- રસવલ્લરી - સુધા ભટ્ટ
અતિથિ ફુવારો બન્યો મુંબઇનો નાગરિક
સુરક્ષિત મકાનો અને ખુલ્લાં મેદાનો નજીક જૂના ફોર્ટ એરિયામાં મુંબઇના ગવર્નરના નામે ૧૭૭૧ અને ૧૭૮૪ છઘ દરમ્યાન હૉર્ન બી રોડ બનાવાયેલ હતો. સમય જતાં રસ્તાઓ નાના પડવા લાગ્યા અને એ સ્થળના શહેરીકરણને માટે જરૂરી એવાં પગલાં લેવા માટે ઉગતા નગરને સવલતો પૂરી પાડવાની હતી. તત્કાલીન ગવર્નર સર બાર્ટલ ફ્રેરના પ્રયત્નો થકી ત્યાં આરોગ્ય અને સ્વચ્છતાની (સેનિટેશનની) જવાબદારીના ભાગ રૂપે ૧૮૬૦માં પેલો કિલ્લો તોડી પડાયો- બલ્કે આખો ફોર્ટ એરિયા ખોદી કઢાયો. હયાત રસ્તાઓને પહોળા કરવામાં આવ્યા સરસ ગેલેરી જેવા વૃક્ષોવાળા એવેન્યુ (સુંદર રસ્તા) વિકસિત થયા. વ્યાવસાયિક ઇમારતો નિયોક્લાસિકલ અને ગૉથિક રિવાઇવલ ડિઝાઈન થકી સજાવાઈ. પછીથી ક્રાફર્ડ માર્કેટ અને બોરીબંદર સ્ટેશન પણ તેમાં જોડાયા. દરમ્યાન ૧૮૬૪માં સરકારે મુંબઇના ભાયખલા વિસ્તારના વિક્ટોરિયા ગાર્ડન માટે એક અતિ સુંદર દર્શનીય ફુવારો બ્રિટનમાં બનાવડાવ્યો જેને દરિયા માર્ગે લાવવામાં આવ્યો. સમાંતરે ફોર્ટ એરિયાનું, સૌંદર્ય નિખાર પામી રહ્યું હતું અને સરકારે તે ફુવારાને અહીં વચ્ચોવચ્ચ સ્થાપવાનું નક્કી કર્યું. મૂળ કિલ્લાને અડોઅડ ઉભેલા 'સેન્થ થોમસ કેથેડ્રલ મુંબઇ' નામના ચર્ચના ગેટની જગ્યાએ જ અતિથિ ફુવારાને જાણે વાવી ન દીધો હોય ! - એમ ગોઠવી દેવાયો અને ેતને ગવર્નર સર બાર્ટલ ફેરેનું નામ અપાયું. ઐતિહાસિક દાદાભાઈ નવરોજી માર્ગની એ શોભા છે. હા, ઝડપથી એ ફુવારાને અત્યંત રસપ્રદ નામ 'ફ્લોરા ફાઉન્ટેઇન' મળ્યું. 'ફ્લોરા' એક રોમનદેવી છે. ફળદ્રુપતાની તે દેવી 'ફૂલોની રાણી' અને 'વસંતઋતુ'નું ગરવું પ્રતિનિધિત્વ કરે છે એ સમયે એની કિંમત ૪૭,૦૦૦ રૂપિયા = ૯,૦૦૦ પાઉન્ડ સ્ટર્લિંગ હતી.
રૂડો-રૂપાળો ફુવારો ભારે મહામૂલો ભાઈ !
