દિલ્હીમાં ૪૫૦ અને અમદાવાદમાં ૨૫૦ને પાર કરી જતો AQI (Air Quality Index) હવે માત્ર કાગળ પરના આંકડા નથી રહ્યા, પણ તે આવનારી પેઢીના સ્વાસ્થ્ય પર લખાયેલું એક જોખમી 'ડેથ વોરંટ' સાબિત થઈ રહ્યા છે. આજે જ્યારે શુદ્ધ હવા દુર્લભ બની રહી છે અને સામાન્ય નાગરિકના ફેફસાં પ્રદૂષણના સીધા નિશાન પર છે, ત્યારે ઉદ્યોગો માટે ESG (Environmental, Social and Governance) કંપ્લાયન્સ હવે માત્ર પ્રતિષ્ઠાનો વિષય નથી રહ્યો. તે હવે સામાજિક જવાબદારીની સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક અનિવાર્ય શરત બની ગઈ છે.
ભારતમાં પર્યાવરણીય સમસ્યાઓ હવે નીતિગત ચર્ચાઓમાંથી બહાર આવીને સામાન્ય નાગરિકના રોજિંદા જીવન પર અસર કરી રહી છે. અમદાવાદ જેવા વિકસતા ઔદ્યોગિક શહેરોમાં જ્યારે હવાની ગુણવત્તા સતત કથળે છે, ત્યારે દમ, ફેફસાંના રોગો અને શ્વસન સંબંધી ગંભીર બીમારીઓનો વ્યાપ અનેકગણો વધી જાય છે. તેની સરખામણીએ ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં આ આંકડો સામાન્ય રીતે ૫૦થી નીચે રહે છે. આ મોટો તફાવત જ સ્પષ્ટ કરે છે કે જો અત્યારે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આર્થિક વિકાસનો કોઈ અર્થ રહેશે નહીં.આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને SEBI હવે અત્યંત સખત વલણ અપનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતની ટોચની ૧,૦૦૦ લિસ્ટેડ કંપનીઓ માટે BRSR (Business Responsibility and Sustainability Reporting) હેઠળ રિપોર્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે હવે કંપનીઓએ માત્ર વાર્ષિક નફા-નુકસાનનો હિસાબ જ નહીં, પરંતુ પર્યાવરણ પર થતી તેમની અસરો, ઉત્સર્જનના આંકડા અને સામાજિક નૈતિકતાનો રિપોર્ટ પણ જાહેર જનતા અને સરકાર સમક્ષ રજૂ કરવો પડશે.
આ કાયદાકીય અને નૈતિક બદલાવ Company Secretaries (CS) અને ન્ચુ પ્રોફેશનલ્સ માટે કારકિર્દીનો એક નવો સૂર્યોદય લઈને આવ્યો છે. પરંપરાગત કાનૂની પ્રેક્ટિસથી આગળ વધીને હવે ‘ESG નિષ્ણાતો'ની માંગ કોર્પોરેટ જગતમાં વધી રહી છે. કંપનીઓને હવે એવા વ્યાવસાયિકોની જરૂર છે જેઓ માત્ર કાયદાકીય ગૂંચવણો જ નહીં, પણ ગ્રીન ઓડિટિંગ, સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં પણ માહેર હોય.


