપુરુષ જેવા જ નીકળ્યા.

એને લવર તરીકે કન્સિડર કરવાને બદલે કોકોએ એને 'ફ્રેન્ડ ઝોન'માં જ મૂકી દીધો ! 'મૈને તુમ્હેકભી ઇસ નિગાહ સે દેખા હી નહિ !' કહ્યું, હશે, અને પછી 'ભાઈ'ની જેમ ટ્રીટ કર્યો ! કોકોને પ્રેમ થયો નહિ એટલે સંવનન કે સંતતિના ચાન્સ રહ્યા નહિ.

હા, કોકો સાથે રહી માઇકલ પણ થોડી ઘણી 'વાતો' કરવાનો જરૃર શીખી ગયો ! એના માતા-પિતાને જંગલમાં શિકારીઓએ મારી નાખ્યા હતા.

ત્યારે અનાથ બચ્ચું બનેલા માઇકલને કોઈ ઝાડ કાપવાના સાધનથી પણ 'મોટી ઉંમરે' ડર લાગતો ! માઇકલના અવસાન પછી કોકોએ પ્લેમેટ ગુમાવી દીધો. સેડ સેડ મૂડમાં રહેવા લાગી. બીજા ગોરિલાઓ સાથે ય એને રાખવામાં આવી પણ કોકો માતા ન બની.

પણ માતૃત્વની લાગણીઓ એ વહેવડાવતી રહી. એને બિલાડીના બચ્ચા ખૂબ ગમતા. એમ તો જન્મદિવસમાં ય ખબર પડતી ને એના કાર્ડ જોઈ રાજી થતી, રણકાર કરતી. એક જન્મદિને એને 'ઓલ બોલ' નામનું બિલાડીનું બચ્ચું ભેટ આપવામાં આવ્યું કોકો એને માની જેમ તેડીને ફરતી. તોફાન કરે તો ખીજાતી. વ્હાલથી ખોળામાં ઊંઘાડતી અકસ્માતે ઓલબોલ પણ ગુજરી ગયું, તો કોકો દિવસો સુધી શોક પાળતી હોય તેમ ઉદાસ રહી. પછી બીજાં ય બચ્ચા મળ્યા પણ ઓલબોલ જેવું કોઈ ટી.વી.માં દેખાય તો એ 'સેડ !' એવી સાઇન બતાવતી !
સેડ તો એ ૨૦૧૪માં સુખ્યાત અભિનેતા રોબિન વિલિયમ્સના અકાળ મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે ય થયેલી ! એક્ચ્યુઅલી કોકો ફિલ્મો જોતી, મ્યુઝિક સાંભળતી. રોબિન વિલિયમ્સ એના પ્રાઇમ ટાઇમમાં કોકોને મળવા આવેલો. સુપરસ્ટાર સાથે એને મજા પડી ગઈ.

બેઉએ ધમાલ કરી, સામસામે ચહેરા બનાવીને ખડખડાટ હસતા હોય એવો વિડિયો પણ છે. ટૂંકમાં, રોબિન વિલિયમ્સ સાથે કોકોને એક સ્પેશ્યલ બોન્ડિંગ થઈ ગયેલું.

ડો. પીટરસનના દાવા મુજબ રોબિનના મૃત્યુનો કોલ આવેલો ત્યારે કોકો બાજુમાં હતી દસેક મનિટ ચાલેલી એ ફોન કન્વર્સેશન પરથી અઘટિત બનાવ પારખી ગઈ.

ઓલ બોલ ગુજરી ગયેલા બિલાડીના બચ્ચાનો ફોટો લઈ આવી. એક સાઇન કરી પૂછ્યું. પછી ટી.વી. પર રોબિનના સમાચારો જઈને સેડ સાઇન કરતી રહી ! એમ તો જ્યુરાસિક પાર્ક ફિલ્મ જોઈ કોકો ડાયનોસોરથી એવી ડરેલી રહી કે ડાયનાસોરના રમકડા જુદા કરી નાખ્યા !

કોકો ઢીંગલીઘરની જેમ રમતી. સ્કર્ટ પણ મૂડ આવે તો ઝગમગ કપડાનું પહેરતી. માણસ અને બંદરની ૯૮% જીનેટિક બ્લુપ્રિન્ટ સેમ હોઈ એને ય ઇન્ફેક્શન થતા ને માંદી પડતી. મૂડ ઓફ હોય તો એકલી રહેતી કે ગુસ્સે ય થતી. મૂડમાં હોય તો એને મળવા આવેલ બચ્ચાં પાર્ટીને ફૂલો આપતી.

