Get The App

ગર્ભ સંસ્કાર : ગર્ભસ્થ શિશુને 'સુપર હ્યુમન' બનાવવાનો પ્રયાસ

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
ગર્ભ સંસ્કાર : ગર્ભસ્થ શિશુને 'સુપર હ્યુમન' બનાવવાનો પ્રયાસ 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- 'બાળક માના પેટમાં ચોથા મહિનાથી બધું સાંભળવા માંડે છે એટલે તેની પર બાહ્ય સંસ્કારોની અસર તે ગર્ભમાં હોય ત્યારથી જ થવા માંડે છે.'

આ ધુનિક વિજ્ઞાન જણાવે છે કે ગર્ભસ્થ બાળક બહાર થતા કોઈપણ સંવાદને સાંભળી શકે છે. વિજ્ઞાનના આ સત્યને કેટલાક લોકો નવો આવિષ્કાર ગણાવશે. પરંતુ આમાં નવું કંઈ જ નથી. આ સંદર્ભમાં એક પાંચહજાર વર્ષ જુની મહાભારતની કથા યાદ આવે છે જે રજૂ કરવાનું સ્તુત્ય બની રહેશે. યોગેશ્વર શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા સગર્ભા હતી. ત્યારે એક દિવસ શ્રીકૃષ્ણ અને સુભદ્રા   મહેલમાં વિવિધ વિષયો ઉપર વાતચીત કરી રહ્યા હતા. આ દરમ્યાન સુભદ્રાએ ભ્રાતા શ્રીકૃષ્ણને ધનુર્વિધામાં આવતા ચક્રવ્યૂહ અને તેના સાત કોઠા કેવી રીતે ભેદી શકાય. એ અંગે સમજાવવા જણાવ્યું. બહેનની ઈચ્છાને માન આપીને શ્રીકૃષ્ણએ ચક્રવ્યૂહની જાણકારી આપવાનું શરૂ કર્યું. છ કોઠા સુધીની જાણકારી પૂરી થતા સુધીમાં સુભદ્રાને ગાઢ નિંદ્રા લાગી ગઈ. કૃષ્ણએ જે કંઈ સંવાદ ચક્રવ્યૂહ અંગે કર્યો તે સુભદ્રાના ગર્ભમાંના શિશુએ પણ સાંભળ્યો અને સમજ્યો હતો. પરંતુ  સુભદ્રા પોઢી જતાં સાતમા કોઠાનું  જ્ઞાન તેને ન મળ્યું. જેનું પરિણામ કુરુક્ષેત્રના ધર્મયુધ્ધમાં દેખાયું. જ્યારે સુભદ્રાપુત્ર અભિમન્યુએ આચાર્ય દ્રોણે રચેલા ચક્રવ્યૂહને તોડવાની જવાબદારી પોતાના શિરે લીધી હતી. 

આ રીતે સદીઓથી અભિમન્યુના વૃત્તાંતને બહોળું સમર્થન મળતાં મધ્યપ્રદેશની સરકારે તાજેતરમાં જ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં અલગથી ગર્ભસંસ્કાર રૂમની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારે આ યોજનાને આયુષ્યમાન ભારત સ્કીમની અંતર્ગત આવરી લીધી છે. એટલું જ નહીં, આયુર્વેદ અને એલોપથીની આધુનિક સારવાર પધ્ધતિને આવરી લઈ ગર્ભમાં ઉછરતા શિશુનો સંપૂર્ણ શારીરિક, માનસિક વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. ઉપરાંત ગર્ભવતી મહિલાના પતિ તથા મા-બાપને પણ આવનાર બાળકની તબિયતથી અવગત કરાવાશે.

દિવ્ય સંતાન પ્રકલ્પ (ડિવાઇન ચાઇલ્ડ પ્રોજેક્ટ) નામની મધ્ય પ્રદેશ સરકારની આ યોજના ભવિષ્યમાં તૈયાર થનારી દરેક સરકારી હોસ્પિટલોમાં લાગુ પડાશે.

