બાળકને કીડનીના રોગો થાય ?
- કીડનીના રોગો માટે સજાગ રહેવું જરૂરી છે
- ચાઈલ્ડ કેર : - મૌલિક બક્ષી
હા, બાળકને પણ કીડનીના રોગો થઈ શકે છે. બાળકોના કીડનીના રોગો ધીમા, ક્યારેક સ્પષ્ટ નિદાન ન કરી શકાય તેવા અને લાંબાગાળાનું શરીરને નુકસાન કરી શકે તેવા હોય છે. બાળકોમાં જોવા મળતી જન્મજાત ખોડમાં કીડનીની ખોડનું પ્રમાણ વિશેષ હોય છે, ચેપી રોગોમાં પેશાબ માર્ગનું ઈન્ફેકશન બાળકોના વિપુલ પ્રમાણમાં થઈ શકે છે.
શું લક્ષણો હોય ? કીડનીના રોગોના લક્ષણો ઘણા અસ્પષ્ટ હશે. અરે ૧ નવજાત બાળકને કોઈપણ લક્ષણ ન હોય પણ દાક્તરી તપાસમાં કીડનીનો રોગ માલુમ પડે ! નવજાત બાળકને સોજા રહે, ફૂલાઈ જાય, પેશાબ ઓછો થાય, પેટ ફૂલેલું રહે, પેશાબની ધાર અટકી જાય કે ખૂબ તુટક તુટક થાય, પેશાબની ધાર સીધી રહેવાની જગ્યાએ નીચેના ભાગમાં જાય - ધ્યાન રાખવું આવા બાળકોને કીડનીના કોઈ રોગ હોય તો નવાઈ નહીં ! ૧ વર્ષ સુધીના બાળકને કોઈપણ બીજા લક્ષણો વગર તાવ રહે, પેશાબ કરતા ખૂબ રડે કે અટકીને થાય. પેશાબમાં ઈન્ફેકશન, પરૂ હોવાની શક્યતા રહેલી છે. તમારા બાળકને પેશાબ કરતી વખતે આગળનો ભાગ ફૂલી જાય છે ? શક્ય છે તેનો માર્ગ સાંકડો હોઈ શકે. બાળકને આંખો પર સોજા રહે, સારવારના સમયે સોજા વધે પેશાબ ઓછો થઈ જાય, આંખોમાં ઝાંખુ દેખાય, ખેંચ આવે કે તપાસ દરમિયાન વધારે બ્લડ પ્રેશર નોંધાય - આવા કેસને કીડની પરનો સોજો, ગ્લોમેરુલનો ને ફાઈટીસ કહેવાય બાળકને પેશાબમાં લોહી આવે તો ધ્યાન આપવું જરૂરી છે. પેશાબનું પરૂ, કીડની પરનો સોજો કે લોહી ગંઠાવવાની નબળાઈને પરિણામે આવું થઈ શકે છે. ધ્યાન રહે, કોઈ એક લક્ષણ પરથી જ રોગની ગંભીરતા કે તેનું નિદાન હોતું નથી, તે નિર્ણય તમારા ડૉક્ટરને લેવા દો ?
ટેસ્ટ કેવી રીતે : નવજાત બાળકનો યુરીન ટેસ્ટ માટે ભેગો કરવા માટે સ્પેશીયલ પ્લાસ્ટીક બેગ મુકી રાખવી પડશે. કેટલાક કેસમાં પેટમાં કાણું પાડી 'સુપરાપ્યુ' બીક પંકચર દ્વારા યુરીન લેવામાં આવે છે. બાળકને ટેસ્ટ કરવા માટે સવારનો પ્રથમ યુરીન લેવો સારો પરંતુ બધા સમયે એવું જરૂરી નથી. તમારી જુની દવાની બાટલીને ગરમ પાણીથી સાફ કરી કોરી કર્યા પછી તેમાં યુરીન ભેગો કરી શકાય. કલ્ચર ટેસ્ટ કરવા માટે સ્પેશીયલ ટેસ્ટટયુબ લેબોરેટરીમાંથી મંગાવવી પડશે. સોનોગ્રાફી કીડનીના રોગોનું સચોટ નિદાન કરી શકે છે, તે દ્વારા પેશાબ માર્ગમાં ક્યાં અને કેટલા પ્રમાણમાં અટકાવ થાય છે. તે જાણી શકાય. ખાસ પરિસ્થિતીઓમાં કીડનીના અભ્યાસ માટે રેડીયોએક્ટીવ દવા નાખી રીનલ સ્કેમ કરી શકાય કે વર્તમાન સમયમાં અદ્યતન સાધનો દ્વારા સચોટ પણે કીડનીના રોગનું નિદાન થઈ શકે છે. કીડનીના પેશાબનો પ્રવાહના અભ્યાસ માટે ''એમ.સી.યુ.'' નામનો ટેસ્ટ થાય છે જેમાં પેશાબ માર્ગમાં નાની કેથેટર નાખી દવા ચઢાવી લેવામાં આવે છે.
શું સાચવશો ? કીડનીના રોગો માટે સજાગ રહેવું જરૂરી છે. ડૉક્ટરી તપાસ અને સલાહ મુજબ જ સારવાર લેવી. જાતે જાતે દવાઓ ક્યારેય ન લેવી. ચેપનો કોર્સ અવશ્ય પૂરો કરવો. બધા રીપોર્ટ સાચવી રાખવા પ્રવાહી પુષ્કળ આપતા રહેવું જેથી પેશાબની છૂટ રહે. કીડની શરીરનું અમૂલ્ય અંગ છે. કીડની ફેઈલ ગઈ હોય અને ડાયાલીસીસ પર રહેવું પડે તેવા દર્દીની જીવનની કલ્પના કરજો તો તમારા બાળકની તંદુરસ્તી કીડનીની કિંમત સમજાશે દવા લેતા ધ્યાન રાખશો. અમુક દવાઓ કીડનીને નુકસાન કરશે. પ્રેગનનસી દરમીયાન સોનોગ્રાફી દ્વારા બાળકની કીડનીના રોગનું નિદાન શક્ય છે. રોગનું જેટલું નિદાન વહેલુ તેટલુ સારું. તમારી સજાગતા અને તમારા ડૉક્ટરનું માર્ગદર્શન કીડનીના રોગોથી બાળકને દૂર રાખશે.