Get The App

ભવિષ્યની ટેકનોલોજી માનવજીવન વધારે સરળ બનાવશે

Updated: Feb 7th, 2023

GS TEAM


Google News
Google News
ભવિષ્યની ટેકનોલોજી માનવજીવન વધારે સરળ બનાવશે 1 - image


કલ્પના નહીં કરી હોય એવા ક્ષેત્રમાં વર્ચ્યુઅલ રિયાલિટી પહોંચી જશે

તમે ગુજરાતના કોઈ ખૂણામાં બેસીને આધુનિક ટેકનોલોજીથી સજ્જ વીઆર સિસ્ટમમાં કનેક્ટ થઈને વિચારો કે કેલિફોર્નિયાના કોઈ કાફેમાં પહોંચી જવું છે તો તમે એનો અનુભવ કરી શકશો

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે એવું સૌ કહે છે, સૌ માને છે. પણ કેટલી ઝડપથી બદલાશે એ વિશે ચોક્કસ અટકળ શક્ય નથી. હજુ એક દશકા પહેલાં ૪જી ઈન્ટરનેટ જેવો કોઈ શબ્દ આપણી બોલચાલમાં ન હતો. આજે ૫જી સ્માર્ટફોન લઈને માર્કેટમાં ડઝનેક કંપનીઓ આવી ચૂકી છે. ટેકનોલોજીની દુનિયા આપણી ધારણાંથી વધુ ઝડપે બદલાઈ રહી છે. આપણી કલ્પના કરતા વધારે અપડેટ થઈ રહી છે. આગામી દશકો નવા નવા અપડેટ્સ લઈને આવશે અને માનવજીવન વધારે સરળ બનશે. ૫જી ઈન્ટરનેટ તો જાણે કે હાથવગું છે. થોડા મહિનાઓમાં આપણાં સ્માર્ટફોન ૫જીની સ્પીડે ભાગતા હશે, પરંતુ એ સિવાય પણ અકલ્પનીય ટેકનોલોજી આપણી સ્ક્રીન પર ટકોરા મારશે.

એમાં સૌથી ચર્ચાસ્પદ ટેકનોલોજી છે - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. એની મશીન લર્નિંગ સહિતની કેટલીય શાખાઓ વિકસી રહી છે. વાહન સંચાલન, ફેસ રિગ્નાઈઝેશન ટેકનોલોજી એટલે કે ચહેરાના શેપ-ચિહ્નો વગેરેના આધારે માણસની ઓળખ, અવાજની ઓળખ, કોપીરાઈટના સંદર્ભમાં વીડિયો-ફોટોની ઓળખ, નેવિગેશન, એલેક્સાની જેમ પર્સનલ આસિસ્ટન્ટ, ચેટબોટ સહિતના અનેકાનેક ક્ષેત્રોમાં તેનો ઝડપભેર ઉપયોગ થઈ રહ્યો છે. આપણે ગૂગલ-યુટયૂબમાં જે સર્ચ કરીએ છીએ તેના આધારે સજેશન્સ બતાવવા કે જાહેરાત દેખાડવી તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ઉદાહરણ થયું. આપણને શું ગમે છે તેના આધારે આપણને ગમતી સામગ્રી સુધી દોરી જતી ટેકનોલોજી એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આમ તો કેટલાય વર્ષોથી આપણી આસપાસ આ ટેકનોલોજી જુદા-જુદા સ્વરૂપે હાજર છે જ, પરંતુ હવે એમાં આમૂલ પરિવર્તનો આવ્યા હોવાથી એ ટેકનોલોજી વધારે અસરકાર બની છે. મશીન લર્નિંગ જેવી તેની નવી શાખા દુનિયાને ચોંકાવી રહી છે. ઓનલાઈન દેખાતી રીઅલ ટાઈમ જાહેરાતો, પળવારમાં ડેટાનું એનાલિસિસ વગેરે મશીન લર્નિંગના કારણે શક્ય બન્યું છે. ધારો કે તમારા લેપટોપમાં કોઈ પ્રોગ્રામ નથી, પરંતુ એ લેપટોપ મશીન લર્નિંગ ટેકનોલોજીથી સજ્જ છે, તો તમારા સવાલનો જવાબ શોધવાનું કામ લેપટોપ જાતે કરશે. એક રીતે માણસની જેમ વિચારવાની પદ્ધતિ. જેમ કે, ચેટબોટને કોઈ સવાલ પૂછો અને એ એના પ્રોગ્રામમાં સેટ નથી, તો ઓપન સોર્સમાં પહોંચીને એ ડેટા એકઠો કરશે અને તમને જવાબ આપશે. એ બધું ચંદ સેકન્ડમાં થશે.

