Get The App

પ્રેમાનંદની પ્રસાદી 'નળાખ્યાન'

Updated: Mar 29th, 2022

GS TEAM

Google News
Google News
પ્રેમાનંદની પ્રસાદી 'નળાખ્યાન' 1 - image


'ન ળાખ્યાન' રસરાજવી પ્રેમાનંદની ઉત્તમ કૃતિઓમાંની એક છે. મહાભારતના આરણ્યક પર્વના ૭૯મા અધ્યાયના ઉપાખ્યાનમાં વનવાસની વેદના ભોગવતા યુધિષ્ઠિરને ત્યાં આવેલા જોઈ બૃહદ્રશ્વ મુનિ પાંડવોને જે દુઃખ પડે છે તે જોઈને 'નળ દુઃખ પામ્યો અરે પાંડવ, નથી તેહનો સો મો ભાગ' એમ કહીને તેમને નળકથા સંભળાવે છે. કથાના આરંભના અઠયાવીસમાં કડવા સુધી નળ-દમયંતીના સુખી દામ્પત્યજીવનની અભૂતપૂર્વ ઝાંખી થાય છે. સુખીજીવનની પરાકાષ્ઠાએ કળિના પ્રતાપે નળરાજા પુષ્કર સાથે દ્યુત રમવા બેસે, પાસાં અવળાં પડે અને કથાના ઓગણત્રીસમા કડવાથી તેમની દુઃખોની પરંપરાનો આરંભ થાય છે. સમગ્ર કથામાં દમયંતી સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં સૌથી વધુ વેદના તેના શિરે આવે છે. વાસ્તવમાં તો કળિની કપટલીલા જ તેમના દુઃખ માટે જવાબદાર છે. પરન્તુ નિર્દોષને વેઠવું પડતું દુઃખ અને એની કરૂણતા કૃતિનો મૂળ હેતુ છે.

નળ અને દમયંતી નળાખ્યાનનાં મુખ્ય પાત્રો છે. નળનું કળિના પ્રભાવથી દમયંતી સાથેનું ગામઠી-ઢીમર તરીકેનું વર્તન, દમયંતીને અને ભીમક રાજાના દરબારમાંનું બેહુદુ વર્તન નળના પાત્રને ગૌરવહીન બનાવે છે, જ્યારે નળનું મનોમંથન, કર્કોટક નાગની મુક્તિ, ઋતુપર્ણને ત્યાં નળનો વિયોગ જેવા પ્રસંગોમાં નળના પાત્રના ઉત્તમ અંશો વ્યક્ત થાય છે. હારચોરીના પ્રસંગે સતીત્વની કસોટીમાંથી પસાર થતી દમયંતી ''લેનારું ફાટી પડજો'' એમ બોલે છે ત્યાં એનું પાત્ર વધુ તેજસ્વી જણાય છે. બાહુક રૂપે આવેલા નળની સત્ત્યતાની ખાતરી કર્યા બાદ ''નથી રૂપનું કામ રે, ભૂપ મારા...'' બોલે છે ત્યારે દમયંતીના મહાન-શાશ્વત પ્રેમની પ્રતીતિ થાય છે 'નળાખ્યાન'માં નારદ, હંસ, કળિ માનવેતર પાત્રો છે. લોલુપ દેવોનું માનવીયકરણ પ્રેમાનંદની પાત્રાલેખનકળાની સિધ્ધિ છે. હંસ જે રીતે નળનો વિવાહ કરાવે છે, દમયંતીને વરવા ઈચ્છતા દેવોનું વર્તન, કળિનું વર્ણન, નળ પાસે દમયંતીના સૌંદર્યનું વર્ણન કરતા નારદ જેવા પ્રસંગો અને પાત્રોના સ્વાભાવિક આલેખનમાં પ્રેમાનંદનું ગુજરાતીકરણ ધ્યાનપાત્ર બને છે.

