- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- 16 વર્ષની તન્વી શર્મા અને 18 વર્ષની ઉન્નતિ હૂડાએ ઘરઆંગણે યોજાયેલી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતને આગવું સ્થાન અપાવ્યું
સ મય અવિરત વહેતા પ્રવાહ સમાન છે, જે એકધારી ગતિથી સતત આગળને આગળ વધતો જ રહે છે. પ્રવાહની સાથે સાથે બદલાતી પરિસ્થિતિ અને નવા-નવા સિતારાનો ઉદય પણ થતો જ રહે છે. જેમની કાંતિ સમયાંતરે એટલી ઉજ્જવળ બની જાય છે કે, તે પૂરોગામીઓના ભૂતકાળના ચમકારાને ઝાંખા પાડી દે છે અને તેમના સ્થાને પોતાની આગવી ઓળખ ઉભી કરી દે છે. દરેક નવી પ્રતિભાનું આગમન એ પરિવર્તનનો સંકેત છે, તેની સાથે-સાથે આવતીકાલના ઉજાસની સોનેરી આભા સમાન હોય છે. આ આછા પ્રકાશની એક ઝલક થકી જ નવી શરુઆતના મંડાણ થાય છે.
બેડમિંટનમાં છેલ્લા દોઢ દશકમાં ભારતનું વૈશ્વિક સ્તરે ગાજતું થયુ છે. સાયના નેહવાલે ૨૦૧૨ના ઓલિમ્પિકમાં ભારતને બેડમિંટનના ઈતિહાસના સૌપ્રથમ ચંદ્રક તરીકે કાંસ્ય અપાવ્યો હતો. લંડન ગેમ્સમાં સાયનાએ કરેલી શુભ શરુઆત સતત આગળ વધતી રહી છે. આ જ કારણ છે કે, ત્યાર બાદ સતત બે ઓલિમ્પિકમાં પણ ભારતને બેડમિંટનની રમતમાં ચંદ્રક મળ્યા હતા. ભારતના મહિલા બેડમિંટનમાં સાયનાને ઉત્તરાધિકારી તરીકેનું સ્થાન શોભાવનારી પુસાર્લા વેંકટા સિંધુએ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં રજત અને ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. તે બેેડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી પણ બની હતી.
સાયના અને સિંધુ પછી કોણ તેવી ચર્ચા ભારતીય બેડમિંટન જગતમાં શરુ થઈ ચૂકી છે, ત્યારે જ ભારતની બે આશાસ્પદ યુવા પ્રતિભાઓએ તેમની સફળતા અને ધૈર્ય સાથે નિર્ણાયક સમયે પ્રભાવશાળી દેખાવ કરવાની આવડતને સહારે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૧૬ વર્ષની કિશોરી તન્વી શર્માએ તો તેના કરતાં ઊંમરમાં મોટી અને ઉચ્ચ ક્રમાંક ધરાવતી ખેલાડીઓને મહાત આપતાં આંતરરાષ્ટ્રીય બેેડમિંટન ટુરની બે ટુર્નામેન્ટની ફાઈનલ સુધીની સફર ખેડી હતી. સ્હેજ માટે ખિતાબ જીતવાથી વંચિત રહી ગયેલી તન્વીએ ઘરઆંગણે યોજાયેલી વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપની મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં છેક ટાઈટલ જંગ સુધી પ્રવેશી હતી અને રજત ચંદ્રક મેળવ્યો હતો.
તન્વીએ વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારત માટે ૧૭ વર્ષ બાદ ચંદ્રક જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. પંજાબના હોશિયારપુરમાં જન્મેલી તન્વીએ આ સફળતાની સાથે ભારતીય બેડમિંટન ઈતિહાસમાં માત્ર ત્રીજી ખેલાડી તરીકે રેકોર્ડબુકમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી દીધું હતુ. ભૂતકાળમાં ભારતની અપર્ણા પોપટ અને સાયના નેહવાલ પણ જુનિયર વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભારતને મહિલા સિંગલ્સમાં ચંદ્રક અપાવી ચૂક્યા હતા. તન્વીએ આ બંને દિગ્ગજ બેડમિંટન સ્ટાર્સની હરોળમાં સ્થાન મેળવી લીધુ છે.
જુનિયર વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં તન્વીની સાથે સાથે ભારતની ૧૮ વર્ષની યુવા સિતારા ઉન્નતી હૂડાએ પણ નોંધપાત્ર સફળતા મેળવતા ટોચની આઠ ખેલાડીઓમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. છેલ્લા ચાર વર્ષથી આંતર્રાષ્ટ્રીય ચેલેન્જ બેડમિંટન ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભાનો ચમકારો દેખાડી રહેલી ઉન્નતિ હૂડાએ બેડમિંટન વર્લ્ડ ફેડરેેશનની વર્લ્ડ ટૂરમાં બે ટાઈટલ હાંસલ કર્યા છે. જ્યારે ઈન્ટરનેશનલ ચેલેન્જમાં તો તે એક વખત ચેમ્પિયન અને ત્રણ વખત રનરઅપ રહી છે.
