- વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
- ફક્ત મેળવવાની આશામાં સંબંધને શેરડીનાં સાંઠાની જેમ લાગણીનાં સંચાઓમાં રાખી એમાંથી નીકળતો રસ જ પીવાની ઇચ્છા રાખીએ તો છેવટે સંબંધ સંચામાંથી કાઢેલા શેરડીના સાંઠા જેવો કુચ્ચો થઈ જશે
આપણો સમાજ હજી પિતૃસત્તા ધરાવતો સમાજ કહેવાય છે. આજ સુધી એવું બનતું આવ્યું છે કે પિતાએ કુટુંબની સઘળી આર્થિક અને સામાજિક જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી લીધી હોય છે અને માતાએ બાળઉછેર અને ગૃહસંભાળની જવાબદારી નિભાવવાનું પોતાનું કર્તવ્ય ઉપાડી લીધું હોય છે.
પતિ-પત્ની બંને જણા જ્યારે લગ્નગ્રંથીથી જોડાય છે ત્યારે એક આદર્શ કુટુંબ બનાવવાના સ્વપ્નાઓ સેવતા હોય છે. મોટેભાગે પુરુષ ઘરની બહાર આર્થિક સ્થિરતામાં સમય વિતાવે છે જ્યારે સ્ત્રી ઘરની સંભાળ અને સંતાનોના ઉછેરના કાર્યમાં લાગી જાય છે. જોકે આ વ્યવસ્થામાં બદલાવ આવતો હોય છે અને સ્ત્રી પણ ઘરની બહાર નોકરી વ્યવસાયમાં યોગદાન આપે છે એટલે આ યુગ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે જેના વ્યવસાયમાં કુટુંબમાં ક્યારેક અણધારી કટોકટી
સર્જાય છે.
પિતૃ સત્તાવાળા કુટુંબમાં પુરુષનો લગ્ન પછીનો ત્રીસી, ચાલીસી કે પચાસ પછીનો તમામ સમય ઘર બહાર આર્થિક સંઘર્ષ અને સ્થિરતામાં પસાર થાય છે. કેટલીકવાર આ સંઘર્ષ ૬૦ના દાયકામાં પણ ચાલુ રહે છે. એટલે પુરુષની ઘરમાં હાજરી ઓછી હોય છે. જોકે વ્યવહારુ અને કોઠાસૂઝ ધરાવતી પત્ની, પતિને સંતાનો અને કુટુંબ સાથે જોડી રાખવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.
રાજેશભાઈની કહાની પણ કંઈક આ પ્રકારની છે. કાલુપુરની એક નાનકડી હાટડીમાં સગાવ્હાલાઓ પાસેથી પૈસા ઉધાર લઈ ધંધો શરૂ કર્યા પછી લગ્ન સાથે સમગ્ર કુટુંબના નિભાવની જવાબદારી તેમના પર આવી પડે છે. એ સાથે જ નવો રાજેશભાઈનો દિવસ-રાત રૂપિયા કમાવવાનો અવતાર લગ્ન પછી શરૂ થાય છે. જોકે આમાંના કોઈ રૂપિયા એમને પોતાની મોજ મસ્તી માટે ક્યારેય વાપર્યા નથી પણ તેમનું ધ્યેય કુટુંબને તમામ સુખ સગવડ આપવાનું હતું.
નાનકડી હાટડી અને એક રૂમનાં ઘરમાંથી બે રૂમનાં ફલેટ અને ત્યાર પછી રીલીફ રોડ પર શોરૂમ અને સોસાયટીમાં ટેનામેન્ટ સુધીની સફરમાં બે દાયકા કાળી મજૂરીમાં રાજેશભાઈ વિતાવે છે. પરંતુ પત્ની અને બાળકોને તમામ સુખ-સગવડનાં સાધનો પુરા પાડે છે. પોતાને ભલે ગમે તેટલા કલાકો કામ કરવું પડે પરંતુ કુટુંબના સભ્યોને દેશ-વિદેશમાં મ્હાલવા અને સુખ સગવડના તમામ સાધનો મળે એમાં કોઈ કચાશ રહેવા દેતા નથી.
