માસૂમ વાનરબાળ : બચ્ચું અંતે આ ફાની દુનિયાનો ત્યાગ કરી મરી ગયું હતું
- વહેતું જીવન : ડૉ. હર્ષદ કામદાર
કબીલાનો સરદાર ટોની સૌથી કાબેલ શિકારી હતો. તે આંખો બંધ કરીને ઉડતા પંખીને તેની પાંખોના ફડફડાટથી વીંધી નાખતો
'જો તો, તારા મારે સુંદર તેતર લાવ્યો છું, તેનું માંસ ખાવાની મજા આવશે.' ટોનીએ ઘેર આવતાવેત મારેલાં તેતર બતાવી, ખુશ થતાં બોલ્યો.
'પણ આજે તો આપણે માંસ ખાવાનું નથી, પછી કેમ લાવ્યા?' તેની પત્નીએ પૂછયુ. 'આ બે તેતરો હવામાં સંવનન કરતાં હતા, તો એક જ ગોળીથી પાડી દીધા.' ટોનીએ પોતાના પરાક્રમની વાત કરી.
'આવું કામ કરાતું હશે, સંવનન કરતાં જોડાં ને તોડવાનું?' તેની પત્ની બગડીને બોલી.
'હા,હા,હા,' ટોની હસી પડયો. 'મને તો શિકાર કરવાની મજા પડે છે.'
આ વાત છે ભારતની ઉત્તરપૂર્વ સરહદે આવેલા નાગાલેન્ડ રાજ્યની. લીલીછમ હરિયાળીથી ભરપૂર અનેક ઊંચા ઊંચા ઝાડોથી ભરપૂર જંગલોનો પ્રદેશ. તેમાં અનેક જંગલી પ્રાણીઓ જેવા કે વાનરો, ભૂંડ, હરણો, વિગેરે મોજથી રહેતા હોય. આસમાનમાં અનેક રંગબેરંગી પંખીઓ વિહરતા જોવા મળે. આ પ્રદેશમાં અભણ જંગલી મનુષ્યોના અનેક કબીલા વસેલા છે. એમાનો એક છે અંગામી કબીલો.
આ કબીલાના તમામ માણસોને જંગલી જાનવરો અને પંખીઓના શિકારનો જબરો શોખ છે. તે લોકો રસ્તામાં ફરતા રમત રમતમાં કોઈપણ કારણ વગર કોઈ પ્રાણી કે પંખી જુએ એટલે તેનો શિકાર કરી દે. સટાક દઈને ઝાડ ઉપરથી પડતાં વાંદરા અને આસમાનમાં ઉડતા પંખીને ગોળી મારીને પાડી દેવાનો તેમને પાશવી આનંદ આવતો.
કબીલાનો સરદાર ટોની સૌથી કાબેલ શિકારી હતો. તે આંખો બંધ કરીને ઉડતા પંખીને તેની પાંખોના ફડફડાટથી વીંધી નાખતો. ઊંચા આસમાન પરથી લોહી નિકળતા બાજ કે હોલાને જમીન પર પટકાતાં જોઈ તેને નિર્દયી આનંદ આવતો.
કબીલાના દરેક માણસોનો શોખ હતો, જંગલના નિર્દોષ જાનવરોનો શિકાર પોતાના ખોરાક કે આજીવિકા માટે નહિ, પણ શોખ માટે કે રમત માટે કબીલાના માણસો નિર્દોષ જીવોને રહેંસી નાખતા ખચકાતા નહિ.
ટોનીને દરરોજ શિકાર કરવા જોઈએ. તેના માબાપ અને પત્ની રોજ સમજાવે કે નિર્દોષ પ્રાણીઓને કારણ વગર શા માટે મારી નાખે છે?
તો તે હસી પડતો અને કહેતો આ તો મારો શોખ છે. તે કબીલાનો સરદાર હોવાથી કોણ તેને રોકી શકે?
એક દિવસ સવારે ટોની ઘોર જંગલમાં જઈ રહયો હતો, ત્યાં તેણે એક કદાવર નર વાંદરાને માદા સાથે પ્રેમક્રિયા કરતાં જોયો. તેણે સીધી બંદૂક તાકી કદાવર નર વાનર સામે.
અચાનક ખલેલ પડવાથી નર વાનર છંછેડાયો, અને સીધો કૂદયો ટોની ઉપર. તેણે ટોનીના ખભા ઉપર જોરથી બચકું ભરી લીધું. ટોનીએ સળંગ ત્રણ ગોળી છોડી વાનરને ઢાળી દીધો. ત્યાર પછી ટોનીનો ગુસ્સો જંગલી જાનવરો અને ખાસ કરીને વાનરો પ્રત્યે વધી ગયો.
