- વિવિધા - ભવેન કચ્છી
- પ્રો. વાઈસમેને દસ વર્ષ અમુક વ્યક્તિઓ કેમ નસીબદાર છે અને બાકીના કેમ પોતાને કમનસીબ માને છે તેનો અભ્યાસ કરવામાં વીતાવ્યા
- ભગવાન શ્રીકૃષ્ણની હાજરીથી અર્જુનનો યુદ્ધમાં વિજય તો નિશ્ચિત હતો જ તો પણ વિજયનું પ્રારબ્ધ પ્રાપ્ત કરવા તેને યુદ્ધ તો લડવું જ પડે છે
- જેઓને આપણે નસીબદાર કહીએ છીએ તેઓ કઈંક જુદા તો છે અને જુદી રીતે કર્મ કરતા હોય છે
ઇંગ્લેન્ડની હાર્ટફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રીચાર્ડ વાઈસમેને દસ વર્ષ એક રસપ્રદ વિષય પરના સંશોધનમાં વીતાવ્યા છે. તેમનો વિષય હતો કે કેટલાક લોકો કેમ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોય છે અને બીજી તરફ વિશ્વનો બહોળો વર્ગ હંમેશા એવી ફરિયાદ કરતો હોય છે કે અમારું નસીબ જ ફુટેલું છે. અમારી પાસે કોઈ તક આવતી જ નથી. કોઈ તત્ત્વજ્ઞાન કે કર્મના સિદ્ધાંતોને બાજુમાં રાખીને તેણે સમાન તક ધરાવતા નાગરિકોના જૂથનો અભ્યાસ કરીને જ કંઈક તારણ કાઢવાનો પ્રયત્ન કર્યો.
પ્રો.વાઈસમેને આ માટે એવા જૂથને આમંત્રણ આપ્યું જેમાં કેટલાક લોકો નસીબમાં જ માનતા હતા અને કેટલાક કમનસીબ હોવાની ફરિયાદ કરતા હતા. તેના આ અનોખા સંશોધનમાં આવા સેંકડો પુરુષ-મહિલાએ ભાગ લીધો. તે તમામના ઈન્ટરવ્યૂ પરથી એક બાબત સામાન્ય જણાઈ કે નસીબદાર કે કમનસીબ માનતા બંને વર્ગના નાગરિકોએ તેમને જે પણ મળ્યું છે કે નથી મળ્યું તેના કારણોની ભીતરમાં જવાનો પ્રયત્ન જ નહોતો કર્યો. તેઓ પોતે કંઈક અપેક્ષા કરતાં વધારે મળ્યું હોય તો નસીબદાર અને બાકી કમનસીબ માનીને અટકી ગયા હતા. પણ પ્રો.વાઈસમેને નસીબદારની પ્રાપ્તિ અને કમનસીબની નિષ્ફળતા પાછળનો જ ઉપક્રમ જોયો, તેના પરથી એ પુરવાર થતું હતું કે સમાન સંજોગો અને તકો વખતે બંને જૂથની પ્રતિક્રિયા આપવાનું વલણ, નિરીક્ષણ, જીવન પ્રત્યેની દ્રષ્ટિને શુભનિષ્ઠા વખતે ઈશ્વર કે કોઈ સૂક્ષ્મ શક્તિ પણ મદદ કરશે તેવી પોઝિટિવ વિચારસરણીનો ફરક હતો. નસીબદાર જૂથ તેમની ઇંદ્રિયોથી જાગૃત કે તક શોધનારા અને આગળનું પગથિયું ચઢવામાં માનતું હતું.
પ્રો. વાઈસમેને આ નસીબદાર-કમનસીબ જૂથને સાથે બેસાડીને એક પ્રયોગ કર્યો. તેણે આ તમામને એક અખબાર આપ્યું અને જણાવ્યું કે આ અખબારમાં કેટલી તસવીરો છે તે જણાવો. વચ્ચેના પાનામાં તેમણે ખૂબ સારી રીતે દેખાય અને વંચાય તેવા મોટા અક્ષરો સાથે ફ્રેમ કરેલી અડધા પાનાની જાહેરાત પણ મૂકી હતી કે' આ જાહેરાત જુઓ અને ૫૦ ડોલર જીતો.'
