Get The App

ઉનાળાનું અમૃત ફળ કેરી .

Updated: Apr 25th, 2023

GS TEAM

Google News
Google News
ઉનાળાનું અમૃત ફળ કેરી                                . 1 - image


કે રી ઉનાળાનું વિશેષ અને લોકપ્રિય તથા લોકોપયોગી ફળ છે. કુદરતનું આ વિશેષદેણગી છે આને સંસ્કૃતમાં 'મધુદૂત' કહે છે. રાજા, ગરીબ કે તવંગર, બાળક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ સર્વને તે પ્રિય અને બધાને પથ્ય પણ છે. કેરીની અનેક જાતો છે. જેમાં કેસર, તોતાપુરી, દશેરી, બનારસી, લંગડો, જમાદાર, હાફુસ મુખ્ય જાતો જોવા મલે છે. આવી લગભગ સાતસો જાતની કેરીઓ થાય છે.

સંસ્કૃતમાં તેને आम (જેનાથી આરોગ્ય તથા બળ મેળવી શકાય તેથી તેને આમ્ર કહે છે. मधुदूतવસંતની શરૂઆતમાં જ સૌથી પહેલા વસંતની જાણ કરતો તેમ ફૂલેફાલે છે. તેથી વસંતનો દૂત હોય તેમ તે માટે તેને મધુદૂત કહે છે. અંગ્રેજીમાં Mango અને લેટીનમાં Mangifera Indicalinn કહે છે. કેરીના વૃક્ષને 'આંબાનું વૃક્ષ' કહે છે.

કેરી સ્વાદમાં છાલ, પાન, વિ. તૂરા હોય છે. કાચુ ફળ ખટાશવાળુ અને પાકુ ફળ ગળ્યા સ્વાદ વાળુ હોય છે. તે ઠંડુ છે. કાચુ ફળ પચ્યા પછી તીખા ગુણવાળુ અને પાકુ ફળ પચ્યા પછી પણ ગળ્યુ હોય છે. ગુણમાં કાચુ ફળ હલકુ અને લુખુ રહે છે. જ્યારે પાકુ ફળ ભારે અને ચીકાસવાળુ હોય છે.

પાકુ ફળ કેરી વાયુ અને પિત્તનું શમન કરે છે. કેરીની છાલ પાન, પુષ્પ (મોર) ફળ અને ગોટલીમાં રહેલ બીજમજ્જાને ઔષધ તથા આહારનાં ઉપયોગમાં લેવામાં આવે છે.

કર્મ : પાન - ઉલ્ટી શાંત કરનાર, ઘા રુઝવવામાં અને લોહીને અટકાવનાર છે.

પુષ્પ : વહેતા લોહીને થીઝવીને અટકાવનાર તેમજ ઝાડાને અટકાવનાર છે. ઘાને રૂઝવનાર છે.

છાલ : મળ તથા લોહીને અટકાવનાર રુઝ લાવનાર છે.

બીજમજ્જા (ગોટલી) મળ તથા લોહીની અતિપ્રવૃત્તિને રોકનાર કરમિયા મટાડનાર, ગર્ભાશયના સોજાને મટાડનાર, મૂત્રની વધુ પ્રવૃત્તિને ઓછી કરનાર છે.

પુષ્પ : લોહીનો સ્ત્રાવ ઘા-પાક, ચાંદુ ઉલ્ટીને મટાડનાર છે.

પાન : મરડો, લોહીના ઝાડા, ઉલટી મટાડનાર છે.

છાલ : બીજમજ્જા (ગોટલી) : લોહીનો સ્ત્રાવ ઘા-પાક ચાંદુ, ઝાડા-મરડો, મધુપ્રમેહ (ડાયાબિટીઝ), પાક, પરૂ, સફેદ પાણી પડવું (લ્યુકોરીયા)માં ખૂબ સારી મદદ મટાડવામાં કરે છે.

