- અનાવૃત : જય વસાવડા
- પિતાએ પરિણામમાં નાપાસ જાણ્યા પછી બીજી કોઈ કડાકૂટ, રાડારાડ અને બ્લેમગેમને બદલે એટલું કહ્યું ''તો પછી હવે શું કરવું છે ? '' અને માતાએ પ્રેમથી મીઠાઈ ખવડાવી કે હશે, ન ફાવ્યું એટલે સ્વાદ થોડો ફરી જાય ? ભૂખે થોડા મરી જવાય ?
- સૂરજ આડે વાદળું ધોળા દિવસે આવી જાય છે, એથી એનું તેજ થોડુંક ઘટે છે, પણ મટી જતું નથી. વાદળું ટેમ્પરરી છે, સૂર્ય પરમેનન્ટ છે. ધીરે ધીરે ઈરાદો મક્કમ કરી અને કોઈ પણ સ્થિતિમાં કઠોર સાધના કરવાની તૈયારી રાખો તો ક્યારેક ક્યાંકથી તકનો તિખારો કિસ્મત ચમકાવી જ દે છે.

દર્દ શું કામ થાય છે ?
હા, દર્દ-પીડા-પેઈન-વેદના.પેઈનનો દુઃખવાનો, બળવાનો ફાયદો હોય ? એથી શું લાભ થાય ? સામાન્ય રીતે તો આપણે પીડાને અવગણીએ, એ ન આવે એમ જ ઈચ્છીએ. કોને ગમે કે એને દર્દ થાય ? જગતમાં વળી ઈશ્વરે દર્દ બનાવ્યું જ કેમ હશે, એવા ય વિચાર આવે.
પણ દર્દનો એક દેખીતો ફાયદો છે. ફિલોસોફિકલ રમત નથી. પ્યોર લોજીકલ એન્ડ સાયંટિફિક ટ્રુથ. પેઈન ઈઝ મેસેજ ફોર ચેન્જ ! દર્દ થાય, તો ખબર પડે ને કે અહીં કશુંક ખરાબ છે, બગડયું છે, બરાબર નથી. તો એમાં ઉપચાર થાય, સારવાર થાય, સમારકામ થાય. છાતીમાં દુઃખે તો હૃદયરોગની ખબર પડે. પેટમાં દુઃખે તો અપચા કે ગાંઠનો ખ્યાલ આવે. માથામાં દુઃખે તો ટયુમરનો અહેસાસ થાય. પગમાં દુઃખે તો આરામ કરવાનો સંકેત મળે. આંખમાં દુઃખે તો ચશ્માના નવા નંબર કઢાવવાનો ખ્યાલ આવે. ગળામાં દુઃખે તો સોજા આવ્યાની ખબર પડે.
ઉદાહરણો ઘણા આપી શકાય. સાર હજુ એક જ છે. પેઈન ઈઝ મેસેજ ફોર ચેન્જ. દર્દ એક સંદેશો છે કે કશુંક બદલવાની, બહેતર કરવાની જરૂર છે. ક્યાંક કોઈ વાત સુધારો કે સંભાળ માગે છે. જરાક સાવચેતી રાખવાની આવશ્યક્તા છે. માટે દર્દનો સ્વીકાર કરી એને પડકાર તરીકે લેવું પડે. એનો તિરસ્કાર કરવાથી તો તકલીફ વધવાની છે, ઘટવાની નથી.
બસ, એક્ઝામના રિઝલ્ટસ આવે કે આ મોસમમાં આ જ વાત ખાસ યાદ રાખવાની છે. ફાઈટ ધ ફેઈલ્યોર, ફેસ ધ ફેઈલ્યોર. એક વાર નિષ્ફળ ગયા, બે વાર ગયા, ત્રણ વાર ગયા તો ય કાયમી નિષ્ફળતા નથી એ એક બાબતમાં તદ્દન ફેંકાઈ ગયેલી કે પરાજીત વ્યક્તિ, બીજી કોઈ બાબતમાં વિજેતા નીવડી શકે છે. જેને કદી નાચતા જ ન આવડયું, એ સંજય દત્ત મર્દાના ચાર્મ ધરાવતો સ્ટાર બન્યો ! જેને કદી બેટિંગ કરતા ન ફાવી, એ મુથૈયા મુરલીધરન બોલર તરીકે લીજેન્ડ થઈ ગયો. એક કસોટીમાં હાર, એ આખા જીવનની હાર નથી. મહેનત કરીને, ધીરજ રાખીને, ભૂલો સ્વીકારીને નવું શીખીને પાછલા પરાજયો પલટાવી શકાય છે.
