For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અનાવૃત - જય વસાવડા .

ચિંતાનું ચૂરણ અને ફિકરની ફાકી કરીને જલસાથી જીવનારાઓ !

Updated: Mar 12th, 2019



આપણે પબ્લિકની કડવાશ કે ઝેર ઠાલવવામાં પાવરધા છીએ, એટલા વગર સ્વાર્થે મોંથી વખાણ કરવામાં થનગનાટ અનુભવતા નથી. સોશ્યલ નેટવર્કને પણ કાયમ નેગેટીવિટીનો અખાડો બનાવી દીધો છેે ઘણાખરાએ

મૃત્યુની નજીક ઉભા રહીને જીંદગી ઓર ખુબસૂરત લાગે છે. ઠાઠડીમાં ઠઠારાને બદલે, એ બંધાય એ પહેલા ઠાઠમાઠથી જીવી લેવાનું રાખવું દુનિયા જલે તો જલે અને સારી વાત કહેવામાં કે લાગણી પ્રદર્શિત કરવામાં બહુ માન કે મૌન ન રાખવું

જાતભાતની બ્રાન્ડસની ચીજોના વૈશ્વિક વેચાણને લીધે - દક્ષિણ કોરિયાની ઇકોનોમીમાં વિકાસ થતો ગયો, એમ જ ત્યાં આત્મહત્યાનો દર પણ વધતો ગયો ! સંખ્યાની દ્રષ્ટિએ નહિ, પણ રેશિયોમાં ભારતને ય ટપી જાય એવો. આપઘાતની વધતી જતી ઘટનાઓ રોકવા ઘણાએ નુસખા લડાવ્યા એમાંનો એક પ્રોગ્રામ છે, કિમ-ડી-હોએ શરૂ કરેલો, 'હેપી ડાઇંગ.' હા, બરાબર વાંચ્યું છે, હેપી ડાઇંગ !

કોન્સેપ્ટ ઇન્ટરેસ્ટિંગ છે એમાં ભાગ લેનારાઓએ પોતાના જ અંતિમ સંસ્કારના નાટકમાં જોડાવાનું. ખુદની અવસાન નોંધ પ્લસ આખ્ખી અંજલિ જાતે લખવાની. બનાવટી વસિયત કરવાના, સગા નહિ તો વ્હાલાઓને ફેરવેલ નોટ્સ લખવાની. એટલું જ નહિ, અંતિમવિધિના કપડાં પહેરી, આધ્યાત્મિક સંગીત- સુગંધ સાથે કોફિનમાં અડધી કલાક ચૂપચાપ એકલા પડયા પણ રહેવાનું ! આત્મચિંતન કહો કે ધ્યાન.

ભાગ લેનારાઓએ કબૂલ પણ કરેલું છે કે, આ આખા અનુભવ પછી એ લોકો જિંદગીને વધુ ગંભીરતાથી લેતા થયા. મૃત્યુની નિકટ વિસ્તારપૂર્વક જાવ, તો જીવનની ભેટ લઈ પાછા આવો !

આ સમાચાર વાંચ્યા બાદ દિમાગી ચરખો ફેરવો તોલાગે કે આ પ્રયોગ જુદી રીતે ય કરી શકાય. ખાસ કરીને ડાઘુ જેવું ડાચું લઈને ફરતા જીંદગીથી કંટાળેલા કે હારેલા લોકો માટે. ઘણી વાર વ્યક્તિ અચાનક જ જતી રહે પછી સંઘરાયેલા એના સ્મરણો પળવારમાં આપણા મનમાં ધક્કામુક્કી કરવા લાગે. જોડાજોડ રિગ્રેટ્સનો ખડકલો થાય. કાશ, મળી લીધું હોત, ફરી લીધું હોત - અને પછી હવે આપણે સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરી આપણી લાગણી એની અવેજીમાં બીજાઓને સંભળાવીએ છીએ.

