Get The App

'વેર વેરથી શમતું નથી' એનું સ્મરણ આવશ્યક છે

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
'વેર વેરથી શમતું નથી' એનું સ્મરણ આવશ્યક છે 1 - image

- એક જ દે ચિનગારી - શશિન્

- એટલું યાદ રાખો કે શત્રુ સાથે વેરવૃત્તિ કોઈ કારણવશ પેદા થાય છે, માટે તેને દંડ આપતાં પહેલાં કારણની તપાસ કરો.

માણસ જીદ પર ચઢે ત્યારે મહાભારત નોતરી બેસે છે. અને દાન કરવા બેસે ત્યારે દધીચિ પણ બની શકે. એટલે જ માણસની કોઈ એક ચોકઠામાં બાંધીને વ્યાખ્યા કરવાનું ઉચિત નથી. જાતજાતની મનોવૈજ્ઞાાનિક ક્ષણોમાંથી પસાર થતો માણસ ક્યારેક શેતાનિયતની પરાકાષ્ઠા પણ દેખાડી શકે છે અને ક્યારેક દેવત્વની ઊંચાઈ પણ.

માણસ એકવાર વેરવૃત્તિનો શિકાર બને એટલે તેનો વિવેક તાત્કાલિક મરી જાય છે. એ વેરવૃત્તિને ઉશ્કેરનાર, કારણો અને પરિબળો વેરવૃત્તિની આગમાં ઇંધણનું કામ કરે છે. અફવાઓ, બાતમીઓ, ચાડીચૂગલીઓ એ આગને પવન પૂરો પાડે છે. પરિણામે એવી વેરવૃત્તિ ઘટવાને બદલે વરવું રૂપ ધારણ કરી હિંસા તરફ પણ વધી શકે છે.

એટલે દુશ્મનો પ્રત્યે પણ ક્ષમાભાવ દેખાડવાની વાત શાસ્ત્રકારોએ અને મહાપુરુષોએ વારંવાર દોહરાવી છે. જેથી એ આગને ઠરવા માટેની ભૂમિકા ઉભી થાય. ઝિંદાદિલી, ખેલદિલી, પ્રેમ, નફરતને બદલે મહોબ્બત, આ બધા માણસના દેવત્વ પ્રગટાવનારાં ઉદાત્ત જીવનમૂલ્યો છે. ક્ષમામૂર્તિ ઇશુએ એટલે જ ઇંટનો જવાબ પથ્થરથી આપવાનો બોધ આપવાને બદલે જુલમગાર તરફ પણ ક્ષમાભાવનાને મહત્વ આપ્યું છે.

ઝિંદાદિલી, ખેલદિલી, પ્રેમ, સેવા વગેરે માણસાઈના દીવા છે. જે જીવનના ઉદાત્ત પંથના ઉપાસક-આરાધક બનવા માટેનો પથ સતત આલોકિત કરતા રહે છે. બદલાની ભાવના માટે અનેક પરિબળો કામ કરતાં હોય છે. જેને વેરપાત્ર ગણી શત્રુ પજવણી માટેનાં પ્રયત્નોમાં રચ્યો-પચ્યો રહેતો હોય અને એની વેરપાત્ર વ્યક્તિને ખબર હોય, તેમ છતાં એના પ્રત્યે પ્રેમ, સદ્ભાવ, લાગણી, કલ્યાણ ભાવના અને વેરીએ આચરેલા અપરાધ પ્રત્યે ક્ષમાભાવ દાખવે ત્યારે શત્રુત્વને માર્ગે દોડી રહેલી વ્યક્તિના પગની તાકાતમાં ઘટાડો થાય છે. માણસ પથ્થરને નિર્દયતાથી કચડી શકે, પણ ફૂલને ચગદી નાખવા માટે બે વાર વિચાર કરશે. પણ એની વિવેકવૃત્તિ નિર્બળ બનવાને કારણે એ સંયમ દાખવી શક્તો નથી. પરિણામે ઝિંદાદિલી દાખવનારને પણ અન્યાય કરી શકે છે, ત્રાસનો ભોગ બનાવી શકે છે.

પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આવું બને ત્યારે ઝિંદાદિલી એળે ગઈ એમ માની નિરાશ થઈને કોઈએ ઝિંદાદિલી આચરવા જેવી નથી, એનું પરિણામ સારું આવતું નથી, એવો પ્રચાર કરવો ?

હરગિઝ નહીં, ઝિંદાદિલી એ શેતાનનો નહીં, માણસનો અધિકાર અને ફરજ બને છે. ઝિંદાદિલી એ સોદાનો વિષય નથી, સમર્પણનો વિષય છે. એટલે એ ના દાખવનારે, ઝિંદાદિલીના પ્રત્યુત્તરની આશા સેવવી જ ન જોઈએ. એક માણસ નીચતા દેખાડે એ એના વ્યક્તિત્વની હીણપત છે. અને તમે મનુષ્ય તરીકેનું ખમીર અને ખુમારી દાખવો એ તમારા વ્યક્તિત્વની મહાનતા છે. એ મહાનતા દેખાડવામાં માણસ તરીકેનું ગૌરવ તમે દેખાડી રહ્યા છો, એથી વિશેષ કશું જ નહીં. એવું ગૌરવ દેખાડનાર કદરદાનીની અપેક્ષામાં ફસાય તો એની ઝિંદાદિલીની ઉદાત્ત ભાવનાને ઝાંખપ લાગે.

