Get The App

એનીવર્સરી સરપ્રાઈઝ .

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
એનીવર્સરી સરપ્રાઈઝ                                    . 1 - image

- વહેતું જીવન - ડૉ. હર્ષદ કામદાર

- 'હા, મને એમનાથી પ્રોબ્લમ થાય છે. મારા ઘરમાં પપ્પા જોઈએ નહી. કાં એ રહેશે કાં હું રહીશ.'

'જો ઇના, તારા માટે એનીવર્સરી સરપ્રાઈઝ ગીફ્ટ શું લાવ્યો છું ?' પ્રણવે સાંજે ઓફિસથી આવતાવેંત કહ્યું.

ઇના ખુશ થઇ ગઈ, તેમણે લગ્નજીવનના બે વર્ષ પુરા કરેલ હતા. આજે સવારે જ ઇનાએ પ્રણવને તારીખ યાદ કરાવી સાંજે બહાર પંજાબી ડીનર માટે આગ્રહ કર્યો હતો. તેને એમ કે પ્રણવ તેના માટે સુંદર ડ્રેસ કે લેડીઝ વોચ લાવ્યો હશે.

'તારી આંખો પર પટ્ટી બાંધી દઉં છું. સરપ્રાઈઝ ગીફ્ટ છે માટે ચાલ હાથ પકડીને બહાર લઇ જાઉં છું.' પ્રણવે પ્રેમથી કહ્યું. બહાર આવતા ઇના પટ્ટી કાઢવા ગઈ, તો પ્રણવે કહ્યું, 'ના, ના, હું કહું નહિ ત્યાં સુધી પટ્ટી કાઢવાની નથી.'

'શું લાવ્યા છો એ તો કહો.' ઇનાએ ઉત્તેજિત થતા કહ્યું. 'આજે તારા માટે પપ્પા લાવ્યો છું.' પ્રણવે સરપ્રાઈઝ ખોલતા કહ્યું.

'હેં ! આજે એનીવર્સરીનાં દિવસે પપ્પાને શા માટે લઇ આવ્યા ?' ઇનાને પ્રણવના પપ્પા મહેશભાઈ યાદ આવી ગયા.

'શું વાત કરે છે ? ઇના આજે આપણી મેરેજ એનીવર્સરી છે, એ પ્રસંગે એન્જોય કરવા પપ્પાને લાવ્યો છું.' પ્રણવે કહ્યું.

'આજના દિવસની મજા બગાડી નાખી. આજે કેમ લઈ આવ્યો ?' ઇના ચિડાઈ ગઈ.

'પપ્પા માટે કેવી વાત કરે છે, સમજ પડે છે કઈ' પ્રણવ ગુસ્સે થઈને બોલ્યો.

'શા માટે આજે તું પપ્પાને લાવ્યો છે, હવે તે એક પછી એક ઓર્ડરો ઝાડવા લાગશે, મને ચા બનાવી દે, આ ખાવાનું બનાવી દે, મારી દવાઓ આપ. મને નોકરાણી બનાવી દેશે.' ઇના એકદમ ગુસ્સે થઈને જોયા વગર જ બોલી ગઈ. 'હું ખુશીથી આજનો દિવસ મનાવવા માંગતી હતી, તે પપ્પાને બોલાવીને આખો મૂડ ખરાબ કરી નાખ્યો.'

'ઇના, શું બોલે જાય છે, તને ખબર પડે છે, કંઈ?' પ્રણવે ગુસ્સે થઈને કહ્યું. 

'હા, હા, મને ખબર પડે છે. જા જઈને પપ્પાને પાછા ઘરે મૂકી આવ, ત્યાં ન જવું હોય તો કોઈ ધર્મશાળા કે વૃધ્ધાશ્રમમાં મૂકી આવ. મારો દિવસ અને મારો મૂડ શા માટે બગાડે છે ?' ઇના વધારે ગરમ થતા બોલી. 

'ઇના, હું પપ્પાને કોઈ ધર્મશાળા કે વૃધ્ધાશ્રમમાં મૂકી આવું, કહેતા તને શરમ નથી આવતી.' પ્રણવનો અવાજ પણ ગુસ્સાથી ઉંચો થઇ ગયો. 

'હા, મને એમનાથી પ્રોબ્લમ થાય છે. મારા ઘરમાં પપ્પા જોઈએ નહી. કાં એ રહેશે કાં હું રહીશ.' ઇના વધુ ગુસ્સે થઈને બોલી. 

'તારું ઘર ક્યાંથી થઇ ગયું ?' હવે પ્રણવે ગુસ્સે થઈને કહ્યું.  'એક કામ કર, તારી આંખો પરથી પટ્ટી હટાવ અને જોઈ લે.' ઇનાએ આંખો પરથી પટ્ટી હટાવીને જોતા સામે પોતાના જ પપ્પા મુકુંદભાઈને જોતા ઓઝપાઈ ગઈ. 

'અરે ! તે મને કહ્યું નહિ કે મારા પપ્પાને લાવ્યો છે.' ઇનાએ ગભરાતા ગભરાતા કહ્યું. 

