- સેલિબ્રેશન - ચિંતન બુચ
- ૨૩ ડિસેમ્બર - ખેડૂત દિવસ
- ગાંધીજીએ કહેલું 'સેનાપતિ હું હતો, પરંતુ ઉપસેનાપતિ માટે મારી નજર વલ્લભભાઈ ઉપર પડેલી, વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહ માટે ના મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત...'
'સ રકાર તમને ખૂબ તાવશે, તમને ખૂબ દુઃખ આપશે. પણ દુઃખ વિના સુખ નથી. સમજીને દુઃખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે. સરકાર શું કરશે. જપ્તીઓ કરશે. ચોથાઇ ચઢાવશે, જમીન ખાલસા કરશે. પરંતુ તમે કોઇપણ જાતનું તોફાન ન કરશો.તમે જાણો છો કે એક કુંભાર પણ ગધેડા ઉપર પહેલાં એક મણ ભાર મૂકે, તે ખેંચે તો પાછો અધમણ વધારે. એમ કરી કરીને તેની પાસે બે મણનો બોજો ખેંચાવે છે. તેમ જ સરકાર પણ તમે જેમ જેમ બોજો સહન કરતા જાઓ છો તેમ વધારે બોજો તમારા ઉફર મૂકે છે. તમે જે બોજાને અત્યારસુધી સહન કર્યો છે તેને ફેંકી દો ને નિર્ભય થઇને બેસી જાઓ. સાચું છે તે અનુસરો. પછી સરકાર પણ કહેશે કે પ્રજા નિર્માલ્ય નથી....'
આજથી બરાબર ૧૦૭ વર્ષ અગાઉ એટલે કે ૧૯૧૮માં ખેડા સત્યાગ્રાહ વખતે સરદાર વલ્લભભાઇ પટેલે કહેલા આ શબ્દો છે. ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ત્રણ આંદોલનોની મહત્ત્વની ભૂમિકા છેત ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ હડતાળ અને ખેડા સત્યાગ્રહ.
આમાં ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા, તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઈ. ખેડા સત્યાગ્રહ સાથે જ સરદાર પટેલ વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છોડીને સત્યાગ્રહમાં જોડાયા હતા. સરદાર પટેલે એ વખતે કહેલું કે 'મારી પ્રેક્ટિસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.'
હવે ખેડા સત્યાગ્રહના મંડાણ કેવી રીતે થયા તેની વાત કરીએ. સામાન્ય રીતે ખેડા જિલ્લામાં વર્ષ ૨૫-૫૦ ઈંચ વરસાદ પડતો હતો. તેના બદલે ૧૯૧૭માં ૭૦ ઈંચ પડયો. અઢી ગણો વધારે વરસાદ પડવાથી ખેતરમાં ઊભેલી મૌલાત નષ્ટ થઈ. વરસાદે ખેડૂતોને નવડાવી દીધા. અતિવૃષ્ટિ પહેલાના વર્ષો જરા નબળાં રહ્યા હતા.
જે કંઈ પાક ઉગ્યો હતો તેને ઊંદરડા કોરી ખાતા હતા, જીવાતનો પાર ન હતો. બીજી તરફ પહેલા વિશ્વયુદ્ધને કારણે મજૂરીદર અને ખેત-સામગ્રીના ભાવ પહેલેથી ઊંચકાયેલા હતા. ખેડામાં જીવલેણ રોગ પ્લેગ ફેલાયો હતો અને બે વર્ષ (૧૯૧૭-૧૮)માં તેના કારણે અઢારેક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. ટૂંકમાં ખેડૂતો બધી બાજુથી ભીંસમાં હતા. સરકારી નિયમો એવા હતા કે જે વર્ષે છ આનીથી ઓછો પાક થાય તે વર્ષે જમીનમહેસૂલ અડધું મોકૂફ રહે, પાક જો ચાર આની કે તેનાથી ઓછો હોય તો પૂરું મહેસૂલ મોકૂફ રહે અને સળંગ બીજે વર્ષ પણ પાક નિષ્ફળ જાય તો આગલે વર્ષ મોકૂફ રાખેલ મહેસૂલનાં નાણાં માફ કરવામાં આવે. ખેડાના ખેડૂતોને આ નિયમોની જાણ નહોતી અને સરકારના એજન્ટો મહેસૂલ વસૂલ કરવા લાગ્યા. એમાં જોરજબરદસ્તી અને મારામારીના કિસ્સાઓ બન્યા. ખેડાના કઠલાલ ગામના અગ્રણી મોહનલાલ પંડયાએ આ સ્થિતિ જોઈને લોકોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી. જમીનમહેસુલ મોકૂફ રાખવાની માંગણી કરતી વીસેક હજાર ખેડૂતોની સહીવાળી એક અરજી મુંબઈ વિધાનસભાના ગુજરાતના સભ્ય વિઠ્ઠલભાઈ પટેલ, ગોકુળદાસ પારેખને અને એક નકલ ગાંધીજીને રવાના કરવામાં આવી. પરંતુ સરકાર ગમે તે ભોગે મહેસૂલ વસૂલ કરવા માટે મક્કમ થઈ બેઠી હતી. ખેડાની હોળી સળગવાની શરૂઆત થઈ ત્યારે ગાંધીજી ચંપારણ હતા. પરંતુ તેમણે સરદાર પટેલ દ્વારા તપાસ કરાવી અને પછી લાંબી વિચારણાના અંતે નિર્ણય લીધો કે સત્યાગ્રહ કર્યા વગર ફિરંગી પ્રજા સુધરશે નહીં. સમાધાનના દરેક પ્રયાસ નિષ્ફળ નીવડયા હતા.ખેડા લડત ચાલુ થઈ એટલે અંગ્રેજ સરકારે ખેડૂતોની જમીનો જપ્ત કરવાની શરૂ કરી. નવાગામમાં ત્યારે એક ખેડૂતના ખેતરમાંથી ડૂંગળી કાઢવાની બાકી હતી.
