Get The App

ભારતીય સેનાની શક્તિમાં થઈ રહ્યો છે પ્રચંડ વધારો

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય સેનાની શક્તિમાં થઈ રહ્યો છે પ્રચંડ વધારો 1 - image

- પાડોશી શત્રુઓને ધ્યાનમાં રાખીને

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ભારત દુનિયામાં ચોથો દેશ છે, જેણે લેસર ટેક્નોલોજીથી સજ્જ વેપન સિસ્ટમ બનાવી હોય. ડીઆરડીઓની નવી ટેક્નોલોજી આપણને 'સ્ટાર વોર્સ' જેવી ક્ષમતા આપશે

૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર જોગું ઐતિહાસિક પ્રવચન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્ત્વની જાહેરાત કરી હતી. શ્રીકૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની માફક ભારતને ચારે બાજુથી સુરક્ષા બક્ષે તેવી વિશિષ્ટ વેપન સિસ્ટમ ગોઠવવાની વાત તેમણે કરી હતી. અમેરિકાની ગોલ્ડન ડોમ અને ઈઝરાયલની આયર્ન ડોમ જેવી સુરક્ષા પ્રણાલિ 'સુદર્શન ચક્ર' સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર નિર્ભર હશે તેવી વડાપ્રધાને કરેલી જાહેરાતથી દરેક ભારતીય નાગરિક ગૌરવ અનુભવતો હશે.

સુદર્શન ચક્રવાળી યોજનાને સંપૂર્ણપણે અમલી બનાવતા થોડાં વરસ નીકળી જશે, પરંતુ ભારતીય સેનાએ આપમેળે સૈન્યના આધુનિકરણ માટે જબરદસ્ત તૈયારી શરૂ કરી દીધી છે. ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપેલી વિગતો પ્રમાણે બહુ ટૂંકા ગાળામાં ભારતીય સેનામાં ચાર નવા પ્રકારની 'શક્તિ'નો ઉમેરો થશે. જેમ કે 'રૂદ્ર' નામે ઓળખાનારી નવી આર્મ બ્રિગેડ તૈયાર કરાશે. ભૈરવ નામે ઓળખાનારી લાઇટ કમાન્ડો બટાલિયનની રચના થશે. 'શક્તિ બાણ' નામે ઓળખાનારી આર્ટિલરી (તોપ- ટૅન્ક) રેજિમેન્ટ ઉભારવામાં આવશે, અને 'દિવ્યાસ્ત્ર' નામકરણ પામનારી ડ્રોનથી સજ્જ ઇન્ફન્ટ્રી બટાલિયન તૈયાર કરાશે. આ સિવાય દેશી પરંતુ ખૂબ જ અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરાશે.

થોડા મહિના પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળમાં વિનાશિકા  આઈએનએસ સુરત,  ફ્રિગેટ આઈએનએસ નીલગિરિ અને  સબમરીન આઈએનએસ વાઘશિરનો સમાવેશ કરવાના કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું છે કે ભારત વિશ્વનું મોટી વિશ્વસનીય જવાબદાર દરિયાઈ શક્તિ ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે. ભારત વિસ્તારવાદ માટે નહીં, પરંતુ વિકાસ માટે કામ કરે છે.

આ પહેલી વાર બની રહ્યું છે જ્યારે ભારતીય બનાવટની એક વિનાશિકા, એક ફ્રિગેટ અને એક સબમરીનને એકસાથે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યાં છે. મહત્ત્વની વાત તો એ છે કે આ ત્રણે સ્વદેશી છે.  