ઘેર જઈને તેણે તેનો ઘવાયેલા ખભો પત્નીને બતાવી સઘળી વાત કરી. તેની પત્ની શિખામણ આપતા બોલી 'આ રીતે તમે પ્રેમાલાપ કરતી જોડીને છંછેડો તો સામે બચાવ માટે હુમલો તો કરશે ને. તેને બદલે શાંતિથી જતાં રહો તો કાઈ નહિ કરે.'
પણ ટોનીના ભેજામા આવી સલાહો ઉતરે જ નહિ ને! તેને પત્નીની આવી સલાહમાં કાઈ દમ ના લાગ્યો. તેનો ગુસ્સો હવે જંગલી પ્રાણીઓ ખાસ કરીને વાનરો, ભૂંડ, સૂવર વિગેરે ઉપર એટલો વધી ગયો કે, તેને જોયા નથી કે ગોળી છોડી નથી.
એક સાંજે ટોનીએ ચાલતા ચાલતા ઝાડ ઉપર ખડખડાટ સાંભળ્યો. એક માદા વાનર પોતાના બે માસના બચ્ચાને ધવરાવતી હતી, બચ્ચું માતાને લપટાએલું હતું. ટોનીએ બંદૂક ઊંચી કરી, સીધી ગોળી છોડી માતા ઉપર.
ધડામ...... લોહીથી લથપથ માતા ઝાડ ઉપરથી નીચે પડી. તેની સાથે લપટાએલું બે માસનું માસૂમ વાનરબાળ પણ નીચે પટકાયું. નીચે માતા હોવાથી તે હેમખેમ બચી ગયું.
લોહીનો રેલો વહી જવાથી માતા તરફડીને પાંચ મિનિટમાં શાંત થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ. બચ્ચાને મોત એટલે શું, તેની ક્યાં ખબર હતી? તે લાચાર નજરે માતાને મરતી જોઈ રડી રહ્યું હતું. આ જોઈ ટોનીનું દિલ હચમચી ગયું.
તેને થયુ 'અરર ! મે આ શું કરી દીધું? બચ્ચું હવે કેવી રીતે જીવન ગુજારશે? બચ્ચું માતાને છોડતું નહોતુ, તે માતાને વળગીને રડી રહ્યું હતું.
ટોનીને દયા આવી 'આ બચ્ચું હવે શું ખાશે?' વિચારીને તેણે ફળો અને દૂધ લાવી તેની પાસે મૂક્યા, પણ બચ્ચું તો એકીશ્વાસે માતાને વળગીને ચીસો પાડી રડી રહ્યું હતું.
ટોનીને હવે પસ્તાવો થતો હતો. રાત પડી ગઈ હોવાથી તે દુઃખી મને ઘરે પહોચ્યો. આખી રાત તેણે સપનામાં પણ ચીસો પાડતું, માતાના વિયોગમાં ઝુરતું બચ્ચુ જ દેખાતું રહયું. પહેલી વખત તેને પસ્તાવા અને દુઃખથી સળંગ ઊંઘ ના આવી. સવારે ઊઠીને તે વિચારતો હતો, 'હે ભગવાન ! આ બચ્ચું કોઈ ખોરાક લઈ બચી જાય તો સારૂ.'
પણ....... બીજા દિવસે સવારે ટોનીથી ના રહેવાયું. તે પહોચી ગયો જંગલમાં બનાવના સ્થળે,અને ત્યાં દ્રશ્ય જોઈ ચોંકી ગયો. માતાને ચોંટીને આખી રાત રડી રડીને બચ્ચું અંતે આ ફાની દુનિયાનો ત્યાગ કરી મરી ગયું હતું.
આ જોઇને બેંતાલીસ વરસનો ટોની દિલથી રડી પડયો. 'અરેરે! મારા શોખને ખાતર મે આ શું કરી નાખ્યું.?'
અને તેનું માનસ પરીવર્તન થયુ. તેણે બંદૂક કાયમ માટે છોડી દીધી. હવે નાગાલેન્ડની રાજધાની કોહિમાથી વીસ કિલોમીટર દૂર કોનોમા ગામનો ટોની બધાને જંગલની અને જંગલી પ્રાણીઓની રક્ષા કરવા સમજાવી રહ્યો છે. તે લોકોને સમજાવી રહ્યો છે કે, વૃક્ષોની કાપણી અને જાનવરોની હત્યા આમ જ ચાલતી રહી, તો ભવિષ્યમાં કાઈ બચશે નહિ. ટોનીની સમજાવટથી હવે તેના કબીલાના, ગામના અને આજુબાજુના ગામના તમામ લોકો જાગૃત થઈ બંદૂક છોડી, વૃક્ષોનું જતન કરી રહ્યો છે.
આજે જરૂર છે, આખા ભારતમાં ફરીને સમજાવે એવા પર્યાવરણના, વૃક્ષોના અને નિર્દોષ જંગલી જાનવરોના તારણહારની, રક્ષણહારની.
(સત્ય ઘટના નામ અને સ્થળ બદલી રસિક વાર્તાકીય સ્વરૂપ આપેલ છે.)