Get The App

શંકા...શંકા.. આ શંકાનો શું ઈલાજ ?

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
શંકા...શંકા.. આ શંકાનો શું ઈલાજ ? 1 - image

- રજનીગંધા - વિભાવરી વર્મા

- 'તારા પપ્પાએ મરતાં પહેલાં એક સૂસાઈડ નોટ લખી હતી. પરંતુ પછી એ ક્યાં ગઈ તે કોઈને ખબર પડી નહીં...'

'નિષ્ઠા તારા પપ્પા એકદમ સિરિયસ છે ! એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે ! તું જલ્દી ઘરે આવી જા !'

મમ્મીનો આ ફોન આવ્યો ત્યારે હું પૂના શહેરમાં મારી કોલેજમાં હતી. ત્યાંથી જે વાહન મળ્યું તે લઇને હું જ્યારે ઘરે પહોંચી ત્યારે તો પપ્પાની અંતિમયાત્રાની તૈયારીઓ થઈ ચૂકી હતી. બસ, મારી જ રાહ જોવાઈ રહી હતી !

'આ બધું અચાનક શી રીતે થઈ ગયું ?' હું ડઘાઈ ગઈ હતી.

મમ્મીએ મને બાથમાં લઈને ધીમે ધીમે સમજાવ્યું કે પ્પાએ આત્મહત્યા કરી લીધી હતી...

'આત્મહત્યા ?' મને આજે પણ નવાઈ લાગે છે. તે વખતે પણ લાગી હતી. મેં પૂછ્યું હતું 'મમ્મી, પપ્પાએ શા માટે આત્મહત્યા કરી ?'

'શંકા...શંકા...શંકા...' મમ્મીએ મને સમજાવી હતી, 'બેટા નિષ્ઠા, શંકા બહુ બૂરી ચીજ હોય છે. તારા પપ્પાને સતત મારી ઉપર શંકા હતી કે-'

    

વાત તો સાચી જ હતી. મમ્મી દેખાવમાં ખૂબ જ રૂપાળી, સ્માર્ટ અને ગોરી ! પહેલી નજરે તો કોઈને લાગે પણ નહીં કે તે વીસ વરસની એમની એક દિકરીની મા હશે. એની સામે મારા પપ્પા સાવ મામુલી દેખાવના. ઝાંખો ચહેરો, ડાર્ક ત્વચા, પાતળું શરીર અને પહેરવેશ પણ સાવ સાદો.

હું તો નાની હતી ત્યારથી જોતી હતી કે મમ્મી અને પપ્પાને વારંવાર ઝગડા થતા હતા. 

'ક્યાં રખડતી હોય છે આખો દહાડો ? તારો ટાંટિયો ઘરમાં કેમ ટકતો નથી ? હજી હું નોકરીએ જવા નીકળ્યો નથી ત્યાં તો તું સજીધજીને, રંગબિરંગી કપડાં પહેરીને ઘરની બહાર નીકળી પડે છે ! કોની સાથે રખડતી હોય છે ?'

જવાબમાં મમ્મી પણ ઊંચા અવાજે ચોપડાવતી. 'શંકા...શંકા...શંકા...બસ, તમને મારા ઉપર કદી વિશ્વાસ જ નહીં પડવાનો ! અરે હું બે સારાં કપડાં પહેરું અને સારી રીતે તૈયાર થઈને ઘરની બહાર નીકળું એટલે શું, લફરાં કરવા જ જતી હોઇશ ?'

જોકે નવાઈ તો મને પણ લાગતી હતી કે મમ્મી આટલા બધાં મોંઘાં કપડાં, સેન્ડલ, પર્સ, વગેરે લાવે છે ક્યાંથી ?

બીજી બાજુ મને બાળપણથી એવા કોઈ શોખ હતા જ નહીં. હું એક રીતે મારા પપ્પા જેવી હતી. ચહેરો પણ થોડો શ્યામ, બોલવા ચાલવાનું પણ ઓછું, બસ, ભણવામાં જ ધ્યાન...લોકો મમ્મીને કહેતા 'તમારી નિષ્ઠા બિલકુલ એના પપ્પા પર જ ગઈ છે, હોં !'

    

પરંતુ એ પપ્પા આજે નથી....

પપ્પાનું બારમું પતે ત્યાં સુધી હું રોકાવા માગતી હતી પણ મમ્મીએ મને પાછી પૂના મોકલી આપી. 'તારું ભણવાનું ના બગડવું જોઈએ. આ બધી વિધિઓ તો હું પતાવી દઈશ.'

જે ચાર દિવસ હું ઘરે રહી એમાં મને થયા કરતું હતું કે બધું બરાબર નથી. મારી પાડોશમાં રહેતી ફ્રેન્ડે મને ત્યાં સુધી કહ્યું કે 'તારા પપ્પાએ મરતાં પહેલાં એક સૂસાઈડ નોટ લખી હતી. પરંતુ પછી એ ક્યાં ગઈ તે કોઈને ખબર પડી નહીં...'

