mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જોખમી ગર્ભાવસ્થા માગે વિશેષ કાળજી જાણો રિસ્કી પ્રેગનેન્સી એટલે શું?

Updated: Feb 12th, 2024

જોખમી ગર્ભાવસ્થા માગે વિશેષ કાળજી જાણો રિસ્કી પ્રેગનેન્સી એટલે શું? 1 - image


કોઈપણ સ્ત્રી માટે ગર્ભાવસ્થા તેના  જીવનનો  સૌૈથી મહત્ત્વનો  અને રોમાંચક  તબક્કો હોય છે. દરેક મહિલાની  પ્રેગેનેન્સી પણ વેગવેગળા પ્રકારની હોય છે. ઘણી વખત જોવામાં આવ્યું  છે કે  ગર્ભવતી  મહિલાને પ્રારંભિક તબક્કે  ખાસ કોઈ સમસ્યા નથી હોતી.  પણ વખત જતાં  સમસ્યાઓ  સર્જાતી હોય છે.  જ્યારે કેટલીક સ્ત્રીઓની  ગર્ભાવસ્થા  પ્રારંભિક  તબક્કાથી જ જોખમી હોય છે.   આવી ગર્ભાવસ્થા   જે  તે  મહિલા  અને તેના ગર્ભસ્થ શિશુ માટે  પણ જોખમી  હોવાથી ગર્ભવતી  સ્ત્રી અને  તેની કૂખમાં  ઉછરતાં   શિશુની  વિશેષ  કાળજી  માગી લે છે.  અહીં એ જાણવું  જરૂરી  બની રહે  છે કે  તેમને કયા  અને કેવા  જોખમોનો સામનો કરવો પડે છે. 

સૌથી પહેલા તો એ સમજી લેવું  જરૂરી બની રહે છે કે જોખમી ગર્ભાવસ્થામાં ગર્ભવતી સ્ત્રીની વય વિશેષ મહત્ત્વ ધરાવે  છે. જો સંબંધિત  મહિલા સાવ નાની વયની, એટલે કે તરૂણી હોય તો પ્રેગનન્સીમાં   સમસ્યાઓ સર્જાય છે. તેવી જ રીતે મોટી વયની, એટલે  કે ચાળીસીમાં  હોય કે ચાળીસી  વટાવી  ચૂકી હોય એવી  સ્ત્રીઓની  પ્રેગનન્સી જોખમી- પડકારજનક  હોય છે.

જ્યારે કોઈ   મહિલાની ગર્ભાવસ્થા જોખમી  જણાય ત્યારે તેની વ્યવસ્થિત  તબીબી તપાસ અત્યાવશ્યક  બની જાય છે.  તેની મેડિકલ  હિસ્ટ્રીમાં   જો કોઈ જટિલતાઓ  હોય, તેની કોઈ શસ્ત્રક્રિયાઓ  થઈ હોય અથવા  કોઈ પુરાણી વ્યાધિ   હોય તો ગર્ભાવસ્થા  વધુ જોખમી બની જાય છે.

જો  ગર્ભવતી  સ્ત્રીની કૂખમાં  બે કે તેથી વધુ   શિશુ ઉછરતાં હોય તો માતા અને ગર્ભસ્થ શિશુઓની વિશેષ કાળજી અત્યંત જરૂર ગણાય  છે. 

ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કે બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) ને ધ્યાનમાં લેવા સાથે પ્રવૃત્તિમય  રહેવું જરૂરી  છે. આ સમય દરમિયાન  આવતી સ્થૂળતાને પગલે  ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે.  આવી  સમસ્યાઓમાં ગર્ભપાત,  ગર્ભસ્થ શિશુમાં આવતી  વિકલાંગતા, રક્તનું ગંઠાઈ  જવું, ઉચ્ચ રક્ત ચાપ,  ગર્ભસ્થ શિશુનો  વધારે પડતો  વિકાસ, ગર્ભાવસ્થામાં થતો મધુપ્રમેહ, અવકિસતિ ગર્ભ ઈત્યાદિનો  સમાવેશ થાય છે.  જો કે બીએમઆઈ ઓછું  હોય તોય બાળકનો અપૂરતો  વિકાસ, અધુરા મહિને  થતી પ્રસૂતિ, લોહ તત્ત્વની ઊણપને પગલે રક્તાલ્પતા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ  શકે.

આવી સ્થિતિમાં  પોષક આહાર  માતા અને  ગર્ભસ્થ  શિશુના  વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે  છે. 

ગર્ભવતી સ્ત્રીએ  સમયસર  પોષક  આહાર લેવો જોઈએ અને તમાકુ, આલ્કોહોલ  જેવા માદક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ.   આ  પ્રકારના  પદાર્થો ગર્ભવતી  સ્ત્રી તેમ જ ગર્ભસ્થ શિશુ માટે મોટું  જોખમ નોતરે છે.

ગર્ભાવસ્થામાં વધારે પડતી ચિંતા  પણ માતા   અને ગર્ભસ્થ શિશુ માટે જોખમી બને છે.  જો સગર્ભા  ચિંતાભર્યા  તબક્કામાંથી  પસાર થઈ રહી હોય તો સ્ટ્રેસ મેનેજમેન્ટ  ટેક્નિક અપનાવવી અત્યંત જરૂર બની જાય છે. આવું જ કંઈક  હાઈપરટેન્શન  બાબતે, પણ કહી  શકાય.  ગર્ભવતી  સ્ત્રીએ  જીવનશૈલીમાં  બદલાવ  લાવીને તેમ જ જરૂરી ઔષધિઓનું  સેવન કરીને હાઈપરટેન્શનને  નિયંત્રિત કરવું રહ્યું. તેવી જ રીતે જો ગર્ભાવસ્થામાં મધુપ્રમેહ આવે તો તેને નિયંત્રિત રાખવું  એટલું જ જરૂરી છે.

સગર્ભા  સ્ત્રીને  પ્રસૂતિમાં  કોઈ પ્રકારની સમસ્યા  ન સર્જાય અને સર્જાય તોય તે હિંમતપૂર્વક   તેનો સામનો કરી શકે  તેને માટે   ગર્ભાવસ્થા દરમિયાન જ સંબંધિત  તબીબ સાથે  નિખાલસ  વાતચીતનો દોર  જારી રહેવો જોઈએ.  

-  વૈશાલી ઠક્કર

Gujarat