ભારતે આધુનિક હથિયાર, ટન્ક, મિસાઈલ, ફાઈટર પ્લેન, પરમાણુ સબમરીન, હાઈટેક યુદ્ધ જહાજો વગેરેથી પોતાની સૈન્ય ક્ષમતાને સજ્જ કરી છે. જેનાથી ભારતની સેના આજે વિશ્વની મોટી શક્તિશાળી સેના બની છે. સંયુક્ત રાષ્ટ્રની સેના શાંતિ સેનાદળમાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. હિંદ-પ્રશાંત મહાસાગર, અરબ સાગર, લાલ સાગર, ચીનની ખાડી વગેરે જળ ક્ષેત્રમાં મોટી નૌવહન શક્તિઓ છે. ગ્લાબલ સાઉથમાં ભારત, ચીન પછી બીજું સૌથી મોટું સૈન્ય બળ ધરાવે છે, પરંતુ ચીનની સેનાશક્તિ પર બીજા દેશોને વિશ્વાસ નથી, કારણ કે વિસ્તારવાદી ચીનનો ૧૩ પાડોશી દેશો સાથે સીમા વિવાદ છે. ૧૯૬૨ના યુદ્ધ પછી ગલવાનની ઘટનાએ ચીનને અવિશ્વનીય બનાવી દીધું છે. આને લઈ સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ૭૭મા સેના દિવસ પર ચેતવણી આપી હતી કે ગલવાન જેવી ઘટના ફરી નહીં બનવી જોઈએ. ભારતે પોતાના સીમા ક્ષેત્રમાં રસ્તા, રેલ, અરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિશાળી બનાવ્યું છે. સેના ઉપકરણ નિર્માણમાં આત્મનિર્ભરતા ભણી આગળ વધ્યું છે. દુનિયાભરમાં  ચાલી રહેલી યુદ્ધની  સ્થિતિ વચ્ચે ભારતીય  સેનાને વધારે શક્તિશાળી  બનાવવાની કોશિશમાં  ડીઆરડીઓએ   ત્રણેય સેનાને ૨૮ વેપન  સિસ્ટમ આપવાનો  પ્રસ્તાવ  રજૂ કર્યો છે.

૧૯૮૧ કરોડ રૂપિયાની સમજૂતી  હેઠળ  ઈન્ટીગ્રેટેડ  ડ્રોન  ડિટેક્શન  અને ઈન્ટરડિક્શન સિસ્ટમ, લૉ લેવલ લાઈટવેટ રડાર, ઓછી  દૂરીની એર ડિફેન્સ સિસ્ટમ લોન્ચર અને મિસાઈલ, રિમોટલી પાયલેટેડ એરિયલ  વ્હીકલ, વર્ટિક્લ  ટેક ઓફ લેન્ડિંગ સિસ્ટમ સહિત લોઈટરિંગ મ્યુનિશન, વિભિન્ન શ્રેણીના ડ્રોન, બુલેટપ્રૂફ જેકેટ, બેલેસ્ટિક  હેલમેટ વગેરે હથિયાર  અને ઉપકરણ ખરીદવામાં આવશે. 

ભારત  સરકારે ઓપરેશન  સિંદૂર  બાદ સંરક્ષણ બજેટમાં રૃા. ૫૦ હજાર કરોડનો વધારો  કરવા યોજના ઘડી  છે.  પરિણામે વર્ષ  ૨૦૨૫-૨૬ માં  ભારતનો સંરક્ષણ  ખર્ચ રૃા. ૭ લાખ કરોડથી વધી જશે, જે  અગાઉના  વર્ષના  રૃા. ૬.૨૨ લાખ  કરોડથી ૯.૨ ટકા વધુ હતો. ઉલ્લેખનીય છે કે  વર્ષ ૨૦૨૪-૨૫ માં પાકિસ્તાનનું  સંરક્ષણ બજેટ  ૨.૧૫ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા  હતું જે અમેરિકન  ડોલરમાં ૭.૭ અબજ છે.  ૨૦૧૪-૧૫ માં રૃા. ૨.૨૯ લાખ કરોડ  હતો.  હાલ સંરક્ષણ બજેટ  ભારતના કુલ બજેટના  ૧૩ ટકા છે. હવે પછી સેના અને ડી.આર.ડી.ઓ. સંયુક્ત રીતે જે શસ્ત્ર-અસ્ત્ર બનાવવાના છે, તેનાં નિર્માણમાં પણ અબજો રૂપિયાનું મૂડી રોકાણ થશે.

પૃથ્વી અને અગ્નિ જેવા ખતરનાક બેલિસ્ટિક મિસાઈલ્સ અને  બ્રહ્મોસ જેવી  અદ્યતન  મિસાઈલ  ભારતીય સંરક્ષણે દળોનાં ભાથામાં ઉમેરાયા  પછી દેશના સંરક્ષણ  વૈજ્ઞાનિકો હવે ૨૧મી સદીનાં અતિ આધુનિક પણ વધુ  વિનાશક  હથિયારો  સેનાને  ભેટ આપવા કમર કસી રહ્યાં છે. ખાસ કરીને એકથી વધુ વાર અવકાશમાં જઈને જમીન પર મિસાઈલ છોડી પાછું પૃથ્વી પર ઉતરાણ કરે તેવું હાયપર પ્લેન - 'અવતાર' અને તેનાથી ખતરનાક ભારત ઉપર ત્રાટકનારા કોઈ પણ મિસાઈલને અવકાશમાં રહેલી લેસર ગન 'દુર્ગા' અને 'કાલી' જે લેસર બીમ વડે ખાત્મો બોલાવે તેવા હથિયારો ભારતીય વૈજ્ઞાનિકો વિકસાવી રહ્યાં છે.

