અધ્યાત્મને આધારે ટોળી : દળી દળીને ઢાંકણીમાં !
- ડાહ્યો, જાગૃત માણસ આવી પરિસ્થિતિમાં પોતાનાં જ હૈયાંમાં નજર કરે છે
- અન્તર્યાત્રા : ડો. સર્વેશ પ્ર. વોરા
અધ્યાત્મ કોઇ ભારેખમ, અઘરો શબ્દ નથી, અધ્યાત્મનો સીધો સાદો અર્થ, જાતની અંદર ઊતરી, આપણી અંદર રહેલી કોઇક મહાન શક્તિ સાથે દોસ્તી કરવી.
માણસનાં દુઃખનું મૂળ એ છે કે એ સુખ પ્રાપ્ત કરવા મૃગજળ જેવા આધાર શોધવા અને જાળવવા પાછળ લગભગ આખું આયખું ખર્ચી નાખે છે. જે ''આધાર'' - પછી એ પૈસાનો હોય, પિયુનો હોય કે પતિ-પત્ની-પુત્ર- વગેરેનો હોય, એ અત્યન્ત અનિશ્ચિત હોય છે. આપણી બુદ્ધિ, આંખ, ઈન્દ્રિયો પણ છેતરામણાં નિવડે છે.
ડાહ્યો, જાગૃત માણસ આવી પરિસ્થિતિમાં પોતાનાં જ હૈયાંમાં નજર કરે છે. કોઇક પુણ્યવંતી ક્ષણે એને એવો અજબ સધિયારો હૈયાંમાં સાંપડે છે કે પછી એને સુખ માટે અન્ય આધાર મેળવવા ઝાવાં મારવાં પડતાં નથી.
પછી ટોળાંની હૂંફ, ટોળાંની સલામતી શોધવાની તો જરૂર જ ક્યાં રહે ?
હા, તમને વેદાન્ત, ગીતા, અપરોક્ષાનુભૂતિ જેવા અધ્યાત્મનું આલેખન કરતા ગ્રન્થોમાં ડૂબકી મારવાનું ગમે, ને તમને સમાન રસ, સમાન શ્રદ્ધા ધરાવનારા મિત્રો મળે, તમે સમાન રસને કારણે પરસ્પર ખેંચાવ ત્યાં સુધી બધું ઠીક છે. એ એક માનવ-સહજ ઘટના છે.
પણ જ્યારે આ ''ગૂ્રપ'' અથવા ''ટોળી'', ટોળીનાં વણલખ્યાં સ્થાપિત હતો, આવી અન્ય ટોળીઓની ઈર્ષ્યા જેવું શરૂ થાય તો ડાહ્યા માણસે એ ''નરક''થી હરગીઝ દૂર ચાલ્યા જવું જોઇએ.
ટોળી અને આસક્તિ-રંગી, અધ્યાત્મ-વેશધારી ટોળીઓમાં સંખ્યા મોટી હોય તો પણ ભૂલેચૂકે છેતરાતા નહીં, કારણ કે એક તો, મોટી સંખ્યા હોય એ જ અધ્યાત્મની હાડોહાડ વિરોધી બાબત છે. આદિ શંકરાચાર્ય કે વિદ્યારણ્યસ્વામી કે એવા કોઇ મહાન અન્તર્યાત્રી વિષે વ્યાખ્યાન હોય અને સભાગૃહ ભરચક થાય, ''હાઉસફુલ'' જાય તો ડાહ્યો માણસ ચોક્કસ સાવચેત થઇ જાય કે જરૂર ''માલમાં ભેળસેળ'' હશે. તમારે ખાતરી કરવી હોય તો કોઇ એકાદ ''પોપ્યુલર'' બહોળા શ્રોતા ધરાવતા મહારાજ કે સ્વામીનાં ગંભીર વિષય પરનાં વ્યાખ્યાનમાં હાજરી આપજો. સમય મળશે તો વ્યાખ્યાન પહેલાં અને પછી, હાજર રહેલાં ટોળાંના નમૂનાઓનું વિશ્લેષણ કરજો. બે મહત્ત્વના મુદ્દા જોવા મળશે ઃ અમુક તમુક મહારાજ પ્રત્યે આંધળી આસક્તિ, અને ઊંડાણનો અભાવ. એ લોકો આ નવા પ્રકારનાં ''યુનિયન''ની બહોળી સંખ્યાના નશામાં મહાલતા હશે.
''બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે'' જેવા વિષયની ચર્ચા કરતા મહારાજે કે ગીતા અથવા એવા અન્ય ઊંડાણ-સંબંધિત વિષયની ચર્ચા કરતા સ્વામીઓની આજુબાજુ વ્યવસ્થિત રીતે ગોઠવાતી આખી ''માર્કેટિંગ સિસ્ટમ'' જોઇને અરેરાટી ઉપજે કે ઃ અરરર ! આ લોકોએ પ્રતીતિ અને અનુભવના વિષયોનું પણ જથ્થાબંધ વેંચાણ શરૂ કરી દીધું !
માણસને પોતાની યુવાની, પોતાના દેહનો આધાર કે હૂંફની પણ જરૂર ન રહે, માત્ર હૈયાંની અંદરનાં કોઇ દિવ્ય રસાયણને બળે એકલો અટૂલો હોવા છતાં સદા આનંદમાં રહે એ જો અધ્યાત્મનું ધ્યેય હોય, તો આ પ્રચાર, આ ટોળાં, આ ગણતરીઓ, આ ટોળાં પ્રત્યેની રાક્ષસી આસક્તિ ક્યાંથી ઘૂસી આવ્યાં ?
થોડાં વર્ષો પહેલાં ગુરુપૂર્ણિમાના અવસરે છાપાંમાં જાહેરાતો જોવા મળતી ઃ ''ફલાણા મહારાજ ખાસ હિમાલયથી પધાર્યા છે ઃ દર્શન માટે મળો યા લખો.'' વાંચીને હસવું કે રડવું એ દ્વિધા થતી. મન પ્રશ્ન કરતું ઃ દલીલો ગમે તે કરીએ, છેવટે પાછા સ્વર્ગમાંથી નરકમાં ! વેદાન્ત કે અધ્યાત્મના કયા સિદ્ધાન્તો એવા છે જે સામાન્ય માણસ જાણતો નથી, જે સાંભળવા કે ''શીખવા'' એણે સભાગૃહમાં જવું પડે ? અધ્યાત્મની પ્રતીતિ કદી પણ રજીસ્ટર્ડ કરેલાં, નારાંબાજી કરતાં, પ્રતિબદ્ધ ટોળાં, જથ્થાબંધ રીતે કરી શકે ખરાં ?
''ધર્મ''ને સમાજ-વ્યવસ્થા સાથે સંબંધ છે, અને એટલે ''ધર્મ''ને નામે ટોળી રચાય, એ ટોળી ઝનૂની બને એવી શક્યતા ખૂબ જ રહે. એવું બને તો બહુ આઘાત ન લાગવો જોઇએ.
પરંતુ ''અધ્યાત્મ'' તો વ્યક્તિએ એકલવીર માફક હૈયાંમાં ઊતરીને કરવાની અન્તર્યાત્રા છે. આનો અર્થ ''સમાજથી દૂર ભાગવું'' એવો નથી. પણ અધ્યાત્મ-પંથના યાત્રી ''અન્ય''ના ઓછામાં ઓછા આધારની ઝંખના કરે તો એનું વેદાન્ત સાર્થક. જો વેદાન્ત કે અધ્યાત્મનાં બેનર હેઠળ પછી અમુક તમુક વ્યક્તિ પ્રત્યેની કે ''ગ્રુપ'' પ્રત્યેની ઝનૂની વફાદારી ઘૂસે તો સમજવું કે બધું જ દળી દળીને ઢાંકણીમાં ગયું !