જીવનની સફળ આગળ વધે છે અને રીલીફ રોડથી આશ્રમ રોડ અને આશ્રમ રોડથી સી.જી.રોડ અને સી.જી.રોડથી એસ.જી.રોડ પર રાજેશભાઈ નવા નવા શોરૂમ ખોલતા જાય છે. ધંધો વધતો જાય છે. સમાજમાં પણ એમની પ્રતિષ્ઠા વધે છે અને જ્ઞાાતિ, જાતિ, સમાજ અને શહેરમાં તેમનું આગવું સ્થાન અને માનપાન પણ મળે છે. કુટુંબને સુખ અને સગવડ આપવામાં પાછું ન જોનાર રાજેશભાઈને જ્યારે પણ એવું લાગે છે કે ઘરમાં સભ્યો વધતા જાય છે અને એક રૂમ ઓછો પડતો હોય એવું લાગવા માંડે છે ત્યારે ટેનામેન્ટમાંથી બંગલા અને બંગલામાંથી મોટા બંગલા તરફ તેઓ આગે કુચ કરતા જાય છે. આ માટે કામ કામ અને કામ કરતા રહે છે. કોઈ પણ પ્રકારના કંટાળા કે કકળાટ, જરાય પણ થાક્યા વગર નિત નવા આનંદ અને ઉત્સાહ સાથે કામ કરતા રહે છે. ધ્યેય છે કુટુંબને શ્રેષ્ઠતમ સુખ સગવડો આપવાનું. આ બધો સમય કુટુંબના સભ્યોને ભૌતિક સુખ અને સગવડ માણવાનું ગમે છે.
બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે ઊંચી ફી ખર્ચી અને વિદેશમાં સારામાં સારી યુનિવર્સિટીમાં રાજેશભાઈ ભણાવે છે અને વાજતે-ગાજતે ધૂમધામ પૈસો ખર્ચી પરણાવે પણ છે. જીવનની આ સફરમાં સાડા ત્રણ દાયકા ક્યાં નીકળી જાય છે એની ખબર સુદ્ધાં રહેતી નથી. આટલી વ્યસ્તતા છતાં બાળકો શાળામાં હોય ત્યારે એમને અંગત ધ્યાન રાખી ભણાવવાનું. વિદેશની ઊંચામાં ઊંચી યુનિવર્સિટીની શોધ કરવાનું અને ત્યાં તેમને એડમિશન અપાવવામાં પણ પૈસા ખર્ચવામાં પાછું વાળીને તેઓ જોતા નથી. તેટલું જ નહીં સંતાનોને લગ્ન પછી પણ રહેઠાણ અને ધંધામાં સ્થિર કરવા માટે મોંઘા મોલમાં શોરૂમ પણ ખરીદી આપે છે અને આમ જિંદગીના ચાર દાયકા નીકળી જાય છે.
રક્ષાબહેન પણ બાળકોનાં ઘડતર, ઉછેરમાં પુરેપુરું ધ્યાન આપે છે. કુટુંબની સઘળી જવાબદારી નિભાવે છે પણ તમામ પરિવારોમાં બનતું હોય છે તેમ બાળકોને કાબુમાં રાખવા 'જો પપ્પાને કહી દઈશ.' એ હાઉ બતાડવામાં પાછું વાળીને જોતાં નથી. આમ તો દરેક કુટુંબમાં એક વડીલનો કાબુ હોય એ ઇચ્છનીય છે પરંતુ વડીલનાં એ વડીલત્વનો ઉપયોગ માત્ર ડર અને ભય ઉભો કરવામાં થાય ત્યારે કેટલીકવાર કુટુંબોમાં વિસંવાદિતતા સર્જાય છે. એ વડીલ વ્યક્તિ સંતાનોથી દૂર થતો જાય છે. (ક્રમશઃ)