બન્યું એવું કે જે જે વ્યક્તિઓની નજર અને શક્તિ અખબારના ફોટો ગણવામાં જ વ્યસ્ત હતી તેમાંના મોટાભાગના કમનસીબ જૂથના નીકળ્યા. તેઓએ ૫૦ ડોલર જીતવાની જાહેરાતને જોઈ જ નહોતી. જ્યારે અખબારમાં ફોટા ગણવા સાથે ૫૦ ડોલરની જાહેરાત પર પણ નજર ફેંકીને તેને જીતનારાઓમાંના મોટાભાગના નસીબદાર તરીકે આ સંશોધનમાં ભાગ લેવા આવનારાનો વર્ગ હતો.
જ્યારે આ વર્ગે ૫૦ ડોલર ઈનામ તરીકે જીત્યા તે સાથે જ સમાજે તેને નસીબદારના દરજ્જામાં મૂકી દીધા. પ્રો. વાઈસમેને તારણ કાઢયું છે કે નસીબદાર લોકો સમાન પરિસ્થિતિમાં કમનસીબ મનાતા લોકો કરતાં હળવા અને સ્વસ્થ રહે છે. તેઓ પરિવર્તનશીલ અને ચોક્કસ બીબાંઢાળ ઘરેડમાં જ જીવન વ્યતીત નથી કરતા. નસીબદાર લોકો અત્યારે નજર સામે શું છે તે સર્વગ્રાહી રીતે જોઈ લેનારા હોય છે. કમનસીબ લોકો જે જોવાનું કે નહીં જોવાનું નક્કી કર્યું છે તે કે પછી મનમાં આદતવશ ગોઠવાઈ ગયેલી ફ્રેમમાં જ જુએ છે. આ કારણે તેમની નજરમાં આજુબાજુની તકો, વ્યક્તિઓ, દ્રશ્ય માણવાની મઝા નથી વસી શકતી.
નસીબદાર પુરવાર થયેલા લોકો એક પગથિયું ઉપર ચઢવાની ખેવનામાં જે પ્રયત્નો કરે છે તેને કારણે તેમને એવી વ્યક્તિઓ, એવા સંજોગો અને જેને કુદરતી મદદ મનાય છે તે મળી જતું હોય છે.
પ્રો. વાઈસમેન માત્ર આવું પરીક્ષણ કરીને કે તારણો કાઢીને જ અટકી ના ગયા. તેમણે પોતાની જાતને કમનસીબ માનીને આવેલા જૂથને અમુક મહિનાઓ સુધી જીવનદ્રષ્ટિ, વર્તન તેમજ અમુક લાક્ષણિકતા કેળવવાની તાલીમ આપી. આ જ રીતે પોતાનું નસીબ બનાવવાની સલાહ આપી. થોડાં વર્ષો પછી પ્રો. વાઈસમેન આ અગાઉના કમનસીબ જૂથને મળ્યા ત્યારે તેમણે જોયું કે કમનસીબ જૂથમાંના ઘણાં હવે પોતાની અને સમાજની નજરે નસીબદાર ગણાય તેવી કોઈને કોઈ પ્રાપ્તિ કરી ચૂક્યા હતા. તેમની તાલીમ પછી ૮૦ ટકા લોકો પોતાને વધુ સુખી અને અન્ય ઉદાસીન જૂથ કરતાં નસીબવંતા માનવા લાગ્યા હતા.
પ્રો. વાઈસમેને પ્રત્યેક વ્યક્તિને નીચે આપેલા ચાર ગુણો વિકસાવવાની સલાહ આપી છે, જેથી તેઓને પણ તેમના જીવન પ્રત્યે ફરિયાદ ના રહે.