તો સફળ થનાર લોકોને સલામ સાથે જે નિષ્ફળ જાય છે, એને ય બરડે શાબ્બાશીનો ધબ્બો. પ્રયાસ કર્યો તો ખબર પડી ને, કે ખામી ક્યાં છે ? તો પછી તરત એ સુધારાનો કોઈ માર્ગ પણ જડશે જ. જો ન જડે તો સમજવું કે આપણી દિશા ખોટી છે. ચાલવાનું બંધ નથી કરવાનું પણ માર્ગ બદલવાનો છે. લક્ષ્ય ફેરવવાનું છે. થોડાક પ્રયાસો બાદ આત્મખોજ કરવાની કે જો આ બાબત નથી જ ફાવતી, તો પછી શું ફાવે છે ? કઈ બાબતમાં ઝળકી શકાય એમ છે ? કઈ વાત શીખી શકાય એમ છે ? અને એમાં ધીરે રહી ઝુકાવી દેવાનું. સેલ્ફી હંમેશા ચહેરાની જ લેવાય છે, પગની નથી લેવાતી.
અર્થાત, જગત શિખર જોવાનું છે, પાયો નહિ. એટલે ભલે ભૂલો થાય, મરવાના વિચાર કરવાના નથી. ભોપાલમાં કોવિડમાં માતા પિતા બંને ગુમાવનાર વનિશા પાઠકે દસમા ધોરણની પરીક્ષા ૯૯.૮ % સાથે પાસ કરી બતાવી ! મા-બાપના અકાળ નિધનને એણે છટકબારીના કારણ તરીકે લેવાને બદલે આગળ વધવાની પ્રેરણા તરીકે લીધું. મહત્વ કેવી રીતે તમે જોઈ ઘટનાને લો છો, એનું જ છે.
આ કેનેડા બેઠાબેઠા લખાય છે, ત્યારે ત્યાં સફળ થયેલ યુવાન ભાર્ગવ પટેલ પોતાના સંઘર્ષની વાત માંડે છે. શરૂઆતમાં સીધી જ સફળતા કોઈને નથી મળતી. દરેકે પોતાનો ગમતો સંઘર્ષ પસંદ કરવો પડે છે. એ પરીક્ષામાં નાપાસ થઈ ઘેર આવ્યો, ત્યારે ખુશાલીમાં માએ શીરો બનાવ્યો હતો કે દીકરો પાસ થશે. પિતાએ પરિણામમાં નાપાસ જાણ્યા પછી બીજી કોઈ કડાકૂટ, રાડારાડ અને બ્લેમગેમને બદલે એટલું કહ્યું ''તો પછી હવે શું કરવું છે ? '' અને માતાએ પ્રેમથી મીઠાઈ ખવડાવી કે હશે, ન ફાવ્યું એટલે સ્વાદ થોડો ફરી જાય ? ભૂખે થોડા મરી જવાય ? અને પાછળ જોવાને બદલે એ વિદ્યાર્થીએ આગળ જોવાનું શરૂ કર્યું. થઈ ગયું એ થઈ ગયું. 'હવે શું કરવાનું છે ?' ધેટ્સ ધ માર્કેટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચયન અને આજે એ અમદાવાદથી એડમન્ટન આવીને સફળ બિઝનેસમેન, ટેકનોક્રેટ અને પ્રવૃતિમાં ય અગ્રેસર બની ગયો !
એમ જ એક યુવાનને વર્ષો પહેલા ક્રિકેટર થવું હતું. પણ ત્યાં જે ગરબડો ચાલતી હતી, એમાં મન ઊઠી ગયું કે ખોટાઓની વચ્ચે સાચાની કદર નહિ થાય. એમાં લડત આપતા અમેરિકા જવા મળ્યું, પણ જેમના ભરોસે જવાનું હતું એ કોઈ તેડવા જ ન આવ્યા. બીજાઓને તેડવા આવેલા એક ભાઈએ ફોન નંબરની ડાયરી હાથમાં ફેરવી ઉભેલા યુવાનને જોઈ, માનવતાના નાતે સાથે લિફ્ટ આપી. એમ કરતા ન્યુયોર્કની બદનામ અંધારી ગલીઓમાં મોટેલમા કામ મળ્યું. ગન કલ્ચર અને માફિયાગીરીનો એ દૌર હતો. લૂંટફાટમાં જીવ જતા રહી ગયો, પણ કામ કરવાની નિષ્ઠા અને જવાબદારી નિભાવવાની ફરજના સંસ્કાર એ યુવકના લોહીમાં હતા. અડગ રહીને એણે શ્રેષ્ઠ રીતે પરિશ્રમ કર્યો અને ધીમે ધીમે પોતાની જગ્યા બતાવી, ખુદની જાત સાબિત કરતો ધંધો વિકસાવ્યો. એ હદે કે અમેરિકામાં મોટી બ્રાન્ડેડ હોટલો ધરાવે છે, અને વિશ્વભરમાં ગુજરાતીઓ માટેનો સૌથી મોટો જબ્બર જલસો ગોઠવવાનો ટ્રેન્ડ શરૂ કરી અનેક સેલિબ્રિટીઓનું સરનામું બની જાય છે - જેની અટક જેવા જ ગુણ છે એવા સુનિલ નાયકા.
