Get The App

ક્રૂરતા કરનાર તો એની સજા પામી ગયો એ પછી નિર્દોષને મારે સજા શું આપવી?

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ક્રૂરતા કરનાર તો એની સજા પામી ગયો એ પછી નિર્દોષને મારે સજા શું આપવી? 1 - image

- યહી હે જિંદગી - મહેશ યાજ્ઞિક

- એના સૌમ્ય ચહેરા પર જે પવિત્રતા છલકાતી હતી, એ જોઈને જ હું એના પ્રેમમાં પડી ગયો હતો. એ તુલસીક્યારે આવે ત્યારે એને જોવા માટે હું પેઢી ઉપરથી વહેલો આવીને બારીમાં ગોઠવાઈ જતો હતો. 

અનિલ ગણાત્રા સુકેતુ વ્યાસનો બાળપણનો મિત્ર હતો એટલે અનિલની પત્ની અલકાની વાત માન્યા વગર સુકેતુનો છૂટકો નહોતો. છવ્વીસ વર્ષ અગાઉની એ સ્મૃતિ તો હૈયામાં અકબંધ જળવાયેલી હતી. અત્યારે એ જખમને ખોતરીને ઘટનાઓ યાદ કરવાની હતી અને મિત્ર પત્નીની ફરમાઈશ પુરી કરવાની હતી.

આઈસક્રીમનો ખાલી બાઉલ ટિપોઈ પર મૂકીને સુકેતુએ અનિલ અને અલકા સામે જોયું.

''એ સમયે અહીં રાજકોટમાં અમારો જે બિઝનેસ હતો એની કેવી જોરદાર કમાણી હતી, એની તમને ખબર નહીં હોય પરંતુ અનિલે અમારી એ સમયની જાહોજલાલી જોયેલી છે.'' અલકા સામે જોઈને સુકેતુએ બોલવાનું શરૂ કર્યું.

''મારા એક કાકા અમદાવાદમાં રહેતા હતા અને એક કાકા મુંબઈમાં. ત્રણેય ભાઈઓનો સંયુક્ત બિઝનેસ ધમધોકાર ચાલતો હતો. હું અને અનિલ અહીં સાથે જ કોલેજમાં ભણીને બી.કોમ. થયા, એ પછી મારે મારી કેરિયર મુંબઈ કે અમદાવાદમાં બનાવવી હતી. મેં જીદ કરી એટલે મારા બાપાએ મને અમદાવાદ જવાની મંજૂરી આપી.''

અમદાવાદમાં કાકાનો બંગલો વિશાળ હતો, પરંતુ કાકીનું મન સાંકડું હતું. એક અઠવાડિયામાં જ મને એ ખ્યાલ આવી ગયો એટલે મેં કાકાને કહ્યું કે સવારે અગિયારથી રાત્રે આઠ સુધી હું આપણી પેઢી પર આવીને તમારી સાથે બેસીશ, પરંતુ મારી રીતે અલગ રહેવાની મારી ઈચ્છા છે. કાકાને તો એમની ધર્મપત્નીના સ્વભાવની ખબર જ હતી, એટલે એમણે મને સંમતિ આપી દીધી.

છાપામાં જાહેરાત જોઈને મેં બે-ત્રણ જગ્યાએ રૂમ જોઈ અને અંતે એક રૂમ મને પસંદ આવી. પૈસાનો તો મારે કોઈ સવાલ જ નહોતો.

પાલડીની એક સોસાયટીમાં બેઠા ઘાટનો નાનકડો બંગલો હતો. સિત્તેર વર્ષ જૂના એ બંગલામાં ડ્રોઈંગ રૂમ, રસોડું અને એક બેડરૂમ મકાનમાલિકના કબજામાં રહેવાના હતા અને એ સિવાયનો જે એક રૂમ હતો, એની એન્ટ્રી સ્વતંત્ર હતી. એ રૂમમાં ભાડે આપવા માટે ચોકડી વગેરેની ગોઠવણ એ લોકોએ કરી રાખેલી હતી. એમના ઘર અને આ રૂમ વચ્ચેનું જે બારણું હતું એ એમની તરફથી એ લોકો બંધ રાખતા હતા. રૂમમાં સરસ હવા-ઉજાસ હતો એટલે પહેલી નજરે જ મને એ રૂમ ગમી ગયેલો. એમણે જે ભાડું કહ્યું એ મેં તરત હા પાડી દીધી.

