Get The App

સંતાનની કારકિર્દી : વાલીએ ધ્યાનમાં રાખવા જેવું

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
સંતાનની કારકિર્દી : વાલીએ ધ્યાનમાં રાખવા જેવું 1 - image

- એક જ દે ચિનગારી - શશિન્

- મા-બાપ બાળકના માલિક નથી, ટ્રસ્ટી છે. બાળકની રુચિ-રસ અને શક્તિનાં તેઓ રખેવાળ છે.

'મા રો દીકરો મારા પગલે જરૂર એડવોકેટ બનશે.' એક એડવોકેટ પિતાની અપેક્ષા. 'તમે જોજો, મારી દીકરી મારે પગલે જરૂર ડૉક્ટર બનશે, અને ભવિષ્યમાં મારું ક્લીનીક સંભાળશે.' એક ડૉક્ટર મમ્મીની અપેક્ષા.

ટોલ્સટોયે કહ્યું છે : 'તમારા બાળકોને બધું જ આપજો, ન આપશો તમારા વિચાર. મા-બાપ બાળકના માલિક નથી, ટ્રસ્ટી છે. બાળકની રુચિ-રમત અને શક્તિનાં તેઓ રખેવાળ છે.' એ માણસ ભાગ્યશાળી છે, જેને પોતાનાં રસ અને રુચિ મુજબનું કર્મક્ષેત્ર પ્રાપ્ત થાય છે. ઘણાં બધાં ડૉક્ટરોના પરાણે ડૉક્ટર બનાવવામાં આવેલા પુત્રો કે પુત્રીઓ પોતાના દાક્તરી વ્યવસાયમાં નિષ્ફળ જાય છે. માતા-પિતા દ્વારા પરાણે બનાવેલા એડવોકેટ અને એન્જીનિયર્સ કે અન્ય વ્યવસાયમાં સંતાનો સફળ થઇ શક્તા નથી, અને પોતાના રસનું કાર્યક્ષેત્ર ન મળતાં જીવનમાં તેઓ નિરાશા અનુભવે છે.

જે સંત પ્રકૃતિનો હોય એને વેપારમાં ના જ જોતરાય ! નહીં તો 'રામકી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર પેટ' એવી કરુણા દર્શાવી તે વ્યક્તિ વેપારમાં સફળ ન થાય. એને માટે ધર્મ અને માનવસેવાનું ક્ષેત્ર જ અનુકુળ રહે. ગુરુ નાનક કે સંત જલારામ જેવી કરુણાશીલ વ્યક્તિઓ એનું ઉદાહરણ છે. માતા-પિતા સંતાનોની પ્રતિભાના સંત્રી છે, માળી છે, પણ માલિક હરગિજ નથી જ નથી. હોકાયંત્રની સોયને તમે ગમે તેટલી ફેરવવાની કોશિશ કરો પણ અંતે એ ઉત્તર દિશામાં જ સ્થિર થવાની. હા, માતા-પિતાને બાળકના રસ-રુચિની કસોટી કર્યા બાદ પપ્રતીતિ થાય કે તે અમુક ક્ષેત્રમાં જવાલાયક છે તો, તેને તે દિશામાં વાળવામાં અને સપોર્ટ કરવામાં કશો જ વાંધો ન હોઈ શકે.

ગેલેલિયોનું જ ઉદાહરણ લઇએ. એના પિતાનું સ્વપ્ન હતું કે ગેલેલિયો ડૉક્ટર બને. એની પૂર્વતૈયારીરૂપે એને પરાણે શરીર અને આરોગ્ય વિજ્ઞાન તથા તબીબી વિજ્ઞાનની ભૂમિકાવાળા પુસ્તકો વંચાવતા હતા. ગેલેલિયોને ગણિતમાં ભારે રસ. એટલે તેના પિતા જે કોઈ પુસ્તકો વાંચવા આપે એની નીચે ગણિતની 'ક્વીઝ'નાં પુસ્તકો તે છુપાવી રાખે. અને ક્વીઝનું નિરાકરણ કરવામાં વધારે સમય આપે. ગણિત-વિજ્ઞાનના રસને લીધે જ નાની વયે ગેલેલિયો લોલકનો સિધ્ધાંત પ્રસ્થાપિત કરવામાં સફળ થયો અને અનિકવિધ શોધોને કારણે એ મહાન વૈજ્ઞાનિક તરીકે સ્વીકૃતિ પામ્યો. ડેનિયલ ડિફોનને લેખનમાં રુચિ હતી. પણ સંજોગોને કારણે એમણે વેપાર વ્યવસાયનાં ક્ષેત્રોમાં નોકરી કરવી પડી. સાથે સાથે નાની નાની પુસ્તિકાઓ - પુસ્તકો લખવાનું ચાલુ રાખ્યું અને અનુકૂળ તક મળતાં વિશ્વપ્રસિધ્ધ 'રોબિન્સન ક્રૂઝો' પુસ્તક લખીને અસાધારણ ખ્યાતિના તે અધિકારી બની શક્યા.

