Get The App

ચળકતા ભૂરા રંગનાં કૂતરાં જોયાં છે ?

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ચળકતા ભૂરા રંગનાં કૂતરાં જોયાં છે ? 1 - image

- ટોપ્સીટર્વી - અજિત પોપટ

- વિજ્ઞાનીઓએ કૂતરાંને તપાસીને ખરેખર શો રિપોર્ટ આપ્યો છે એ સત્તાવાર રીતે જાહેર કરાયું નથી. 

છેલ્લાં દોઢ બે વર્ષથી યુક્રેન અને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એકબીજા પર જાનમાલની ખુવારી કરી હોવાના ખરાખોટા અહેવાલો વહેતા કરે છે. આ યુ્દ્ધના ધડાકા વચ્ચે ગયા સપ્તાહે આંતરરાષ્ટ્રીય મિડિયામાં એક અનોખા સમાચારે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. આજની પેઢીના ટીનેજર્સને તો ચેર્નોબિલ દુર્ઘટના વિશે કશી જાણ નહીં હોય. મોટા ભાગના ટીનેજર્સ ત્યારે જન્મ્યા પણ નહોતા. વાત ૧૯૮૬ની છે. ૧૯૮૬ના એપ્રિલની ૨૬મીએ રશિયાના ચેર્નોબિલ શહેરના પ્રીપ્યાત વિસ્તારમાં આવેલા અણુમથકની ચોથી ભઠ્ઠીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા એના સાચા આંકડા આજ સુધી જાહેર થયા નથી. એનું કારણ એ છે કે ચીનની જેમ રશિયામાં પણ સામ્યવાદી સરકાર છે અને મિડિયા પર પોલાદી સેન્સરશીપ છે. આંતરરાષ્ટ્રીય મિડિયા માને છે કે હજારો લોકો માર્યા ગયા હશે. આ દુર્ઘટના બની ત્યારે ચેર્નોબિલ સોવિયેત રશિયાનો  એક ભાગ હતું. આજે એ યુ્ક્રેનનો હિસ્સો છે.

રશિયાની સરકારે તરત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ચાલ્યા જવાની તાકીદ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે જીવતાં રહેશો તો ભૌતિક સંપત્તિ પાછી મેળવી શકશો. જીવતાં જ નહીં રહો તો માલ મિલકતનો શો અર્થ ? હજારો લોકો જીવ બચાવીને ચેર્નોબિલ છોડીને ભાગ્યા હતા. ગયા સપ્તાહે આ ચેર્નોબિલ  ફરી સમાચારોમાં ચમક્યું હતું. એનું કારણ પણ રસપ્રદ છે. એની વાત કરવા પહેલાં એક આડવાત.

પંચતંત્ર અને હિતોપદેશની કથાઓ તમે વાંચી કે સાંભળી હોય તો યાદ કરજો. ખોરાકની શોધમાં એક શિયાળ જંગલ વિસ્તારમાંથી માનવ વસતિ તરફ આવી ગયું. એક રંગારાના મકાનની ઓસરીમાં લાકડાનું એક ટબ પડયું હતું. એ ટબમાં કપડું રંગવા માટે ભૂરા રંગનું પાણી ભરેલું હતું. ભૂખ્યા શિયાળે ખોરાક સમજીને એમાં ઝંપલાવી દીધું. એના શરીરનો રંગ ગળી જેવો થઇ ગયો. એ જંગલમાં પાછું ફર્યું ત્યારે શિયાળવાસમાં એને જોઇને બીજા શિયાળો ગભરાયા. આવું પ્રાણી કદી એ લોકોએ જોયું નહોતું. બધાંએ એને નેતા તરીકે સ્વીકારી લીધું. એ બીજા શિયાળો પર રોબ જમાવવા લાગ્યો. એક મોટી વયના શિયાળને શંકા પડી કે કંઇક ગરબડ છે. એણે અન્ય શિયાળોને સાધી લીધા. એક સવારે બધાં શિયાળે સાથે મળીને લાળી કરવા માંડી. એ જોઇને પેલો ભૂરિયો શિયાળ ભૂલી ગયો કે પોતે ખુલ્લો પડી જશે. એ પણ લાળીમાં જોડાયો. બધાંને ખબર પડી ગઇ કે આ તો આપણાંમાંનો એક શિયાળ છે. બધાંએ સારી પેઠે એને ઠમઠોર્યો. એમ તો જૂની ગુજરાતી ચોપડીમાં એક બાળકાવ્ય આવતું- કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાળિયાં ને ચાર ભૂરિયાં રે...  

આ વાર્તા અત્યારે યાદ આવવાનું કારણ ચેર્નોબિલ છે. આ વર્ષ (૨૦૨૫)ના ઓક્ટોબરમાં ચેર્નોબિલમાં શેરીઓમાં રઝળતા કૂતરાંને જોઇને કેટલાક પ્રવાસીઓને વિસ્મયનો અનુભવ થયો. એનું કારણ એ કે આ કૂતરાં ચળકતા ભૂરા રંગના હતા. દેખીતી રીતે જ પ્રવાસીઓને લાગ્યું કે ૧૯૮૬માં થયેલી અણુશક્તિ દુર્ઘટનાના પગલે આ કૂતરાંઓને રેડિયેશન (કિરણોત્સર્ગ)ની અસર થઇ છે. બાપ રે બાપ ! આ ચેપ અમને લાગે તો ? આવો વિચાર અસ્થાને નથી. અમેરિકાએ છેક ૧૯૪૫ના ઓગસ્ટમાં જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકેલા. એની વિનાશકારી અસર ચાલીસ  પચાસ વર્ષ સુધી સમગ્ર જીવસૃષ્ટિ પર દેખાઇ હતી. એ બોમ્બ વિસ્ફોટ પછી ઊગરી ગયેલા લોકો જીવતાં રહ્યાં ત્યાં સુધી એમના શરીરમાં રેડિયેશનની ભયાનક અસર રહી હતી. એ લોકો જીવતેજીવ નર્કનો અનુભવ કરી રહ્યા હતા. કેટલાકને કેન્સર થયેલું અને અન્ય કેટલાકના શરીરનાં અંગો વિકૃત થઇ ગયાં હતાં. 

ચેર્નોબિલમાં રઝળતા બ્લુ રંગના કૂતરાં વિશે સૌ પ્રથમ ક્લીન ફ્યૂચર્સ ફંડ નામની એક  સ્વૈચ્છિક સંસ્થાએ મિડિયાને જાણ કરી. એ રિપોર્ટ જોઇને કેર્સ ફોર ધ કેનિન નામની અન્ય એનજીઓએ કેટલાક વૈજ્ઞાાનિકોનો સંપર્ક સાધ્યો. આ વિજ્ઞાાનીઓએ કૂતરાંને તપાસીને ખરેખર શો રિપોર્ટ આપ્યો છે એ સત્તાવાર રીતે જાહેર કરાયું નથી. યૂરોપિયન પ્રિન્ટ મિડિયામાં બે જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત એવો છે કે આ રંગ પરિવર્તન રેડિયેશનને કારણે જ હોઇ શકે. બીજો મત કહે છે કે ના, એ તો પેલી ભૂરા રંગના ટબમાં પડી ગયેલા શિયાળ જેવું છે. વિચારવાનું એ છે કે એક સાથે આટલાં બધાં કૂતરાં કયા ટબમાં પડી ગયાં હોઇ શકે ? ભૂરા રંગના ટબવાળી વાત હાસ્યાસ્પદ લાગે છે. સાચું શું છે એ તો જિસસ ક્રાઇસ્ટ જાણે. જો કે સામ્યવાદી દેશો તો ધર્મમાં કે ઇશ્વરમાં માનતા નથી. એક રમૂજી કલ્પના એવી આવે છે કે કોઇ ટ્રાવેલ એજન્સી ક્રિસમસના વેકેશનમાં એવી જાહેરખબર આપે કે બ્લુ રંગનાં કૂતરાં જોવા હોય તો ચાલો, અમારી સાથે ચેર્નોબિલના પ્રવાસે.....!