ભારતની સંરક્ષણ નીતિ પ્રમાણે ભારતીય સેના પાસે કેવા પ્રકારનાં આધુનિક હથિયાર છે તેની કોઈ વિગતો ક્યારેય બહાર આવતી નથી, કારણ કે આપણા વૈજ્ઞાનિકો પશ્ચિમના દેશોની જેમ તેની તાકાતનું મીડિયામાં પ્રદર્શન કરતાં નથી પરંતુ તેમ છતાં  અતિ આધુનિક હથિયારો ઉપર વર્ષોથી પોતાની રીતે જ  લૉ પ્રોફાઈલ રહીને કામ કર્યા જ કરે છે. હાલમાં દેશમાં  ડીઆરડીઓની લગભગ ૨૦ જેટલી આધુનિક લેબોરેટરીમાં અવનવા હથિયારો અંગે સતત સંશોધન ચાલતું જ હોય છે.

'અવતાર' એ વારંવાર વાપરી શકાય તેવું એક પ્લેન છે જે અંતરિક્ષમાં જઈને પૃથ્વી પર મિસાઈલ્સ છોડી શકે છે. આ  હાયપર પ્લેન વારંવાર વાપરી શકાય છે. એક  હાયપર પ્લેન લગભગ ૧૦૦ વાર અવકાશમાં જઈ પાછું ધરતી ઉપર આવી શકે છે. એટલે કે અવતાર તેની એક ખેપમાં અવકાશમાં જઈ પૃથ્વી ઉપરના ટાર્ગેટ ઉપર મિસાઈલ્સ છોડી જમીન  ઉપર પરત આવી જશે. આ હાઈપર પ્લેનની ડિઝાઈન એટલી ઉત્તમ છે કે આ જ પ્રકારનાં અમેરિકા, જર્મની, યુ.કે. અને જાપાનના પ્લેન કરતા 'અવતાર' ઘણું સસ્તું બનશે.

ક્રાંતિકારી બાબત એ છે કે, 'અવતાર' બળતણ તરીકે કેરોસીન વાપરશે વાતાવરણમાંથી ઑક્સિજન લઈને તેનું પ્રવાહીમાં રૂપાંતર કરશે અને તેને અવકાશમાં ગયા પછી બળતણ તરીકે વાપરવા માટે સાચવી રાખશે. 'અવતાર' દેશના કોઈ પણ એરપોર્ટ ઉપરથી ટેક-ઓફ કે લેન્ડીંગ કરી શકશે. 'અવતાર'નું બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે  આ હાયપર પ્લેન મિસાઈલ્સ સિવાય ઉપગ્રહો છોડવા માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. આ જ કારણસર દેશના વૈજ્ઞાનિકોમાં 'અવતાર'ની બાબતમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ છે. 

આધુનિક શસ્ત્રોના વિકાસમાં બીજી એક મહત્ત્વની ઘટના આકાર લઈ રહી છે. સંરક્ષણ વૈજ્ઞાનિકો એક એવું હથિયાર તૈયાર કરી રહ્યા છે, જેનાથી અવકાશમાંથી જ લેસર કિરણો વડે દુશ્મનના મિસાઈલનો ખાત્મો બોલાવી શકાય. સામાન્ય ભાષામાં કહીએ તો અંતરિક્ષમાં રહેલ આ લેસર ગનને 'દુર્ગા' નામ આપવામાં આવ્યું છે.

આ લેસર ગનથી પણ વધુ આધુનિક હથિયાર પરંતુ લેસર કિરણો આધારિત બીજું એક હથિયાર 'કાલી' પણ વિકસાઈ રહ્યું છે.

દરેક ભારતીયને ગર્વ થાય તેવા નામો આપી વૈજ્ઞાનિકો પણ આ હથિયારોની સંહારશક્તિ વધારી દે છે. આપણા મિસાઈલ કાર્યક્રમમાં પણ બધા જ નામો વેદો-પુરાણોમાંથી લેવામાં આવ્યા છે. 

ભારતે આંધ્ર પ્રદેશના કર્નૂલની નેશનલ ઓપન એર રેન્જમાં એમકે-૨(એ) લેસર-ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ સાથે આ સિદ્ધિ મેળવી છે. 