કદાચ, આ ભૂલો જતી કરવાની ક્ષમાશીલતા ગઈગુજરી ભૂલી જઈને વખાણ કરવાની ઉદારતા, ચૂકાદાઓ પડતા મૂકી ચાહવાની ચાતુરી - બધું જ જીવતેજીવ એના માટે રાખ્યું હોત તો ? તો કદાચ એને લાગત કે એ સમજે છે, એનાં કરતા એની વેલ્યૂ બીજાઓ માટે વધુ છે. કોઈકને એનો ય ખાલી લાગે છે. એની નકામી લાગતી જીંદગી થકી કોઈકના અંધારા રોશન થયા છે, એને ય કોઈ યાદ કરવાવાળું, મિસ કરવાવાળું છે.

તો કદાચ એની આશા, જીવતર પરનો ભરોસો ટકી પણ જાત ! એને લાઇફ રિટર્ન આપતી બ્લુ ચિપ સ્ક્રિપ્ટ જેવી લાગત, તો એમાં વધુ ઇન્વેસ્ટ કરવાનું મન પણ થાત. પણ આપણને જેમ જાહેરમાં મૂતરવામાં છોછ નથી, પણ ચુંબન કરવામાં ક્ષોભ થાય છે - એમ જ, આપણે પબ્લિકની કડવાશ કે ઝેર ઠાલવવામાં પાવરધા છીએ, એટલા વગર સ્વાર્થે મોંથી વખાણ કરવામાં થનગનાટ અનુભવતા નથી. સોશ્યલ નેટવર્કને પણ કાયમ નેગેટીવિટીનો અખાડો બનાવી દીધો છેે ઘણાખરાએ.

જે લોકો આટલાને સાફ કર્યા, ઝૂડયા, ફેસબુક આમ ને ટ્વિટર તેમ વગેરે પંચાતો કાયમ કર્યા કરતા હોય, પોલિટિકલ રણમેદાન બનાવી બેઠા હોય, કાયમ માટે પર્સનલ લાઇફના રોદણાં રોતા હોય, કે વારેઘડીએ સિસ્ટમના ફોલ્ટ શોધીને ગુસ્સામાં એંગ્રી મેન બનીને ફરતા હોય - અરે, બીજું કંઈ નહિ તો દિવસમાં આઠ- દસ વાર ફોટા અપલોડ એક જ પ્રકારના કરે કે પોસ્ટ જ મૂક્યા કરે, એમનું વધુ પ્રકાશિત દીવાનું તેલ વહેલું ખૂટે, એમ નક્કી જાણવું !

વાત એ છે કે મૃત્યુની નજીક ઉભા રહીને જીંદગી ઓર ખુબસૂરત લાગે છે. ઠાઠડીમાં ઠઠારાને બદલે, એ બંધાય એ પહેલા ઠાઠમાઠથી જીવી લેવાનું રાખવું દુનિયા જલે તો જલે અને સારી વાત કહેવામાં કે લાગણી પ્રદર્શિત કરવામાં બહુ માન કે મૌન ન રાખવું. ન જાને કિસ ગલી મેં જીંદગી કી શામ આ જાયે ! અને કોને ખબર આપણી કોઈ મસ્ત કલંદર વાતથી કોઈકની અંધારી એકધારી રાતમાં લખેલું પ્રભાત પણ આવી જાય !

એક્સ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર થયું પછી ત્રણ જ દિવસમાં એનો પ્રેમાળ પતિ ગોલ્ડી બહલ એને અમેરિકા લઈ ગયો. ત્યાં ખબર પડી કે આ તો ચોથા સ્ટેજનું ઘાતક કેન્સર છે, જેમાં બચવાનો ચાન્સ ૩૦% ય નથી ! દીકરાને ખાતર પણ સોનાલી મક્કમતાથી પહેલો રાઉન્ડ જીતીને હાલ પરત આવી ગઈ છે.



હમણાં એક ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, લાઇફ પાર્ટનર ગોલ્ડી મટકું માર્યા વિના દોડાદોડીમાં પડી ગયેલો. પછી બીમાર પત્નીને એણે કહ્યું કે, થોડુંક 'ઓવર' થઈ જાય ને પૈસા ખર્ચાઈ જાય કે સમય બરબાદ થાય એ ખોટ સહન થઈ શકશે. પણ એ અફસોસ સહન નહિ થાય કે કાશ, ગમે તેમ કરીને આમ કર્યું હોત તો રિઝલ્ટ આપણી ફેવરમાં આવત ! અર્થાત્, ચાન્સ ન લીધા પછીના અફસોસ કરતા ચાન્સ લીધા પછી ફેઇલ જવાની ભોંઠપ સારી !