ફૂલનું ઊગવું અને અગરબત્તીનું જલવું બેકાર જતું જ નથી. એમણે આપેલી સુવાસ જ એમની સાર્થકતા છે. ઝિંદાદિલી વેરીમાં મૈત્રી ન જગાડે તો પણ તમને તો એ વાતનો સંતોષ રહેશે કે મેં માણસાઈની ફરજમાંથી પાછી પાની કરી નથી. ઘણીવાર દાખવેલી એવી માણસાઈ પણ વેરીના હૃદય-પલટાનું નિમિત્ત બની જતી હોય છે. એ સત્કૃત્યોને ગણિતમો વિષય ન બનાવવો એ જ ઇન્સાનિયતના નિર્વ્યાજ પ્રયોગોનું ભૂષણ છે. ઝિંદાદિલી વહેલી કે મોડી પણ રંગ લાવતી હોય છે.

ઘણાં લોકોને વેર લેવામાં પણ આનંદ આવતો હોય છે. જિંદગીનું સાચું સ્વરૂપ સમજવાનું કાર્ય આપણે ધારીએ તેટલું સહેલું નથી. તો એનામાં વિવેકનો ઉદય થાય. પણ એકલા વિવેકથી કામ સરતું નથી. ચોર ચોરી કરતાં પકડાય અને ન્યાયાધીશ સામે એને રજૂ કરવામાં આવે, ત્યારે મનોમન પશ્ચાત્તાપ કરી ક્ષમાપ્રાર્થના કરી પોતાને છોડી મૂકવા કરગરે છે. એના આ બાહ્ય પ્રયત્નમાં ચોરી ખરાબ કૃત્ય છે, એવું એને લાગ્યાનો પ્રતિઘોષ છે. પણ એ ક્ષણિક ઉભરો છે. જે શમી જતાં વળી પાછો એ ચોરીમાં પોતાની જાતને સંડોવવાનો જ છે. જો ખરેખરો પશ્ચાતાપ થાય તો એની જીવનની દિશા પલટાય અને સન્માર્ગે વળી.

મતલબ કે સારા-નરસાનો ભેદ સમજાયા પછી છોડવા જેવું છે, ત્યજવા જેવું છે, એને ત્યજી દેવાનો સંકલ્પ કરી આચરણમાં એવો ત્યાગ સિધ્ધ કરવો એ અગત્યનું છે. આ માટે વિવેક સાથે વૈરાગ્યની જરૂર પડે છે. આવો વૈરાગ્ય દર્શાવવાનું કે અમલમાં મૂકવાનું સહેલું નથી. એટલે દુર્યોધનને યુધિષ્ઠિર, કંસને વિદુર, કે રાવણને પ્રયત્ન છતાં આપણે વિભીષણમાં બદલી શકતા નથી.

માણસમાં ક્રોધ જન્મે ત્યારે તેની વેરવૃત્તિ પ્રબળ બને છે. ક્રોધથી શત્રુત્વમાં વૃધ્ધિ થાય છે. અને શત્રુત્વ માણસના અહંકારને થાબડે છે. પોતાને દૂભવનારને, પરેશાન કરનારને, પોતાનું બગાડનારને, સ્વજનને હણનારને કે મન-વચન- કર્મથી પોતાને નુકસાન પહોંચાડનારને નુકસાન થાય ત્યારે બદલો લીધાનો માનસિક આનંદ માણસ અનુભવે છે. પણ આવો આનંદ વેરજન્ય આનંદ એ હીન પ્રકારની માનસિક રિઝવણીથી વધુ કશું જ નથી. અપરાધ કરનાર, હિંસા-હત્યા આચરનાર અંતે તો માણસ છે. એવો માણસ જે દ્વેષની નાગચૂડમાં 

ફસાયો છે. એટલે એ દયાપાત્ર છે, ક્ષમાપાત્ર છે. એ આદર્શ થયો, પણ એવા આદર્શની વાતથી કે ક્ષમાથી સામાન્ય માણસનું મન ખુશ થતું નથી એટલે બૂરું કરનારનું બૂરું થતું જુઓ, ત્યારે બદલો લઈ લીધાનો એને આનંદ થાય છે. ભલે એવા બદલાથી પોતાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશો ફાયદો ન થતો હોય.