ઉન્નતિના શાનદાર દેખાવને સહારે જ ભારતે આસામના ગુવાહાટીમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપની મિક્સ ટીમ ઈવેન્ટમાં કાંસ્યચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જે પછી ઉન્નતિએ સિંગલ્સ કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને ત્યાં તેનો થાઈલેન્ડની બીજો ક્રમાંક ધરાવતી એન્યાપત પ્રિચિતપ્રીસાસ્કા સામે પરાજય થયો હતો. એન્યાપતે આ સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. અલબત્ત, તન્વી અને ઉન્નતિનો દેખાવ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે ઉજ્જવળ આશાનો દીપક બનીને ઝળહળી રહ્યો છે.
તન્વીની પ્રતિભા તેની ઉંમર કરતાં પણ વધુ પરિપક્વ જોવા મળી રહી છે અને તેનો તેજ લિસોટો ભારતીય બેડમિંટનના આકાશમાં ઘેરી અને ધ્યાનાકર્ષક અસર પાડી રહ્યો છે. પંજાબમાં સપન્ન પરિવારમાં જન્મેલી તન્વી શર્માની કારકિર્દીની શરુઆત વોલીબોલથી થઈ હતી. પંજાબ પોલીસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા તન્વીના પિતાએ તો બંને પુત્રીઓને રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી હતી. જોકે બંને દિકરીઓની ખેલાડી તરીકેની કારકિર્દીના ઘડતરમાં તેની માતા મીના શર્માએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તન્વી તેની મોટી બહેન રાધિકાના પગલે રમતના મેદાનમાં પ્રવેશી. તન્વીએ શરુઆતમાં તો માતાના પગલે વોલીબોલની રમત પર હાથ અજમાવ્યો હતો, પણ ત્યાર બાદ તેણે પણ મોટી બહેનની જેમ બેડમિંટનના રેકેટની સાથે દોસ્તી કરી લીધી.
પુત્રીઓની પ્રતિભાને નિખાર મળે તે માટે શર્મા પરિવારએ પંજાબથી હૈદરાબાદમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો અને ત્યાં બંને પુત્રીઓને ગોપીચંદની એકેડમીમાં પ્રવેશ અપાવી દીધો. ગોપીચંદ જેવા અનુભવી કોચીસ તેમજ ભારતીય બેડમિંટનના હબ સમાન તેમની એકેડમીમાં ઘડાયેલી તન્વીએ યુવા વયે જ બેડમિંટન જગતમાં તેની પ્રતિભાનો ચમકારો દેખાડવાનો શરુ કરી દીધો છે.
તન્વી શર્માની સાથે સાથે ઉન્નતિ હૂડાએ પણ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કમાલ કરી દેખાડી છે. હરિયાણાના રોહતકમાં જન્મેલી ઉન્નતિ ની બેડમિંટનની કારકિર્દીમાં તેના પિતા ઉપકારનો ફાળો વિશેષ રહ્યો છે. ઉપકાર ખુદ તો બેડમિંટન ખેલાડી બનવાના સ્વપ્નને પુરુ કરવામાં સફળ ન રહ્યા, પણ તેમણે પુત્રીને આ જ રાહ પર આગળ ધપાવવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી. ઉપકાર ખુદ મેનેજમેન્ટમાં પીએચડીની ઉપાધી ધરાવે છે. જોકે પુત્રીની કારકિર્દી પર ધ્યાન આપવા માટે તેમણે તેમની નોકરીને બેકસીટ પર મૂકી દીધી અને બધુ ધ્યાન માત્ર ઉન્નતી પર કેન્દ્રીત કર્યું.
માત્ર સાત વર્ષની ઉંમરે બેડમિંટન કોર્ટમાં ડગ માંડનારી ઉન્નતીએ ધીરે ધીરે તેમાં કુશળતા હાંસલ કરી લીધી. ત્રણેક વર્ષની સખત મહેનત બાદ તેેણે રાજ્ય સ્તરની અને ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા માંડી. ૨૦૨૧માં કારકિર્દીની પહેલી જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ચેલેન્જ ટુર્નામેન્ટમાં તેણે ફાઈનલ સુધીની સફર ખેડતાં રનરઅપ ટાઈટલ મેળવ્યું હતુ. જોકે આ સફળતાથી તેનો આત્મવિશ્વાસ બુલંદ થયો અને તે પછી તો તેણે ૨૦૨૨માં ઓડિશા માસ્ટર્સ અને ૨૦૨૩માં અબુ ધાબી માસ્ટર્સ જેવા વર્લ્ડ બેડમિંટન ફેડરેશનની વર્લ્ડ ટૂરના પ્રતિષ્ઠિત ટાઈટલ જીતવામાં સફળતા મેળવી.
ચાર વર્ષની કારકિર્દીમાં ૧૭ જેટલી ટુર્નામેન્ટ રમી ચૂકેલી ઉન્નતિ ની કારકિર્દીને વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપમાં નવી ઓળખ મળી. તેણે ભારતને મિક્સ ટીમ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. હવે આગામી દિવસોમાં ઉન્નતિ અને તન્વીની સામે તેમની પૂરોગામી ખેલાડીઓ સાયના અને સિંધુની સિદ્ધિઓની બરોબરી કરવાનો પડકાર છે.


