ફેફસામાં ફુગ્ગો ! .
- બુધિયો ચાલ્યો નિશાળે - મંગલ દેસાઇ
ચીચીના ચબૂતરે આજનો ટોપીક ફેફસું હતો ! ફેફસાં જોડે ફિલ્મ અને સાહિત્યકારોએ અન્યાય કર્યો છે.. એ ચર્ચા માસ્ક પાછળ ઝામી હતી ! ચબૂતરાના ચોકમાં બધા અંતર જાળવીને બેઠા હતાં... શરીરનું અંતર હતું પણ મનનું અંતર ઘટતું ન હોઈ બધા ગભરાતા ડરતા પણ રાત્રી બેઠકમાં આવતા હતા ! ઓટલા પાસે એક ટેબલ ઉપર સેનેટાઇઝર પડયું હતું.. હાથ ધોયા પછી દોરેલા કુંડાળામાં ઘરેથી પોતાનું ટેબલ લાવી બેસવું એવું પોળમિત્રોએ નક્કી કરેલું હતું ! પોટલીના ઘરે ટેબલ નોહતું... એટલે એ કુંડાળામાં પલાંઠી લગાવીને બેસી ગયો હતો ! જ્યારથી એને અંગૂરી રસની લત ચઢી હતી ત્યારથી એના પગ તો કુંડાળામાં પડી જ ગયા હતા પણ આજે એના બંને પગ પલાંઠી બનીને કુંડાળામાં ગોઠવાયા હતાં ! પલાંઠીનો એક ફાયદો પોટલીને થયો હતો.. એ આજે ધારે તો પણ લથડીયા ખાઈ શકે નહીં!
કુંડાળું એવું જ હોય છે.. પગ પડી જાય એટલે ભલભલા લથડીયા ખાવા લાગે ! સંસારના નિયમોથી વિરુદ્ધ કામ કરતા અટવાઈ જવાય ત્યારે સંસારના શુદ્ધ મનુષ્યો એ અશુદ્ધ માનવના પગ કુંડાળામાં પડી ગયા એવું કહેતો હોય છે ! સારા કામ કરનારા લોકોના પગ ખબર નહી ક્યાં પડતા હશે..! નાઇન્ટિના નોટી ઝીણુદાદા કહે છે કે, 'એમના પગ દાદરા ઉપર પડતા હોય છે.. સારું કામ કરતા લોકો ઉપરને ઉપર ચઢે છે..!ખોટા કામ કરતા લોકો કુંડાળામાં લથડીયા ખાતા રહી જાય છે પેલા સિદ્ધિના દાદર સુધી પહોંચી શકતા જ નથી!'
જોકે પોટલી આજે કુંડાળામાં બેસીને ખુશ હતો ! એની ખુશીના બે કારણો હતા એક કારણ એ હતું કે જે વસ્તુને કારણે લોકો પોટલીના પગ કુંડાળામાં પડી ગયા છે એ આલ્કોહોલ આજે સમગ્ર સૃષ્ટિ માટે હાથવગું દ્રાવણ બની ગયું હતું ! એંસી ટકા આલ્કોહોલ વાળી ડબ્બી હાથમાં હોય.. આખું શરીર આલ્કોહોલની સુવાસથી મહેકતું હોય તોય પોલીસ સૂંઘયા વગર જવા દે છે!પોટલીના અંગૂરી દ્રાવણની આજે સમાજે વેલ્યુ કરી હતી ! પોટલી હંમેશા કહેતો..
'આ સમાજ દારૂને નફરત કરે છે પણ જે દિવસે લાઈફની હાલત ટાઈટ થાય છે.. ત્યારે એને જ હાથમાં પકડવો પડે છે ! લાઈફ ટાઈટ ચાલતી હોય ત્યારે લાઈફ જોડે ફાઈટ આપવામાં અંગૂરી પાની સેનેટાઇઝિંગ જેવું જ કામ કરે છે!'