મકાનમાં અંબાલાલ કાકા અને એમના પત્ની લક્ષ્મીબા-બંનેની હાલત ગરીબડી હતી. અંબાલાલ કાકાને એક આંખે દેખાતું નહોતું અને લક્ષ્મીબા સંધિવાથી પીડાતા હતા. આ બંગલો તો એમના પિતાએ સોંઘવારીના જમાનામાં બનાવી લીધો હશે, બાકી અત્યારે એમની આર્થિક સ્થિતિ સાવ સાધારણ હતી.

એમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ જયંત અને દીકરીનું નામ પારૂલ...

હોઠ ઉપર એ નામ આવ્યું એની સાથે જ સુકેતુનો અવાજ ધૂ્રજી ગયો. લગીર અટકીને એણે ટિપોઈ પરથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને બે ઘૂંટડા પાણી પીધું. ખરી પ્રેમકહાણી હવે શરૂ થશે એ વિચારથી અલકાના કાન સરવા થયા.

''જયંત મારાથી ત્રણેક વર્ષ મોટો. બે વર્ષ અગાઉ એના લગ્ન થઈ ચૂક્યા હતા. એની પત્ની જ્યા સીધીસાદી ગૃહિણી. પારૂલ મારાથી ત્રણેક વર્ષ નાની. જયંત અને પારૂલ-એ બંને ભાઈ-બહેનના ચહેરામાં એટલી સામ્યતા કે કોઈ અજાણ્યો પણ કહી દે કે આ ભાઈ-બહેન છે. અલબત્ત, બંનેના સ્વભાવમાં આસમાન-જમીનનો ફેર. જયંત પહેલવાન જેવો પણ થોડો બાધો અને પારૂલ ચબરાક. બિચારો જયંત નોકરી માટે બધી જગ્યાએ પ્રયત્ન કરતો હતો, પણ નોકરીનો મેળ પડતો નહોતો. એ ગુજરાતી ટાઈપિસ્ટ હતો. ઘેરથી સાઈકલ ઉપર ટાઈપરાઈટર મૂકીને એ ભદ્ર કોર્ટ પરિસરમાં ગોઠવાઈ જતો. ત્યાં દિવસ દરમ્યાન ટાઈપિંગનું જે કામ મળે એ એની કમાણી એ પરિસ્થિતિમાં આ ભાડાની આવક એમના માટે ખૂબ મહત્ત્વની હતી.''

હું મારી રૂમમાં રસોઈ નહોતો બનાવતો. મને એ આવડે પણ નહીં. બાજુની સોસાયટીમાં એક બહેન ઘર જેવું જમાડતા હતા એટલે મેં સવાર-સાંજ ત્યાં જમવાનું ગોઠવી દીધું હતું. રૂમ પર દરરોજ બે અખબાર અને બે સાપ્તાહિક બંધાવી દીધા હતા. એને લીધે જયંતના પરિવારને મારી આર્થિક સમૃધ્ધિનો ખ્યાલ આવી ગયો હતો. હું મોટરસાઈકલ લઈને કાકાની પેઢી પર જાઉં ત્યારે એ અખબારો અને મેગેઝિન જયંતના ઘરમાં આપી દેતો હતો. અંબાલાલ કાકા આખો દિવસ એ વાંચ્યા કરતા.

ફળિયામાં તુલસી ક્યારો હતો. પારૂલ દરરોજ સાંજે ત્યાં દીવો પ્રકટાવીને પાંચેક મિનિટ હાથ જોડીને ઊભી રહેતી હતી. આંખો બંધ કરીને મનોમન એ કોઈ પ્રાર્થના કરતી હતી...

આંખો બંધ કરીને સુકેતુએ ઊંડો શ્વાસ લીધો. પાંપણ પછવાડે એ દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું હોય એમ થોડી સેકન્ડે અટકી ગયો.

''ટુ બી વેરી ફ્રેન્ક, એ સમયે એના સૌમ્ય ચહેરા પર જે પવિત્રતા છલકાતી હતી, એ જોઈને જ હું એના પ્રેમમાં પડી ગયો હતો. એ તુલસીક્યારે આવે ત્યારે એને જોવા માટે હું પેઢી ઉપરથી વહેલો આવીને બારીમાં ગોઠવાઈ જતો હતો. થોડા દિવસમાં પારૂલને એનો ખ્યાલ આવી ગયો. એણે મારી સામે જોયું. સ્મિતના વ્યવહારથી અમારા સંબંધનો આરંભ થયો. એક દિવસ એ ચાલતી જતી હતી અને હું બાઈક લઈને. મેં એને કહ્યું કે વાંધો ના હોય તો બાઈક પર બેસી જાવ, તમારે જ્યાં જવું હશે ત્યાં મૂકી જઈશ. મારી આંખોમાં આંખો પરોવીને એણે પૂછ્યું કે કાયમ માટે તમારા ઘેર લઈ જવાની તૈયારી છે ?''

પ્રેમનો આવો સીધો એકરાર જોઈને મને સુખદ આશ્વર્ય થયું. હું તો આ પળ માટે જ તરસતો હતો. મેં એને કહ્યું કે રાજીખુશીથી જાન લઈને તને લેવા આવીશ. એણે કહ્યું કે એ કામ સરળ નથી, હું ચિઠ્ઠી લખીને બારણાં નીચેથી તમારા રૂમમાં સરકાવી દઈશ. મારી-મારા પરિવારની હાલતનું વર્ણન એમાં લખીશ.

ત્રીજા દિવસે એની ચિઠ્ઠી કમ પ્રેમપત્ર મને મળ્યો. જયંત અને અંબાલાલ કાકાએ છેક થરાદ પાસેના કોઈ ગામડામાં રહેનારને વચન આપી દીધું હતું. પારૂલનો એ ભાવિ ભરથાર આઠમું ધોરણ ભણેલો હતો, પારૂલથી અગિયાર વર્ષ મોટો હતો અને એની કરિયાણાની દુકાન હતી !

એ ચિઠ્ઠીમાં આ જણાવીને પારૂલે કરગરીને મને વિનંતિ કરી હતી કે મને ઉગારી લો, હું મરી જઈશ પણ ત્યાં લગ્ન કરવાની મારી તૈયારી નથી !

આવી જ રીતે જવાબ મોકલવાનું એણે સૂચન કર્યું હતું. મેં એને લખ્યું કે ચિંતા ના કરતી. તારા સિવાય કોઈની સાથે હું લગ્ન નહીં કરું... આ રીતે અમારી વચ્ચે પ્રેમપત્રનો વ્યવહાર ચાલુ થઈ ગયો.

એ દરમ્યાન જયંતની પત્ની જયાએ દીકરીને જન્મ આપ્યો. એના ત્રીજે જ દિવસે જયંતને ગુજરાતી ટાઈપિસ્ટ તરીકે સરકારી નોકરીનો ઓર્ડર મળ્યો. જયંત મને વિદ્ધાન સમજીને મારા માટે આદરભાવ રાખતો હતો. દીકરીનું નામ શું રાખવું એ એણે મને પૂછ્યું. મેં એને કહ્યું કે પુત્રીના આગમન સાથે તમને શુભ સમાચાર મળ્યા છે, એટલે એનું નામ શુભદા રાખો. પરિવારને એ નામ પસંદ પડયું અને દીકરીનું નામ શુભદા રાખવામાં આવ્યું...

આગળ બોલવાનું અઘરું હોય એમ લગીર અટકીને સુકેતુએ ફરીથી પાણી પીધું. ''શ્રાવણ મહિનાની એ સાંજે હું રૂમમાં હતો અને બાજુમાંથી ઝઘડાનો અવાજ આવતો હતો. જયંત અને એના બાપા ઘાંટા પાડતા હતા અને પારૂલ ધુ્રસકે ધુ્રસકે રડતી હતી. બહાર વરસાદ ચાલુ હતો. એમના પારિવારિક ઝઘડામાં મારાથી વચ્ચે ના પડાય એવી સમજને લીધે હું રૂમમાં બેસીને વલોવાઈ રહ્યો હતો.''

રાત્રે એક વાગ્યે બહાર જોરદાર વરસાદ હતો. વચ્ચેનું બારણું હળવેથી ખોલીને પારૂલ મારા રૂમમાં આવી અને મને વળગીને રડવા લાગી. પરમ દિવસે પેલા લોકો લગ્નનો દિવસ નક્કી કરવા આવવાના છે, મેં ના પાડી એમાં ભાઈ અને બાપાએ મને ઝૂડી નાખી... પ્લીઝ... તમે મને બચાવો... આ બધું કહેતી વખતે એનો ચહેરો આંસુથી ખરડાઈ ચૂક્યો હતો. એને છાની રાખીને મેં એને ધરપત આપી કે મારો નિર્ધાર મક્કમ છે, હું કાલે જ મારા પરિવારને લઈને તારા ભાઈ અને બાપાને વાત કરીશ... એણે કહ્યું કે એ લોકો નહીં માને, જયંતભાઈએ પેલા પાસેથી ખાનગીમાં મોટી રકમ લીધી છે...