સરકારે જમીનની સાથે ડૂંગળી પર પણ જપ્તી મૂકી. ખેડૂતની ડૂંગળી જાય તો તે પાયમાલ થઈ જાય તેમ હતો. વાત પહોંચી મહાત્મા અને સરદાર પાસે. બંનેએ રસ્તો બતાવ્યો કે ડૂંગળી કાઢી લો. તેમણે ખેડૂત આગેવાન મોહનલાલ પંડયાને આ જવાબદારી સોંપી. મોહનલાલ પંડયા સહિત અન્ય આગેવાનોએ નવાગામના ખેતર સહિતની ડૂંગળીઓ ઊખેડવાનું શરૂ કર્યું. સરકારે તેમની પર 'સરકારી ડૂંગળી' ચોરવાનો આરોપ મુક્યો અને તેમની ધરપકડ કરી. ત્રણ સપ્તાહ પછી તે જેલમાંથી છુટયા, તો દરવાજે ગાંધીજી અને સરદાર તેમનું સ્વાગત કરવા હાજર હતા. સત્યાગ્રહ માટે કોઈને જેલવાસ થયો હોય એવો ગુજરાતનો એ પહેલો પ્રસંગ હતો. આ ઘટનાથી લોકોનો તળિયે જઈ રહેલો જુસ્સો ફરી સપાટી પર આવ્યો. લડતકર્તાઓની માંગ એવી હતી કે ઘણા ખેડૂતો સમૃદ્ધ છે, જે મહેસૂલ ભરી શકશે. બાકી જેમની ખેતી પાઈમાલ થઈ છે એ તો મહેસૂલ આપી શકે એમ જ નથી. અંગ્રેજો શરૂઆતમાં કોઈ વાતે એ શરત સ્વીકારવા તૈયાર ન હતા. પણ પછી ૩જી જૂને ગાંધીજી ઉત્તરસંડા ગામે ગયા હતા. ત્યાં દબાણ હેઠળ આવેલી સરકારનો સંદેશો
લઈને મામલતદાર આવ્યા અને જણાવ્યુ કે જેમની સ્થિતિ સારી છે એમણે મહેસૂલ ભરવાનું છે, ગરીબોનું મહેસૂલ મુલતવી રહેશે.
ગાંધીજીએ કહ્યુ એટલે મૌખિક રીતે કહેવાયેલી એ વાત લેખિતમાં પણ આપવામાં આવી. એ સાથે ખેડાની લડતનો અંત આવ્યો. જોકે અમલ થતાં સુધીમાં જૂન માસ આવી પહોંચ્યો હતો એટલે ૨૯મી જૂને 'ખેડા સત્યાગ્રહ વિજય દિવસ' ઉજવાયો હતો.ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિનો સમારંભ યોજ્યો ત્યારે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ માટે કહ્યું 'ખેડા જિલ્લાની પ્રજાની છ માસની બહાદુરી ભરી લોકલડતમાં સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં હતી.સેનાપતિ હું હતો, પરંતુ ઉપસેનાપતિ માટે મારી નજર વલ્લભભાઈ ઉપર પડેલી. વલ્લભભાઈની મારી પહેલી મુલાકાત થઈ ત્યારે મને લાગેલું કે, આ અક્કડ પુરુષ કોણ હશે ? એ શું કામ આવશે ?' પણ હું જેમ જેમ વધારે સંપર્કમાં આવ્યો તેમ તેમ લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહ માટે ના મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.'
આ સત્યાગ્રહને કારણે દેશને એક નવાં નેતા મળ્યાં, સરદાર પટેલ. સરદાર પટેલના જીવનચરિત્રમાં રાજમોહન ગાંધીએ લખ્યુ છે ઃ 'આ સત્યાગ્રહ પહેલો પ્રસંગ હતો, જ્યારે દેશને સરદાર-ગાંધીની જોડી મળી. કદાચ વિધાતાની જ એ કમાલ હતી.' આ કદાચ દેશનો પહેલો એવો સત્યાગ્રહ હતો જેમાં કોઈ એક સમુદાય નહીં સમાજના ઘણા વર્ગો જોડાયા હતા. લડત સિદ્ધાંત માટેની હતી અને સૌને સ્પર્શતી હતી.ખેડા સત્યાગ્રહ ગાંધીજી માટે પણ પરિવર્તનનો પડાવ હતો.ખેડામાંથી તેમનો રંગ બદલાયો. તેમને બ્રિટિશરોની અત્યાચારી વૃત્તિનો પરિચય અહીંથી વધુ થયો. તેની ગાંધીજીના વિચારો પર કેવી અસર પડી તેનો પુરાવો તેમના પહેરવેશના પરિવર્તન પરથી મળે છે. ચંપારણ ચળવળ વખતે તે માથે કાઠીયાવાડી પાઘડી પહેરી રાખતા હતા. ખેડામાં એ ઉતારી નાખી અને માથું ખુલ્લું કરી નાખ્યું....આ સત્યાગ્રહની વિશિષ્ટતા એ હતી કે માત્ર પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ પહેલી જ વખત આ લડતમાં સામેલ થઈ અને સરકારને સ્ત્રીશક્તિનો પરચો બતાવ્યો. આ લડતે આખા દેશને સત્ય, સ્વાર્પણ, નિર્ભયતા, એકતા અને દ્રઢતાનો સર્વોત્તમ દાખલો પૂરો પાડેલો...


