Get The App

'અવાજ બેસી જવો'રોગ ગણી શકાય?

Updated: Mar 16th, 2021

GS TEAM

Google News
Google News
'અવાજ બેસી જવો'રોગ ગણી શકાય? 1 - image

- આ વ્યાધિ ગળામાં આવેલ સ્વરયંત્ર વિકૃત થવાથી થાય છે. રોગ સામાન્ય છે, પરંતુ કોઈ વખત ભલભલા ઉપચાર કરવા છતાં કાયમી મટતો નથી

- હળદરના ઉકાળામાં ચપટી નમક નાંખી કોગળા કરવા ગળાના આગળના ભાગમાં દશાંગ લેપ લગાવવો. મૌન રાખવું કે ઓછામાં ઓછું બોલવું


પ્ર ભાવશાળી અવાજ પર્સનાલીટીમાં વધારો કરે છે અને કર્કશ અવાજ કંટાળો લાવે છે. ગળામાં મીઠાશ હોય તો ગીતો ઓડીયન્સને રાજી રાજી કરી દે છે પણ આ સુંદર અવાજની કાળજી રાખવામાં આવે નહી તો કર્કશ બને છે કે અવાજ બેસી જાય છે. આયુર્વેદમાં અવાજ બેસી જવો એને એક રોગ માનવામાં આવ્યો છે જેને સ્વરભેદ કહે છે. આયુર્વેદના આ વ્યાધિને સ્વતંત્ર દરજ્જો આપેલ છે. બીજા રોગનાં ઉપદ્રવ તરીકે પણ થાય છે. ટી.બી., કેન્સર, સીફીલીસ વગેરે વ્યાધિમાં ઉપદ્રવ તરીકે સ્વરભેદ થાય છે. આ વ્યાધિ ગળામાં આવેલ સ્વરયંત્ર વિકૃત થવાથી થાય છે. રોગ સામાન્ય છે, પરંતુ કોઈ વખત ભલભલા ઉપચાર કરવા છતાં કાયમી મટતો નથી. ૫૦ વટાવ્યા પછી સ્વરભેદ થાય અને સામાન્ય ઉપચાર કરવા છતાં મટે નહીં તો ચિકિત્સકને બતાવવું.

ઊંચા અવાજે બોલવાથી, ઊંચા અવાજે ગાવાથી, ગળા પર પ્રહાર થવાથી, અતિ ઠંડા કે અતિ ગરમ પદાર્થોનું સેવન કરવાથી, વિષજ આહાર અને ઔષધ ખાવાથી, ધુમાડા અને ધુળ ગળામાં જવાથી, સિંદૂર ખાવાથી, કપુર માત્રાથી વિશેષ ખાવાથી વાતાદિ દોષો કુપિત થઈ સ્વરયંત્રને વિકૃત કરી સ્વરભેદ ઉત્પન્ન કરે છે. મહર્ષિ સુશ્રુતે કહ્યું છે કે, વાતાદિ દોષો પ્રકૂપિત થઈ સ્વરયંત્રને વિકૃત કરી છ પ્રકારનો સ્વરભેદ રોગ ઉત્પન્ન કરે છે. જૂની શરદી, જૂના કાકડા, ઉધરસ અને શ્વાસનાં જૂના દર્દીને આ રોગ ક્યારેક પરેશાન કરે છે. વધારે પડતી સીગારેટ પીવાથી, વધારે દારૂ પીવાથી પણ સ્વરભેદ થઈ શકે છે.

આ રોગ મટાડવામાં આયુર્વેદના ઔષધો સુંદર કામ કરે છે. મધુર અને સાંભળવો ગમે એવો મોહક અવાજ બનાવે છે. બીજા રોગનાં ઉપદ્રવ તરીકે સ્વરભેદ થયો હોય તો મૂળ રોગની ચિકિત્સા સાથે સ્વરભેદનાં ઔષધો લેવા. આ વ્યાધિમાં કોગળા કરવાનું મહત્વ ઘણું છે. હળદરના ઉકાળામાં ચપટી નમક નાંખી કોગળા કરવા ગળાના આગળના ભાગમાં દશાંગ લેપ લગાવવો. મૌન રાખવું કે ઓછામાં ઓછું બોલવું. દરેક પ્રકારમાં ચાલે એવા ખાવાનાં ઔષધો અહીં આપેલ છે. (૧) આમળા ૨ ગ્રામ, મરી ૧ ગ્રામ સાકર ૩ ગ્રામ મેળવી લેવું અને તેના ઉપર એક કપ દૂધ પીવું. બ્રાહ્મી, વજ, હરડે, અરડૂસી અને પીપરનું ચૂર્ણ સરખે ભાગે મેળવવું. આમાંથી ૩ ગ્રામ મધ અને ઘી સાથે ૩ વખત લેવું. આગળ બતાવેલ કોગળા સવાર સાંજ કરવા. ગરમ અને અતિ ઠંડો હોય નહીં તેવો પ્રવાહી આહાર લેવો. મૌન રાખવું. આથી અઠવાડીયામાં સારું લાગશે. જૂના દર્દીએ નીચે આપેલ કસ્તુરીવાળુ ચૂર્ણ વાપરવું. કસ્તુરી ૧ ગ્રામ, એલચી દાણા ૧૦ ગ્રામ, લવિંગ ૧૦ ગ્રામ, અસલી વાંસકપુર ૧૦ ગ્રામ મેળવી ફાઈન ચૂર્ણ બનાવવું. આમાંથી ૪ થી ૬ રતિ મધ અને ઘી સાથે મેળવી સવાર સાંજ ચાટવું. દશમૂલારિષ્ટ અને સારસ્વતારિષ્ટ જમ્યા પછી લેવા.

સાયનુસાઈટીસ, ટોન્સીલાઈટીસ, બ્રોન્કાઈટીસ, એસિડીટી, શ્વાસ વગેરેના જૂના દર્દીઓનો અવાજ અવારનવાર બગડે છે. આવા દર્દીઓ સહેલાઈથી ભાષણ કરી શકતા નથી કે ગીતો ગાઈ શકતા નથી. જૂના દર્દીએ શરીરમાં પેસી ગયેલ જૂના રોગને જડમૂળથી કાઢવા ચિકિત્સા શરૂ કરવી અને પથ્ય આહાર લેવો. આ ઉપરાંત સ્વરયંત્રમાં ટયુમર, પોલીપ કે કેન્સરથી અવાજ બેસી જાય છે. આ પ્રકારમાં નિષ્ણાંતની સલાહ લેવી. ઓપરેશન અને ઔષધથી સારું થઈ શકે છે.

બજારમાં મળતા ઔષધો પણ સ્વરભેદ અને અવાજ સુંદર બનાવવા માટે વાપરી શકાય છે. નિદિગ્ધિકાવલેહ સારસ્વતધૃત વાપરવાથી જૂનો સ્વરભેદ મટે છે. અવાજ સુંદર બને છે. ગીતો ગાઈ શકાય છે.

સ્વરભેદ સાથે ગળામાં દુ:ખાવો હોય, કોઈ પદાર્થ ગળા નીચે ઉતારતાં ગળામાં દુ:ખાવો થતો હોય, તાવ હોય તો ચિકિત્સકની સલાહ લેવી.