નળાખ્યાનમાં બૃહદશ્વ મુનિ યુધિષ્ઠિરને સાંત્વન આપવા પાંડવો કરતાં પણ સો ગણા દુઃખી નળદમયંતીના દુઃખોની કથા કહે છે તેથી તેનો મુખ્ય રસ કરૂણ જ હોય તે સ્વાભાવિક છે નિર્દોષને વગર વાંકે પડતી દુઃખની ઝડીઓ કરૂણ રસને વધુ ખીલવવામાં સહાયરૂપ બને છે. કળિના પ્રભાવથી નળરાજા દ્યુત રમવા બેસે, પાસાં અવળાં પડતાં પરાજિત થઈ વનમાં જવું પડે, વનમાં પાણી ન મળવું, માછલાં સજીવન થઈ જવાં, નળ-દમયંતીનો ત્યાગ કરે, દમયંતીનો વનમાં રઝળપાટ, માસીને ત્યાં દાસીરૂપે રહેવું, હારચોરીનો આક્ષેપ, શાપથી પારધી બળીને ખાખ થઈ જાય, આ બધાં જ પ્રસંગો કરૂણ રસના દ્યોતક છે. આરંભના અઠયાવીસ કડવા સુધીનું નળદમયંતીનું સુખી દામ્પત્યજીવન, નળ-દમયંતીના સૌંદર્યવર્ણનો તથા પરસ્પર મિલનની ઝંખનામાં શૃંગાર રસનું સુંદર નિરૂપણ છે. તો હંસ માનવવાણી ઉચ્ચારે, દેવો નળનું રૂપ ધારણ કરે, નળ બાહુકનું વરવું રૂપ ધારણ કરે, પારધી દમયંતીના શાપથી બળી મરે, દમયંતીના શાપથી ટોડલો ફાટી પડે, બાહુક કર્કોટક નાગે આપેલાં વસ્ત્રો પહેરતાં પાછો નળ બની જાય જેવા પ્રસંગોમાં અદ્ભુત રસ અનુભવાય છે. જ્યારે પારધી અજગરને કાચો ખાઈ જાય છે ત્યાં બિભત્સ રસનું આલેખન છે. પ્રેમાનંદ રસ રાજવી છે.

પ્રેમાનંદની વર્ણનકળા ઉત્તમ પ્રકારની છે. માત્ર થોડાક જ શબ્દોમાં આબેહુબ ચિત્રો ખડાં કરી દે છે, જોકે એનાં પાત્રોના સૌંદર્યવર્ણનો પરંપરાગત પ્રકારના છે પરન્તુ ''મોસાળ પધારો રે મારા બાંડુઆ'' કહેતી દમયંતીની હૃદયવિદારકતાનું વર્ણન કે એકલી અટૂલી અબળાને નળ વનમાં ત્યજીને ચાલ્યો જાય ત્યારે ''દમયંતી વનમાં વલવલે'' દ્વારા દમયંતીના વલોપાતનું ચિત્ર પ્રેમાનંદ તાદ્રશ્ય ઊભું કરે છે. દમયંતીના ત્રણ વખતનાં રૂપવર્ણનો એકબીજાનાં પૂરક બની તેનું એક અનન્ય સુંદરીનું ચિત્ર ઉપસાવે છે. કવિએ નળના રૂપને કંઈક ચીલાચાલુ રીતે બે સંદર્ભથી રજૂ કર્યું છે. કળિનું ભય અને જુગુપ્સા ઉપજાવતું ચિત્ર પ્રેમાનંદે દોર્યું છે. તો સ્વયંવરમાં રાજાઓની ચેષ્ટાઓનું તથા ઋતુપર્ણના વરઘોડામાં ઘોડાઓનાં વર્ણનો યાદગાર બની જાય છે. પ્રસંગોપાત પાત્રનાં મુખમાં મૂકેલાં પદો એમનાં ઊર્મિસંવેદનો વ્યક્ત કરે છે જેમ કે, ''વૈદર્ભી વનમાં વલવલે અંધારી રે રાત'' તથા ''હરિ સત્યતણાં સુંધાતા, હરિ હું કહીએ નથી સમાતી'', થી આરંભાતા કડવા કવિના કલા કૌશલ્યનાં દર્શન કરાવે છે. પ્રેમાનંદ શબ્દોનો સ્વામી છે, એને પ્રકૃતિ કે પ્રસંગવર્ણનોમાં ક્યારેય શબ્દો શોધવા જવું પડતું નથી. એની કલમમાંથી પ્રતીકો, અલંકારો, વર્ણનો, કલ્પનાઓ વગેરે અનાયાસે જ આવી મળે છે, એનાં સમૃદ્ધ, ચિત્રાત્મક, અને કલામય વર્ણનો એને આખ્યાનકાર ઉપરાંત કવિ તરીકેની ચિરસ્થાયી પ્રતિષ્ઠા અપાવે છે.  ટૂંકમાં ''સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયાં રે.'' એ નળ-દમયંતીની કથાનું, મૂળ તાત્પર્ય છે, અંતે જીવતો નર ભદ્રા પામશે, ઈશ્વર સજ્જનોની લાજ રાખશે એ જ એનું રહસ્ય છે.

- ડૉ. ઋષિકેશ રાવલ

Tags :