ફેશનિસ્ટા સોનમ કપૂરનો કલ્ચરલ ફંડા .
- 'દુનિયાના આઇકોનિક ફેશન હાઉસીસ પણ માને છે કે ઇન્ડિયા હવે માત્ર એક પ્રેરણાસ્રોત નથી રહ્યો, પણ તે મોડર્ન ફેશન વર્લ્ડમાં પોતાનો પ્રભાવ પાડનારો ફોર્સ બની ચુક્યો છે'
થોડા દિવસો પહેલાં ન્યુ યોર્કમાં પેલી મેટ ગાલા નામની બહુચર્ચિત ફેશન ઇવેન્ટ યોજાઈ. પછી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થતી ફેશન પરેડ હંમેશ મુજબ ન્યુઝમાં ચમકી. ફેશનની હવા બની હોય ત્યારે આપણે સોનમ કપૂરને યાદ ન કરીએ તે કેમ ચાલે? સોનમે પપ્પા અનિલ કપૂરને એક્ટિંગમાં બહુ નહિ ચાલીને ચોક્કસ નિરાશ કર્યા હશે. અભિનયમાં એ એકાદ 'નીરજા' જેવી ફિલ્મોને બાદ કરતા ખાસ ચમકારો નથી બતાવી શકી. ચોખ્ખા શબ્દોમાં કહીએ તો સોનમ એક 'મિડીયોકર' એક્ટર છે, પરંતુ એનામાં ગજબની ફેશન સેન્સ છે એટલે જ એ બોલીવૂડની નંબર વન ફેશનિસ્ટા છે. કેટલાંક તો એને ઇન્ડિયન ફેશનની ગ્લોબલ એમ્બેસેડર પણ ગણાવે છે. ૩૯ વરસની સોનમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર કેટવોક કરી ચુકી છે. ત્યાર બાદ એ પેરિસ ફેશન વીકમાં પણ દુનિયાના ખ્યાતનામ ફેશન ડિઝાઈનરો સાથે આગલી હરોળમાં બેઠી હતી.
૨૦૧૮માં શ્રીમંત બિઝનેસમેન આનંદ આહુજાને પરણેલી સોનમને જોઈને લાગે નહિ કે એ ત્રણ વરસના પુત્ર વાયુની મમ્મી છે. થોડા સમય પહેલાં જ એ જાપાનના ઐતિહાસિક નગર ક્યોટોમાં યોજાયેલી ડિઓરની પ્રેસ્ટિજિયસ ફૉલ ફેશન ઈવેન્ટમાં સ્પેશિયલ ઈન્વાઇટી તરીકે હાજરી આપી પાછી ફરી. પોતાનો ફેશન શોનો અનુભવ શેર કરવા મિસીસ કપૂર-આહુજાએ મીડિયા સાથે એક નાનકડું ઇન્ટરએક્શન ગોઠવ્યું.
એ સેશનમાં સોનમ થનગન થનગન થતાં કહે છે, 'મારા માટે શોમાં હાજરી આપવી મેજિકલ એક્સપિરીયન્સ બની રહ્યો. જાપાનમાં અત્યારે ચેરી બ્લોસમની મોસમ પુરબહારમાં ખીલી છે. આની ફુલગુલાબી સિઝનમાં જાપાનના ક્યોટો શહેરના પુરાતની તોજિ ટેમ્પલમાં બેઠા હોઈએ ત્યારે એક સરસ સપનું જોતા હોઈએ એવું લાગે.'
ક્યોટોની ઇન્ટરનેશનલ ફેશન ઈવેન્ટમાં સોનમે પેસ્ટલ પિન્ક કલરનો અને ચેરી બ્લોસમની નાજુક ભાતથી શોભતો આકર્ષક ડ્રેસ પહેર્યો હતો. મારિયા ગેઝિયા જેવી ગ્લોબલ ફેશન ડિઝાઈનરે તૈયાર કરેલો એ આઉટફિટ પહેરી કપૂરે કેટવોક કર્યું ત્યારે એને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. સોનમ કહે છે, 'છેલ્લાં થોડાં વરસોમાં ભારતે ગ્લોબલ ફેશન મેપમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. દુનિયાના મોટા આઇકનિક ફેશન હાઉસીસ પણ માને છે કે ઇન્ડિયા હવે માત્ર એક પ્રેરણાસ્રોત નથી રહ્યો, પણ મોડર્ન ફેશન વર્લ્ડમાં પોતાનો પ્રભાવ પાડનારો ફોર્સ બની ચુક્યો છે એટલે જ હવે એ બધા ભારતના કલ્ચરલ હેરિટેજ અને એની આગવી કાફટમેનશીપને કેન્દ્રમાં રાખી મોટા કોલોબરેશન્સ કરવા આતુર છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને એના કારીગરોની કળાનો દુનિયામાં ડંકો વાગી ગયો છે. હું ભારતીય અને વૈશ્વિક ફેશન વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકું તો મારા માટે એ મોટો ઉપલબ્ધિ બની રહેશે. '
ફેશનને પોતાના જાત અનુભવપરથી અભિવ્યક્તિનું માધ્યમ માનતી થયેલી ફેશનિસ્ટા વધુમાં કહે છે, 'મારા માટે ફેશન મારા વ્યક્તિત્વનું એક પ્રકારનું વિસ્તરણ છે અને એટલે જ મારું ફેશન સ્ટેટમેન્ટ મારી સાથે કદમથી કદમ મિલાવી આગળ વધતું રહ્યું છે. સાચુ કહું તો મને ઇન્ટરનેશનલ સ્ટાઈલ્સ અને ટ્રેન્ડસ અપનાવવા ગમે છે, પરંતુ થોડા વખતમાં એ છોડીને હું ભારતીય ડિઝાઈનો તરફ પાછી વળી જાઉં છું.'
સમાપનમાં પોતાના માતૃત્વનો ઉલ્લેખ કરી સોનમ એક સરસ વાત કરે છે, 'કરીઅરની શરૂઆતના વરસોમાં હું સિનેમાના સ્ક્રીન પર અને સ્ટાઈલમાં મારું સ્થાન શોધતી હતી. પછી એક પ્રકારની મેચ્યોરિટી આવી જતા મારી ફેશન બોલ્ડ અને ઓથેન્ટિક બની. મા બન્યા બાદ મારી ફેશન યાત્રામાં એક નવું સ્તર અને નવો અધ્યાય ઉમેરાયો છે. માતૃત્વે મને ઊંચાઈ આપી છે.'
વાહ.