૧. તમારા અંતઃકરણને અનુસરો. મોટેભાગે તે સાચું હોય છે. તમને કંઈક ઈચ્છા કે ધ્યેય છે તે તમારું અંતઃકરણ જાણતું હોય છે.
૨. નવા અનુભવો, દ્રષ્ટિ, માન્યતાને આવકારવા તૈયાર રહો. એક જ ઘરેડ કે ક્રમમાંથી બહાર નીકળશો તો જ નવા અનુભવો, જ્ઞાાાન, નવી વ્યક્તિઓ અને તકો નજર સામે ચઢશે.
૩. દરરોજ થોડો સમય એવો કાઢો કે જેમાં તમે કંઈક આનંદ પ્રાપ્ત કર્યો હોય તેનું સંસ્મરણ થાય.
૪. તમે કોઈ મહત્ત્વની વ્યક્તિને મળવા જાવ કે તેની જોડે ટેલિફોન પર વાતચીત કરો તે પહેલાં હકારાત્મક અભિગમ કેળવીને બધું જ શુભ થશે તેવું માનસ કેળવજો. એક દરવાજો બંધ લાગે તો બીજો વધુ સારો દરવાજો ખૂલશે તેમ મનને કેળવો.
પ્રો. વાઈસમેને તેના આ સંશોધનના આધારે 'ધ લક ફેકટર' નામનું પુસ્તક લખ્યું છે.
પ્રો. વાઈસમેને વર્ષોથી સ્વીકારી લેવામાં આવતી માન્યતા કરતાં વિશ્લેષણને મહત્ત્વ આપ્યું છે. તેના તારણોમાંથી એક બાબત એ સ્પષ્ટ થાય છે કે વ્યક્તિનો કોઈ પણ વસ્તુ કે સંજોગો તરફનો અભિગમ જ નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય છે.
માની લો કે તમને ટીવીના કેમેરા સામે કોઈ મહાનુભાવનો ઈન્ટરવ્યૂ લેવા કે કોઈ ફિલ્મમાં કામ કરવાની તક મળે તે સાથે જ તે ઈન્ટરવ્યૂ કે એક્ટિંગ કરતા આવડી જાય ? તમને કોઈ ધંધાની ગાદી પર બેસાડી દે તો ધંધો ચલાવતા આવડી જાય ? કોઈ સફળતા મેળવવા જતા તેને નિષ્કલંક ટકાવી રાખવી અઘરી છે. પચાવવી તેના કરતાં પણ અઘરી છે. આપણે ક્યારેય એવું નથી વિચારતા કે સફળ કે સુખી મનાતી વ્યક્તિના જીવનવ્યવહાર, દ્રષ્ટિમાં આપણા કરતાં જુદું શું છે. આપણે બીજાના ફળ જોઈને ઈર્ષા કરીએ છીએ. આપણા નસીબને દોષ આપીએ છીએ પણ જેની ઇર્ષ્યા કરીએ છે તેની જીવનશૈલી, વાણી-વર્તન, પ્રકૃતિ, સંયમ, એકાગ્રતા, ત્યાગ, શ્રમને નથી જોતા.
યાદ રહે, અહીં એવા કમનસીબ લોકોની વાત કરીએ છીએ જેઓ પોતાની કોઈ સજ્જતા, પ્રયત્ન કે જીવન પ્રત્યેના અભિગમને બદલ્યા વગર પોતાની જાતને કમનસીબ માનીને બગાસું ખાતા પતાસું મોંમાં પડે તેવા ખ્યાલો સાથે જીવે છે.સી
નસીબના કે પ્રાપ્તિના પરિબળને વૈકલ્પિક સમયની થિયરીની રીતે પણ સમજીએ. ઉદાહરણ તરીકે હું અને તમે આપણે બંને પાસે એક-એક કલાક છે. હું એક કલાક માટે લાઈબ્રેરીમાં જઈશ અને તમે કસરત કરશો. લાઈબ્રેરીમાં દેશ, દુનિયા વિશે મેં જાણ્યું તે તમે નથી જાણતા અને તમે કસરત કરીને શરીરને ચુસ્ત બનાવ્યું તે હું નથી મેળવી શક્યો.
