ટ્રેડ વોરમાં કોઈ એક દેશ વિજેતા નહીં બની શકે
- વૈશ્વિક ટ્રેડ વોરના સંદર્ભમાં ચીનના જિનપિંગની અમેરિકાને તેજાબી ટકોર...
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-8
- ચીન-અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ મૂળમાં તો તાઈવાનની ચિપ્સ કંપની TSMCનો છે
- સેમિકન્ડક્ટર્સની આખી સપ્લાય ચેઈન ઊભી કરવાનું કામ ચીન માટે મહામુશ્કેલ છે
વર્ષ ૨૦૧૭માં ઇન્ટિગ્રેટેડ સરકિટ્સની સાઉથ કોરિયાની નિકાસ ૧૫ ટકા, સિંગાપુરની ૧૭ ટકા, મલેશિયાની ૧૯ ટકા, ફિલિપાઇન્સની ૨૧ ટકા અને તાઇવાનની ૩૬ ટકા નિકાસ હતી. 'મેડ ઇન ચાઇના ૨૦૨૫' અભિયાન આ બધા દેશોની ચિપ્સની નિકાસ સામે પ્રશ્નાર્થ ખડો કરે છે.
જો કે મેડ ઇન ચાઇના ૨૦૨૫ એ ચીન સરકારનો માત્ર પ્લાન છે અને સરકારોના ઘણાં પ્લાન ઘણી વખત સાવ જ ફલોપ જતા હોવાના કિસ્સા નોંધાયા છે. અતિ આધુનિક ચિપ્સ બનાવવાનો ચીનનો ટ્રેક રેકોર્ડ કાંઇ બહુ સારો નથી.
છતાં ચિપ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગદંડો મજબૂત કરવા માટે ચીન પાસે ઘણાં રસ્તા છે, જેમ કે (૧) જંગી પ્રમાણમાં સરકારની સબસિડી આપવી (૨)
ચીની સરકારની સહાયથી બીજા દેશોમાંથી ટ્રેડ સિક્રેટસની ચોરી કરવી (૩) ચીન વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે, એટલે ચીન વિદેશી કંપનીઓને પોતાને ત્યાં ધંધો કરવાની મંજૂરી આપવામાં પોતાની શરતો લાદી શકવા સક્ષમ છે.
આ ત્રણ પરિબળોના કારણે ચિપ ઇન્ડસ્ટ્રીનું ભાવિ ઘડવામાં ચીનનો હાથ ઘણી વખત ઉપર રહી શકે છે. અને આ બધા કારણોસર આ વિસ્તારના ઘણાં દેશોનું માનવું છે કે ચીન આમાં સફળ થશે.
ચીન તેની આર્થિક અને ટેકનોલોજિકલ ક્ષમતા સાથે વિશ્વમાં ઘણા આશ્ચર્ય સર્જી શકે તેમ છે.
વર્ષ ૨૦૧૭માં સ્વીસના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે તેમના વક્તવ્યમાં ''ડાઇનેમિક અને ઇનોવેશન - ડ્રિવન ગ્રોથ મોડલ'' દ્વારા ''વિન-વિન સિચ્યુએશનનું ગુલાબી ચિત્ર દર્શાવ્યું હતું.
ઓડિયન્સમાં બેઠેલા વિશ્વની નામાંકિત કંપનીઓના ઈર્ભં અને અબજોપતિઓએ વિનયપૂર્વક શી જિનપિંગના આ અભિગમને વધાવી લીધો હતો.
પણ તેમનું વક્તવ્ય આગળ વધારતા જિનપિંગે અપરોક્ષરીતે અમેરિકા તરફ ઇશારો કરતા તેજાબી ટકોર કરી કે, ટ્રેડ વોરમાં કોઇ એક દેશ વિજેતા નહીં બની શકે. (No one will emerge as a winner in a trade war)
ત્રણ દિવસ પછી વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં આક્રમક વક્તવ્ય દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આડકતરી રીતે ચીનને આડે હાથ લેતા કહ્યું હતું કે, કેટલાક દેશો અમારા ઉત્પાદનો બનાવે છે, અમારી કંપનીઓમાંથી (ટ્રેડ સિક્રેટસની) ચોરી કરે છે અને અમારે ત્યાંની રોજગારીમાં ગાબડા પડે છે.''
ચિપ ઇન્ડસ્ટ્રી માટે ચીન જે રીતે મોટા પ્રમાણમાં સબસિડી આપી રહી છે, તેનાથી અમેરિકન ચિપ કંપનીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.
ચીને સોલર પેનલ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે અમેરિકન કંપનીઓને આઉટ કરી દીધી છે, હવે સેમિકન્ડકટર્સ ક્ષેત્રે પણ ચીન શું આવું જ કરશે?
એડવાન્સ્ડ ચીપ મેકિંગમાં ચીનને આગળ વધતું રોકવા માટે અમેરિકાએ વ્યાપક વ્યૂહરચના ઘડી છે. હાલમાં ચીન-અમેરિકા વચ્ચે આ ક્ષેત્રે શીત યુધ્ધ (Cold war) જેવી વિકટ સ્થિતિ સર્જાઇ છે.
ચીનની ટેલિકોમ સેકટરની મોટી કંપની ZTE અમેરિકાથી સેમિકન્ડકટર્સની આયાત કરે છે. પરંતુ અમેરિકાએ આ ચીની કંપનીને સેમિકન્ડકટર્સનો પુરવઠો નિકાસ કરવા પર ઘણાં નિયંત્રણો એપ્રિલ ૨૦૧૮માં લાદયા હતા.
