Get The App

સહુનો વિચાર કરે તે સંત .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સહુનો વિચાર કરે તે સંત                                     . 1 - image

શ્રી મદ્ રાજચંદ્રની પ્રતિભા એવી કે તેઓ જ્યાં હોય ત્યાં સત્સંગનું વાતાવરણ આપોઆપ રચાઈ જાય. એમનું વ્યક્તિત્વ એવું કે આસપાસ રહેલા સહુ કોઈ એમની પાસેથી જીવનના  અમૃતપાનની અપેક્ષા રાખતા હતા.

વિ.સં. ૧૯૫૪માં શ્રીમદ્ રાજચંદ્ર ખેડામાં આવ્યા હતા. આ સમયે એમનો ઉતારો રાવબહાદુર નરસીરામને ત્યાં રાખવામાં આવ્યો હતો. રાવબહાદુરનો બંગલો વિશાળ હતો. શ્રીમદ્ રાજચંદ્રના સત્સંગ માટે આવતા સહુ કોઈ આ બંગલામાં બેસીને એમના ઉપદેશનું શ્રવણ કરતા હતા.

એક દિવસ પંડિત પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ને મળવા આવ્યા. આ સમયે શ્રીમદ્ રાજચંદ્ર એક પુસ્તક વાંચતા હતા. એ પુસ્તકમાં ચિત્તની વૃત્તિઓની શાંતિ વિશે માર્મિક શ્લોક હતો. શ્રીમદ્ રાજચંદ્રએ આ શ્લોક પૂજાભાઈને બતાવ્યો અને એનો ભાવાર્થ કહેવા બોલ્યા,

''મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજ્જે શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એના શીંગ મને ઘસે, તો જોઈને નાસી ન જાય.''

શ્રીમદ્ રાજચંદ્ર આ વાતને આનંદભેર સમજાવતા હતા. ચિત્તવૃત્તિની પ્રશાંતતા કેટલી ગાઢ હોય તે દર્શાવતા હતા. એવામાં રાવબહાદુર નરસીરામ પોતાના બંગલામાં આવ્યા.

નરસીરામ વેદાંતમાં માનતા હતા. શ્રીમદ્ પણ વેદાંતમાં માનતા હશે એમ માનીને એમણે આત્માના અભેદ સંબંધી ચર્ચા ઉપાડી અને અભેદતા ઉપર વિવેચન અને વિશ્લેષણ કરવા માંડયું.

શ્રીમદ્ રાજચંદ્ર તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. આસપાસ બેઠેલાઓને થયું કે શ્રીમદ્ વેદાંતી નથી માટે તેમની વાતોનો વિરોધ કરશે. બંને વચ્ચે વાદ-વિવાદ જામશે. પરંતુ એવું કશું બન્યું નહીં. શ્રીમદે રાવબહાદુરની વેદાંતની સામે કશો વિરોધ ઉઠાવ્યો નહીં માત્ર તેઓ તેમની વાત શાંતિથી સાંભળતા રહ્યા.

આ સમયે નજીકમાં બેઠેલા શ્રી પૂજાભાઈ શ્રીમદ્ રાજચંદ્રનો આશય પામી ગયા. શ્રીમદ્ જેવા આત્મજ્ઞાાની પુરુષ ઘણી ચર્ચા અને દલીલો કરી શક્યા હોત પરંતુ તેઓ મૌન રહ્યા. એની પાછળ શ્રીમદ્નો હેતુ એટલો જ હતો કે પોતે જે વૃદ્ધ વડીલ પુરુષના ઘરમાં ઉતર્યો છે તેમને માઠું લાગે એવું કંઈ ન બોલાય. મૌન સમયે શ્રીમદ્ના મનમાં પણ આ જ ભાવ હતો.

સંતોમાં કેવી સૂક્ષ્મ વિવેકદ્રષ્ટિ હોય છે એનો આ પ્રસંગ પરથી ખ્યાલ આવે છે. પોતાનું જુએ તે સંસારી, સર્વનું વિચારે તે સંત. શ્રીમદ્ રાજચંદ્રનો ભાવ એવો હતો કે પોતાનો ઉતારો જેમને ત્યાં છે એમને પોતાનાથી માઠું લાગે તેવું કશું કરવું નહીં.