તમે કાલે વધુ સ્ફૂર્તિ તંદુરસ્તી સાથે મળેલ તકમાં ઝળકી ઊઠો તો તેને હું નસીબદાર તરીકે ગણી શકું.
આવી જ રીતે આપણે બંને ગમે તેવો ક્વોલિટી સમય આપીએ પણ આપણી આજુબાજુની તકો ના શોધીએ તો નસીબના દ્ધાર ખોલી નથી શકતા. ''વાવશો તેવું લણશો.'' ને આ રીતે જ સમજવું જોઈએ. બીજા કંઈક કરતા હતા ત્યારે તમે પણ કંઈ કરતા હતા. તમે બંનેએ જે કર્યું હોય તે પ્રમાણે મળે... ઊંઘનારને ઊંઘ મળે અને જાગનારને જે પ્રવૃત્તિ કરી હોય તેના ફળ મળે. આવે વખતે બંને એકબીજાની પ્રાપ્તિની ઈર્ષા કરે તે ના ચાલે.
પ્રો. વાઈસમેનની થિયરીમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે નસીબ જેવું ચોક્કસ છે જ. પણ, પોતાની જાતને કમનસીબ માનનારાઓ પૈકી મોટાભાગના નસીબદારના જૂથમાં તેમનું સ્થાન મેળવી શકે તેમ છે. ખાસ પ્રકારની તાલીમથી પણ જે હોય તેના કરતા થોડું વધુ મેળવી શકાય છે.
જ્યોતિષી વિજ્ઞાાન પણ આ જ રીતે માર્ગદર્શન આપે છે અને લખેલી મુસીબતને પાર પાડવા આગાઉથી આયોજન માટેની તક આપે છે કે પછી નસીબમાં જે શુભ છે તે પ્રાપ્ત કરવા પ્રેરે છે.
પ્રો. વાઈસમેન એવો દાવો નથી કરતા કે તમે પણ ઘારો તો વોરેન બફેટ કે સ્વ. ધીરુભાઈ અંબાણી બની શકો પણ કર્મ, નસીબ બંને પરિબળોમાં શ્રદ્ધા રાખવાની સલાહ આપે છે.
યાદ અર્જુન જોડે ભગવાન શ્રી કૃષ્ણ તો હતા જ તેથી મહાભારતના યુદ્ધમાં વિજય તો નક્કી જ હતો પણ અર્જુને અને પાંડવોએ યુદ્ધ લડવાનું કર્મ તો કરવું જ પડયું હતું.
નસીબમાં ભોજનમાં પકવાન હોય તો પણ ભોજન આરોગવાનું કર્મ તો કરવું જ પડે. કોઈના નસીબમાં યશ અને કીત કે ધન હોય તો તે ત્યારે જ મળે ને કે તે વ્યક્તિએ તેના ક્ષેત્રના પ્રદાનમાં અસાધારણ યોગદાન આપીને જીવન રેડયું હોય.
પ્રો.વાઇસમેન આજુબાજુ જ પડેલી તકને પારખવા પર ભાર મૂકે છે. હાથમા જે તક કે કર્મ છે તેણે માત્ર મહેનતથી નહીં પણ કુશળ કુનેહથી પાર પાડવાનું કહે છે.
જ્ઞાાન પોસ્ટ
હાથ પગની સખ્ત મહેનત માત્ર કરવાથી અમુક મર્યાદાથી વધુ આવક નથી મળતી. જેઓ શ્રીમંત કે તેમના ક્ષેત્રમાં સફળ છે તેઓ કાળી મજૂરીનો દાયકો વીતાવ્યા પછી મસ્તિષ્કનો જ વધુ ઉપયોગ કરતા હોય છે.