મમ્મીને એ વિશે પૂછવાની મારી હિંમત નહોતી. કેમકે પૂછ્યું હોત તો મમ્મીએ મને સામું ચોપડાવ્યું હોત કે 'હવે તને પણ મારી ઉપર શંકા છે ? શું હું એવી છું ?'

સેમિસ્ટર પૂરું થયું. હું વેકેશનમાં ઘરે આવી કે તરત મમ્મીએ મને અમુક પેપર્સ પર સહી કરવા કહ્યું ઃ 'બેટા, તારા પપ્પાની જે બેન્કમાં જોબ હતી, ત્યાં તને રહેમરાહે નોકરી મળી જશે.'

મેં કહ્યું, 'હજી તો મારે ભણવાનું એક વરસ બાકી છે. મમ્મી, તું કેમ આ જોબ નથી લઈ લેતી ?' 

ત્યારે મમ્મીએ મને સમજાવી કે 'બેટા, હું કેટલા વરસ સુધી જોબ કરી શકીશ ? તારી સામે આખી જિંદગી પડી છે. અને એકવાર જોબ મળી જાય પછી ડિપાર્ટમેન્ટની એક્ઝામ આપીને પ્રમોશન ક્યાં નથી લેવાતું ? તું તો હોંશિયાર છે.'

આમ હું પૂનાથી પાછી અહીં આવી ગઈ. નોકરી અને ભણવાનું સાથે ચાલવા લાગ્યું. જોકે મમ્મીના વર્તનમાં કોઈ ખાસ ફેર પડયો નહોતો. એકાદ મહિના માટે શોક પાળ્યા પછી એ પહેલાંની જેમ જ 

રંગીન મિજાજથી હરતી ફરતી થઈ ગઈ હતી.

હજી હું ભણી રહી કે તરત જ મમ્મીએ મારાં લગ્ન પણ નક્કી કરી નાંખ્યા ! જોકે છોકરો તથા ફેમિલી વગેરે બધું સારું જ હતું પરંતુ મને નવાઈ એ વાતની લાગતી હતી કે મારા માટે જે ઘરેણાં કરાવ્યાં એના કરતાં બમણાં ઘરેણાં મમ્મીએ પોતાના માટે કરાવ્યાં ! મારા માટે જે સાડીઓ અને ડ્રેસિસ વગેરેની ખરીદી થઈ એના કરતાં તો મમ્મીનું શોપિંગ પાંચ ગણું હતું !

મેં પૂછ્યું 'મમ્મી, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા ?' તો હસીને કહે છે 'એ તો તારા પપ્પાના પૈસા છે ! મેં બચાવીને રાખી મુક્યા હતા !'

લગ્ન પત્યાં, મારી વિદાય થઈ, હું સાસરે આવી અને હજી પંદર દિવસ નહીં થયાહોય ત્યાં મમ્મીએ આવીને કહ્યું 'હું તો હવે ચાર ધામની યાત્રાએ જાઉં છું....દોઢ મહિના પછી પાછી આવીશ...'

    

બસ, મમ્મી ગઈ એ ગઈ....

શરૂશરૂમાં ફોન આવતા હતા કે 'અમે અહીં પહોંચ્યા છીએ, અમે આ જોયું...' વગેરે પણ પછી તો એમનો નંબર જ સ્વીચ ઓફ થઈ ગયો !

બે મહિના પછી મને ક્યાંકથી જાણવા મળ્યું કે મમ્મી તો પ્પાના એક ઓળખીતા મિત્ર, શશાંકભાઈ સાથે દૂબઈ જતી રહી હતી !

મને એ પણ જાણવા મળ્યું કે એ શશાંક અંકલની પત્નીએ પણ છ મહિના પહેલાં જ સૂસાઈડ કરી લીધો હતો !

આ આખી વાતને આજે ચાર-પાંચ મહિના થઈ ગયા છે. હવે ક્યારેક ક્યારેક દૂબઈથી મમ્મીનો વિડીયો કોલ આવે છે, કોલમાં મમ્મી પહેલાં કરતાં પણ વધારે યુવાન, વધારે ખૂબસુરત અને વધારે ગ્લેમરસ લાગે છે !

એમની સાથે વાત કરતાં કરતાં મને ઘણા સવાલો પૂછવાનું મન થાય છે. પરંતુ મને ડર લાગે છે કે જો હું કંઈ પણ પૂછીશ તો મમ્મી સામું ચોપડાવશે.

'શંકા...શંકા...શંકા...તને પણ તારા પપ્પાની જેમ જ બધી વાતમાં -'