 આજકાલ  એપ્લિકેશન, વિડિયો અને વર્કશોપ થકી અસંખ્ય ગર્ભવતી સ્ત્રીઓ હવે ગર્ભ સંસ્કારના પાઠ ભણતી થઇ છે. આવનાર બાળક (ગર્ભમાં ઉછરતા શિશુ)માં હિન્દુ સંસ્કારનું સિંચન કઇ રીતે કરવું, આધ્યાત્મનું જ્ઞાન અને બુદ્ધિબળ કેવી રીતે વધારવું એની તાલીમ સગર્ભા સ્ત્રીઓને અપાય છે. કેટલીક એપ્લિકેશનો દ્વારા એવો દાવો કરાય છે કે તેમના માધ્યમથી ગર્ભસ્થ શિશુનું વ્યક્તિત્વ, દેખાવ પણ સુધારી શકાય છે. બીજા શબ્દોમાં માતા તેના ગર્ભાશયમાં ઉછરી રહેલા શિશુને પોતાની ઇચ્છા મુજબ 'ડિઝાઇન' કરી શકે છે.

ગર્ભ સંસ્કારની પદ્ધતિનું અનુસરણ કરનાર સ્ત્રીને ધાર્મિક ગ્રંથો, પૌરાણિક કથાઓ, ગીતા વચન, ભજન-કિર્તન, પ્રાર્થના, યોગાસન, મેડિટેશન કરવાની સલાહ સપાય છે. ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી ગર્ભસંવાદ (ગર્ભસ્થ શિશુ સાથે વાતો) કરવાની રીત-રસમ શીખવાડાય છે.

કહે છે કે ભક્ત પ્રહ્લાદ તેની માના ગર્ભમાં હતો ત્યારે તેના પિતા હિરણ્યકશિપુ જંગલમાં તપસ્યા કરવા માટે ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી દેવોએ રાક્ષસો પર આક્રમણ કરી દીધું. ઇંદ્ર પ્રહ્લાદની  માતાને ઘસડીને પોતાની સાથે લઈ જઈ  રહ્યો હતો ત્યારે  માર્ગમાં નારદ મુનિ મળ્યા. નારદ મુનીની પૃચ્છાના જવાબમાં ઇંદ્રે કહ્યું કે આ અસુર સ્ત્રી ગર્ભવતી છે. તેના પેટમાં રહેલું બાળક રાક્ષસ જ પેદા થશે માટે તેનો નાશ કરવા જઈ રહ્યો છું. પરંતુ નારદ પામી ચૂક્યા હતા કે ગર્ભમાંનું બાળક તેજસ્વી છે. તેમણે ઇંદ્રને કહ્યું કે આ બાળક બધાનો ઉદ્ધાર કરશે માટે તમે માતાને મારી સાથે આશ્રમમાં આવવા દો. પ્રહ્લાદની માતા નારદ મુનિના આશ્રમમાં રહેવા લાગી. નારદ મુનિ શિષ્યોને જે ઉપદેશ આપતા, તે બાળ પ્રહ્લાદ ગર્ભમાં પડયો પડયો સાંભળતો. એટલે નારદ મુનિ તેમના ગુરુ છે અને આ સંસ્કાર તેમની પાસેથી મેળવ્યા છે. ભક્ત પ્રહ્લાદ આગળ જતાં અહંકારી હિરણ્યકશિપુના નાશ માટે કેવી રીતે નિમિત્ત બન્યો એ વાત આપણે બધા જાણીએ છીએ. 

'બાળક માના પેટમાં ચોથા મહિનાથી બધું સાંભળવા માંડે છે એટલે તેની પર બાહ્ય સંસ્કારોની અસર તે ગર્ભમાં હોય ત્યારથી જ થવા માંડે છે.' ભારતીય પૌરાણિક ગ્રંથોમાં માત્ર સંસ્કારો જ નહીં, પણ જ્ઞાન અને વિદ્યાઓ પણ બાળકને ગર્ભાવસ્થામાં જ પ્રાપ્ત થયાં હોય તેવી કથાઓ મળે છે.

બાળક જન્મે તે પહેલાંથી જ તેને કુટુંબના સંસ્કારો આપવા એટલે ગર્ભસંસ્કાર. જો કે ગર્ભમાં રહેલા બાળક પર આવી બાબતોની અસર થાય છે અને ગર્ભાવસ્થામાં કથા સાંભળવામાં આવે તો બાળક ધાર્મિક વૃત્તિનું બને છે એવી માન્યતાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

માતાપિતા અને સંતાનોના સ્વભાવમાં સમાનતા કરતા વિરોધાભાસ વધારે દેખાતો હોય છે, છતાં ઘણા બધા લોકોને ગર્ભસંસ્કારમાં વિશ્વાસ હોય છે. ગર્ભસંસ્કાર એટલે આમ તો કંઈ નહીં, પણ નવ મહિના દરમિયાન સ્ત્રી સાત્ત્વિક વાતાવરણ અને માનસિક શાંતિમાં વિતાવે તે.