સોનાલીની માફક અચાનક જ જીવલેણ રોગનો શિકાર બનેલો ઉમદા અભિનેતા ઇરફાન પણ સ્ટીવ જોબ્સ ભોગ બનેલો, એ બીમારીમાં પટકાયા બાદ વાવડ મુજબ ફરી નોર્મલ શૂટિંગ શરૂ કરવાનો છે. એ વખતે લંડનથી એણે લખેલું કે મોત સામે ઉભું હોય, પછી કોઈ ફર્ક નથી પડતો. અચાનક તમે બધાથી પર થઈ જાવ છો, પછી બસમાં કોણ ચડે-ઉતરે છે એમાં ધ્યાન જ રહેતુંન થી. આફત આફત લાગતી નથી સ્વાદ સ્વાદ રહેતો નથી !

બસ, આ પ્રેશર જ ડિફાઇન કરે છે કે તમારું કાર્બન સ્ટ્રક્ચર કોલસાનું છે કે હીરાનું ?

ક્રિસ ગેઇલે હમણાં ૩૯ની ઉંમરમાં ૩૯ છક્કાો ઝીંકી દીધા ! ફ્લેમબોયન્ટ મિજાજ માટે જાણીતા ગેઇલે ઝટાઝટી બોલાવી વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર્સનો રેકોર્ડ પોતાના નામે ચડાવી દીધો છે. આધે મેં રામ, આધે મેં ગામ જેવી બાદશાહત છે એની. આઇપીએલમાં થોડા સમય પહેલાં માંડ બેઝ પ્રાઇઝમાં ગયેલો, આજે ફરી એના ભાવ વધી ગયા છે !

ટિપિકલ કેરેબિયન એવો અલગારી મસ્તીનો મિજાજ ધરાવતો ગેઇલ છેલછોગાળો છે, અને છેતરપિંડીવાળો નથી કારણ કે, એણે એની રંગીનશોખીન વૈભવવિલાસી લાઇફસ્ટાઇલ  છૂપાવી જ નથી ! ક્રિસ ગેઇલ માટે લાઇફ ઇઝ કોન્સ્ટન્ટ ઓનગોઈંગ પાર્ટી ! આપણા ફાંદ ફેલાવી વેપાર વિસ્તારતા ગુટકામય ગુજેશકુમારો સત્યોતેર જનમમાં ન કરે એટલા જલ્સા આ જમૈકિન જીગરવાલાએ ભોગવી લીધા છે. બોંતેર હૂરોવાળા જન્નતની કલ્પના ખાતર જેહાદીઓ બીજાનો જીવ લઈ લે છે. ક્રિસે તો જીવ લેવાને બદલે જીવ રેડીને એ મંઝિલ મેળવી છે કે જ્યાં એ સદેહે સ્વર્ગ ભોગવી ચૂક્યો છે, એ ય બોંતેરથી વધુ અપ્સરા સાથે !

ટબૂડી દિમાગ ટુચ્ચાઓના નાકનું ટીચકું આ વાંચીને ચડી જશે. પણ એમાંના કોઈએ બાવડાના બળે સ્ટેડિયમ કૂદાવતી સિક્સરો નથી મારી. વીર ભોગ્યા વસુંધરા. ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. એ લોકોએ સ્ટેડિયમમાં બેસી કોઈકની ફટકાબાજી વખાણવાની કે વખોડવાની છે. રમવાવાળો તો એની મોજના મિજાજથી સ્કોર ને લહેર કરતો જાય છે.