ફ્લોરા ફાઉન્ટેન એક ઐતિહાસિક સ્થાપત્ય છે - જેને ગ્રેડ ૈં હેરિટેજ (વારસાઈ) સ્થાપત્યનું બહુમાન મળેલું છે. પાંચ રસ્તાઓ આવીને એને મળે છે ગોળાકાર ટ્રાફિક આયલેન્ડ ઉપર જે 'રાઉન્ડ અબાઉટ'નું કામ કરે છે. ફોર્ટ પરિસરનું તે અગત્યનું સીમાચિહ્ન છે. તેના જેવા જ ઐતિહાસિક બાંધકામની વચ્ચે ઘેરાયેલ જે જળકમળસમ શોભિત છે. નાનકડા તળાવ જેવા ગોળ કુંડનાં આ શિલ્પને કુલ ચોંસઠ સિંહમુખ છે જે સતત જળ છંટકાવ કરે છે. મુલાકાતીઓ તેનું સૌંદર્યપાન કરતાં કરતાં તેનાં જળશિકર - તેની વાછંટવર્ષાનો લાભ ઉઠાવે છે. આ તે શિલ્પ છે કે સ્થાપત્ય ? બન્નેનાં શુભ લક્ષણો લઇને ટટ્ટાર ઉભેલ આ ફુવારો ચોમેર વિક્ટોરિયન વિરાસતનાં સ્થાપત્યોને પણ ગૌરવ બક્ષે છે. પોર્ટલેન્ડ પથ્થરનું બનેલું આ બાંધકામ લીસ્સા આરસની સફેદી ધરાવે છે અને જાણે કે ઑઇલ પેઇન્ટ ન લગાવ્યો હોય ! એવો ચમકતો પ્રભાવી દેખાય છે. તળમાં બેઝિનમાં જળસંગ્રહ થાય. પેલા તળાવમાં ઓવરફૂલોનું પાણી ભરાય તે રિસાઇકલ થાય. પ્લમ્બિંગ સિસ્ટમ જૂની જોરદાર હતી જેને હવે બદલવામાં આવી છે. નીચે નાનાં નાનાં પાયા દેખાય. તેની ઉપર બેઠો છે ફુવારો. તેનો પહોળો ભાગ પાણીમાં દેખાય. એની ઉપર ચાર ઓટલા છે. ચારેય ખૂણે અતિ સુંદર કમાનો ફૂલ, પાન, નક્શીવાળી વેલ, ઝીણવટભરી વિગતોથી વિલસે. સાથે સાથે સ્તંભો પર ભૌમિતિક ભાત ખૂણે પડતા અન્ય પડઘીદાર સ્તંભો પર અપાર રેખાઓ વચ્ચે સોહે. ભરચક પહોળી બોર્ડર રેશમી ભરતકામ જેવી જરદોશી ડિઝાઈન ધરાવે છે. શૈલી નિયો ક્લાસિકલ ગૉથિક રિવાઇવલ.
તે મુજબ ચાર ઓટલા ઉપર બિરાજિત ચાર સ્ત્રીઓનાં લાવણ્ય ભરપૂર, અસાધારણ કલાત્મક રૂપકો ધરાવતાં શિલ્પો કમાનો વચ્ચે શોભાયમાન લાગે. ઉપર ઉંધા ટોડલા અને ઉપર કટોરા આકાર બાલ્કીઓ પર આડા ઊભા વળિયા સળવળ કરે. સ્થાપત્ય પર ચોમેર વનસ્પતિ ભાત જીવંત થાય!
નિયોગૉથિક શૈલીમાં ઇન્ડોસાર્સેનિકનું હસ્તધૂનન
ઓટલે બિરાજેલી ચારેય સ્ત્રીઓ જાણે કે પરીઓ ! તેમના હાથમાં વનસ્પતિ, કમળફૂલ, પાન, વૃક્ષનાં પ્રતીક ત્યાં વસંત ઋતુના વાયરા અનુભવાય. એક આકૃતિનાવાળ ગૂંથેલા છે. બીજીના મુખ પર ઓષ્ઠ ખૂણે કટાક્ષ સ્મિત! વળી ત્રીજીએ ચપટાં એરિંગ પહેર્યાં છે અને ચોથીએ ઝાંઝર રણકાવ્યાં. સિંહાસને બેઠી હોય એવી ગરવી સ્ત્રીઓએ 'સ્ટોલા' કે 'ટોંગા' નામનાં રોમન વસ્ત્રો પથ્થરનાં જ બનાવેલાં હોય એવાં ધારણ કર્યાં છે. જીવનનો ઉઘાડ તો તેઓ જ કરાવી જાણે એવી તાજગી એમના મુખ પર છે. ચારેય શિલ્પો ચાર ઋતુ કે પ્રતિનિધિત્વ કરે છે. જીવન અને જન્મને ખીલવાનું મહત્ત્વ એ સમજાવે છે. બત્રીસ ફૂટનો આ ફુવારો ટોચ પર ઊભેલી ફ્લોરા દેવીના શિલ્પ સહિત રસિકોનું ધ્યાન ખેંચે છે. ૪૭,૦૦૦ રૂપિયાના ખર્ચને ભૂલવી દે એવી સમૃદ્ધ આ કળામાં મૂળ દેવી ફ્લોરાના ચરણ પાસે ચાર માછલીઓ છે જે ગતિ અને ત્વરા સૂચવે છે. આ શિલ્પો ભારતીય અનાજ અને વનસ્પતિ (શાકભાજી)નું પ્રતિનિધિત્વ કરે છે. અઢળક છલોછલ ખાધા ખોરાકીનાં પ્રતીકો હોર્ટિકલ્ચર સોસાયટી ઓફ ઇન્ડિયાએ પેશ કર્યાં છે. ફ્લોરા દેવી સ્વયમ્ સાત ફૂટની છે જે બસંત બહારનો સંદેશો આપે છે. લહેરાતો ગાઉન પહેરેલી ફ્લોરા દેવી હાથમાં વનસ્પતિ લઇ વસંતોત્સવ મનાવે છે. ચહેરો નમણો, નાજુક નાક તીણું, વાંકડિયાવાળ માથે તાજ અને સન્મુખ દ્રષ્ટિ સ્થિર. સ્હેજ નમેલું મુખ વિચારશીલ અને અભિવ્યક્તિપૂર્ણ. અત્યંત કમનીય કાયા. ચોમેર દ્રષ્ટિ કરતી ઠંડક અર્પતી ફ્લોરાદેવી નખશીખ સૌંદર્યનું પ્રતીક છે જે યુરોપિયન આર્ટને ધન્ય ધન્ય કરી દે છે. આખુંય સ્થાપત્ય કુદરતના બાહુલ્યની તરફેણ કરતી અતિ કલાત્મક કૃતિ છે.