પોટલીએ એના ઘરમાં ઉખડેલા સિમેન્ટ વાળી દરેક દીવાલ છુપાડવા માટે દેવદાસના ફોટા લગાડેલા છે!એ પણ હાથમાં બોટલ વાળા ! પોટલી માટે તો દેવદાસની તસ્વીર અંદરની બોટલ પણ લાઈફ સેવર સેનેટાઇઝર જ છે ! પોટલીના ઘરમાં લાઈફ દેવદાસોથી ભરેલી છે ! એની લાઈફમાં કુદરત રંગ ભરવાનું ભૂલી ગઈ છે.. ઘરની દીવાલની હાલત પણ એવી જ છે ! ઉખડેલા સિમેન્ટ ઉપર રંગ ભરવા મુશ્કેેલ હોય છે ! અને એટલે જ પોટલીએ એના ઘરની ચારેય ઉખડેલી દીવાલો ઉપર દેવદાસોના ફોટા લગાડી દીધા છે ! દારૂ નહીં પીતા લોકોને પણ દેવદાસ સ્પર્શતો રહ્યો છે એટલે એની ફિલ્મ અત્યાર સુધીમાં અનેકો વાર બની છે ! પોટલી એ દરેક દેવદાસોને એની દીવાલો ઉપર ચોંટાડી દીધા છે ! આંકડી વગરના ઘરના દરવાજાની સામેની દીવાલ ઉપર દેવદાસ બનેલા દિલીપકુમાર છે.. બાજુની દીવાલ ઉપર કે.એલ.સાયગલ સાહેબનો દેવદાસ બનેલું પોસ્ટર લગાડયું છે..! જમણી બાજુની દીવાલ ઉપર શાહરુખ ખાન છે.. એમના પોસ્ટર ઉપર એણે સ્કેચપેનથી દુઃખનું 'સ..સ..સ...સેનેટાઇઝર..!!' પણ લખી રાખ્યું છે ! એના તૂટેલા સ્ટોપરલેસ દરવાજાની પાછળ એણે ૧૯૨૮માં બનેલી સૌ પ્રથમ બનેલી સાયલન્ટ દેવદાસ ફિલ્મનું પોસ્ટર લગાડયું છે ! દરવાજો ખૂબ અવાજ કરતો રહે છે પણ ત્યાં એણે સાયલન્ટ દેવદાસ લગાડી દુઃખ દર્દના સાઉન્ડને બેલન્સ કરી નાખ્યું છે ! હદ તો ત્યાં થઈ કે પોટલીએ એના ઘરની ટપકતી છત ઉપર પણ દેવદાસનું આધુનિક વર્ઝન એવી 'દેવડી' ફિલ્મના અભય દેઓલનું પોસ્ટર લગાડયું છે ! ઝીણુદાદાએ એને એકવાર પૂછેલું 'અલ્યા છત ઉપર દેવદાસ..??' ત્યારે પોટલીએ સરસ જવાબ આપેલો..!
'દાદા... છત નથી ટપકતી દેવદાસના આંસુ ટપકે છે...!! આઇ ફિલ ધેટ ફીલિંગ.. શો.. આઈ ફીલ ઓલ 'હોલ્સ' ઓફ સિલિંગ્સ પુટ બાય દેવદાસ એન્ડ હીઝ આલ્કો- 'હોલ્સ'...!!!
'લવ ટ્રાએન્ગલ એવો જ હોય..! હાર્ટમાં ત્રણ ખાના ભલે હોય પણ હાર્ટને પ્રેમના ત્રણ પાત્રો નથી પચતાં.. ત્રણ ખાનામાં ત્રણ ઘૂસે એટલે હાર્ટમાં હોલ પડી જ જાય !!'
