- શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
દિલમાં ખૂશ્બુ આંખમાં શબનમ
જીવન મારું ફૂલની મોસમ
તું શું જાણે પ્યાસ અમારી,
શાના તોબા, શાનો સંયમ ?
દ્રષ્ટિ એવું શું દેખી ગઈ,
ઝાંખું ઝાંખું લાગે આલમ
આવ તને હું સમજાવી દઉં,
ગંગાજળ છે આબે ઝમઝમ.
મારી ખામોશી દીવા જેવી,
એની વાતો મોઘમ મોઘમ.
બોલું તો અલ્લાહો 'અકબર'
મૌન ધરું તો 'સોહમ-સોહમ'.
- અકબરઅલી જસદણવાલા.
ફુ લ અને સુગંધ એ જીવન સાથે, હ્ય્દય સાથે, સદ્દગુણો સાથે જોડાયેલી અભિન્ન ઉપમાઓ છે. અકબરઅલી જસદણવાલા ઘાયલ, મરીઝના સમયગાળાના ગઝલકાર છે. બુલંદ અવાજે તેમને ગઝલ રજૂ કરતા સાંભળવા એએ એક લ્હાવો હતો. તેમનો પહેલો શેર જોઈએ.
દિલમાં ખૂશ્બુ આંખમાં શબનમ
જીવન મારું ફૂલની મોસમ
જીવન ફૂલની મોસમ જેવું હોય એ બોલવું, સાંભળવું ગમે છે ખરું પણ ખરેખર તો સામે પૂરે તરવા જેવી વાત છે. બારેય મહીના, ચોવીસે કલાક ફૂલની મોસમ બનીને જીવવું હોય તો દિલમાંથી સતત ખૂશ્બુઓ વહેતી રાખવી પડે છે અને આંખમાં જાણે શબનમ એટલે કે ઝાકળ એટલે કે આંસુ પણ તાજાને તાજા જ રહે છે. ફૂલની સાથે જ ખૂશ્બુ અને ઝાકળ જોડાયેલા છે. માણસના જીવનમાં સદ્દગુણોની મહેંક અને આઘાતને લીધે આંસુ જોડાયેલા છે. કદાચ એટલે જ હેમન્ત દેસાઈ કહે છે કે....
ફૂલો જેવી સરળતાથી જીવી જોયું જીવાયું ના.
ગની દહીંવાલાનો શેર યાદ આવે.
ઘેરી વળે છે જ્યારે ગની દુઃખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.
બીજો શેર સાવ સરળ લાગે પણ એ શબ્દોની ભીતર જ્યારે ડોકિંયું કરીએ ત્યારે તે શેરની અંદર રહેલો વ્યંગ અને દુઃખ બંને સમજી શકાય છે. જેણે જીવનમાં તરસનો અનુભવ જ કર્યો ના હોય એવી વ્યક્તિને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તું મારી પ્યાસ-તરસ કેવી છે એ ક્યાં જાણે છે ? 'તોબા' શબ્દનો અર્થ થાય છે હવે હદ થઈ ગઈ એવો અર્થ બતાવતો માસ કે કંટાળાનો ઉદ્દગાર, પશ્ચાતાપ વગેરે. કવિ કહે છે તું વારે-વારે અમને તોબા કરી લેવાનું કહે છે, સંયમ રાખી લેવાનું કહે છે પણ તને અમારી પ્યાસની ક્યાં ખબર છે ? અમારી પ્યાસ તો અપાર છે જન્મો જૂની છે.
ક્યારેક એવી સુંદર, એવી શ્રેષ્ઠ, એવી અદ્દભૂત ઘટના આંખ જોઈ ગઈ હોય છે એવી અદ્દભૂત પરિસ્થિતિને એણે જોઈ લીધી હોય છે કે પછી બાકીનું બધું ફીક્કું લાગે. અહીં આપણે કલ્પના કરી લેવાની છે કે દ્રષ્ટિ એવું શું જોઈ ગઈ હશે ? આંખને એવું શું દેખાઈ ગયું હશે ? કોઈનું રૂપ, ચહેરો... હવે જે કંઈ જુવે છે એ ઝાંખું લાગે છે. ખરેખર તો આખી દુનિયા, જગત હવે ઝાંખુ લાગે છે.