વડોદરાની એક મહિલા ડોક્ટરને આઠમો મહિનો જઈ રહ્યો છે. તેઓ કહે છે, 'આજના સમાજને જોતાં, માતા આવનારા બાળકને ગર્ભમાં જ સંસ્કારો આપવા માંડે તે અત્યંત જરૂરી છે. એટલું જ નહીં, પોઝિટિવ વાતોની ગર્ભમાંના બાળક પર પોઝિટિવ અસર થાય છે.'

'વૈજ્ઞાનિક રીતે અત્યાર સુધી એવું સાબિત થયું નથી કે ગર્ભમાંના બાળક પર આ રીતે અસર થતી હોય છે. પરંતુ જેમ પોઝિટિવ વાતોની આપણા પર પોઝિટિવ અસર થાય છે તેમ પોઝિટિવ ગર્ભસંસ્કારની અસર આવનારા બાળક પર પડી શકે. એટલે સાબિત ન થયું હોય તો પણ એનો અર્થ એ નહીં કે આપણે સારા સંસ્કારો સીંચીએ જ નહીં.'

ગર્ભ પરની અસરો વિશે પશ્ચિમમાં સંશોધનો થતાં રહ્યાં છે. મહિલાની શારીરિક અને માનસિક સ્થિતિ અને તેના કારણે તેના હોર્મોનલ બેલેન્સમાં થતા ફેરફારની અસરો ભૂ્રણ પર થાય છે તેવાં તારણો કાઢતાં સંશોધનો પણ થયાં છે. પરંતુ ગર્ભ પર થતી આ બાયોલોજિકલ અસરો છે. જિન્સના ક્ષેત્રમાં થયેલાં સંશોધનો પછી હવે ગર્ભ દરમિયાન જ કોઈ ખોડખાંપણ દેખાય તો તેનો ઈલાજ થવા લાગ્યો છે. પણ સંસ્કાર સિંચનની વાત ભારતીય્ શાસ્ત્રોમાં છે તેમાં મુખ્ય વાત મહિલાના મનોવિશ્વની છે.

ગર્ભમાં શિશુઓની સાંભળવાની શક્તિ વિષે અભ્યાસ કરતાં અમેરિકાના વિજ્ઞાનિઓએ પાકે પાયે ખાતરી આપી હતી કે જન્મ પહેલાં જ ગર્ભસ્થ શિશુ શીખવાનું શરૂ કરે છે. અગ્રગણ્ય સામયિક 'સાયન્સ' માંનો એક અહેવાલ એમ કહે છે કે  માના પેટમાં જ બાળકો અવાજો ઓળખવાનું સામર્થ્ય ધરાવે છે અને તેમના જન્મ પહેલા સાંભળેલી કવિતાઓ પણ તેઓ ઓળખી શકે છે.

ઉત્તર કેરોલિના વિદ્યાપીઠના એક માનસશાસ્ત્રી એન્થની ડેકાસ્પર અને તેમના સાથી વિલિયમ ફાઈફરે તરતના જન્મેલા દશ બાળકોની કસોટી કરી હતી. કસોટી કરવાની પદ્ધતિ એવી હતી કે તેમાં ટેપ રેકોર્ડરને જોડેલ ચુસણીને બાળક ચૂસી શકતું હતું.

એક પદ્ધતિએ આ બાળક તેનો પોતાની માતાનો અવાજ સાંભળે અને બીજી રીતે ચૂસતા આ બાળક બીજી સ્ત્રીનો અવાજ સાંભળે ડેકાસ્પર અને ફાઈફરે શોધી કાઢ્યું કે બાળકો તેમની પોતાની માતાનો અવાજ સાંભળી શકાય તે રીતે ચૂસવા માટે વળતા હતા. તેમને એવું પણ જાણવા મળ્યું કે બાળકો સ્તનપાન કરતા હોય કે બાટલીથી દૂધ પીતા હોય તેઓ ૩૬ થી ઓછા કલાકના હોય કે  ૭૨ થી વધુ કલાકના હોય. માતાના અવાજ માટેની આ પસંદગી  દરેક કેસમાં  એકસરખી જોવા મળી.