અને એટલું આસાન પણ નથી જલસાથી જીવવું તે ! મનમોહન દેસાઈ, ડેવિડ ધવનની ફિલ્મો જોઈને એમ લાગેકે આ તો આપણે ય બનાવી શકીએ એવી મગજ વગરની છે પણ સાચે બનાવવા જાવ તો ખબર પડે ! એ તો એ જ તોફાન મસ્તી તમારી અંદર હોય તો બહાર આવે. બાકી ટાંયટાંય ફિસ્સ થઈ જાય. ઓકેઝનલી વાત જુદી છે. પણ સાતત્ય ઉર્ફે કન્ઝિસ્ટન્સી ત્યારે જ રહે જ્યારે તમારું વ્યક્તિત્વ એ બાબતમાં કમ્ફર્ટેબલ હોય, તમારી તાસીરને એ માફક આવતું હોય. આકર્ષક રમનારાઓ થિયરીના મોહતાજ નથી હોતા, પ્રેક્ટિકલ સરતાજ હોય છે.

પણ મમ્મી- પપ્પાઓ જેના ફોટા જોઈ બચ્ચાંઓની આંખો હથેળીથી દાબી દે એવા ગેઇલની લાઇફ સ્ટોરી તો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશનનો મહામસાલો છે ! યાદ છે, ગેઇલ આજે ગમે તેટલો ધમાકેદાર હોય, એનો આરંભ યાદ છે ? ભારત સામે ૧૯૯૯માં રોબિનસિંઘે એને માત્ર એક જ રનમાં આઉટ કરેલો. એ એની વન-ડે ક્રિકેટમાં શરુઆત હતી ! આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચ્યુરીઓ સહિત રનોનો ધોધ વરસાવી એ સિક્સર સમ્રાટ છે ! પોઇન્ટ ટુ બી નોટેડ: શરુઆતમાં બધું ધાર્યું ન થાય તો મુંઝાવું ગભરાવું નહિ, આગળ સિક્સરો ફટકારવા માટે મજબૂત રહેવું !

અને એથી ય મોટી વાત. એક જમાનામાં સડક પરથી કચરો ય ઉઠાવેલો એણે. કોઈ મોટા કોચને બદલે સ્કૂલમાં ક્રિકેટ શીખ્યો. આજે અબજોપતિ એવો ગેઇલ શાનદાર જીવ છે. મોંઘી કાર, ગોગલ્સ, હેરસ્ટાઇલ, સુંદરીઓ... એનો એવરેજ ડે 'શાવર, ડિનર, રમ, પાર્ટી, ડ્રન્ક, સ્લીપ' એવો હોય છે. આપણી ગુડી ગુડી માન્યતાઓ એના સ્વીમિંગ પૂલમાં તણાઈ જાય એવો ! જો કે, એના જેવી જ બિન્દાસ ફેશન ડિઝાઇનર નતાશા સાથે લગ્ન વિના થયેલી દીકરી બાદ એનામાં થોડો ઠહેરાવ, બદલાવ આવ્યો છે.

પણ મોટી વાત  એ છે કે ૨૦૦૫ની ઓસ્ટ્રેલિયા  ટૂર દરમિયાન ક્રિસ ગેઇલને અચાનક નબળાઈ લાગવા લાગી. મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે એના હૃદયમાં તો વર્ષોથી એક કાણું છે ! વર્ષોથી હશે, પણ ખ્યાલ જ ન રહ્યો ચાલુ સીરિઝે જ માતા-પિતા  સિવાય કોઈને  ય જાણ  કર્યા વિના  એની સર્જરી થઈ. જોખમી ઓપરેશન  સફળ  રહ્યું,  અને  આત્મકથા  'સિક્સ  મશીન : આઇ ડોન્ટ લાઇક ક્રિકેટ, આઇ લવ ઇટ'માં ગેઇલે હજુ બે વર્ષ પહેલા આ ધડાકો કર્યો !

એના જ શબ્દોમાં  'હું વિચિત્ર માણસ લાગું છું. તમે  માનો છો કે, તમે મને ઓળખો છો ? ના, તમે મને નથી ઓળખતા. એ (હાર્ટ સર્જરી)ની ક્ષણે મને થયું કે  જીંદગી બહુ અણમોલ છે.  અને એટલે નક્કી કર્યું  કે લિવ લાઇફ કુલેસ્ટ.  એન્ટરટેઇન્મેન્ટથી જીવવું  અને જીવીને  બીજાની ડલ લાઇફમાં એન્ટરટેઇનર આપવું !' 

