સ્વાસ્થ્યવર્ધક અશ્વગન્ધા અને તેની છાલ
- આસગંધમાં બે જાત થાય છે એક જંગલમાં થાય છે અને બીજી ગામડામાં થાય છે. જંગલમાં થતી અશ્વગંધા મગજના ઉશ્કેરાટને શાંત કરે છે
સા માન્ય રીતે કમરનો દુઃખાવો, સંધિવા, ક્ષય, શોષ, ધાતૃક્ષીણતા અને નબળાઇ મટાડવા માટે અમોઘ ઔષધિ છે તે છે આસગંધ. આ આસગંધને અશ્વગંધા પણ કહે છે. ખાસ કરીને સ્ત્રીઓના પ્રદર રોગને મટાડે છે. તથા ગર્ભાશયના અનેક વિકારો મટાડે છે. ગર્ભને પુષ્ટિ કરે છે અને ધાવણ વધારે છે. બાલશોષ નામના રોગમાં એ ગજબનો ફાયદો કરે છે. એનું ચૂર્ણ ઘી-સાકરમાં કે મધ-ઘીમાં આપવાથી અમૂલ્ય ગુણ કરે છે. બાલશોષ, સુકતાન અને ક્ષયશોષ જેવા દરદમાં અશ્વગંધાદિ અવલેહ જેવી બનાવટ ઘણું જ સારું પરિણામ બતાવે છે. જ્ઞાાનતંતુની નબળાઇ, થાક, અનિદ્રા અને મગજની કમજોરીમાં તેની અશ્વગંધારિષ્ટ દવા ઘણી ઉપયોગી છે.
આસંગધના ઉપયોગથી પાચનક્રિયા સુધરે છે. વાયુની ગતિ સવળી થઇ ગેસ દૂર કરે છે. પેટમાં જંતુ દૂર થાય છે. પેપ્ટીક અલ્સરમાં ખૂબ લાભ કરે છે. એ માટે એની છાલનું ચૂર્ણ એકથી બે ગ્રામ સવારે અને રાત્રે પાણી સાથે આપવું જોઈએ. આસગંધ શરીરમાં ગરમાવો લાવે છે. એટલે એ માત્ર શિયાળામાં જ લેવાય એવું નથી, બારેમાસ તજાગરમી, હાથપગમાં પરસેવો થવો, પેટનો ગેસ-કૃમિ દૂર કરે છે. આ આસગંધમાં બે જાત થાય છે એક જંગલમાં થાય છે અને બીજી ગામડામાં થાય છે. જંગલમાં થતી અશ્વગંધા મગજના ઉશ્કેરાટને શાંત કરે છે. ઊંઘ લાવે છે, પેશાબ છૂટથી લાવે છે. આસગંધ એ કાયાકલ્પ માટેનું અમોઘ રસાયન છે. એનાથી ધાવણ વધે છે. સ્તનને પુષ્ટિ મળે તે માટેનું એનું અશ્વગંધાદિ તેલ ખૂબ વખણાય છે.
ધાતુની નબળાઇ, શીઘ્રપતન અને સ્વપ્નદોષ જેવા દરદોમાં અશ્વગંધાદિ પાક વખણાય છે. બાળકો માટે એનું શરબત બનાવી બાલામૃત તરીકે વાપરી શકાય છે.એના સેવનથી ચામડીના દરદો મટે છે. એનો મલમ પણ બને છે. ખાસ કરીને સુવાવડી સ્ત્રીઓને ધાવણ વધારવા માટે આસગંધ, વિદારીકંદ, જેઠીમધ અને એનું ચૂર્ણ વાપરવાની સલાહ છે. ઋતુસ્નાતા સ્ત્રી ત્રણ દિવસ ગાયના દૂધ સાથે આસગંધ ચૂર્ણ લે તો ગર્ભધારણની શક્યતા વધે છે. પેટના કૃમિ મટાડે છે. એના સતત સેવનથી બળ, કાંતિ, સૌંદર્ય તેમજ શક્તિનો ખૂબ જ વધારો થાય છે.
