યુ-ટ્યુબ દ્વારા સ્ટ્રીમિંગમાં અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે, જાણો વિગત…
YouTube New Streaming Feature: યુ-ટ્યુબ દ્વારા તેની લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસમાં તેના ઇતિહાસની સૌથી મોટી અપડેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ફીચર્સ વિશે મેડ ઓન યુ-ટ્યુબ ઇવેન્ટમાં જાહેરાત કરવામાં આવી હતી. આ ફીચરની મદદથી યુઝર્સ હવે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બન્ને સ્ટ્રીમિંગ એક સાથે કરી શકશે. આ સાથે જ AI આધારિત હાઇલાઇટ્સ અને અન્ય યુ-ટ્યુબ લાઇવ કન્ટેન્ટ પર મોબાઇલ લાઇવ સ્ટ્રીમ રિએક્શન વિશે માહિતી આપવામાં આવી હતી.
હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ટ્રીમિંગ એક સાથે
આ નવી અપડેટમાં ક્રિએટર્સ હવે હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ટ્રીમિંગ બન્ને એક સાથે લાઇવ કરી શકશે. એની મદદથી વ્યુઅર્સ મોબાઇલ અને ડેસ્કટોપ બન્ને પર ખૂબ જ સારી રીતે વીડિયોને જોઈ શકશે. આ સાથે જ એક ચેટ રૂમ પણ આપવામાં આવશે. યુઝર મોબાઇલ પર વર્ટિકલ ફોર્મેટમાં જોતો હોય કે પછી ડેસ્કટોપ અથવા તો ટીવી પર હોરિઝોન્ટલ ફોર્મેટમાં એનાથી ચેટ રૂમમાં કોઈ અસર નહીં પડે. દરેક યુઝર એક જ ચેટ રૂમમાં કમેન્ટ કરી શકશે. યુ-ટ્યુબ હાલમાં આ ફીચર પર ટેસ્ટિંગ કરી રહ્યું છે અને આગામી મહિનામાં ઘણાં ક્રિએટર્સને એનો ઉપયોગ કરવા માટે રજૂ કરશે.
રિયલ-ટાઇમ રિએક્શન અને AI આધારિત હાઇલાઇટ્સ
આ નવા ફીચરમાં ક્રિએટર્સ રિયલ-ટાઇમમાં પણ રિએક્શન આપી શકે એવી સુવિધા આપવામાં આવી છે. આ માટે યુ-ટ્યુબ પર જે લાઇવ સ્ટ્રીમને એ માટે પરવાનગી હશે એમાં જ રિએક્શન આપી શકાશે. લાઇવ ઇવેન્ટ અથવા તો કીનોટ અનાઉન્સમેન્ટ જેવી ઇવેન્ટમાં ક્રિએટર્સ આ ફીચરની મદદથી મોબાઇલ પર લાઇવ સ્ટ્રીમ કરી શકશે અને તેમને રિએક્શન પણ મળી શકશે. યુ-ટ્યુબ આ ફીચરને આગામી વર્ષની શરૂઆતમાં ટેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ સાથે જ AI આધારિત હાઇલાઇટ્સ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી લાંબા વીડિયોને યુઝર્સ શોર્ટ ક્લિપ તરીકે જોઈ શકશે. આ શોર્ટ ક્લિપ AI આધારિત હાઇલાઇટ્સ હશે જેમાં મુખ્ય મુખ્ય દૃશ્યોનો સમાવેશ કરવામાં આવશે. આગામી અઠવાડિયામાં આ ફીચરને રજૂ કરવામાં આવી શકે છે.
નવું મોનેટાઇઝેશન ટૂલ
યુ-ટ્યુબ હવે ક્રિએટર્સ માટે એક નવું ચેનલ મેમ્બરશિપ ટૂલ લઈને આવી રહ્યું છે. એનાથી ક્રિએટર્સ દરેક લોકોની જગ્યાએ ફક્ત મેમ્બર્સ માટે જ લાઇવ સ્ટ્રીમ કરી શકશે. આ માટે યુઝર દ્વારા ક્રિએટર્સની મેમ્બરશિપ લેવી પડશે. યુઝર તેમના પસંદીદા ક્રિએટર્સના એક્સક્લુઝિવ કન્ટેન્ટ માટે હવે મેમ્બરશિપ ચૂકવશે. આથી એના પૈસા ક્રિએટર્સને મળશે. તેમ જ આ લાઇવ સ્ટ્રીમ હાલમાં ટીવી અથવા તો ડેસ્કટોપ પર જોવામાં આવી રહ્યું હોય ત્યારે વચ્ચે એડ્સ આવે છે. મોબાઇલ પર પણ આ એડ્સ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.
આ પણ વાંચો: મેટા રે-બેન ગ્લાસ લોન્ચ ઇવેન્ટમાં થયો ફિયાસ્કો: જુઓ શું કહ્યું માર્ક ઝકરબર્ગે…
લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચ સાથે યુ-ટ્યુબની હરિફાઈ
યુ-ટ્યુબના સિનિયર ડિરેક્ટર ઓફ પ્રોડક્ટ મેનેજમેન્ટ આરોન ફિલ્નરે તેના બ્લોગમાં કહ્યું કે આ તમામ ફીચર્સ કોમ્યુનિટીના ફીડબેકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. આ સાથે જ એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે ક્રિએટર્સને વધુ લોકો ઓળખી શકે, તેમના ચેનલની રીચ વધી શકે તેમ જ તેમની કમાણી પણ વધુ થઈ શકે. યુ-ટ્યુબ છેલ્લાં ઘણાં સમયથી ફક્ત શોર્ટ્સ પર ફોકસ કરી રહ્યું હતું, પરંતુ હવે લોન્ગ ફોર્મેટ વીડિયો માટે પણ તેમણે આ ફીચર્સ રજૂ કરતાં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે સારા સમાચાર છે. તેમ જ યુ-ટ્યુબ હવે લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચ સાથે હરિફાઈમાં ઉતરી રહ્યું છે. આ તમામ બદલાવને કારણે યુ-ટ્યુબના લાઇવમાં વધારો થશે એવી આશા રાખવામાં આવી રહી છે.