Get The App

...તો ડીએનએ ટેસ્ટ કરાવી લોને ?

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
...તો ડીએનએ ટેસ્ટ કરાવી લોને ? 1 - image

- રજનીગંધા - વિભાવરી વર્મા

- આટલા અમથા પગારમાં આવાં મોંઘા કપડાં અને પરફ્યુમો કેવી રીતે પોષાય?

'શં કા...શંકા...શંકા... હવે આ શંકા દૂર કરવાનો એક જ ઉપાય છે ! ડીએનએ ટેસ્ટ કરાવી લો !'

પરાગનાં લગ્નને સાત વરસ થઇ ગયાં હતાં, લગ્ન થયાં ત્યારથી જ એના મનમાં સળવળ સળવળ થયા કરતું હતું કે હું આવો સામાન્ય દેખાવનો છું અને મારી વાઇફ રીમા આટલી બધી સુંદર હોવા છતાં મારી સાથે જીંદગીભર રહેશે તો ખરી ને ?

રીમા એક મોટી સરકારી હોસ્પિટલમાં નર્સની જોબ કરતી હતી. પરાગને મામૂલી કંપનીમાં માર્કેટિંગની જોબ હતી. પરંતુ જો ગામડું છોડીને મોટા શહેરમાં જીંદગી જીવવી હોય તો બન્નેએ નોકરી કરવી જ પડે તેવું હતું.

પરાગને મહિનામાં પંદર દિવસ પોતાના કામ માટે બહારગામ જવું પડતું હતું. દર વખતે તેના મનમાં શંકા રહેતી હતી કે મારી ગેરહાજરીમાં રીમા જેવી ખુબસુરત સ્ત્રી મારી પાછળ કોઈને મળતી તો નહીં હોય ને ?

પહેલું બાળક થયું ત્યારે પરાગની શંકા વધી ગઈ. 'આ આટલું ગોરું કેમ દેખાય છે ? હું તો સાવ ઝાંખો અને કાળો છું...'

ુપરંતુ રીમા એને કહેતી કે 'બાબો તમારા ઉપર નહીં, મારા ઉપર ગયો છે. મનમાંથી આવા ફાલતુ વિચારો કાઢી નાંખો !'

ુપછી જ્યારે બીજી બેબી જન્મી ત્યારે પરાગને ફરી શંકા જાગી, 'આ પણ ગોરી ? બન્ને સંતાનો મારા ઉપર કેમ ના ગયાં ?'

પરંતુ રીમા તેની શંકાને કાં તો હસવામાં ઉડાડી દેતી હતી અથવા તો બહુ મોટો ઝગડો કરીને દસ દસ દિવસો સુધી રીસાયેલી રહેતી.

છતાં...પેલો શંકાનો કીડો...

પેલું કહ્યું છે ને 'ચિંતા ચિતા સમાન...' પરાગ આ ચિંતામાં ને ચિંતામાં સૂકાતો ગયો. બહારગામ હોય ત્યારે મામુલી હોટલની રૂમમાં કદી સરખી ઊંઘ ના આવી. અને જ્યારે ઘરે આવે ત્યારે રીમાનું વર્તન સારું હોય તો પણ એને બનાવટી જ લાગે.

પરાગને સતત સવાલો થયા કરે ઃ 'હું જ્યારે જ્યારે બહારગામથી ફોન કરું ત્યારે એ કટ કેમ કરી નાંખે છે ? અને દસ પંદર મિનિટ પછી જ મને સામો ફોન કેમ કરે છે ? એમાંય રાતના ટાઈમે તો એકેય વાર રીમાએ મારો ફોન તરત જ ઉપાડયો નથી. છ સાત વાર 'નો રિપ્લાય' થાય પછી જ એનો ફોન સામેથી આવે, અને તરત જ ઉપાડો લે... કેમ આમ પાછળ પડી ગયા છો ? શેના વારંવાર ફોન ઠોકે રાખો છો ? એવું જ હોય તો મને ઘરમાં જ પુરી રાખો ને ! લો એના કરતાં હું નોકરી જ છોડી દઉં છું...' પણ જો રીમા એમ નોકરી છોડી દે તો ઘર કેમ ચાલે ? છોકરીઓ સારી સ્કુલમાં શી રીતે ભણી શકે ?

બાળકો મોટાં થયાં પછી પરાગની શંકાની સોય વધુને વધુ ખૂંચવા લાગી ઃ 'બાબો ગોરો છે એ ખરું, પણ જો એ એની મમ્મી ઉપર ગયો હોય તો એની હાઇટ કેમ આટલી બધી છે ? અને બેબીનો તો ફેસ પણ રીમાને મળતો નથી આવતો. ઉલ્ટું, બન્નેના ચહેરા એક જ ડાઈમાંથી બનીને બહાર પડયા હોય એવું કેમ લાગ્યા કરે છે ?'