એવી જ મહાત્વાકાંક્ષી અને જીવન જીવવાની પદ્ધતિ બદલી નાખતી ટેકનોલોજીનું નામ છે - વર્ચ્યુઅલ રિયાલિટી. વીઆરના ટૂંકા નામે ઓળખાતી આ ટેકનોલોજી જનરેશન નેક્સ્ટ થિંગ છે. કોઈ એક સ્થળે બેઠાં હોવા છતાં આભાસી દુનિયાની મદદથી કોઈ બીજા જ સ્થળનો કે વાતાવરણનો અનુભવ કરવો તે વર્ચ્યુઅલ રિયાલિટી. ફેસબુક-વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા કંપનીનું તો આખું ફોકસ જ હવે વર્ચ્યુઅલ રિયાલિટી તરફ છે. અત્યારે ગેમિંગના ક્ષેત્રમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ આગામી સમયમાં આપણે કલ્પના નહીં કરી હોય એવા ક્ષેત્રમાં વર્ચ્યુઅલ રિયાલિટી પહોંચી જશે. તમે ગુજરાતના કોઈ ખૂણામાં બેસીને આધુનિક ટેકનોલોજીથી સજ્જ વીઆર સિસ્ટમમાં કનેક્ટ થઈને વિચારો કે કેલિફોર્નિયાના કોઈ કાફેમાં પહોંચી જવું છે તો તમે એનો અનુભવ કરી શકશો.

આ ઉપરાંત આપણા રોજિંદા વપરાશમાં આવતી સામાન્ય ટેકનોલોજી પણ તીવ્ર ગતિએ બદલાઈ રહી છે. યુરોપમાં આગામી બે-એક વર્ષમાં તમામ ડિવાઈસ માટે કોમન ચાર્જરની વ્યવસ્થા થઈ જશે. યુરોપિયન સંઘે કંપનીઓને નોટિસ આપી દીધી છે. એ પાછળનો હેતુ એવો છે કે અલગ અલગ ઉપકરણો માટે જુદા જુદા ચાર્જર હોવાથી ઈલેક્ટ્રોનિક્સ કચરો (ઈ-વેસ્ટ) વધી રહ્યો છે. આમેય ઈ-વેસ્ટ દુનિયા સામે સર્જાયેલી નવી સમસ્યા છે. સ્માર્ટફોન માટે જુદું ચાર્જર, લેપટોપ માટે અલગ, હેડફોન માટે વળી એનાથી ભિન્ન. આવી સ્થિતિના કારણે ગ્રાહકોને તો મુશ્કેલી થાય જ છે, પરંતુ ઈ-વેસ્ટનો જથ્થો પણ વધી જાય છે. યુરોપમાં બધા જ ડિવાઈસ માટે એક ચાર્જરની ભલામણ થઈ છે, એ જ તર્જ ઉપર દુનિયાભરમાં કોમન ચાર્જરનો ટ્રેન્ડ આવી રહ્યો છે. થોડાંક વર્ષોમાં તમારી પાસે એક જ ટાઈપ-સી પ્રકારનું ચાર્જર હશે તો પણ લેપટોપ, મોબાઈલ, હેડફોન ચાર્જ થઈ જશે.