ઈઝરાયેલ પણ હજુ આ દિશામાં કામ કરી રહ્યું છે. ભારત દુનિયામાં ચોથો   દેશ છે, જેણે લેસર ટેક્નોલોજીથી સજ્જ વેપન સિસ્ટમ બનાવી છે. ડીઆરડીઓ એવી અનેક ટેક્નોલોજી પર કામ કરી રહી જે આપણને 'સ્ટાર વોર્સ' જેવી ક્ષમતા આપશે. આ તો હજી શરૂઆત છે. અમે હાઈ-એનર્જી માઈક્રોવેવ્સ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ જેવી સિસ્ટમ પર પણ કામ કરીએ છીએ. આ બધી જ વેપન  સિસ્ટમ આપણને સ્ટાર વોર્સ જેવી ટેક્નોલોજી આપશે.

ભારત એક એવું શસ્ત્ર બનાવી રહ્યું છે જે ભગવાન શિવનાં હથિયાર- મહેશ્વરાસ્ત્રથી પ્રેરિત છે. આ નામનું હથિયાર ભગવાન  શિવ પાસે હતું, જેમાં તેમની ત્રીજી આંખની તાકાત હતી. આ હથિયાર કોઈને પણ રાખ કરી શકે છે.  બે રોકેટ સિસ્ટમ વિકસીત  કરાઈ રહી છે જેમાં એકમાં  રેન્જ ૧૫૦ કિમી અને  બીજામાં  ૨૯૦ કિમી હશે. ૩૦૦ કરોડના  બજેટથી આ  હથિયાર વિકસીત  કરાઈ રહ્યું છે. અવાજથી ૪ ગણી ગતિએ તે દુશ્મન ઉપર ત્રાટકશે અને જોતજોતામાં ભષ્મ કરી નાખશે. મહેશ્વરાસ્ત્ર-૧ ને દેશી હિમાર્સ પણ કહેવામાં આવે છે. મહેશ્વરાસ્ત્ર-૨ બ્રહ્મોસ  મિસાઇલની ટક્કરનું હશે.

ભારતીય એરફોર્સે પશ્ચિમી સેક્ટરના ફોરવર્ડ એર બેઝ પર સ્વદેશી હળવા ફાઈટર વિમાન (એલસીએ) તૈનાત કર્યા છે. તેનો આશય પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધની તૈયારીઓ વધારવાનો અને સોવિયેત યુગના મિગ-૨૧ ફાઈટર વિમાનોને સંપૂર્ણપણે સપ્ટેમ્બરના આખરી સપ્તાહમાં હટાવવાનો છે.

તમિલનાડુના સુલૂરમાં સ્થિત એલસીએ એમકે-૧ સ્ક્વોડ્રનને ગુજરાતમાં ફ્રન્ટલાઈન ફાઈટર બેઝ પર શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. આ સિવાય એલસીએ એમકે-૧એ સ્ક્વોડ્રન રાજસ્થાનમાં એરબેઝ પર પણ બનાવાશે. એક ફાઈટર સ્ક્વોડ્રનમાં ૧૬થી ૧૮ વિમાન હોય છે. વધુમાં એરફોર્સ એલસીએ વિમાનોની સંખ્યા વધારશે. તેના બેડામાં ૨૦૨૮ સુધીમાં ૮૩ એમકે-૧એ ફાઈટર જેટ સામેલ કરવાની એરફોર્સની યોજના છે.

સૈન્યનો ઉત્સાહ વધારે તેવી નવી વાત એ છે કે ભારત અને રશિયા બ્રહ્મોસ મિસાઇલનું નવું વર્ઝન બનાવી રહ્યા છે. અવાજ કરતાં આઠ ગણી ઝડપે એટલે કે કલાકના ૧૧૦૦૦ કી.મી.ની ઝડપે જનારૃં આ મિસાઇલ તેની ગતિને લીધે રડારમાં પણ ઝડપાય તેમ નથી. આ પૂર્વે ભારતમાં જ બનેલા કલાકનાં ૫૦૦૦ કી.મી.ની ઝડપ ધરાવતા બ્રહ્મોસ મિસાઇલ્સે 'ઓપરેશન સિંદૂર' સમયે તેની તાકાત દર્શાવી દીધી હતી.