ફળ : પાકુ ફળ ગરમી ઘટાડે છે. વાયુ અને પિત્તનાં રોગોનું શમન કરે છે. અને બળ આપનાર છે. કાચુ ફળ પાચક અને ભૂખ લગાડનાર છે.

પોષકતત્ત્વો : (૧૦૦ ગ્રામ કેરીમાં)

પાકી કેરીમા કાચી કેરીમાં

એનર્જીo HCal ૭૪ ૪૪

કેલ્શીયમ (૬) ૦.૭ ૧.૨

કેલ્શીયમ (mg) ૧૪ ૧૦

આર્યન (mg) ૧.૩ ૫.૪

કેરોટીન (mcg) ૨૭૪૩ ૯૦

વિટામીન 'સી' (mg) ૧૬

આમ પાકી કેરીમાં કેરોટીન પુષ્કળ પ્રમાણમાં રહેલું છે જે આપણા શરીરમાં પચ્યા પછીથી વિટામીન 'એ'માં પરિવર્તન પામે છે. જે શરીરમાં ખૂબ જ ઉપયોગી બને છે. વિટામીન 'સી'નું પ્રમાણ પણ સારૃં છે.

પાકી કેરીના પોષક તત્ત્વોનો પુરેપૂરો લાભ લેવો હોય તો પાકી કેરીને પાણીમા પલાળીને ધોઈ તેનું ડીટીયું તોડીને ચૂસવી જોઇએ.

કાચી કેરીનો ઉપયોગ 

કચુંબર : કાચી કેરીની છાલકાઢી અંદરની ગોટલી કાઢી તેનાં ઝીણા ઝીણા ટુકડા કરી તેમાં પ્રમાણસર ગોળ, મીઠું, ધાણા જીરૂ, મરચું મેળવીને કચુંબર બનાવી ખાઈ શકાય. આ કચુંબરમાં ડુંગળી ભેળવી ખાઈ શકાય જેથી પાચન સુધરે છે. ભૂખ લગાડે છે.

લુંઝી : કાચી કેરીની છાલ કાઢી તેનાં મોટા મોટા ટુકડા કરી તેને પાણીમાં બાફી નીતારી લેવા. પછી કલાઈવાળી કે સ્ટીલની કઢાઈમાં તેમાં રાઈ, સુકા મરચાનો વઘાર કરી બાફેલા ટુકડા છમકારવા સાથે ગોળ, ધાણાજીરૂ વગેરે નાખી થોડી વાર પકાવવું જેને લૂંઝી કહે છે. આ લૂંઝી સ્વાદિષ્ટ હોય છે થોડા દિવસ સુધી તે બગડતી નથી. બાળકો પણ રોટલી સાથે હોંસે હોંસે ખાય છે.

છીણ : કાચી કેરીની છાલ કાઢી તેને ખમણીમાં છીણી તેની સાથે ગોળ-મીઠું-મરચું વગેરે કચુંબરની જેમ મેળવી ખાઈ શકાય છે.

બાફલો : કાચી કેચીના મોટા ટુકડાને પાણીમાં બાફી પાણીમાં ચોળી, પાણીને ગાળી લેવું, પછી તે પલાડી રાઈ-મરચાં તેલથી વઘારવું. વઘારમાં ડુંગળી પણ મુકી શકાય પછી તેમાં ગોળ મીઠું મરચું ધાણાજીરૂ મેળવી ખૂબ ઉકાળી નાખવું. આ બાફલો દાળની જગ્યાએ ચાલે. ભાત કે ખીચડી સાથે ખાવાથી પાચનતંત્ર સુધરે છે.

શરબત : બપોરે સુઇને ઉઠયા પછી કાચી કેરીનું શરબત પીવું જોઇએ. કાચી કેરીનું છીણ કરી તેમાં જરૂરી પ્રમાણમાં પાણી રેડી છીણને ખુબ ચોળી નાખવું. પછી તેને ગાળી, તેમાં ખાંડ અને જીરાનો ભૂક્કો નાખી પીવું.