એવી જ જરૂરી ટેકનોલોજી વિકસી રહી છે ટ્રાફિક મેનેજમેન્ટના ક્ષેત્રમાં. અત્યારે દુનિયાભરમાં રેડ-ગ્રીન સિગ્નલમાં ઓટોટાઈમર સેટ કરવામાં આવે છે, પરંતુ હવે ઘણાં નાના શહેરોમાં સ્માર્ટ સિગ્નલના પ્રયોગો શરૂ થયા છે. એમાં એરિયા પ્રમાણે ટ્રાફિકનો ડેટા એકઠો કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમથી થોડીક સેકન્ડમાં સિગ્નલનો સમયગાળો બદલાતો રહે છે. જે બાજુથી વધારે વાહનો આવવા માંડે એ તરફના સિગ્નલનો સમયગાળો વધી જાય અને જે તરફથી ઓછા વાહનો આવતા હોય એ તરફના સિગ્નલનો સમયગાળો ઘટી જાય. એવી જ મહત્વની રોડ માર્કિંગની સ્માર્ટ ટેકનોલોજી પણ આવી ચૂકી છે. નેધરલેન્ડમાં ચાલતા સ્માર્ટહાઈવે નામના એક પ્રોજેક્ટમાં સંશોધકોએ સ્માર્ટ  રોડલાઈન વિકસાવી છે. જ્યાં ડીવાઈડર નથી હોતું ત્યાં સફેદ-પીળાં ચળકતા પટ્ટા પાડીને માર્ગના બે ભાગ પાડવામાં આવે છે એ જૂની પદ્ધતિ છે, પરંતુ હવે એમાં સંશોધકોએ સ્માર્ટ ટેકનોલોજી પ્રયોજીે છે. નવી રોડ માર્કિંગ પદ્ધતિમાં વાહનનું પૈડું જેવું વચ્ચેની કે સાઈડની લાઈન ક્રોસ કરશે કે તુરંત સિગ્નલ આપશે. કારની સ્ક્રીનમાં સીટબેલ્ટનો એલાર્મ આવે છે એ જ રીતે લાઈન ક્રોસનો એલાર્મ બતાવશે. સંશોધકોને આશા છે કે લાઈન ક્રોસ કરીને રસ્તાની નીચે ઉતરી જવાના બનાવો આ સ્માર્ટ માર્કિંગથી અટકી જશે. 

સેટેલાઈટ ઈન્ટરનેટ 'જનરેશન નેકસ્ટ' થિંગ છે. અત્યારે ઠેર-ઠેર ટાવર્સ નાખીને મોબાઈલ સુધી ઈન્ટરનેટ પહોંચાડવામાં આવે છે. અથવા તો વાયરનું જોડાણ કરીને ઈન્ટરનેટનો એક્સેસ મળે છે. સેટેલાઈટ ઈન્ટરનેટ આ બંને કરતાં ઘણી અલગ પદ્ધતિ છે. પૃથ્વીથી બહુ દૂર નહીં એવી ૫૦૦-૬૦૦ કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં ઈન્ટરનેટ માટેના સેટેલાઈટ સેટ થયાં છે. આ ઉપગ્રહો યુઝર્સના મોબાઈલમાં ટાવરની મદદ વગર સીધું ઉપગ્રહનું સિગ્નલ પકડે છે. યુઝર્સને નજીકના મોબાઈલ ટાવર્સ પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. એક નાનકડા ડિશ એન્ટેનાની મદદથી મોબાઈલ કે લેપટોપમાં ઈન્ટરનેટ કનેક્ટ થઈ જશે. દુર્ગમ રણવિસ્તારથી લઈને ઊંચા પર્વતો સુધી બધે જ યુઝર્સને એકસરખી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળતી થઈ જશે. મેદાની પ્રદેશમાં ઈન્ટરનેટની સ્પીડ હોય એટલી રણ, જંગલ કે પર્વતોમાં હોતી નથી. કારણ કે ત્યાં ટાવર્સની કનેક્ટિવિટી પહોંચતી નથી, પરંતુ સેટેલાઈટને એવો કોઈ અવરોધ નડશે નહીં. ગિરનારની ટોચે જેટલી સ્પીડ આવતી હશે એટલી જ સ્પીડ સાસણના જંગલમાં, ધોળાવીરામાં કે પાવાગઢમાં પણ આવશે. આકાશમાં નિયત સ્થળે સેટ થયેલા એકથી વધુ સેટેલાઈટ તેમના કસ્ટમર્સને એક નહીં તો બીજા સેટેલાઈટમાં કનેક્ટ કરાવીને ડેટાની સર્વિસ  ચાલતી રહે તેનું ધ્યાન રાખશે.


Tags :