'શું ફર્ક પડે છે, પપ્પા તારા હોય કે મારા, બન્ને પપ્પા તો પપ્પા જ છે ને.' પ્રણવે મુકુંદભાઈ સામે જોઇને કહ્યું. 'જોયું તમે, તમારી દીકરી મારા માં-બાપ ને કેટલી નફરત કરે છે. મારા માં-બાપ સામે ઝેર ઓકે છે. આ કેવા સંસ્કાર આપ્યા છે, તમારી દીકરીને. હું આજે આપને દેખાડવા માંગતો હતો. મારા માં-બાપને ખાવા પીવા પણ નથી આપતી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું કહે છે. મારા માં-બાપનું મોઢું પણ જોવા નથી માંગતી. તેમની સાથે વાતચીત પણ કરતી નથી. પપ્પાજી, આપે રૂબરૂ જોયું અને સાંભળ્યું પણ.'

ઈના પણ ગભરાટમાં ગુસ્સે થઇ પ્રણવને બોલી, 'ચુપ કર હવે ! બહુ મારી નિંદા કરી.'

પ્રણવે મુકુંદભાઈ સામે જોઈ કહ્યું, 'જોયું પપ્પા, મેં આવો કોઈ ભેદભાવ રાખ્યો છે ? તમે મારા પપ્પાની જગ્યાએ જ છો. તમે જ્યારે મને યાદ કર્યા ત્યારે ત્યારે હું મારી ફરજ સમજીને હાજર થઇ ગયો છું. ત્યારે ઇના કેટલી નફરત કરે છે, મારા માં-બાપ સાથે. એટલે જ હું તેઓને મારા ઘેર પણ લાવી નથી શકતો. 

ઇના આ સરપ્રાઈઝથી ગભરાઈ ગઈ હતી. તેણે તેના પપ્પા સામે જોઈ બચાવ કરતા કહ્યું, 'પપ્પા, આવું કાઈ નથી. મેં આ બધું તમારાં માટે નહોતું કહ્યું, મને ખબર જ નહોતી કે પ્રણવ તમને લાવ્યો છે.'

આ બધું સાંભળી હવે મુકુન્દભાઈને પણ ગુસ્સો આવ્યો, 

'આ બધું મારા માટે નથી,તો શું ? પ્રણવના માં-બાપ તારા માં-બાપ નથી.'

ઇના રડમસ ચહેરે કહેવા ગઈ, 'પાપા'. મુકુંદભાઈ ઔર ગરમ થતા બોલ્યા, 'જો બેટા, લગ્ન પછી છોકરીના સાસુ સસરા જ તેના માં-બાપ બની જાય છે. લગ્ન પછી તારી શું જવાબદારી બને છે ? તેમની સાથે નફરતથી વર્તે, તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે. !! લગ્ન પછી દીકરીનું જીવન સાસરામાં જ હોય છે, મુરખ તને કાંઈ અક્કલ છે કે નહિ'. 

ઇનાની આંખો પસ્તાવાથી ભીની થવા લાગી. 'જો આ પ્રણવ, અમારું કેટલું માન રાખે છે, એક જ અવાજથી કે ફોનથી તે અમારા કામ માટે હાજર થઇ જાય છે. અમે તને આવા સંસ્કાર આપ્યા હતા ?'

આ તારું ઘર ક્યાંથી થઇ ગયું ? મુરખ, આ પ્રણવનું અને તેના માં-બાપનું ઘર છે, અને તું એમને ધર્મશાળા કે વૃધ્ધાશ્રમમાં મોકલનારી કોણ ? આ જ વસ્તુ જો તારા ભાઈ ભાભી અમારી સાથે કરે તો તને કેવું લાગે ? વિચાર કર. પ્રણવના માં-બાપની શું હાલત થઇ હશે. આજથી તારો અને મારો સબંધ પૂરો. હવે તારે પિયરમાં પગ પણ મુકવાનો નથી.' મુકુંદભાઈ ગુસ્સાથી લાલચોળ બની ગયા. 

રડતાં રડતાં ઇના બોલી, 'પપ્પા, મારી વાત તો સાંભળો, મારી ભૂલ થઇ ગઈ. મને માફ કરી દો. હવેથી હું આવું ક્યારેય નહિ કરું.'

'આ ભૂલ નથી ગુનો છે. હું તને માફ નહિ કરું, તને માફી ત્યારે જ મળશે જયારે તારા સાસુ સસરા આ ઘરમાં સુખશાંતિથી રહેતા થશે. તે પહેલા કદી નહિ.' મુકુંદભાઈ તેના જમાઈ પ્રણવ સામે જોઈ હાથ જોડી બોલ્યા, 'પ્રણવકુમાર, આ અમારા સંસ્કાર નથી, કોણ જાણે ક્યાંથી એ શીખી આવી છે, તે બદલ મને માફ કરી દો.' કહીને મુકુંદભાઈ ધીમે ધીમે બહાર નીકળી ગયા. 

ઇનાએ રડતાં રડતાં કહ્યું, 'ચાલો તમારે ઘેરથી મમ્મી પપ્પાને આપણે ધેર લાવીએ.'

પ્રણવના મમ્મી પપ્પા મહેશભાઈ અને શોભનાબેન વહુમાં આવેલ પરિવર્તનથી નવાઈ સાથે આનંદ પામ્યા અને દીકરા વહુ સાથે આનંદથી રહેવા લાગ્યા.