Get The App

અળસીમાંથી સારી માત્રામાં ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ મળે છે

Updated: Sep 29th, 2021

GS TEAM

Google News
Google News
અળસીમાંથી સારી માત્રામાં ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ મળે છે 1 - image


અળસી કે અતશી, જે વાયુના વિકારોને દૂર કરે છે. અળસી સ્વાદમાં મધુર અને કડવા રસના મિશ્રણ યુક્ત, પચ્યા પછી તીખા રસમાં પરિવર્તન પામે છે. તે સ્વભાવમાં ગરમ છે. તે પચવામાં ભારે છે. તે વધેલા વાયુ દોષનું શમન કરે છે પરંતુ કફ અને પિત્તને વધારે છે. તેમાં સારી માત્રામાં ફાઇબર અને ઓમેગા ૩ ફેટી એસિડ જોવા મળે છે. રક્તસ્રાવજન્ય રોગોમાં તેનો સલાહ હેઠળ ઉપયોગ કરવો.

વૈદ્યકીય સલાહ અને માર્ગદર્શન હેઠળ તેનો આ પ્રમાણે ઉપયોગ કરી શકાય.

૧. અળસીનાં બીજને આશરે ૩૦ મિનિટ પાણીમાં પલાળીને તે પાણીને હૂંફાળું ગરમ કરીને પીવાથી શ્વાસના રોગોમાં અને કફમાં રાહત મળે છે.

૨.  અળસી, જીરું અને મેથી તે ત્રણેનાં બીજ સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે સવારે અને સાંજે લેવાથી ધાવણ ન આવતું હોય કે બરાબર ન આવતું હોય તો ફાયદો થાય છે.

૩.  અડધાં કપ અળસીના બીજ તથા ૨ કપ પાણીને મિશ્ર કરી આશરે ૧૦ મિનિટ સુધી ઉકાળવું અને પછી થોડું ગરમ હોય ત્યારે ગાળી લેવું. તે થોડાં અંશે ઘટ્ટ બની શકે. તેને કોપરેલ તેલ સાથે મિશ્ર કરી વાળના મૂળમાં લગાવવાથી વાળ સારા રહે છે.

૪.  ૧-૨ ચમચી અળસીનાં બીજ રોજ લેવાથી અપચામાં આરામ મળે છે. 

૫.  સોજો આવ્યો હોય ત્યારે તેના બીજોને ખાંડીને, પાણીમાં મેળવી ગરમ કરી પોટલીમાં બાંધીને સેક કરવાથી રાહત મળે છે. 

૬.  ત્વચા પર નિખાર લાવવા અને સ્વસ્થ બનાવવા માટે અડધો કપ બીજ અને ૨-૩ કપ પાણીને ગરમ કરી સહેજ ઠંડું થાય ત્યારે ગાળી લેવું. તે વધુ ઠંડું પડતા ઘટ્ટ થશે. તેને ૧૫-૨૦ મિનિટ લગાવી ચહેરો ધોઈ લેવો. તેનાથી ત્વચા સારી રહેશે.

૭.  અળસીનાં બીજનું ચૂર્ણ બનાવી મધ સાથે લેવાથી પાચન તંત્રના રોગોમાં આરામ મળે છે.

૮.  નિયમિત રીતે સંતુલિત ખોરાકની સાથે અળસીનાં બીજ લેવાથી મેદ ઘટે છે અને વજન ઘટાડવામાં સહાયતા મળે છે.

૯.  સંધિવામાં અળસીના બીજને મોળી છાસ સાથે મેળવી તેની પેસ્ટ બનાવીને લગાવવાથી દુખાવો ઘટી શકે છે.

૧૦. અળસીના તેલનો ઉપયોગ વિવિધ સ્નાયુ અને સાંધાનાં દુખાવામાં બહાર લગાવવા માટે કરી શકાય છે.

૧૧. ખૂબ અપચો રહેતો હોય તો અળસીના તેલને રાત્રે સૂતી વખતે ૫ મિલી લેવાથી આરામ મળે છે.

૧૨.  કોલેસ્ટેરોલ વધી ગયું હોય ત્યારે નિયમિત રીતે અળસીના બીજ અથવા તેલ લેવાથી સહાયતા મળે છે.

૧૩.  ખીલ, બ્લેક હેડ અને વ્હાઇટ હેડ્સમાં અળસીના બીજનો પાવડર, ચણાનો લોટ, હળદરનો લોટને દહીં સાથે મિશ્ર કરીને લગાવવું અને આશરે ૧૫-૨૦ મિનિટ પછી પાણીથી ધોઈ નાખવું. તેનાથી તેમાં રાહત મળે છે તથા ખીલના ડાઘ ઝાંખા થાય છે.

૧૪. પેશાબમાં બળતરા રહેતી હોય તો આશરે એક મુઠ્ઠી અળસીનાં બીજને રાત્રે પાણીમાં પલાળી ને સવારે બરાબર રીતે તેને મસળીને ગલી લેવું. તે પાણી લેવાથી બળતરામાં સહાયતા મળે છે.

૧૫.  પ્રોસ્ટેટ કે પૌરુષગ્રંથિ વધતી હોય ત્યારે પણ તેનું નિયમિત સેવન ફાયદાકારક છે.

- મિલિન્દ તપોધન

Tags :