બધી જ મંઝિલો સીધી લીટીની જ હોય એવું નથી. ઘણી સફર સાપસીડીની રમત જેવા ઉતાર ચડાવથી ભરપુર હોય છે. તરત જ કોઈ ડ્રીમ કરિઅર બનતી નથી. એને ચેઝ કરવી પડે છે, જેમાં ઘણા ફેઝ આવે છે. સૂરજ આડે વાદળું ધોળા દિવસે આવી જાય છે, એથી એનું તેજ થોડુંક ઘટે છે, પણ મટી જતું નથી. વાદળું ટેમ્પરરી છે, સૂર્ય પરમેનન્ટ છે. ધીરે ધીરે ઈરાદો મક્કમ કરી અને કોઈ પણ સ્થિતિમાં કઠોર સાધના કરવાની તૈયારી રાખો તો ક્યારેક ક્યાંકથી તકનો તિખારો કિસ્મત ચમકાવી જ દે છે.
સો, ડોન્ટ લૂઝ હાર્ટ. બહુ ગમગીન થઈ જવા જેવું લાગે તો એ વેદના ય સહન કરો. મનમાં ભાર લાગે, અંધારૂ ઘોર આસપાસ ચોમેર લાગે, જે ધાર્યું એ ન થવાનો દારૂણ અફસોસ કોરી ખાય, રિજકેશનનો સંતાપ થાય, આપણી ભૂલોના ભૂતાવળ સતાવે, છાતીમાં ચીસો છાપરા બાંધે અને ખોપરીમાં ગમતું છુટી ગયાના ખાલીપાના સણકા ઉઠે, ત્યારે બધું જ દર્દ સહન કરી લેવાનું. છૂટકો જ નથી. મરવાના વિચાર નહિ કરવાના, ભાગવાના વિચાર નહિ કરવાના. યાદ કરવાનું કે આ દર્દ આપણને બદલવાનો સંકેત આપે છે. ચેતવણી આપે છે નવું કરવા માટે, નવી સફર ખેડવા માટે. માટે પસાર થવાનું એમાંથી. ને મંથનમાંથી જાત ઘડાવા દેવાની. વલોણું ફરે ત્યારે છાશે બહુ પીલાવું પડે, પણ માખણ એમ જ નીતરીને બહાર આવતું હોય છે !
જીવનની કોઈ પણ કસોટી હોય, ક્યારેક તો બ્રેકિંગ પોઈન્ટ આવવાનો છે. થાક લાગવાનો જ છે. કંટાળો કે પરાજય સામે મળવાના જ છે. સતત કોઈનાથી જીતી જ નથી શકાતું. એક બાબત સફળ થાય, તો બીજીમાં ઉંધેકાંધ પછડાટ મળી શકે છે. ક્યારેક એકધારો એ સિલસિલો બની જાય છે. નિષ્ફળતાનો, દુઃખનો, રિજેકશનનો, મિસ્ટેકસનો.
તો શું મરી જવું ? ભાગી જવું ? ના. ટેઈક એ બ્રેક. ડોન્ટ ક્વીટ, ટેઈક રેસ્ટ. બધું આપણા કાબુમાં નથી હોતું, ન હોઈ શકે. તમે હારી જાવ કે થાકી જાવ, ત્યારે તમારે જરૂર છે વિશ્રામની. ઉંડો શ્વાસ લઈ, જરા શાંત થવાનું. આરામ કરવાનો. થોડો સમય જે નબળો લાગે, એ પસાર થવા દેવાનો. તાજામાજા થવાનું. નવેસરથી મજબૂત તૈયારી કરવાની.
બસ, જ્યારે પાસા પોબાર ન પડે, ત્યારે બ્રેક લો. પણ બ્રેક ન થાવ. આરામના વિચાર કરો, આપઘાતના નહિ. ન ફાવે તો એ કામ છોડી દો, પણ જીવનના આનંદ ન છોડો. કશુંક કદાચ તમને પોકારતું, રાહ જોતું ઉભું હશે અને ન હોય તો ય ક્યાં કોઈ ઘડી મૃત્યુ સિવાયની આખરી ઘડી છે ? થાકી જાવ તો થંભી જાવ વ્હાલા વ્હાલીઓ, પણ થીજી ન જાવ !
ઝિંગ થિંગ
''આપણા વાહનમાં બ્રેક શા માટે હોય છે ? વાહન રોકવા અને ઝડપ ઘટાડવા ?''
''ના ! વાહન ઝડપથી ચલાવી શકાય એ માટે સક્ષમ બનાવી હિંમત આપવા !'' (પ્રકાશ જાડાવાલા)