હવે તો ગર્ભની સ્થિતિ જણાવતી સોનોગ્રાફીની ટેકનિક ઘણી આધુનિક થઈ ગઈ છે. પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ સોનોગ્રાફી થતી હતી. હવે કલર સોનોગ્રાફી થવા માંડી, જેના દ્વારા ગર્ભસ્થ શિશુમાં રહેલા રક્તપ્રવાહ વગેરેને પણ જાણી શકાય છે. ગર્ભમાં ખાસ્સા વિકસિત બાળકના ચહેરા પરના હાવભાવ પણ જોઈ શકાય છે. થ્રી-ડી અને ફોર-ડી સોનોગ્રાફી આવી છે તેના દ્વારા બહારની હલચલનો કેવો રિસ્પોન્સ શિશુ આપે છે તેનો અભ્યાસ થઈ શકે છે.

હજારો વર્ષ પહેલાં વાગ્ભટ્ટે લખ્યું હતું કે ગર્ભાવસ્થામાં બાળક પર આચાર-વિચાર અને આહારની અસર થાય છે.

ગર્ભસંસ્કારમાં મુખ્યત્વે આહાર, ઊંડા શ્વાસોચ્છવાસ, હળવી કસરતો અને ચોથો મહિનો ચાલતો હોય એ વખતે બાળક સાથે કરવામાં આવતા સંવાદનો સમાવેશ થાય છે. અઢી કલાક ચાલતું આ કાઉન્સેલિંગ એક કે બે વાર કરવામાં આવે છે.

એક મહિલા તબીબે જણાવ્યું તેમ પતિ-પત્નીને ગર્ભમાંના બાળક સાથે કઈ રીતે વાતો કરી શકાય તે  શીખવવામાં આવે છે.   પતિ-પત્ની પેટ ઉપર હાથ રાખીને બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે.

પૂનાના એક ગર્ભસંસ્કાર કેન્દ્રમાં માતા ગર્ભમાંના બાળકને ઉદ્દેશીને કહેતી હતી કે 'તું પણ અમારા બંનેના સારા ગુણો ગ્રહીને આ દુનિયામાં અવતરજે. જન્મ સમયે મને ઓછી તકલીફ આપજે એટલે આપણને બંનેને તકલીફ ન પડે. તું મહાબુદ્ધિમાન બને તો પણ ઘમંડી ન થતો. નાનકડો દીવો જેવી રીતે જગત અજવાળે એવી રીતે તું જ્ઞાનની જ્યોત જગાવતો આવજે.'

ગર્ભસંસ્કારશીખવતા એક વર્ગમાં તાલીમ લેનારી મહિલા કહે છે કે મને વિશ્વાસ છે કે ગર્ભાવસ્થામાં બાળક સાથેના સંવાદથી તેનો પ્રતિભાવ ચોક્કસ મળે છે. 

ભલે ગર્ભમાંનું બાળક ભાષા નથી સમજતું, પણ ભાવ તો સમજે છે, એમ કહેતા તે પોતાનું જ ઉદાહરણ આપે છે, 'હું મારું પ્રિય લતા મંગેશકરનું ગાયેલું 'રામરતન' ગીત સાંભળું છું તે સમયે ગર્ભનો પ્રતિભાવ એકદમ શાંત હોય છે, અર્થાત્ બાળક પણ ગીત શાંતિથી સાંભળે છે.'

બીજી કેટલીક મહિલાઓનાં ઉદાહરણો પણ જાણવા જેવા છે. એક મહિલા ગર્ભધારણની અવસ્થામાં મોટેથી ગાયત્રી મંત્રનું પઠન કરતી હતી. રાત્રે સૂતી વખતે ગાયત્રી મંત્રનું પઠન કરવામાં આવે ત્યારે તેનું બાળક આરામથી સૂઈ જાય છે. બીજી એક મહિલા ગર્ભવતી હતી તે દરમિયાન દૂરદર્શન પર 'મહાભારત' સિરિયલ ચાલતી હતી. આ મહિલાનું બાળક વર્ષો પછી  પણ મહાભારત સિરિયલની ટયુન સાંભળે તો ભાવુક બની જાય છે એવો તેમનો દાવો છે.