પોટલીના હાર્ટમાં પણ લવ ટ્રાએન્ગલનું હોલ પડેલું હતું ! દેવદાસને પારો અને ચંદ્રમુખી હતા પોટલીને પડોશમાં રહેતી પારૂલ અને ચંદ્રિકા હતાં ! પારૂલના પપ્પા પોટલી પ્રેમની વાત જાણી કે તરત પોળ છોડીને જતા રહ્યા.. પોળના કોઈ મિત્રને નવું સરનામું પણ આપીને ગયા નહીં ! એવામાં પોટલી એની પારૂલને ક્યાં ગોતે??! પ્રેમનો એક 'રૂલ' હોય છે એ નથી આવક જોતો કે નથી દીવાલો ! પારૂલ એ 'રૂલ' પ્રમાણે જ પોટલીના પ્રેમમાં પડી હતી પણ એના પપ્પા લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ એના સાંસારિક 'રૂલ' જાણતા હતાં ! પ્રેમ ચરમસીમા ઉપર હોય ત્યારે પ્રેમીઓને એમનું પોતાનું દિમાગ પણ કંઈ જ સમજાવી શકતું નથી ! પારૂલના પપ્પાએ સમજાવવાની જગ્યાએ પ્રેમીઓને ચરમસીમાની બહાર લઈ જવાનું નક્કી કર્યુ ં! પોટલીએ દરેક પોસ્ટ ઓફિસના પોસ્ટમેનોને પ્રેમની બોણી આપી ફોડી જોયા પણ ક્યાંય પારૂલનું નવું એડ્રેસ ન મળ્યું ! અને જ્યારે મળ્યું ત્યારે પારૂલ ની સરનેમ બદલાઈ ગઈ હતી !! પારૂલના ગમને સેનેટાઇઝ કરવા એણે પહેલી વાર બોટલ પકડી ! બાજુમાં એક જ દીવાલે રહેતી ચંદ્રિકાએ એની બોટલ છોડાવવા ખૂબ ટ્રાય કર્યોે ! એના ઘરની દીવાલો પણ પોટલીના ઘર જેવી જ હતી ને..!!! ચંદ્રિકા પોટલીની બોટલ છોડાવતા છોડાવતા પારૂલ સાથેના સ્મરણો યાદ કરાવતી.. પોટલીને ચંદ્રિકામાં પારૂલ દેખાવા લાગી ! પારૂલના લવ-રૂલ સાંભળતા સાંભળતા બોટલ છોડાવવાની જગ્યાએ ચંદ્રિકાએ હાથમાં બોટલ ક્યારે પકડી લીધી એની એને પણ ખબર ન પડી ! પછી તો ચંદ્રિકા પોટલી માટે પોતાના હાથે સીંગતેલમાં તળેલું 'ચકનું' પણ લાવવા લાગી..!! પોટલીને ચંદ્રિકામાં નવો પ્રેમ દેખાવા લાગ્યો..! બોટલ અને સીંગ ભુજીયા જોડે પારૂલ સાથેના પ્રેમના કજીયા સાંભળવાનો ચંદ્રિકા અને પોટલીનો નિત્ય ક્રમ બની ગયો ! અને એક દિવસ ચંદ્રિકા ભાગી ગઈ !! એના પ્રેમી જોડે...!!
આમ બે નંગ પ્રેમ વિરહ પછી દિલની અને ઘરની તિરાડો દેવદાસ બનીને... અને દેવદાસોને દીવાલ ઉપર ચોંટાડી એણે પુરી દીધી હતી!
આજે કુંડાળામાં પલાંઠી ચઢાવી બેઠેલો પોટલી નામનો દેવદાસ ખૂબ ખુશ હતો ! આજે આખો સમાજ જે દ્રાવણને નફરત કરતો હતો એને સમાજે હાથમાં ઘસવાનો વારો આવ્યો હતો ! પોટલીની માન્યતા સાચી પડી હતી કે.. 'જ્યારે લાઈફ ઝોલે ચઢે ત્યારે આલ્કોહોલના બે ટીપાં જ લાઈફ સેવર બને..!!!'
'આંખ ઉપર એક હજાર ગીતો બની ગયા...! ફુ..ફુ..ફેફસાં ઉપર એક પણ નહીં!વેરી બેડ!'
'ફુ..ફુ..હોઠ ઉપર ત્રણસો ચારસો તો ખરા જ..!!'
