કવિ દયારામ રચિત 'રસિકવલ્લભ' કૃષ્ણભક્તિની અદ્ભુત રચના
- દયારામ લખે છે કે હરિ પ્રભુ એટલા બધા દયાળુ છે કે એમને કોઈપણ ભાવે ભજવામાં આવે તો પણ તેઓ મોક્ષ આપે છે, દુર્જનો ઉપર પણ કૃપા વરસાવે છે
મ ધ્યયુગના પુષ્પિમાર્ગીય કવિઓમાં 'ગરબી કવિ' દયારામનું નામ મોખરે છે, લગભગ સો જેટલાં ગ્રંથોનું કતૃત્ત્વ દયારામના નામે ગણાવાય છે. એમની તત્ત્વપ્રબંધ, સારનિરૂપમ, ધર્મનીતિસાર, સિધ્ધાંતસાર, રસિકરંજન, ભક્તિવિધાન, નિઃસાધનતા, શ્રીકૃષ્ણસ્તવનામૃત, પુષ્ટિપથસારમણિદામ, જેવી કૃતિઓમાં 'રસિકવલ્લભ' એ તેમનો સૌથી નોંધનીય તાત્વિક ગ્રંથ છે.
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ બાબતે નોંધ્યું છે કે 'પ્રસ્તુત ગ્રંથમાં કવિની શ્રદ્ધાવલ્લી બીજથી ફળ સુધીના વિકાસવાળી સમાઇ છે. બ્રહ્મ, જીવ અને જગતના પરસ્પર સંબંધ દર્શાવતાં કવિ સ્થળે-સ્થળે શંકરાચાર્યજ પ્રસ્થાપિત કૈવલાદ્વૈત સિધ્ધાંતનું ખંડન પણ કરે છે.
'રસિકવલ્લભ' જેવી સુંદર કૃતિમાં દયારામે બ્રહ્મ, જીવ અને જગતના સ્વરૂપ વિશે વિચાર કરતાં મોક્ષને માયા તત્ત્વો પણ સમજાવ્યાં છે. શિષ્ય-ગુરૂના પ્રશ્નોત્તર રૂપે શુધ્ધાદ્વૈત સિધ્ધાંતનની સ્થાપના કરતાં દયારામે અહીં ખુબ જ સફળ રીતે તાત્ત્વિક ગ્રંથોની ખંડનમંડન શૈલી પ્રયોજી છે. 'રસિકવલ્લભ' એ દયારામ દ્વારા આખ્યાનબંધમાં રામેરી રાગનાં ૧૦૯ પદમાં રચાયેલો દીર્ઘગ્રંથ છે. જેમાં કવિએ પુષ્ટિસંપ્રદાયની પરિભાષાનો સંદર્ભ રીચ પરબ્રહ્મ તરીકે શ્રીકૃષ્ણની સ્થાપના કરી છે.
કવિ વસ્તુનિર્દેશ કરતાં જણાવે છે કે,
''જે થકી સહુ સંદેહ ટળે, સિધ્ધાન્ત સૂધો ભાસે,
પડે પ્રતીતિ પર્વતપ્રાયે, નિશ્ચે ભ્રમણ ભ્રાંતિ નાર્સ''
રચનાના આરંભમાં જ અનેક ધર્મગ્રંથોના અભ્યાસથી મૂંઝવણ અનુભવતો શિષ્ય, ગુરૂને ધર્મનો કોઈ એક નિશ્ચિત માર્ગ દર્શાવવા વિનંતિ કરે છે કે-
''શિષ્યે પૂછ્યું શ્રીગુરૂ પ્રત્યજી, કયમ ભ્રમતી રહે મ્હારી મત્યજી કૃપા કરી તે મુજને કહિયેજી, શરણાગત છું નિજનો લહિયેજી''
ગુરૂ એનો ઉત્તર આપતાં જણાવે છે કે - શ્રીકૃષ્ણના આશ્રય વિના અન્ય સર્વદેવોની આરાધના સભય છે. એમાં ભક્તને અપૂર્વ નિર્ભયતાનો અનુભવ નથી થતો, બ્રહ્મરૂપ પુરૂષોત્તમ અને જીવોના સંબંધ વિશે દયારામ જણાવે છે કે, બ્રહ્મસ્વરૂપ પ્રભુ સાથે જીવોએ સેવ્ય-સેવકનો સંબંધ રાખવો જોઇએ. કારણ કે 'હરિ'તો ભગવાન છે. એનો મહિમા કોઈ પામી શક્તું નથી. મહાદેવ - મોટા દેવ રૂપે ઓળખાય છે પણ જે ગુણ 'હરિ'માં છે તે એમનામાં પણ નથી, શ્રીકૃષ્ણ તો-
'સર્વેશ સ્વામી સકળના, સર્વના અંતરયામી,
સમતા ન જેહની કોઈ નહિ' કો શિશ જેહને સ્વામી.