સ્ત્રીઓને કમરનો દુઃખાવો થાય છે તેમાં વધુ પડતી સુવાવડ મહત્ત્વનો ભાગ ભજવે છે. વંધ્યા, અલ્પપ્રસૂતા કે કુમારી અને પ્રૌઢાઓને આ અશ્વગંધા મોઢા વાટે લેતાં ખૂબ સારી અસર થાય છે. સફેદ પાણી પડતાં મટાડી કામેચ્છા વધારે છે. અને માનસિક શાંતિ દ્વારા ખૂબ લાભ થાય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે અશ્વગંધાનો ઉપયોગ કફમાં પણ થાય છે. કાચો કફ દૂર કરે છે, શ્વાસ કરે છે અને એટલામ ાટે જ વૈદ્યો આસંગધની રાખ મધમાં સાથે ચટાડે છે. અશ્વગંધાના સેવનથી વજન વધે છે. જે બાળકો સમયસર ચાલી ન શકતાં હોય, બોલવામાં વિકાસ થતો ન હોય અને જેઓને રાત્રે પથારીમાં પેશાબની આદત હોય તેમને સવારે અને રાત્રે આસગંધ આપતાં સારો લાભ થાય છે. પાંચ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ, ૧૦૦ ગ્રામ દૂધ અને ખપ પૂરતી સાકરમાં ઉકાળી સ્ત્રીઓને પ્રસૂતિ બાદ આપતાં કમરનો દુઃખાવો મટે છે. ગર્ભાશયને તે તંદુરસ્ત બનાવે છે.
બુદ્ધિજીવીઓ દ્વારા ઘસઘસાટ ઊંઘ લાવવા એનું ચૂર્ણ મધમાં એક બે ગ્રામ લઇ શકાય. ગળોમાંથી ગળોસત્વ બને છે તેમ અશ્વગંધામાંથી અશ્વગંધાસત્વ બને છે. તે જ્ઞાાનતંતુની નબળાઈ દૂર કરી થાક, અનિદ્રા, મગજની કમજોરી મટાડે છે. વીર્યની નબળાઈ દૂર કરે છે. વીર્યવૃદ્ધિ કરે છે. પેશાબમાં જતાં પોષક પદાર્થો અટકાવી અને પેશાબને સાફ લાવવા તે ઉત્તમ છે. અશ્વગંધાનો ઉપયોગ વૈદ્યની દેખરેખ હેઠળ કરી શકાય, અશ્વગંધાનું શરબત આસવ, અવલેહ કે ચૂર્ણ લઇ શકાય.
તેમાં કામદેવ, દ્યુત (ઘી) જેની અશ્વગંધાદિવટી આપતાં થાક દૂર થાય છે. ઊંઘ આવે છે. પરિણીત જીવનમાં પ્રસન્નતા વધે છે. ક્ષય, ટીબી, મલેરિયા, ટાઇફોઇડ, કમળો જેવા અનેક રોગોની માંદગી બાદ આસગંધ વૈદ્યની સલાહ પ્રમાણે લેતાં ફરીથી તંદુરસ્તી યથાવત્ લાવી શકાય છે. આસગંધ ૨૦૦ ગ્રામ, કઠ, જટામાંસી, દાડમછાલ, ભોરીંગણીના ફળ, દરેક ૫૦ ગ્રામ, તલનું તેલ અડધો લિટર, દૂધ એક લિટર લઇ પહેલાં વનસ્પતિઓને ચટણી અને લૂગદી જેવું કરી તેલ અને દૂધમાં પકાવી ખાલી તેલ રહે ત્યારે એ ગાળી લેવું.
આ તેલ સમગ્ર શરીર ઉપર માલિશ કરવાથી શરીર હૃષ્ટપુષ્ટ બને છે. કાનની બુટી પર માલિશ કરવાથી એ જાડી બને છે. બે ત્રણ સુવાવડ બાદ ઢીલાં પડી ગયેલાં સ્ત્રીઓના સ્તન ઉપર માલિશ કરવાથી તે ભરાવદાર અને કઠોર બને છે. નસોમાંથી નબળાઈ દૂર થાય છે. જ્ઞાાનતંતુ મજબૂત બને છે.
- દીપિકા મહેતા