ટિકટોકનું સ્થાન મેળવવા યુટયૂબે ભારતમાં 'શોર્ટ' નામે નવી સર્વિસ લોન્ચ કરી
અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2020, સોમવાર
ભારતમાંથી ટિકટોકની વિદાય પછી તેનું સ્થાન લેવા માટે સંખ્યાબંધ કંપની અને એપ્સ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહી છે. હવે આ હરીફાઈમાં, ટિકટોકને કારણે સૌથી વધુ અસર પામેલી યુટ્યૂબે પણ ઝંપલાવ્યું છે.
યુટ્યૂબે ભારતમાં ‘શોર્ટ’ નામે યુટ્યૂબની અંદર જ એક નવી સર્વિસનું બિટા વર્ઝન લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર 15 સેકન્ડ કે તેથી ઓછી લંબાઈના વર્ટિકલ વીડિયો અપલોડ કરી શકશે. આ ફીચરમાં વીડિયો ક્રિએટરને મલ્ટિ-સેગમેન્ટ કેમેરા, સ્પીડ કંટ્રોલ, ટાઇમર તથા કાઉન્ટડાઉન જેવાં ફીચર મળશે.
આ સાથે યુટ્યૂબની ગીતોની લાયબ્રેરીમાંથી મ્યુઝિક વીડિયોમાં ઉમેરવાની સગવડ પણ મળશે. આ ફીચર ઇન્સ્ટાગ્રામ ‘રીલ્સ’ની જેમ ટિકટોકની બેઠી કોપી જેવું છે. ભારતના અનુભવના આધારે આ ફીચર અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે.