ખાંસીની અકસીર આયુર્વેદિક સારવાર
- છાતીમાં કફ ભર્યો હોય કે ખખડતો હોય તો એવી સ્થિતિમાં ઘી, દૂધ, ગોળવાળા ઉપચાર ન કરવા
ઉ ધરસ અથવા તો ખાંસીના મુખ્ય બે પ્રકાર છે. એક છે સૂકી ખાંસી અને બીજી કફયુક્ત-ગળફા સાથેની ખાંસી. સૂકી ખાંસીનો સંબંધ વાયુથી થતી ખાંસી સાથે છે. જ્યારે ગળફા સાથેની ખાંસીનો સંબંધ કફજન્ય ખાંસી આવે છે. કફથી થતી ખાંસીમાં ઘણીવાર ગળફો બહાર નથી આવતો અને ફેફસામાં ચોંટેલો કફ ખખડતો જ રહે છે. વાયુથી થતી સૂકી ખાંસીમાં વ્યક્તિ ખાંસી ખાંસીને થાકી જાય છતાં કફ બહાર નથી આવતો અથવા તો કફ હોતો જ નથી.
એકધારી સૂકી ખાંસી ચાલુ રહેવાથી દરદીના પડખા, પાંસળા, કમર, છાતી તથા પેટ દુ:ખી જાય છે. મોટે ભાગે વાયુથી થતી સૂકી ખાંસી રાતના સમયે વધે છે. છાતી પર પંચગુણ તેલ કે અન્ય તેલથી માલિશ કરી થોડો શેક કરવામાં આવે તો રાહતનો અનુભવ થાય છે. જેઠીમધનું ચૂર્ણ પાણી, દૂધ કે મધ સાથે લેવાથી લાભ થાય છે. સતત 'ખોં...ખોં...' થયા કરતું હોય તો યષ્ટિ મધુવટી ચૂસવી. લૂખી, સૂકી, કફ વિનાની ખાંસીમાં ઘી, ગોળ નાખીને ઘઉંના લોટની કે ગંઠોડાની રાબ પણ પી શકાય છે.
છાતીમાં કફ ભર્યો હોય કે ખખડતો હોય તો એવી સ્થિતિમાં ઘી, દૂધ, ગોળવાળા ઉપચાર ન કરવા. બાકી વધુ પડતું બોલવાથી, અતિ પરિશ્રમથી, ખૂબ ચાલવાથી, વધુ પડતા ઉપવાસ કે ઉજાગરા કરવાથી યા નિરંતર લૂખો ખોરાક ખાવાથી જો સૂકી ખાંસી થઈ હોય તો ગરમ ગરમ શીરો કે રાબ પણ ઔષધની ગરજ સારે છે. છાતીમાં કફ ખખડતો હોય અને છતાં બહાર આવતો ન હોય તો એવી સ્થિતિમાં કંટકારી અવલેહની ચમચી બે ચમચી ચાટવામાં આવે તો કફ છૂટો પડીને ક્રમશ: ખાંસી ઓછી થતી જાય છે.
સૂકી ખાંસીના દરદીને પેટ સાફ આવતું ન હોય, કબજિયાત રહેતી હોય તો કાળી દ્રાક્ષના વીસેક દાણા રોજ રાત્રે ચાવી જવા તથા રોજ રાત્રે સૂતી વખતે એરંડભૃષ્ટ હરીતકી અથવા શિવાક્ષાર પાચન ચૂર્ણ એકાદ ચમચી જેટલું ફાકી જવું. ઔષધોમાં સિંધાલૂણ, લીંડીપીપર, ભારંગમૂળ, સૂંઠ અને ધમાસાનું સમભાગે ચૂર્ણ બનાવી દાડમના રસ સાથે લેવું અને વાયુનું શમન કરે એવો ખોરાક ખાવો. લસણ નાખીને તલના તેલથી વઘારેલી અડદની દાળ પણ સૂકી ખાંસી મટાડવામાં મદદ કરે છે.
