Get The App

ગુરૂશિષ્ય સંબંધ : જેવી લાયકાત તેવી લેણાદેણી !

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ગુરૂશિષ્ય સંબંધ : જેવી લાયકાત તેવી લેણાદેણી ! 1 - image

- અન્તર્યાત્રા - ડો.સર્વેશ પ્ર. વોરા

આ પણા યુગની મહાન વિભૂતિ શ્રીમદ્ રાજચન્દ્રે પરંપરાગત, કુળ કે કુટુંબની સાથે ચાલી આવતી 'કુલગુરૂ'ની એકાધિકાર પ્રથા પર પ્રહાર કરીને બહુ જબરદસ્ત સુરંગ ગોઠવી છે. ગુરૂ-શિષ્યની સંકલ્પનાનો કક્કો પણ ન જાણતા બુડથલ સમકાલીનો ને લક્ષમાં રાખીને !

અલબત્ત શ્રીમદ્ ગોઠવેલી ક્રાંતિની આ સુરંગ હજુ સુધી વણફૂટેલી રહી છે અને કાંઈ કેટલાય લોકો શ્રીમદ્ની એ વૈચારિક સુરંગ પર ચપ્પટ બેસી શ્રીમદ્નાં તેજસ્વી દર્શનની ઐસીતૈસી કરીને રીતસર 'કુલગુરૂ' પ્રથાની પીઠો કે મઠ-પ્રથા ઊભી કરી રહ્યા છે એ જૂદી વાત છે.

શ્રીમદ્ 'આત્મસિદ્ધિશાસ્ત્ર'માં કહે છે :

આત્મજ્ઞાન ક્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય,

બાકી કુળગુરૂકલ્પના, આત્માર્થી નહીં જોય (૩૪)

અને

બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરૂ સત્ય,

અથવા નિજકુળધર્મના, તે ગુરૂમાં જ મમત્વ

ગુરૂતત્વ માટેની પ્યાસ હોવી, અદમ્ય ઝંખના હોવી તે એક વાત છે અને ગુરૂપદે કોને બેસાડવા તે માટે પોતાની જાતને પરીક્ષકનાં સિંહાસને બેસાડીને ભટકવું એ બીજી વાત છે. ગુરૂ અને શિષ્યનો સંબંધ પ્લગ અને સોકેટ જેવો છે. દરેક સોકેટને દરેક પ્લગ સાથે જોડવાથી વિદ્યુતનો તણખો ઉપજે એમ બની શકે નહીં. અમુક પ્લગ અને સોકેટનાં મિલનથી જ પ્રકાશ થાય. ટૂંકમાં, ગુરૂ બનાવાય નહીં, ગુરૂ શોધાય નહીં, ગુરૂ બની જાય, ગુરૂ મળી જાય.

હકીકતમાં ગુરૂતત્વ સાથેનું જોડાણ અતિશય ગુપ્ત, રહસ્યમય, પવિત્ર ઘટના છે. એ ઘટના વ્યક્તિની હૃદયગુહામાં રચાય છે, બહાર નહીં. અખાએ એક ધારદાર પંક્તિ લધી છે : 'વસ્તુ ગૂંગાનો ગોળ છે.' અહીં 'વસ્તુ' એટલે આધ્યાત્ક અનુભૂતિ. ગૂંગો ગોળની મીઠાશની અનુભૂતિને શબ્દોમાં બાંધી ન શકે. બસ, એ જ રીતે ગુરૂ-શિષ્ય ના સંબંધનું સંસ્થાકરણ હોય નહીં. વધુમાં વધુ તો તમે તમારા અભ્યાસની ટેબલ પર કે પૂજાગૃહમાં ગુરૂની છબી પધરાવો, પણ જે ક્ષણથી તમે ગુરૂનાં નામનો ઝંડો ઉપાડયો, ટ્રેડ યુનિયન રચ્યું ત્યારથી ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને શોકેસમાં મૂકવાનાં પાપની શરૂઆત થાય છે.

માણસને મિથ્યાભિમાનની કે 'સ્વયંમુગ્ધતા' (જાતે જાતના પ્રેમમાં પડવું) ની જાતે ઊભી કરેલી દિવાલો એટલી નડતી હોય છે કે એને અરીસો ધરનારી, એની દિવાલ તોડીને નવી ક્ષિતિજો તરફ જાગૃત કરનારી વ્યક્તિ એને દીઠી ગમતી નથી. આવી વ્યક્તિના પડછાયાનો પણ એને ભય લાગે છે. જે ક્ષણે તમારી દિવાલો તોડનાર, તમારા પૂર્વગ્રહો તોડનાર વ્યક્તિ પ્રત્યે તમને આદર જાગે, એ ક્ષણને ગુરૂ-દીક્ષાની પવિત્ર ક્ષણ જાણજો. આવી રીતે દીક્ષિત થનારમાં ઝનૂન હોય ખરું ? આવી રીતે દીક્ષિત થનારને ટોળાં વધારીને પોતાની પવિત્ર અનુભૂતિનાં બજારૂકરણની ગંદી વાસના હોય ખરી ? કહેવાતી ધર્મસંસ્થાઓએ પોતાના અનુયાયીઓ, પોતાની સંખ્યા સાબૂત રાખવા ગુરૂપદનું સંસ્થાકરણ કર્યું. આ પ્રવૃત્તિમાં મોટા મોટા ધર્મ સંડોવાયેલા છે. રીતસર જિલ્લાના કલેક્ટર કે તાલુકાના મામલતદાર માફક 'ઓફિશિયલ' ગુરૂની નિમણૂંક થાય, અને પછી ટોળાંનાં ટોળાંને ખરેખરી પ્રતીતિ જાગે કે નહીં, સંપ્રદાયની સંખ્યા અને ઝનૂનની સાચવણી માટે ટોળાંએ પેલા ઓફિશિયલ ગુરૂને વફાદાર રહેવાનું ! કદી ક્ષણભર પણ વિચાર કર્યો છે કે ગુરૂનું સ્થાન પ્રેમી જેવું હોય, પ્રિયતમ જેવું હોય, એની નિમણૂંક અન્ય કોઈ ના કરે, એની નિમણૂંક તો તમારું હૈયું કરે !