આ પ્રોજેક્ટમાં ભારતની ડીઆરડીઓનો ૫૧ ટકા હિસ્સો છે. જ્યારે રશિયાની કંપનીનો ૪૯ ટકા હિસ્સો છે. આ મિસાઇલની રેન્જ ૧૫૦૦ કી.મી.થી વધુ છે તેમાં 'સ્ક્રેમ-જેટ' એન્જિનનો ઉપયોગ કરાયો છે. જે હવામાંથી જ ઓકસીજન ખેંચી લાંબા સમય સુધી ઉડાન ભરી શકશે. તેનું વજન પણ ઘણું ઓછું છે, તેથી આપણાં તેજસ વિમાન દ્વારા પણ લોન્ચ કરી શકાય તેમ છે.

આ મિસાઇલ આયર્ન ડોમ એર ડીફેન્સ સિસ્ટમથી પણ એડવાન્સ્ડ મનાય છે. બ્રહ્મોસનું આ વર્ઝન 'ડીપ-ઈન્સાઇડ-ટાર્ગેટસ'ને પણ ભેદી શકે તેમ છે. તેની ઝડપ એટલી છે કે તે ઈન્ટરસેપ્ટ કરવું મુશ્કેલ છે. એડવાન્સ્ડ કંટ્રોલ સિસ્ટમ સ્ટીલ્ધ ફીચર્સ અને આધુનિક ડીઝાઈન આ મિસાઇલની વિશિષ્ટતા છે. આ મિસાઇલ દુનિયાનાં સૌથી ઝડપી સુપર સોનિક મિસાઇલ્સ કરતાં પણ ઝડપી હોવાથી તે 'હાઈપર સોનિક' શ્રેણીમાં આવે છે.

તાજેતરમાં જ ભારતીય નૌકાદળમાં  બે અદ્યતન નીલગિરિ વર્ગનાં સ્ટેલ્થ ગાઇડેડ મિસાઈલ ફ્રિગેટ્સ ઇન્ડિયન નેવલ શિપ (આઈએનએસ) ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આનાથી સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થયો છે. આ સાથે ભારત પાસે હવે ત્રણ ફ્રિગેટ સ્કવોડ્રન પણ છે. નૌકાદળમાં જોડાયા પછી આ બન્ને યુદ્ધજહાજો ઇસ્ટર્ન કમાન્ડમાં જોડાશે, જે હિન્દી મહાસાગર ક્ષેત્રમાં ભારતનાં દરિયાઈ હિતોનું રક્ષણ કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

ઉદયગિરિ અને હિમગિરિ પ્રોજેક્ટ ૧૭ (શિવાલિક) વર્ગના જહાજનું નવું સંસ્કરણ છે. એમાં સ્ટેલ્થ (રડારની પહોંચથી બચવા માટે સક્ષમ), શસ્ત્રો અને સેન્સર સિસ્ટમ્સમાં નોંધપાત્ર સુધારા થયા છે.

આઠ સપ્ટેમ્બરે આ લેખ લખાય છે ત્યારે  જ એવા સમાચાર આવ્યાં  છે કે  ૨૦૩૫ સુધીમાં  ભારતીય નૌકાદળના કાફલામાં  ૨૦૦ નવાયુદ્ધ જહાજો  તથા  સબમરીનો  ઉમેરાશે.  હાલમાં  ૫૫ નવા યુદ્ધ જહાજોનું બાંધકામ થઈ રહ્યું છે. 

હવે તો સેનાએ યુદ્ધભૂમિ સર્વેલન્સ સિસ્ટમ વિકસાવવાના ધ્યેય સાથે પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરી છે જે તમામ સ્તરે કમાન્ડરો અને ફૌજીઓને ઝડપી નિર્ણય લેવા માટે એક વ્યાપક ઓપરેશનલ ચિત્ર પ્રદાન કરશે. સેનાની બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ 'પ્રોજેક્ટ સંજય' હેઠળ બનાવવામાં આવી રહી છે.

આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં આર્મીના પરિવર્તનકારી પગલાં વિશે વાત કરી હતી, તેમણે ઉમેર્યું હતું કે સેનાએ પરિવર્તન માટે પાંચ ક્ષેત્રો નક્કી કર્યા છે. જે ટેકનોલોજી ઇન્ફયુઝન દ્વારા 'નેટ-સેન્ટ્રીક ફોર્સ' બનવાના આર્મીના પ્રયાસ સાથે સુસંગત છે.

સૈન્યને વધુ મજબૂત, સક્ષમ બનાવવાની દિશામાં થઈ રહેલું કાર્ય ભારતના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવશે તેમાં કોઈ બેમત નથી.