કોઈપણ યુવતીને તમે પૂછશો કે ચહેરાનો કયો ભાગ સૌથી વધુ આકર્ષક ગણી શકાય? તો મોટાભાગે જવાબ મળશે, 'હોઠ' આમ તો આંખો, નાક, ગાલ વગેરે આકર્ષક હોય છે, પરંતુ હોઠની આકર્ષણશક્તિ અનેરી હોય છે. આકર્ષણની બાબતમાં અધરને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેટલું જ્વલ્લે જ શરીરના અન્ય કોઈ અંગને આપવામાં આવ્યું હશે. યુવતીના માદક ગુલાબી હોઠ એના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. હોેઠના હલનચલન, મરોડ દ્વારા યુવતી તેના મનની વાત કરી શકે છે. જોકે જરાસરખી ગફલતના કારણે ફાટેલા, શુષ્ક અને નિર્જીવ હોઠ સૌંદર્યમાં ઘટાડો કરી નારીને આકર્ષણહીન બનાવી દે છે.
તમારા પ્રીતમને તમારા લાવણ્યમય હોઠનું એકજ ચુંબન રસવિભોર કરી દેશે. તમે તમારા હોઠનું સૌંદર્ય આજીવન જળવાઈ રહે એમ ઈચ્છતાં હો તો માત્ર થોડી સંભાળ રાખવાની જરૂર છે. તો જ તમે તમારા રૂપસૌંદર્યની જાળવણીમાં સફળ નીવડી શકશો.
હોઠ કુદરતી રીતે સુંદર હોય, તે વધારે સારું ગણાય. ગુલાબની પાંખડી જેવા સુકોમળ અને ગુલાબી આભા ધરાવતા હોઠ, સૌને આકર્ષી શકે છે.
અલબત્ત, આજકાલ હોઠ ગુલાબી લાગે તે માટે લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી હોઠની કુદરતી ચમક નાશ પામે છે.
કેટલીક યુવતીઓ લિપસ્ટિક ખરીદતી વખતે તેના પ્રકારનું ધ્યાન નથી રાખતી. તેઓ પોતાનાં કપડાનાં રંગ સાથે મેળ ખાતા શેડની લિપસ્ટિક ખરીદી લે છે, જે હોઠ પર લગાવવાથી હોઠ કાળા પડી જાય છે, ક્યારેક ત્યાં ખંજવાળ તથા સોજો આવે છે. હોેઠ તરડાઈ જાય છે.
આમ ન બને તે માટે કાયમ સારી કંપનીની લિપસ્ટિક જ ખરીદો. જો તમે લિપસ્ટિક ખરીદવા જાવ ત્યારે તમારો મનપસંદ શેડ ન મળે, તો બે ત્રણ શેડની લિપસ્ટિક મેળવણીથી તમારો મનપસંદ શેડ બનાવીને લગાવી શકો.
લિપસ્ટિક ક્યારેય ઘસીને સાફ ન કરવી, તેમ જ કપડાંથી ન લૂછવી.
આમ કરવાથી હોઠનું સૌંદર્ય નાશ પામે છે તથા હોઠ શુષ્ક બની જાય છે.
લિપસ્ટિક હમેશાં ક્લીન્ઝિંગ મિલ્ક અથવા લોશનથી જ સાફ કરો. સ્વચ્છ રૂના એક પૂમડાને ક્લીન્ઝિંગ લોશનવાળું કરી, હોઠની એક તરફથી બીજી તરફ લઈ જઈ લિપસ્ટિક લૂછી નાખો. હવે બીજું એક પૂમડું લઈ ફરી હોઠ સાફ કરો. આમ કરવાથી હોઠ પરથી લિપસ્ટિક પૂરેપૂરી સાફ થઈ જશે.
હોઠની કોેમળતા જળવાઈ રહે તે માટે તેમની યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. હોઠની ત્વચા નીચે તેલ કે ચરબી ઉત્પન્ન કરતી સિબેશિયસ ગ્રંથિ ન હોવાથી હોઠની ભીનાશ કાયમ જાળવી રાખવી જોઈએ. તે ચિરાઈ કે શુષ્ક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ચિરાયેલા હોેઠ દેખાવમાં ખરાબ લાગે છે એટલું જ નહીં, ચુંબન કરવામાં પણ અવરોધ બને છે.
જો હોઠ ચિરાઈ ગયા હોય કે તેમના પર પોપડી વળી ગઈ હોય, તો હોઠ પર ચેપસ્ટિક લગાવો. એ સિવાય નવશેકું દેશી ઘી લગાવવાથી પણ ચિરાયેલા હોઠ મુલાયમ બની જાય છે.
બહાર જતી વખતે હોઠ પર ચેપસ્ટિક લગાવો જેથી બહારની ઠંડી હવા કે ધૂળની અસર હોઠ પર સીધી ન થાય. ચિરાયેલા હોઠ પર લિપસ્ટિક લગાવતાં અગાઉ ચેપસ્ટિક લગાવો.
હોઠ પર કરચલીઓ ન પડે તથા તેમાં લોહીનું અભિસરણ સુચારું રૂપે થાય તે માટે હોઠની કેટલીક કસરતો પણ કરવી જોઈએ. આ કસરત તમે એકલાં હો ત્યારે જ કરો.
* હોઠને ખેંચીને પાછળની તરફ દાંત પર રાખો. મોં સહેજ પહોળું કરો હવે હોેઠને ફરી સામાન્ય સ્થિતિમાં લાવો. આ ક્રિયા પાંચ વખત કરવી.