એ જ વખતે જયંત અને એના બાપા પણ એ જ બારણેથી મારા રૂમમાં આવ્યા. અમારા પ્રેમપત્રો પણ જયંતના હાથમાં આવી ગયાં હતાં. એ બાપ-દીકરો અત્યંત ક્રૂરતાથી મારા ઉપર તૂટી પડયા. પારૂલ ચીસો પાડીને રડતી હતી એની પરવા કર્યા વગર એ બાપ-દીકરાએ મને અધમૂવો કરીને રૂમની બહાર ફેંકી દીધો અને મારો તમામ સામાન પણ રોડ પર ફેંકી દીધો. ધોધમાર વરસાદ વચ્ચે મારા સામાન સાથે હું રોડ પર બેભાન થઈને પડયો હતો. પરોઢિયે એક રીક્ષા રોકીને બધો સામાન કાકાને ત્યાં મૂકીને હું એસ.ટી.માં રાજકોટ આવ્યો. સ્વસ્થ થયા પછી મેં બા-બાપાને વાત કરી. ત્રીજા દિવસે એ બંને મારી સાથે આવ્યા. અમે ત્રણેય કાકાના ઘેર રાત્રે આવી ગયા હતા.

સવારે છાપું આવ્યું. છેલ્લા પાને પંખે લટકેલી પારૂલના ફોટા સાથે સમાચાર હતા કે પાલડીમાં ગૃહકલેશના કારણે યુવતીએ કરેલી આત્મહત્યા !

હતાશાથી માથું હલાવીને ભીની આંખે સુકેતુએ અનિલ અને અલકા સામે જોયું. ''બસ, એ પછી તો મેં અમદાવાદ છોડી દીધું અને મુંબઈ પહોંચી  ગયો. એ માસુમ યુવતીનો નિર્મળ ચહેરો હજુય મારી આંખ સામે તરવરે છે. અહીંના ટ્રસ્ટીઓના આગ્રહથી ઈન્ટરવ્યુ માટે આવ્યો ત્યારે વોલ્વોમાં આકસ્મિક રીતે જ જયંતની દીકરી મારી જોડેની સીટ પર બેસવા આવી. જેનું નામ મેં પાડયું હતું એ શુભદાનો ચહેરો એની પારૂલ ફૈબા જેવો જ હતો. એમાંય ચોપડી ઉપર એનું નામ વાંચીને મેં રમત કરીને પાકી ખાતરી કરી લીધી. જયંતની દીકરી શુભદા ઈન્ટરવ્યૂ આપવા આવી હતી !''

સુકેતુ સહેજ અટક્યો એટલે અલકાએ તરત પૂછ્યું ''પછી તમે વેર વાળ્યું ?''

સુકેતુએ નકારમાં મસ્તક ધૂણાવ્યું. ''અર્ધી રાત્રે વરસાદમાં મને મારીને ઘરની બહાર ફેંકી દીધો હતો, એની સજા જયંતને એવી જ રીતે મળી ચૂકી હતી. વરસાદમાં સ્કૂટર એક્સિડન્ટમાં એ રોડ પર જ મરી ગયો હતો...''

ભીના અવાજે સુકેતુએ આગળ કહ્યું. ''દીકરી તો સંસારની સારપ લઈને દુનિયામાં આવતી હોય છે. બાપે કરેલા ગુનાની સજા એ માસુમને શા માટે આપવાની ? એની લાયકાત પણ સરસ હતી, એટલે વાઈસ પ્રિન્સિપાલ તરીકે એની પસંદગી કરી લીધી !''

ઓરડાના ભારેખમ વાતાવરણમાં અનિલ અને અલકા એકબીજાની સામે જોઈ રહ્યાં હતાં. સુકેતુ મસ્તક ઢાળીને બેઠો હતો. (સમાપ્ત)

(શીર્ષક પંક્તિ : લેખક)