'ફુ..ફુ..ફુસ..! વાળ ઉપર બસો ગીતો તો હશે જ...!!!'
'ટાલ ઉપરનું એક ગીત મારા ધ્યાનમાં છે! ફુસસ..ફુ..!'
'ટાલ વાળું કયું ગીત...??! મધુભાઈ સંભળાવો...!!'
'બાલા ઓ બાલા... શૈતાન કા સાલા...!!'
'તદ્દન ખોટું...! એ ગીતમાં બાલા ઓ બાલા એટલે કે બાલના સમૂહની વાત છે..! ટાલ નો જરાપણ ઉલ્લેખ નથી!!'
'ઉલ્લેખ નથી.. પણ એ ગીત ઉછળી ઉછળીને ટાલ વાળા ભાઈ ગાઈ રહ્યા છે... એ તમને કેમ દેખાતું નથી...વિનુભાઈ..!'
'અરે..ફુ..ફુ..સ...! મને એ સમજાવો.. કે તમે બંને જણ એકબીજાને માસ્કમાં પણ કેવી રીતે ઓળખી ગયા..??!'
'પહેલાં તમે એ કહો... કે તમે કોણ..??!!'
'ટોપા..હું છોટુલાલ...!!! ફુ....ઊંઉઉસ!!'
'છોટિયો તો હાઈટથી પણ ઓળખાઈ જાય ! તમે એને નહીં ઓળખવાનો ડોળ કરી એનું નીચું દેખાડી રહ્યા છો...!!'
'હાઈટથી નીચા હોય.. એ નીચું જ જુવે!!'
'ઊંચું જોવું હોય તો.. ટેબલ લેવું પડે!!'
ચબૂતરે હાસ્ય ફરી વળ્યું.. માસ્કમાંથી ગળાઈને નીકળી રહ્યું હતું ! આજે નેવું દિવસે બધા બંધ માસ્કમાં હસ્યા હતા ! અવાજ કંઈક આવો નીકળી રહ્યો હતો..!
'હા.. ફુ.. સ .... હા.. ફુસ... હાફૂસ.... હા.. હા..ફુસ..
ફુસ..હાહા..ફૂસ.. ફુસ... હા.. હા.. હા... ફુઊંઉઉસ!!'
હાફૂસ કેરીની સીઝનમાં હાસ્ય પણ 'હાફૂસ' બની ગયું હતું..!! એટલે કે.. કોરોના ના ડર માં હાસ્ય.. ફુસ ! ડરતા ડરતા હસો ત્યારે..આવો જ અવાજ નીકળે! ચર્ચા આગળ વધી..
'એમ તો કોઈ કવિએ નીચી હાઈટ ઉપર પણ ખાસ કંઈ લખ્યું નથી..!!'
'બસ.. બધા દિલ.. આંખ.. હોઠ.. ઉપર જ લખી રહ્યા છે...!!'
'ચલો...આપણે... આ ફેફસાના રોગનો ભય ભગાડવા માટે ફેફસાં વિષય ઉપર હાસ્ય કવિ સંમેલન યોજીયે..!!'
'એનું નામ આપીયે.. 'લંગસ્ ઓન ટંગ'..!!'
'વેરીગુડ..તો મળીયે આવતા વીકે..! લંગ્સની લવિંગ પંક્તિઓ લઈને..!'
'એ પહેલાં તમે મારી શીઘ્ર કાવ્ય પંક્તિ સાંભળો..!'
''તમે કોણ...??!'
''ફુ.. ઉઉ સ..! હું અનુભાઈ..! સાંભળો..
''ફેફસામાં ફુગ્ગો ભરી..
આભમાં ઊડુ...!''
'અનુભાઈ..અનુસંધાન સાંભળો..!'
'તમે કોણ...??!'
'ફુ..ઊઉસ.. હું સત્યકામ વકીલ...! સાંભળો...
''એ ફુગ્ગામાં..
કોરોનાની ટાંકણી...!!!!''
( ક્રમશ: )