* પહેલાં કરી હતી તે જ પ્રમાણે હોેઠને ખેંચીને કસરત કરો, પણ આ ક્રિયામાં પહેલા કરતાં મોં વધારે પહોેળું કરો. ત્યારબાદ હોઠને સામાન્ય સ્થિતિમાં લાવો. આ ક્રિયા પણ પાંચ વખત કરવી.
* હોઠને ભેગા કરી સીટી વગાડતાં હો, તેવી રીતે આગળ લાવો અને પછી સામાન્ય સ્થિતિમાં લાવો. આ ક્રિયા પાંચ વાર કરવી.
* રાતે સૂતાં પહેલાં તમારા હોઠ પર લિપસ્ટિક લાગેલી ન હોય, તેનું ખાસ ધ્યાન રાખો. જો લિપસ્ટિક લગાવેલી હોય, તો ક્લીન્ઝિંગ મિલ્કથી સાફ કરી નાખો. તમારા હોઠ એકદમ સ્વચ્છ હોય તે જોઈ લો. રાતે તમે મૂળો, ડુંગળી અથવા અન્ય જે કંઈ ખાધું હોય, તેની દુર્ગંધ આવતી હોય તો માઉથ વૉશથી કોગળા કરો. રોજ રાતે સૂતાં પહેલાં બ્રશ કરવું, નહીંતર તમારા પતિ તમારાથી દૂર રહેવાનું વધારે પસંદ કરશે.નાનાં બાળકોના ગાલે વ્હાલથી ચુંબન કરતી વખતે એમના ગાલ પર લિપસ્ટિકનાં નિશાન ન પડવા દો. ઓફિસે જતી વખતે તમારા પતિને ચુંબન કરવાની ટેવ હોય અને લિપસ્ટિકનું નિશાન લાગી જાય, તો લૂછી નાખો, નહીંતર એ બસમાં કે ઓફિસમાં હાંસીપાત્ર બની જશે.
તમારા ગુલાબી હોઠનું ગુલાબ જેવું સૌંદર્ય જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારા અધર પ્રીતમને પીયૂષ પાતા રહે.
દરેક સૌંદર્ય પ્રસાધનનું વિશિષ્ટ મહત્ત્વ છે. એમાંય લિપસ્ટિકનું સ્થાન તો અનેરું જ છે. સંપૂર્ણ મેકઅપ કર્યો હોય, પણ લિપસ્ટિક ન લગાવી હોય, તોે મેકઅપમાં મોટી ઉણપ વરતાશે. લિપસ્ટિક વિના તમારો મેકઅપ અધૂરો જ લાગશે. જાડા કે પાતળા હોઠ પર આકર્ષક રંગોની લિપસ્ટિક સુંદર જ લાગે છે, પણ લિપસ્ટિકના રંગ વ્યક્તિત્ત્વ, પોશાક અને પ્રસંગને અનુરૂપ પસંદ કરેલા હોવા જોઈએ.
લિપસ્ટિકનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે, તો તેનાથી સાધારણ ચહેરો પણ સુંદર અને આકર્ષક દેખાય છે. જોે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ન આવ્યો હોય, તો ચહેરો બદસૂરત અને બેડોળ લાગે છે.
લિપસ્ટિકનો યોગ્ય ઉપયોગ : લિપસ્ટિકને બ્રશથી લગાવવામાં આવે. તો તે હોઠને સારો ઘાટ આપે છે. લિપસ્ટિક પર બ્રશ ફેરવીને બ્રશને પેન્સિલની માફક અણીદાર બનાવી હોઠને યોેગ્ય ઘાટ આપવો.
એ પછી સાવધાનીપૂર્વક હોઠની આઉટલાઈન પર બ્રશથી લાઈન દોરો. તો વધારે સારું. ત્યારબાદ બ્રશ વડે હોઠ પર લિપસ્ટિક લગાવ્યા પછી થોડીવાર સુધી એમને એમ રહેવા દો, જેથી લિપસ્ટિક તમારા હોઠ પર સ્થિર થઈ જાય. ત્યારબાદ વધારાની લિપસ્ટિકને દૂર કરવા ટિશ્યુ પેપરને હોઠની વચ્ચે મૂકી, પેપરને થોડો દબાવો. તેમ કરવાથી વધારાની લિપસ્ટિક ટિશ્યુ પેપર પર આવી જશે.
લિપસ્ટિકથી હોઠની કેટલીય ખામીઓ સરળતાથી છુપાવી શકાય છે. જેમ કે તમારી મોં ફાડ નાની હોય, તો હોઠની બહારની લાઈનને ઘેરા રંગની લિપસ્ટિકથી આકાર આપી, આછા રંગની લિપસ્ટિક લગાવો.
જો તમારી મોં ફાડ વધારે પહોળી હોય, તો પહેલા હોઠ પર આછા રંગના ફાઉન્ડેશનનો ઉપયોગ કર્યા પછી જ લિપસ્ટિક લગાવો.
જો હોઠ લબડતા હોય તો આછા રંગની લિપસ્ટિકની આઉટ લાઈન કરો અને અંદર ઘેરા રંગની લિપસ્ટિક લગાવો.
હોઠ પ્રમાણે લિપસ્ટિકના રંગોની પસંદગી :
* જાડાં અને લબડતા હોઠ માટે નેચરલ શેડની લિપસ્ટિક લગાવો.
* પાતળા હોઠ માટે ઘેરા રંગની લિપસ્ટિક લગાવવી જોેઈએ.
* ઘાટીલા હોેઠ પર કોઈ પણ શેડની લિપસ્ટિક લગાવી શકાય.
- વર્ષા