સેમિકન્ડકટર્સ ક્ષેત્રે ચીનની સ્થિતિ અત્યંત વિકટ એટલા માટે છે કે દુનિયામાં સેમિકન્ડકટર્સનું જેટલું વેચાણ થાય છે, તેમાંથી અડધો અડધ-૫૦ ટકા વપરાશ તો એકલા ચીનનો જ છે. પણ ચીન ઘર આંગણે તો જંગી જથ્થામાં એડવાન્સ્ડ ચિપ્સ બનાવી શકતું નથી એટલે આ ૫૦ ટકા ચિપ્સ વિશ્વના જુદા જુદા દેશોમાંથી તે આયાત કરે છે અને પોતાની આ કમજોરીના કારણે ચીન અત્યંત ચિંતીત છે કે કાલ સવારે અમેરિકા, જાપાન કે અન્ય એકાદ-બે દેશો જો ચીનને ચિપ્સ આપવાનું બંધ કરી દે તો ચીનની ઘણી કંપનીઓમાં મોબાઇલ ફોન, કાર, કોમ્પ્યૂટર કે ડિશવોશર્સ અથવા વોશિંગ મશીનોનું ઉત્પાદન ઠપ થઇ જાય, અને હજારો કારીગરો બેકાર થાય એ વધારામાં. ચીનના અર્થતંત્ર પર આની ઘણી ગંભીર અસર પડયા વગર ના રહે. પોતે આવી વિકટ સ્થિતિમાં ન મુકાય તેની અગમચેતીરૂપે જ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ચીન આત્મનિર્ભર બનવા માટે ઘણાં પ્રયત્ન કરી રહ્યું છે.
નેકસ્ટ જનરેશનની ચિપ્સ બનાવવા માટે અદ્યતન લિથોગ્રાફી ટુલ્સની જરૂર પડશે. આ ટુલ્સ એવા હશે કે જેમાં Extreme UV light વપરાશે. (જેની વેવલેન્થ ૧૩.૫ નેનોમીટર જેટલી સુક્ષ્મ હશે.)
ચીન વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઊભરી આવ્યું હોવા છતાં તેણે, સેમિકન્ડકટર્સની તેની જરૂરિયાત માટે વિદેશી ચિપ્સ ઉત્પાદકો પર આધાર રાખવો પડે છે.
આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સના (AI) ઉપયોગના કારણે હવે મિસાઇલ્સ તેમજ ફાઇટર પ્લેન જેવા આધુનિક શસ્ત્રો દુશ્મન દેશોમાંના સેંકડો કિલોમીટર દૂરના લક્ષ્યાંકો પર પૂર્ણ ચોકસાઇથી ત્રાટકી શકશે, પણ તે માટે અત્યંત અદ્યતન ચિપ્સની જરૂર પડશે, એટલે જે દેશ એડવાન્સ્ડ ચિપ મેકિંગમાં આગેકૂચ કરી શકશે એ દેશ વાસ્તવમાં સુપરપાવર બની રહેશે.
ચીને ચિપ્સ ક્ષેત્રે આગળ આવવા 'ગેરિલા વોરફેર' પધ્ધતિ પણ અપનાવી છે. તે ચિપ્સ ક્ષેત્રે બીજા દેશોમાંથી ટ્રેડ અને ટેકનોલોજીકલ સિક્રેટસની સ્પાયવેર (જાસૂસી સાધનો) દ્વારા ચોરી કરાવી લે છે.
ચીનના આ બધા પ્રયાસો છતાં ઘર આંગણે સેમિકન્ડકટર્સની આખી સપ્લાય ચેઇન ઊભી કરવાનું ચીન માટે અશક્ય છે. સેમિકન્ડકટર્સ સપ્લાય ચેઇનના મહત્વના ચેક પોઇન્ટસ પર અમેરિકાનો જબરજસ્ત હોલ્ડ છે.
ચિપ મેકિંગમાં પોતાનો પગદંડો મજબૂત કરવાની સ્પર્ધા દિવસે દિવસે વધુ કટ્ટર બનતી જવાની છે.
વિશ્વના મોટા દેશો વચ્ચેની આ સ્પર્ધામાં સૌનું ધ્યાન તાઇવાન પર કેન્દ્રિત થયું છે. એક તરફ ચીન તેને હડપવા માટે પ્રપંચ કરી રહ્યું છે, તો બીજી બાજુ તાઇવાનને ચીનથી બચાવવા અમેરિકાએ ઝંપલાવ્યું છે. આમ તાઇવાન મામલે ચીન-અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ મૂળમાં તો તાઇવાનની ચિપ્સ મેકિંગ અગ્રેસર કંપની TSMC પર પોતાનો કન્ટ્રોલ રહે તે માટેની કાતિલ સ્પર્ધા છે.
અમેરિકાએ અદ્યતન ચિપ્સનો લશ્કરી હેતુ માટે ઉપયોગ શરૂ કરતા હવે 'ચિપ વોર' ક્રિટિકલ તબક્કે પહોંચી છે. દુશ્મન દેશના ચોક્કસ ટાર્ગેટ પર મિસાઈલ છોડવા માટે અથવા તો વિરોધી દેશના મહત્વના સ્થળોનો ધ્વંસ કરવા માટે સંપૂર્ણ ચોક્સાઈ સાથે બોમ્બમારો કરવામાં પણ એડવાન્સ્ડ ચિપ્સ અત્યંત ઉપયોગી થઈ પડે છે.
ટૂંકમાં રોજ-બરોજના ઈલેક્ટ્રોનિક્સ સાધનોમાં અને યુદ્ધના શસ્ત્ર સરંજામમાં ચિપ્સ અનિવાર્ય થઈ પડી હોવાથી સ્વાભાવિક રીતે જ ચિપ્સ ટેકનોલોજીમાં આગળ રહેવા અમેરિકા-ચીન મરણિયા પ્રયાસ કરે છે.
(સંપૂર્ણ)