હેડ ઓલ નો હેન્ડસ બાર જેવી એટીટયુડથી જીવતો ગેઇલ ફેમિલી મેન પણ દીકરીના જન્મ પછી જ થયો. પણ જલસાથી જણ જીવે છે, કાલની ચિંતા કે લોકોની પરવા કર્યા વગર, એ ય એની ટાલકાતોડ સિક્સર જ છે ! એક જ લાઇફ છે, એમા સુખને ક્યાં સુધી ભવિષ્યકાળમાં રાખવું, વર્તમાનમાં લઈ આવો ! ગેઇલ તો એની બદનક્ષી કરનારા દોઢડાઓ સામે ય કેસ કરી કરોડો જીતી ગયો !

સિક્સર કે ગ્લેમર પરમેનન્ટ ટકે નહિ, પણ આ નાફરમાનીથી બેપનાહ લુત્ફ લૂંટવાની મસ્તી લાજવાબ હોય છે. સફર કરો તો સફરિંગ આવે. રસ્તા હોય ત્યાં રોડા ય હોય, હમે ચલતે જાના હૈ ! લાઇક, આપણી કોલમમાં એકાધિક ચમકી ગયેલી હિંદુ સંસ્કૃતિપ્રેમી સુપર પોપસ્ટાર ક્યુટડી ઢીંગલી સેલેના ગોમેઝ. જસ્ટીન બિબેરની એક્સ ગર્લફ્રેન્ડથી આગળ એની આગવી ઓળખ છે. એવોર્ડવિનર પોપ્યુલર પોપસિંગર ઉપરાંત હોલિવૂડ હીરોઇન પણ છે.

પણ સેલેના (કે સેલિના)ના ખુદના શબ્દોમાં આપણને એમ હોય કે દુનિયા આપણી મદદ કરશે, માર્ગદર્શન કરશે પણ જગત તો માત્ર બે ચીજ આપે છે: પ્રેશર એન્ડ જજમેન્ટસ. માટે સ્ટોપ ગિવિંગ ધેમ ઇમ્પોર્ટટન્ટસ. સ્ટે સ્ટ્રોંગ. પારકા અભિપ્રાયોને ન ગણકારો, સ્વયંને સિદ્ધ કરો.

સેલેનાનો સેક્સી ફોટો જોઈને લાગે છે કે, આ બધા પીઆર એજન્સીએ ફંક્શન માટે ગોખાવેલા ક્વોટ્સ હશે. વેલ, યુવાન ઉંમરે પ્રેમ, પ્રસિધ્ધિ, પ્રભાવ બધું જ હતું ત્યારે અચાનક એક દવસે કુદરતના સ્ટ્રાઇકે એની કૂકરી ઘૂમાવી. એને લુપસ તરીકે ઓળખાતો અસાધ્ય રોગ થયો, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિને ઉંધો કમાન્ડ મળતાં એ ખુદની ઉપર જ આક્રમણ કેર ! એનો કોઈ ઇલાજ નથી પણ થોડા કંટ્રોલ માટે આકરી તાવણી કરતી દર્દીલી કીમોથેરાપી લેવી પડે. એની વળી સાઇડ ઇફેક્ટસમાં વીકનેસ અને ડિપ્રેશન આવે.

એક દિવસ પાણી પીવાની બોટલ હાથમાંથી પડી ગઈ અને પકડી ન શકાઈ, એટલી નબળાઈ આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે સેલિનાની કિડની કામ નથી કરતી અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. સ્પેશ્યલ કેસમાં ય વારો આવતા વર્ષો નીકળે. લક બાય ચાન્સ આપણે ત્યાં ખરીદ-વેચાણને લીધે પ્રતિબંધ છે પણ અમેરિકામાં નજીકના સગા ઉપરાંત મિત્રો ય ઓફર કરી શકે. સેલેનાની બહેનપણી ફ્રાન્સીસે ખુશીથી ખુદની એક કિડની આપવાની તૈયારી બતાવી. સદનસીબે મેચ પણ થઈ.