ધમાલ કરતી પણ કદી કોઈને ય જાણી જોઈને ઈજા પહોંચાડી નહોતી. હુમલો ય કરેલો નહોતો. એને કપમાંથી પીતા ને, ચાવી તાળું ઉઘાડતાં ય આવડી ગયેલું, તાળી વગાડીને એની પાસે 'સેવ અર્થ, કોકો ફ્રાય, હેલો નેચર' એવા વિડિયો ય મોડેલની જેમ શૂટ કરાયેલો. એ સંગીતના તાલે ડાન્સ જોઈ નાચવાનો પ્રયત્ન કરતી.

ડો. પીટરસનના મતે કોકોએ જંગલની દુનિયા તો જોઈ જ નહોતી પણ એની અમુક સાઇન અને અવાજો એવા હતા જે આટલા વર્ષોના સહવાસ પછી પણ સમજાતા નહિ.

જે બીજા જંગલી કે અન્ય ઝૂના ગોરિલામાં ય જોવા મળે છે. મતલબ, અમુક કોમ્યુનિકેશન સિગ્નલ્સ તો જન્મજાત ડિફોલ્ટ મોડમાં પ્રાણી જગત પાસે ય હોય છે.

વેલ, પર્યાવરણપ્રેમી કોકોને મળીને અદ્ભુત વાત બે વર્ષ પહેલાં લખી હતી કે, 'આપણે બીજા ગ્રહોમાં તલાશ કરીએ છીએ કે આપણા જેવી બુદ્ધિશાળી પ્રજાતિઓ છે કે નહિ ? પણ આપણી જ આસપાસની સૃષ્ટિની બુદ્ધિમત્તા વિશે બહુ ઓછું જાણીએ છીએ !'
    
૧૦, નવેમ્બર, ૧૯૨૩માં જાપાનમાં અકિટા બ્રીડના એક કૂતરાનું બચ્ચુ જન્મ્યું. હજુ એક વર્ષનું થાય એ પહેલાં એને ટોકિયો ઇમ્પિરિયલ યુનિવર્સિટીના પ્રોફેસર હાદિસેબુરો યોએનોએ પાળવા માટે ખરીદ્યું - પ્રોફેસર ટોકિયો નજીક શિબુઆ સબર્બમાં રહેતા હતા. જોડે એમની દસ વર્ષથી લિવ ઇન પાર્ટનર ગર્લ ફ્રેન્ડ હતી.

અને આ રમતિયાળ ડોગ હચીકો. નેચરલી પ્રોફેસર સાહેબને માલિક હોવા છતાં સંતાન જેવી આત્મીયતા હચીકો સાથે બંધાઈ ગઈ.

હચીકોને ટ્રેઇન કરવાનું, ખાવાપીવાનું હરવા ફરવાનું રૃટિન બની ગયું. હચીકો જોતજોતામાં રાભડા જેવો બિગ ડોગ બની ગયો. પ્રોફેસર રોજ નોકરીએ જવા ટ્રેનમાં અપડાઉન કરે.

હચીકો ઘેરથી એમની જોડે સ્ટેશન જાય ફરી ઘેર આવે. ફરી એમની ટ્રેનનો આવવાનો ટાઇમ થાય એટલે દોડતો એ પહેલા જ સ્ટેશન સામે ઉભો રહે. પ્રોફેસર આવે એટલે એમની સામે ભસીને ગેલ કરે અને પછી બેઉ જોડે ઘેર આવે.

૨૧ મે, ૧૯૨૫ના રોજ એવું બન્યું કે પ્રોફેસર સાહેબ ક્લાસમાં ભણાવતા હતા ને અચાનક જ બ્રેઇન હેમરેજ થઈ ગયું ! ચાલુ લેક્ચરે જ ગુજરી ગયા ! હચીકો રોજના નિત્યક્રમ મુજબ મિત્રવત્ માલિકની રાહ જોવા સ્ટેશને આવીને ઊભો રહ્યો.

સાંજ ઢળી, રાત પડી. પ્રોફેસર તો મોટા ગામતરે ચાલી નીકળેલા એટલે આવવાના હતા નહિ. કૂતરો આખી રાત રાહ જોતો સ્ટેશને ઉભો રહ્યો. ઘેર ત્યાં સુધીમાં મૃતદેહ આવેલો અને એની અંતિમ વિદાય થયેલી.
બીજા તો મેમ્બર ઘરમાં (ક્યારેક જોડે રહેતી ગર્લફ્રેન્ડ સિવાય) હતા નહિ પણ હચીકો સાંજ પડે કે ફરી આવીને ઉભો રહી ગયો સ્ટેશને.

થોડાક દિવસ તો યીકો સાડાનો, એટલે પ્રોફેસર સાહેબની લિવ ઇન પાર્ટનર એને તેડી લાવતી પછી એણે ય જોયું કે હચીકોનો જીવ ક્યાંય ચોંટતો નથી. તે સાંજ પડે ફરી પ્રોફેસરની કાયમી ટ્રેનનો સમય થાય ત્યારે ત્યાં ખડે પગે ઉભો જ રહી જાય છે ! એણે બંધનમાંથી હચીકોને કાયમ માટે મુક્ત કરી દીધો.