આંબોડીયા : રોજીંદા દાળ-શાકમાં આંબલી કે કોકમની ખટાશને બદલે કાચી કેરીના ટુકડા નાખી ખટાશ મેળવવી જોઇએ.

કાચી કેરીનો મુરબ્બો બધા ઘરે ઘરે બનાવે છે તેમજ અથાણાં પણ બનાવે છે. જે લાંબો સમય સુધી બરણીમાં ભરીને રાખે છે અને રોજ ઉપયોગમાં લઇ શકાય તેવા હોય છે. આનાથી પાચનતંત્ર સુધરે છે.

પાકી કેરી : પાકી કેરી ગરીબ તવંગર બધા જ લોકો ખાય છે અને ખાવી જ જોઇએ. પાકી કેરી મીઠી હોવી ખાસ જરૂરી છે.

 કેરીને બરાબર ધોઇને સાફ કરીને જ ઉપયોગમાં લેવી જોઇએ બને તો તેને ઉપયોગમાં લેતા પહેલા ઠંડા પાણીમાં એકાદ કલાક ડુબાડી રાખવી જોઇએ.

 કેરીનો રસ કાઢીને ઉપયોગમાં લેવા કરતાં તેને ચૂસીને ઉપયોગ કરવો વધુ સારો છે.

 કેરીનો રસ પચવામાં ભારે ન પડે અને વાયુ ન કરે તે માટે તેમાં સૂંઠનો ભૂકો નાખીને ખાવો જોઇએ.

 રસમાં રહેલી થોડીક ખટાશ દૂર કરવા માટે તેમાં સ્હેજ મીઠું મેળવવું જોઇએ.

 દુબળા શરીરવાળાએ રસમાં ઘી મેળવીને ઉપયોગમાં લેવાથી તેને સારૃં પોષણ મળે છે.

 કેરીનો રસ કે કાપેલી કેરી લાંબા સમય સુધી રાખી ન મૂકવી જોઇએ. જ્યારે ખાવો હોય ત્યારે જ રસ કાઢવો જોઇએ કે કેરી કાપવી જોઇએ.

 ચાંદા પડેલી, બગડી ગયેલી ખૂબ જ પાકી ગયેલી ખૂબ ખાટી બેસ્વાદ રસ વાળી કે ગંધાઈ ગયેલી કેરી ખાવામાં ઉપયોગ ન લેવી જોઇએ.

 કેરી કે કેરીના રસનો પ્રમાણસર જ ખાવો જોઇએ. વધુ પડતી કેરી ખાવાથી પેટ બગડે છે. અપચો થઇ જાય છે. કોલેસ્ટ્રોલ, સુગર, ચરબીમાં વધારો થાય છે.

આયુર્વેદમાં દુધ સાથે ફળો લેવાનો નિષેધ છે. તેને વિરૂધ્ધ આહાર મળેલ છે. છતાં કેરીને દૂધ સાથે લેવામાં વાંધો નથી આનાથી શક્તિ વધે છે.

આમ પાકી કેરી પૌષ્ટિક છે શક્તિવર્ધક છે. ક્રાંતિ વધારે છે. વીર્ય વર્ધક છે. કબજિયાત ને દૂર કરનાર છે. પેટનો, મોઢામાં ચાંદા મટાડનાર છે. આંતરડાને સાફ રાખનાર છે. કેરીમાં વિટામીન એ અને સી સારા પ્રમાણમાં હોય છે. આંખનું તેજ વધારનાર છે. પોષક પણ છે.

ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ, વધુ પડતુ ડ્રાઈગ્લાસીડ અને ચરબીવાળા તેમજ બેઠાળું જીવનવાળાએ ડોક્ટરની સલાહ મુજબ જ આનો ઉપયોગ કરવો જોઇએ.

पच्य तु मधुरं वृष्यं स्निग्धं बल सुखप्रयम् ।

गुऱु ववातहरं हृहां वर्व्य शीतमपित्तभम ।।

(ભાવ પ્રકાશ)

 - ઉમાકાંત જે. જોષી

Tags :