આવા કિસ્સાઓમાં ઘણી વાર શ્રદ્ધાને કારણે સાનુકૂળ હોય તે જ જોવાની વૃત્તિ અને યોગાનુયોગ પણ ભાગ ભજવતાં હોય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ગર્ભસંસ્કાર વિધિવત ન આપનાર મહિલાના બાળકને આવા ફાયદા નહીં થાય તેવું માની લેવાની કોઈ જરૂર નથી. ગર્ભાવસ્થા દરમિયાન કુટુંબમાં મહિલાની કાળજી લેવાય અને દંપતી આનંદપ્રમોદથી રહે તે પણ એક જાતના ગર્ભસંસ્કાર જ છે.

ડોક્ટર તો એવો પણ દાવો કરે છે કે બાળક તોતડું ન થાય તે માટે '૨' અક્ષરના વધુ ઉચ્ચારવાળો 'રામરક્ષા સ્તોત્ર' સગર્ભા મહિલાએ શીખવો જોઈએ. રામો રાજમણિ: સદા વિજયતે રામંરમેશં તસ્મૈ નમ: શ્લોકનું પઠન ફાયદાકારક હોય છે અને બાળક જલદી શુદ્ધ ઉચ્ચારો કરતા શીખે છે એવો તેમનો દાવો છે. આ માટે તેઓ સૂરતમાં રહેતી એક વર્ષની બાળકી મીનાના સ્પષ્ટ ઉચ્ચારોનો દાખલો આપે છે.

મીનાની માતા રેખા કહે છે કે 'હું સગર્ભાવસ્થામાં સંગીત બહુ સાંભળતી. ખાસ કરીને સંગીતકાર રવિન્દ્ર જૈન દ્વારા સ્વરબદ્ધ ગીતો મન લગાવીને સાંભળતી.  તેમનું એક ભજન ગીત મને બહુ ગમતું. એકવાર અમે ગાડીમાં અમદાવાદ જતાં હતાં. મીના  અંધારાને કારણે રોવા લાગી. અમે તેને છાની રાખવાના પ્રયત્નો કરતાં-કરતાં થાકી ગયાં, પણ કોઈ રીતે છાની ન રહે. એ જ વખતે એની માસીએ   પેલું ભજન ગીત ગાયું અને અચાનક મીના શાંત થઈને સૂઈ ગઈ.'

આવા દાવાઓ જોતા હકારાત્મક, બિનનુકસાનકારક અને માનસિક શાંતિ આપે તેવા નુસખા જ ગર્ભસંસ્કાર માટે અપનાવવા જોઈએ. તે સિવાયના ગર્ભવતી મહિલાને શારીરિક કે માનસિક કષ્ટ પડે તે ઊલટાની તેને એન્કઝાઇટી, ચિંતા વધે તે પ્રકારના ગર્ભસંસ્કારો આપવાનો અખતરો કરવો જોઈએ નહીં. અત્યારે જેમ બાળકને જાતભાતનાં ટયૂશનો અને અનેક પ્રવૃત્તિઓ કરાવીને સુપરમેન બનાવવાની કોશિશ થાય છે અને સરવાળે માબાપ અને બાળક બંને તાણ અને તનાવનો ભોગ બને છે તેવું ગર્ભવતી મહિલા સાથે ન થાય તે જોવું પડે. આદર્શ બાળકની તાલાવેલીમાં ગર્ભસંસ્કારોનું મોટું લિસ્ટ લઈને જો મહિલા બેસે તો તેની માનસિક શાંતિ ઊલટાની હણાઈ જાય અને તેની અવળી અસર ગર્ભ પર પડી શકે છે.

આયુર્વેદની દવાઓ અને કેટલીક ઔષધીઓના ચમત્કારિક પણ  સાબિત ન  થઈ શકે  તેવા  દાવા થતા હોય છે. પણ તેની આડઅસર થતી નથી એમ સમજીને લોકો તે લેતા હોય છે. બદામનું દૂધ પીવાથી બુદ્ધિ ન વધે તો કંઈ નહીં, પણ કંઈ નુકસાન થવાનું નથી. એ જ રીતે ગર્ભસંસ્કારને ગર્ભાવસ્થાની એક પોઝિટિવ અને આનંદદાયક પ્રવૃત્તિ તરીકે લેવામાં આવે તો વાંધો ન આવે.

- ભાલચંદ્ર જાની