હચીકો સ્ટ્રીટ ડોગ બની ગયો પણ રોજનો ક્રમ છૂટયો નહિ.કદી આવવાની નહોતી અને એક દિવસ જેમાંથી ગમતી વ્યક્તિ આવી જ નહિ એવી એ ટ્રેનના ઇન્તેજારનો !

દિવસોના મહિનાઓ થયા, મહિનાઓના વર્ષો વીત્યા. હચીકો અચૂક રોજ સાંજે સ્ટેશન સામે આવીને ગોઠવાઈ જાય. શરૃઆતમાં તો અમુક સ્ટેશનવાળાઓ કે રાહદારીઓ એને પરેશાન કરે, ચીડવે, પથરા મારે પણ હચીકો હલે નહિ. અમુક અપડાઉનીયા જોડીદારોએ વાત સ્ટેશન પર કહી. પછી ગામમાં ફેલાઈ.

હચીકોની સતામણી બંધ થઈ ગઈ. ગામ નાનું, લોકો એને આદરથી જોવા લાગ્યા. હચીકોને વિરોધ કે વ્હાલ કશાની પડી નહોતી એ બસ આવીને એક પણ દિવસ પાડયા વિના, ટાઢ- તાપ, વરસાદ જેવી બધી જ મોસમમાં, કડકડતી ઠંડી કે ધોધમાર બારિસમાં એ જ પોઝિશનમાં આવીને ઊભો રહે પ્રોફેસરની રાહ જોતો !
પત્રકારોએ પછી તો અખબારી સ્ટોરીઝ લખી.

ફોટો પાડવા અમુક મુલાકાતીઓ આવતા. કોઈક ખાવાનું લઈ આવતા. હચીકો આખો દહાડો ખેતરમાં, શેરીમાં ભટક્યા કરતો ને સાંજે સ્ટેશને ! એની જ હયાતીમાં ૧૯૩૪માં એનું જ કાંસાનું પૂતળું સ્ટેશન બહાર મૂકાયું. હચીકો એ 'લોકાર્પણ'માં હાજર રહ્યો. ભીડ વિખેરાઈ, હચીકો ટ્રેનના ઇન્તઝારમાં બેઠો રહ્યો.

અંતે ૮ માર્ચ ૧૯૩૫ના રોજ હચીકોની લાશ એક શેરીમાંથી મળી આવી. ૧૧ વર્ષે વિદાય લઇ ગયેલો આ વફાદાર તપસ્વી કૂતરો પૂરા નવ વર્ષ, નવ મહિના અને પંદર દિવસ યાને એકંદરે આખો એક દસકો બસ માલિકની પ્રતીક્ષામાં રોજેરોજ સ્ટેશન પર આવતો રહ્યો કે કદાચ એની સ્મૃતિને અંજલી આપતો રહ્યો !

પ્રોફેસરની કબર પાસે જ હચીકોને દફન કરાયો. એની ખાલને સ્ટફ કરી ટોકિયોના નેશનલ સાયન્સ મ્યુઝિયમમાં મુકાઈ છે. પેલું સ્ટેચ્યુ બીજા વિશ્વયુધ્ધમાં નાશ પામ્યું, તો ૧૯૮૪માં નવું બનાવાયું. હચીકોના અવશેષોના અધ્યયનથી વિજ્ઞાાનીઓએ તારવ્યું હતું કે એને કેન્સર થયેલું.

આજે ય જાપાનમાં નેશનલ આઈકોન જેટલો પ્રતિષ્ઠિત છે. ટીચર્સ નિષ્ઠા શીખવાડવા એના પાઠ ભણાવે છે. જગતને એની જાણકારી રીડર્સ ડાયજેસ્ટના એક લેખ બાદ ૨૦૦૯માં એ કથામાં કલ્પનાના રંગો, પાત્રો પૂરીને (જાપાનિઝ ને બદલે વેસ્ટર્ન ફેમિલી બતાવીને) બનાવાયેલી 'હચીકો' નામની ફિલ્મથી થઈ. હચીકો ચાન્સ મળે તો જોવા જેવી એક બેનમૂન ફિલ્મ છે! ગેરેન્ટીથી આંખોમાં ઝળઝળિયાં આવશે એવી રીતે એમાં શ્વાન-મનુષ્યના અમર પ્રેમની કહાની વર્ણવાઈ છે. અનેક વફાદાર કૂતરાઓની વાર્તાઓ વિશ્વભરમાં છે.