કુદરતે માણસને ઠોઠ રહેવા આ ધરતી પર મોકલ્યો જ નથી. હા, એના ભણતરનું ક્ષેત્ર પુસ્તકીય જ્ઞાન ન પણ હોઈ શકે. 'માણસે જે બનવું છે તે બનવામાં મદદરૂપ થવું એનાથી મોટું અન્ય કોઈ ધર્મ-કાર્ય નથી. અને આ કામ માતા-પિતા જ સારી રીતે કરી શકે. મા-બાપે જેને અક્કલનો બારદાન કહ્યો હોય, શિક્ષક કે આચાર્યએ જેને અણઘડ ઠેરવ્યો હોય, એવા માણસને જો તમે રસ અને રુચિના ક્ષેત્રમાં તક આપો તો એ ચમત્કારિક પરિણામો દેખાડી શકે એ હકીકત છે.' કુદરત રાહ જોઇને બેઠી હોય છે કે એણે ધરતી પર મોકલેલો માણસ કર્મમાં નિષ્ફળ ન નીવડે. કોઈપણ માણસ સર્વથા અભિશપ્ત હોતો જ નથી. સંજોગો, વ્યક્તિઓ કે વ્યવસ્થાતંત્રોએ એના માર્ગમાં ઊભા કરેલા અંતરાયો એના જીવનને અભિશપ્ત બનાવી દેતાં હોય છે. હા, માણસ પોતે પણ જીવન સાથે ચેડાં કરી એને બરબાદીની ખીણમાં હડસેલી શકે !

કહેવાય છે કે માણસને પ્રાપ્ત થયેલી અનેક શક્તિઓ પૈકી તે આંતરિક શક્તિઓનો નાનકડો ટુકડો જ ઉપયોગમાં લે છે. દરેક માણસમાં વણપ્રયુક્ત શક્તિઓનો મોટો ભંડાર પડેલો હોય છે. માણસ આશાવાદી બની એ ગુપ્ત શક્તિઓને ખપમાં લે તો અદ્ભુત પ્રગતિ કરી શકે છે.

માણસ જીવનના આનંદ માટે જન્મ્યો છે, જિંદગીનો ગુલામ બનવા માટે નહીં. એટલે દરેક વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે જેના થકી તે કર્મ અને જીવન બન્નેનો ભરપૂર આનંદ માણી શકે. કારકિર્દીને કેવળ પુષ્કળ કમાણીનું લક્ષ્ય બનાવીને નિર્ધારિત ન કરી શકાય. પોતાની પ્રતિભાની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિની શક્યતા કયા ક્ષેત્રમાં છે, તેના પર જ પસંદગીનો કળશ ઢોળી શકાય.

સંતાનની કારકિર્દી નિર્ધારણ પરત્વે મા-બાપ કે વાલીએ ધ્યાનમાં રાખવા જેવી છ બાબતો

૧. જિંદગી અને જીવતર વિષેના તમારા ખ્યાલો તમારાં સંતાન પર લાદશો નહીં. ૨. પરીક્ષા કે અભ્યાસ સમયે તેના પ્રેરક બનો, પણ ત્રાસદાયક 'મોનિટર' ક્યારેય ન બશો. ૩. ધાર્યું પરિણામ ન આવે ત્યારે અસંતોષ, ક્રોધ, ધમકી કે મારપીટ કરશો નહીં. એક નિષ્ફળતા એ માણસની જિંદગીની સમગ્ર નિષ્ફળતાઓનો માપદંડ નથી. ૪. અમુક જ કારકિર્દીનો દુરાગ્રહ રાખવાને બદલે તમારા સંતાનના રસ-રુચિનાં વિવિધ ક્ષેત્રોની મૈત્રી ભાવે ચર્ચા કરી અન્ય વિકલ્પો માટે તેને માનસિક રીતે તૈયાર કરો. ૫. સંતાનમાં આત્મવિશ્વાસ અને ધીરજ કેળવવામાં એને મદદરૂપ થવું એ સંતાનપ્રેમની અભિવ્યક્તિની શ્રેષ્ઠ રીત છે. ૬. સંતાનના મનગમતા ક્ષેત્રમાં જવાની છૂટ આપો ત્યારે તેને સતત પ્રોત્સાહન આપતા રહો. કેવળ જીતની તાલીમ સંતાનને આપવી જેટલી અગત્યની છે, તેટલી જ અગત્યની વાત તેને હાર પચાવવાની તાલીમની પણ છે.