લસરકો
જળ, સ્થાપત્ય, શિલ્પના આ સરવાળામાં રોમન દેવીની આંખમાં વસંતનું શમણું નિર્જીવ જીવો રમતાં ભાસે જ્યાં મા ફ્લોરાનું આંગણું.
ફરતે ખાઈવાળા કિલ્લા પાસે સપાટ મેદાન હતું
આ મુંબઇ શહેરની તાસીર જ કાંઈક અલગ છે. એના હૃદયમાં ઉતરી એને માપવાનું કામ કાંઈ કોઈપણ વ્યક્તિ ન કરી શકે. એક બાજુ પરંપરાગત ધાર્મિક વલણો અને બીજી બાજુ અતિ આધુનિકતાના ચક્કરમાં ગોળ ગોળ ફરતું નગર. આમ તો સૌ જાણે છે તેમ સાત ટાપુઓનું બનેલું આ માછીમારોનું વતન પણ એવી ખબર કદાચ બધાને ન પણ હોય કે મુંબઇમાં બ્રિટીશ કોલોનિયલ સરકારે આટલાં બધાં સ્થાપત્યો શા માટે બાંધ્યાં હશે ? અરે ! બાંધવા માટે આવવું તો પડે ને ! તે આવ્યા જ કેવી રીતે અંગ્રેજો અહીં ? ભારતના પશ્ચિમ છેડે પોર્ટુગીઝોએ અનેક ટાપુઓ પર કબજે કરેલો એવામાં અંગ્રેજો આવી લાગ્યા તે એમને આ પોર્ટુગીઝોએ જ ૧૬૬૪માં 'મુંબઇ' નામનો ટાપુ સમૂહ કૃષ્ણાર્પણ કરી દીધો. લાગલા બ્રિટીશર્સે મુંબઇમાં 'બોમ્બે કેસલ' નામે ચારેકોર કિલ્લેબંધી કરી દીધી. પોર્ટુગીઝનું 'મનોર હાઉસ' અહી હતું જ તેની પ્રેરણાથી આ ટાપુ પર દરિયા કિનારે અને ગામ વચ્ચે ફોર્ટ પરંપરા શરૂ કરી. ૧૬૬૮માં તો યુરોપિયન શૈલી અને ગૉથિક રિવાઇવલ શૈલીની બોલબાલા વરતાઈ ન માત્ર એ સરકારે કિલ્લા બાંધ્યા પણ સાથે સાથે રસ્તાઓ બાંધ્યા અને રહેણાંક મકાનો પણ 'આર્ટ ડેકો' નામની ગૉથિક શૈલી આધારિત ઊભાં કર્યાં. જેને 'મુંબઇકર' અથવા મુંબઇગરાઓ 'ફૉર્ટ એરિયા' કહે છે તે દક્ષિણ મુંબઇ સમગ્ર શહેરનું હૃદય છે. 'ગેઇટ વે ઓફ ઇન્ડિયા'થી પ્રવેશ લીધો માટે એ વિસ્તાર એમનો માનીતો થઇ ગયો. એ વ્યાવસાયિક થાણું બની ગયું. ૧૬૮૬ અને ૧૭૪૩ દરમ્યાન અહીં બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક કિલ્લો બનાવેલો જેને ત્રણ મુખ્ય દ્વારો હતા. (૧) એપોલો ગેટ (૨) ચર્ચ ગેટ અને (૩) બજાર ગેટ. આ વિસ્તાર હજુ આજેય કોટ વિસ્તાર તરીકે પણ ઓળખાય છે.