ગાંધીજી એટલે જ કહેતા હતા કે, પશુબળ અસ્થાયી છે અને આધ્યાત્મિક બળ કે આત્મબળ એ એક શાશ્વત બળ છે. જડતા પતન છે. અને આત્મિક જાગૃતિ ઉત્કર્ષ. એટલે કહેવામાં આવ્યું છે કે અહિંસા એ ઉત્તમ વસ્તુ છે. પણ શત્રુત્વનો ત્યાગ એ એનાથી પણ મહાન છે. શાસ્ત્રો કહે છે કે કોઈ કોઈનું નથી હોતું મિત્ર કે નથી હોતું શત્રુ. કારણવશ જ મિત્રતા કે શત્રુત્વ પેદા થતું હોય છે.

માણસનું અન્ય માણસ સાથે વેર કયા કારણસર બંધાય છે ? વેદ વ્યાસે એનાં પાંચ કારણો ગણાવ્યા છે. તે છે, સ્ત્રીના કારણે, ઘર અને જમીનના કારણે, કઠોર વાણીના કારણે, જાતિગત દ્વેષના કારણે અને કોઈક સમયે કરેલા અપરાધને કારણે.

માણસ નફરતને કારણે બદલો લેવા તૈયાર થાય છે. નફરત બદલારૂપે નફરત વ્યક્ત કરવાનો મોકો શોધતી હોય છે અને શત્રુ કોઈપણ દુઃખી બને, રહે તેની તક શોધતી હોય છે. પણ માણસના હૃદયમાં નફરતને બદલ પ્રેમ અને કરુણાની ગંગા વહેવા માંડે ત્યારે પોતાને ક્રોસ પર ચઢાવી કમો તે મારનારને પણ ઇસુ જેવા નિર્મળ હૃદયના સંતો પોતાના શત્રુના અપરાધો માફ કરી દેવાની પરમ પિતાને પ્રાર્થના કરે છે.

માણસના હૃદયમાં વવાયેલાં નફરતનાં બીજ વેરની આગને શાંત થવા દેતી નથી. પરિણામે માણસ જેવાની સાથે તેવા થવામાં પાછી પાની કરતો નથી. અપરાધીને દંડ આપવો એ સામાજિક સ્વાસ્થય અને સલામતી માટે પણ આવશ્યક છે.

એ વાત ખરી, પણ એમ કરવામાં પણ કરુણા હોવી જોઈએ. એટલે તો ગુનેગારને ફાંસીની સજા ફરમાવીને ન્યાયાધીશ કલમને તોડી નાખતા હોય છે. ન્યાયાધીશના દંડમાં વેર નથી, આનંદ પણ નથી, પણ સમાજને દાખલારૂપ સજા ફરમાવવાનું તેમને માટે અનિવાર્ય બની જાય છે. કર્તવ્ય પણ ખરું જ.

કેટલાક લોકો સ્વભાવથી જ દુષ્ટ હોય છે, એટલે રોમ બળતું હતું ત્યારે નીરો, વાંસળી વગાડતો હતો. માણસના મનનો મોર, અજ્ઞાાન, અવિદ્યા કે બીજા અર્થમાં જેને 'માયાગ્રસ્તતા'ની સ્થિતિ કહેવામાં આવે છે. તેને વશીભૂત થઈ માણસ સાત્વિક આનંદ તલાશવાને બદલે વેરજન્ય હલકટ આનંદથી મનને સંતુષ્ટ કરે છે. જે પ્રકારાન્તરે આત્મિક પતન જ છે. વેર વેરથી શમતું નથી. એ વાત કરુણામૂર્તિ બુધ્ધે ભારપૂર્વક સમજાવી છે.

વેરવૃત્તિની આગથી બચવાના કેટલાક ઉપાયો ઃ

૧. ક્રોધ અને અહંકારથી વેરવૃત્તિ પ્રબળ બને છે માટે ક્રોધ અને અહંકારથી દૂર રહેવું શ્રેયસ્કર છે.

૨. ઝિંદાદિલી, ખેલદિલી, પ્રેમ અને સેવા જેવા સદ્ગુણો માણસાઈના દીવા છે. જે ક્ષમાભાવ દેખાડનારા ઉત્તમ ગુણો છે. શત્રુ પ્રત્યે વિવેકપૂર્ણ નિર્ણય લો.

૩. જેવા સાથે તેવા ને બદલે 'વેર વેરથી શમતું નથી.' એનું સ્મરણ આવશ્યક છે.

૪. હૃદયમાં નફરતને બદલે પ્રેમ અને કરુણાની ગંગા વહેવા માંડે ત્યારે વેરવૃત્તિનો નાશ થાય છે.

૫. પરપીડન એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પણ એ પાપ છે. એટલું યાદ રાખો, વેરવૃત્તિનું શમન થશે.

૬. ક્ષમા અને દયા ક્યારેક વેરીના હૃદય- પલટાનું નિમિત્ત પણ બની જતી હોય છે.

૭. ગુનો આચરનાર સમાજ માટે ખતરારૂપ હોય તો વેરવૃત્તિ આચરવાને બદલે કાનૂનની મદદથી તેને સબક શીખવાડી શકાય.

૮. એટલું યાદ રાખો કે શત્રુત્વ કોઈ કારણવશ પેદા થાય છે માટે તેને દંડ આપતાં પહેલાં કારણની તપાસ કરો.