શરૂશરૂમાં પરાગનું ધ્યાન નહોતું પડતું પણ હવે સમજાવા લાગ્યું કે રીમાને જે પગાર મળે છે એમાંથી તે પોતાના શોખ અને શણગાર માટે જે ખર્ચા કરતી હતી એ જરા વધારે પડતા જ નહોતા ? આટલા અમથા પગારમાં આવાં મોંઘા કપડાં અને પરફ્યુમો કેવી રીતે પોષાય ?

એમાં વળી રીમા વરસમાં એકાદ વાર 'મારી બહેનપણીઓ સાથે અમે ગોવા જઇએ છીએ' એમ કહીને દસ-દસ દિવસ માટે એકલી જતી રહેતી હતી. પરાગ હંમેશા પૂછતો ઃ

'આમ તો તું દહાડાની દસ સેલ્ફીઓ લઇને ફેસબુકમાં મુક્તી હોય છે, તો આ ગોવાના એકપણ ફોટા કેમ નથી મુક્યા ?'

રીનાનો જવાબ તૈયાર રહેતો ઃ 'એ તો મારી એક ફ્રેન્ડે બધાના ફોટા પાડયા હતા. પણ ભૂલથી ડિલીટ થઇ ગયા બોલો !'

રીમા આ જ રીતે મહાબળેશ્વર ઊટી, શિમલા અને કન્યાકુમારી સુધી 'બહેનપણીઓ'ના ગુ્રપમાં ફરી આવી હતી પણ દર વખતે ફોટા માટે નવું કારણ હાજર હોય ઃ 'ફ્રેન્ડનો ફોન પાણીમાં પડી ગયેલો !'

 'પાછા આવતાં ટ્રેનમાં કોઈ ગઠીયો ફોન જ ચોરી ગયો !' 'આ વખતે તો મેં જ બધા ફોટા પાડેલા... પણ તમે જ જુઓને, આખો ફોન કરપ્ટ થઇ ગયો છે ! રીપેરિંગમાં આપવો એના કરતાં હવે નવો જ લેવો પડશે !' અને જ્યારે નવો ફોન આવ્યો ત્યારે તે સવા લાખનો 'આઈ-ફોન' હતો ! વળી બીજા જ દિવસે એમાં બધો જુનો ડેટા પણ આવી ગયેલો ! શી રીતે ?

'એમાં શું હતું, કે મારી હોસ્પિટલના કોમ્પ્યુટરમાં મેં મારા ફોનનો બેક અપ ડેટા સેવ કરી રાખેલો હતો ને, એટલે ! બોલો, સારું થયું ને ?'

આટ આટલી ઘટનાઓ પરાગના મનમાં ઘુમરાયા જ કરતી હતી એવામાં તે એક સાંજે અચાનક એના શેડયુલ કરતાં એક દિવસ વહેલો પાછો ઘરે આવી ગયો !

તે વખતે કંઇ કેટલીયે વાર ડોરબેલ વગાડયા છતાં પુરી પંદર મિનિટે રીમાએ દરવાજો ખોલ્યો ! ખોલતાં જ બોલી ઃ 'આ દરવાજાની ઠેસી નવી નંખાવવી પડશે ! એવી ચોંટી ગયેલી કે સાણસીથી ખોલી ત્યારે માંડ માંડ દરવાજો ખુલ્યો...'

હવે તો પરાગનો બાટલો ફાટયો ! 'સાચું બોલજે, કોણ હતું ઘરમાં ? એન કયા બારણેથી એ બહાર જતો રહ્યો ? કોની સાથે આ બધું ચાલી રહ્યું છે ? મને તો હવે પાકી ખાતરી છે કે મારાં બન્ને બાળકોનો બાપ કોઈ બીજો જ છે !'

સામે રીના પણ લાલચોળ થઇ ગઈ. 'જો એવું જ હોય તો ડીએનએ ટેસ્ટ જ કરાવી લોને ? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે !'

'હા, હવે તો કરાવીશ જ !'

    

બે દિવસ પછી રીમા તેની હોસ્પિટલની કેન્ટિનમાં તેના વરસો જુના પ્રેમી મિતુલ સાથે બેઠી હતી તે ધીમા છતાં મક્કમ અવાજે કહી રહી હતી.

'સાંભળ, અમારા ચારેય જણાનું બ્લડ ડીએનએ ટેસ્ટ મારે તારા જ ડિપાર્ટમેન્ટમાં આવ્યું છે. હવે જ્યારે રીપોર્ટના પ્રિન્ટ આઉટ નીકળે ત્યારે તારે જરા હોંશિયારી રાખીને એમાં ફેરફાર કરી નાંખવા પડશે... થશે ને, આટલું કામ ?'