ઓપરેશનની આગલી રાતે બંને જવાન બહેનપણીઓએ  મોં લટકાવી હતાશ થવાને બદલે ધમાલ કરી મૂકી. બહાર ગયા, ફેવરિટ ફૂડ ખાધું. વિલ પણ લખ્યું, નાચ્યા... ફ્રાન્સીસનું ઓપરેશન તો આસાનીથી પતી ગયું પણસેલેનાને કોમ્પિલકેશન અધવચ્ચે થયા. માંડ બચાવ થયો. પછી એને એવોર્ડ મળ્યો એ ય એણે કિડનીદાતા સખીને અર્પણ કર્યો છે. ફરીવાર એ સ્ટેજ પર આવે છે, અને આ સંઘર્ષ બાદ વધુ સોહામણી લાગે છે !

વેલ વેલ વેલ. જલસા કરવાવાળા બે પ્રકારના લોકો છે. એક, જેમને માત્ર જલસા કરવા છે, કોઈ જવાબદારી નથી લેવી. કોઈ ઘડતર માટે જવતર નથી હોમવું. કોઈ ટેલેન્ટને જાત નીચોવીને નિખારવી નથી. કોઈ સમસ્યાનો સ્થિર રહી મુકાબલો નથી કરવો. બસ ફક્ત પાર્ટી કરવી છે. આવા લોકો 'કરુ પાર્ટી' બની જતા હોય છે. ઇઝી મની એન્ડ પાથ ઓફ ક્રાઇમ. પછી અમુક બીજાને પૈસે જલસા કરે, અમુકના પૈસે બીજા જલસા કરે કે પછી જલસાનો અંત જેલમાં આવે !

બીજા હોય છે પ્રકૃતિએ મસ્તમૌલા. જે વર્કહાર્ડ, પાર્ટી હાર્ડરમાં માને છે. જે ખુદના જલસાના જોખમો અને જવાબદારીોન સાઇડ ઇફેક્ટસ સ્વીકારીને આગળ વધે છે. જે એટલે મોજમાં રહે છે કે જાણે છે કે જવાની અને મનુષ્યદેહ કાયમી નથી. અને જે પરમેનન્ટ ન હોય, એ જ પ્રેશિયસ હોય. એવરીડે રૂટિન બોરિંગ ઇન્વિટેશન ટુ ડિપ્રેશન. એમને નવું જાણવામાં થ્રિલ આવે છે.

એમને પોતાના થકી બીજા જલસા કરતા શીખે એ જોઈને કલેજે ટાઢક વળે છે. જે પરમાત્માની ગિફ્ટ એવા માનવજીવનને નકામી બાબતોમાં વેડફવાને બદલે પહેલા જલસા જેટલું કમાય છે, અને પછી એના ગયા બાદ બીજાઓ વાપરે એને બદલે ખુદ ભોગવે છે. ધ ક્રિએટીવ સેન્સિટિવ લવર્સ પ્લેઝન્ટ સોલ.

ક્રિસ ગેઇલ કે સેલેના ગોમેઝની કેટેગરી આમાં સેકન્ડ છે. એટલે ક્વોલિટી ફર્સ્ટ છે ! એમણે જીંદગીના મેકઅપ પાછળનું બિહામણું અસ્થિકંકાલ જોયું છે. મૃત્યુને ટકોરા મારતું જોયું છે બારણે એટલે જીવન મૂલ્યવાન લાગે છે. હવે પરચૂરણ તકલીફો એમને ડગાવી નથી શકતી, એટલે આત્મવિશ્વાસથી આનંદનો ભોગવટો કરે છે. ખાલીખમ થઈ જવાનું. આ ફેરામાં કાંઈ ઘટવું ન જોઈએ ! જોય ઇઝ વેક્સીન ! સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે એમ: ચાલ, જીવી લઈએ !

ઝિંગ થિંગ

'કંઈ કરવાનું ન હોય એવી નવરાશ એ મજા નથી, ઘણું કરવાનું હોય ત્યારે ય ફુરસદ માણવી એ મજા છે.'

(એન્ડ્ર્યુ જેક્સન)

Gujarat