તોફાનોમાંથી માલિકને બચાવ્યા હોય, બાળકની રક્ષા કરતા જાન આપ્યો હોય. દુશ્મનો પર ત્રાટકીને બદલો લીધો હોય... પણ આ એક યુનિકસ્ટોરી છે.

કોકોની માફક.એક કૂતરાએ સબંધ યારી, વફાદારી નિભાવવા માટે આખું આયખું ખર્ચી નાખ્યું... જે કદી આવવાનીનથી એ ટ્રેનના ઇન્તઝારમાં રોજની પ્રાર્થનાની માફક અડગ અવિચળ હાજર રહ્યો ! અદ્ભુત !આવે તો જીવતાં માણસો ય પ્રેમ નથી કરતા કે આવી તડપથી નથી ન બનનાર ઘટનાની વન-વે લવથી પ્રતીક્ષા કરતા ! અરે, આવી શિદ્દતથી બંદગી-નમાઝ કે આવી ફનાગીરીથી, સમર્પણ ભાવનાથી પૂજા, આરતી ય રોજ નથી થઇ શક્તી !

મિત્રતાના સ્વાંગમાં તમામ મોજની મોમેન્ટસ ઉપકારો ભૂલીને લાગ આવે ત્યારે પોતાના અહંકાર કે ફાયદા માટે ક્ષણના ય વિચાર-શરમ વિના સીધી પીઠમાં છૂરી હૂલાવી દેવાના કાતિલ ખૂંટલ જમાનાના સ્વાર્થની સડેલ બદબૂ સામે આ સુગંધ છે એક કૂતરાની ડેડિકેટેડ લોયલ્ટીની ! દગાખોરીના અનુભવો પછી માણસને કૂતરો કહેતા પહેલા અટકી જવાય એવું છે.

હચીકો જેવા ડોગ માણસો કરતા વધુ મૂલ્યોથી જીવનારા નીકળે ત્યારે શ્વાનપ્રજાતિને માણસ સાથે સરખાવવું એ ય એમનું અપમાન ન ગણાય ?
    
આવી કથાઓ આપણી આસપાસ પણ રચાય છે. કેન્યામાં જોય એન્ડ જ્યોર્જ એડમસન નામના બ્રિટિશ કપલે એક સિંહણ બચ્ચું હતી ત્યારથી ઉછેરી, અને સેલ્સા નામ પાડયું ! એ મોટી થઇને ય તાકતવર સિંહણ બન્યા પછી જોડે પથારીમાં સૂઈ જાય એવી ફેમિલી મેમ્બર બની એની ફિલ્મ બની છે.

આવા જ સાવજની ગાથા ગીરમાં ય છે. બાડા નામના સિંહ સાથે ફોરેસ્ટ ગાર્ડ હળી મળી ગયેલા કે નેસડાંના બાળકો રમતાં હોય સિંહ આસપાસ. દક્ષિણ ભારતમાં એક હાથીએ પોતાનો જીવ આપીને આગ વચ્ચે એક બોલતાં ય ન શીખેલા માનવશિશુને કેવી રીતે બચાવેલું એ પણ સત્યઘટના બનેલી.

રાણા પ્રતાપના વફાદાર અશ્વ ચેતક પર એક સ્વતંત્ર ફિલ્મ બની શકે એમ છે. પણ આપણે આવી ઘટનાઓનું ક્વોલિટી ઇન્ટરનેશનલ પેકેજીંગ કરી શક્તા નથી.
જોકે, અત્રે એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે આપણી આસપાસની માણસ સિવાયની સૃષ્ટિમાં ય લાગણી અને બુદ્ધિ છે. ભાષા નથી, પણ આપણા કરતાં વધુ પારદર્શકતા છે.

ન્યુઝીલેન્ડનો પોપટ 'કા' પાંચ વર્ષના બાળક જેટલું દિમાગ ધરાવે છે. માણસ સાથે અદ્ભુત મિત્રતા કેળવી ચૂકેલા ડોલ્ફીન અને ચિમ્પાન્ઝી ખાસ્સા ઇન્ટેલીજન્ટ હોય છે, એકટિંગ કરી શકે છે. દોસ્તી નિભાવે છે - એ પુરવાર થયું છે.

ક્યાંક પ્લેનેટ ઓફ ધ એપ્સ, જેવું ન થાય. માણસ જંગલી બનતો જાય ને પશુઓ 'સીઝર' જેવા ઇન્ટેલીજન્ટ ફીલિંગ ફુલ હ્યુમન ! દિલના એક્સ-રે પડે છે, ફોટા નહિ !

ઝિંગ થિંગ

હચીકોને જો વેઇટ કરવી છે, તો જગતની કઇ તાકાત એને રોકી શકે ? તમે એનેમારી શકો, પણ રાહ જોતા કેમ રોકો ? (હચીકો ફિલ્મનો સંવાદ)