આત્મારામ ને આત્મયોનિ સર્વાત્મા સહુ રૂપ
જન દયાપ્રીતમ કૃષ્ણમાં ઇત્યાદી સુગુણ અનુપ'
દયારામ લખે છે કે હરિ પ્રભુ એટલા બધા દયાળુ છે કે એમને કોઈપણ ભાવે ભજવામાં આવે તો પણ તેઓ મોક્ષ આપે છે, દુર્જનો ઉપર પણ કૃપા વરસાવે છે. એમનો ક્રોધ પણ ફળદાયી બને છે. એમની ભક્તિનો માર્ગ પણ નિષ્કંટક છે, વળી બીજા દેવોની સરખામણીમાં 'હરિ'નો આશરો એ જ ઉત્તમ છે.
'અભય અચળ દાતા હરિ એેકજી, એ બળ ન મળે દેવ અનેકજી
કૃષ્ણ મારો કહે એક વારજી, સહજ હરિ દે સુખ ભંડારજી'
આગળના પદોમાં દયારામ જીવ અને બ્રહ્મનો સંબંધ વર્ણવતાં માયાવાદીના સિધ્ધાંત મુજબ જીવ-બ્રહ્મનું ઐક્ય દર્શાવતા દ્રષ્ટાંત રજૂ કરી શિષ્ય એ સિધ્ધાંતનું પ્રતિપાદન કરે છે, જળ અને દીપજ્યોતિનાં મૂળમાં આપેલાં દ્રષ્ટાંતો શિષ્ય આ મુજબ રજૂ કરે છે કે
'જીવ'ને બ્રહ્મ બે એક ઠરાવેલજી, ત્યહાં દ્રષ્ટાંત તે જળનું બતાવેજી
જયમ જળ મધ્યે જળ મળી જાયજી, એમ જ બ્રહ્મમાં જીવ સમાયજી કોઈ ભેદ ન રહે દીપજ્યોતિ, જુગ્મ જય હો મળી જાય,
ટળતાં અવિદ્યા જીવ ત્યમ જ, બ્રહ્મમય થઇ જાય'
કવિએ માયાવાદીને અભિપ્રેત બ્રહ્માનંદ કરતાં ભજનાનંદની અધિકતા દર્શાવી શ્રીકૃષ્ણભક્તિનું માહાત્મ્ય વર્ણવ્યું છે. શ્રીકૃષ્ણભક્તિ દ્વારા અનુભવાતા ભજનાનંદ વિશે દયારામ લખે છે કે,
'સર્વોપરિ છે ભજનાનંદજી, પણ અનુભવ નહિ રતિમંદજી
કૃષ્ણ ભક્તોએ ભજનાનંદ તો લીધો, પણ ગોપીઓને તો નંદપુત્ર અતિ પ્યારો છે, તેથી દયારામ ગોપીઓની આ અતૂટ પ્રેમભક્તિનું ઉદાહરણ આપી કૃષ્ણભક્તિનો આદર્શ પ્રસ્તુત કરે છે.'
'પ્રીતિ સહજની અતિ ઘણી, શ્રીનાથજીને ભાવે
તે કોટિ સાધન કર્યે હરિ, કરૂણા વિના ક્યહું નાવે'
આમ, દયારામની આ રચના 'રસિકવલ્લભ'એ પુષ્ટિમાર્ગીય દર્શનનો અનુભવ કરાવતો અદ્ભૂત ગ્રંથ છે.
- ડૉ. ઋષિકેશ રાવલ