છાતીમાં કફ ખખડતો હોય એવી કફ યુક્ત ખાંસી વ્યવહારમાં વધુ જોવા મળે છે. આથી ખાંસતાની સાથે જ ગળફો નીકળતો હોય એવી ઉધરસમાં લૂખા, તીખા, તૂરા અને ગરમ પદાર્થો ખાસ લેવા. છાતીમાં કફ ભર્યો હોય અને 'ખડ્ ખડ્' અવાજ આવતો હોય તો છાતી પર પંચગુણ તેલ લગાવી શેક કરવો.
લસણ, આદું, લીલી હળદર, લીલા મરીનું અથાણું, કૂમળા મૂળા, રીંગણનું ભડથું, બાજરીના રોટલા તથા તીખાશયુક્ત ગરમ ગરમ પદાર્થ કફથી થતી ખાંસીમાં પથ્ય છે. સિતોપલાદિ તથા શૃંગ્યાદિ ચૂર્ણ મધમાં મેળવીને ચાટી શકાય. સવાર સાંજ બે બે ગોળી ચંદ્રામૃતની મધમાં મેળવીને ચાટી જવી.
કંટકારી અવલેહ તથા વ્યાઘ્રી હરીતકી અવલેહ એક-એક ચમચી સવાર સાંજ ચાટી શકાય. કાસાન્તક વટી બે-બે ગોળી સવાર સાંજ મધ સાથે ચાટવી. ખૂબ કફ હોય તો ખદિરાદિવટી અથવા લવંગાદિ વટી ચૂસવાથી પણ ખાંસીનું પ્રમાણ ઘટે છે. મોંમાં બહેડાની છાલ રાખીને ચૂસવાથી પણ કફ જન્ય ખાંસીમાં રાહતનો અનુભવ થાય છે.
પિત્તજન્ય ખાંસી ખાસ જોવા મળતી નથી પણ કેટલાંક કેસમાં પિત્તની ખાંસી થઈ હોય તો શીરો ખાવામાં આવે અથવા આઇસક્રીમ, દૂધની મીઠાઈ કે મીઠા ફળો લેવામાં આવે તો ખાંસી ઘટી કે મટી જાય છે. શાસ્ત્રકારોએ પિત્તજન્ય ખાંસીમાં પચાસ નંગ જેટલી કાળી દ્રાક્ષ, ત્રીસ નંગ લીંડીપીપર અને પચાસ જેટલી ખડી સાકર આ બધું મેળવી ચૂર્ણ બનાવી બારીક લસોટીને સવાર સાંજ ચાટતા રહેવાનું સૂચન કર્યું છે. મોંમાં સાકરનો ટૂકડો રાખવાથી પણ પિત્તજન્ય ખાંસી શાંત થાય છે.
ક્ષયજન્ય ખાંસીમાં અરડૂસીનો ઉપયોગ ખાસ કરવો. બે બે ચમચી વાસાવલેહ સવાર સાંજ ચાટી જવો. આ સિવાય અરડૂસીના રસમાં મધ મેળવી પીવાથી પણ લાભ થશે. વાસા ઘનવટી બે-બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવી. યષ્ટિમધુ વટી અથવા તો એલાદિવટી મોંમાં રાખીને ચૂસવાથી પણ ક્ષયજન્ય ખાંસીના દરદીને રાહતનો અનુભવ થશે.
કફ સાથે લોહી પણ પડતું હોય ને છાતીમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થતી હોય ત્યારે મધુર, જીવનીય ને બળ તથા માંસ વર્ધક-આહાર અને ઔષધોથી સારવાર કરવી. એલાદિ વટી સતત મોંમાં રાખી ચૂસવી. જેઠીમધનો શીરો ખાવો. આ પ્રકારની ખાંસીમાં ખારેક, ખજૂર અને દ્રાક્ષ પથ્ય એટલે કે અનુકૂળ મનાય છે.