શૂન્ય પાલનપૂરી, ગની દહીંવાલાની જેમ અકબરભાઈની ગઝલોમાં પણ હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની, હિન્દુ અને મુસ્લિમ ધર્મના રહસ્યોની એકસાથે વાતો નિહાળવા મળે છે. ભીતરથી જો એકત્વનો અનુભવ ન થયેલો હોય, આંખ જો અસીમને જોતી થઈ ન હોય તો આ વાત સમજાય તેવી નથી. હવેના ત્રણેય શેર આ સંદર્ભે સમજવા જેવા છે. હિન્દુઓ માટે પવિત્ર જળ ગંગાજળ છે અને મુસ્લિમો માટે ઝમઝમ. શાયર કહે છે આવ આ ઝમઝમ અને ગંગાજળ એક જ છે, એ એક જ પરમનું પાણી છે એ હું તને સમજાવી દઉં. શેર છે અનુભૂતિનો, અનુભૂતિની વાતને સમજણની બ્હાર આવીને સમજાવાની વાત કરી છે.
પ્રિય પાત્રની વાત હોય કે પરમેશ્વરની... કવિ કહે છે પોતાની ખામોશી, પોતાનું મૌન દીવા જેટલું સ્પષ્ટ છે. અમારું મૌન પણ લોકોને સમજાય એવું છે અને એમની વાતો પણ અસ્પષ્ટ, ન સમજાય તેવી છે. અંતિમ શેરમાં તેમણે અકબર તખલ્લુસ અદ્દભૂત રીતે ગૂંથી લીધું છે. પરંપરાની ગુજરાતી ગઝલમાં આવા અદ્દભૂત શેર બહુ ઓછા છે. કવિ કહે છે કે જો હું બોલું તો માત્ર 'અલ્લાહો અકબર' બોલું. આ જગતમાં અલ્લાહ જ મોટો છે. અને જો મૌન રહું તો મારી મનની સ્થિતિ એ હોય કે ભીતર સોહમ સોહમ એ જ ભાવ ચાલતો હોય. સોહમનો અર્થ થાય છે હું તે જ છું, હું એ જ છું. અકબરભઈની એક બીજી જાણીતી ગઝલ જોઈએ.
આ ગઝલમાં પણ એક સાચો ઉપાસક કેવું જીવતો હોય છે. એક શુધ્ધ હ્ય્દયનો માનવી કેવી રીતે જીવે છે તેની વાત કરી છે. જીવનમાં પ્રસંગોપાત પરિવર્તન જરૂરી છે. મનોરંજન અને મનોમંથન એ જીવનના સિક્કાની બે બાજુઓ છે. મનોબળ એવું મજબૂત રાખવું જોઈએ કે આપણે આપણી મનોવૃત્તિઓ ઉપર શાસન કરતા હોવા જોઈએ. મનની વૃત્તિઓના ગુલામ નહીં માલિક હોઈએ તો જ નયનને નિર્મળ કરીને રૂપના દર્શન કરી શકાય છે. અને જે અભેદાવસ્થાની અંદર પ્રવેશી ગયો હોય એના જીવનની અંદર ચેતન અને અચેતનના ભેદ નથી હોતા. એ તો પ્રતિમા હોય કે પડછાયો હોય બંને ઉપર સરખું વ્હાલ વરસાવી શકે છે. એ બંનેને સરખું જ ભેટી શકે છે.
દર્શન કરી લઉં છું
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,
નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હ્ય્દયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે 'અકબર'ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત, નિત નવું સર્જન કરી લઉં છું.


